શિક્ષણમાં સેટિંગની શ્રેણી અને સગેવગે થઇ જતો વહીવટ
શિક્ષણમાં રોજેરોજ આવતા સમાચાર મોટાભાગે વિદ્યાર્થી અને વાલીગણ સિવાય ભાગ્યે આખા વિભાગને સ્પર્શતા હોય છે. ખાસ કરીને વેકેશનનો માહોલ, પરીક્ષાની શરૂઆત, પરિણામની જાહેરાત, શાળા કે કોલેજ ખુલવાની તારીખ અને પ્રશ્ન પેપેર કે કોર્સ પેપરમાં છબરડા આવા કેટલા વાવડ સમયાંતરે કાને પડતા હોય છે. પણ છેલ્લા એક મહિનામાં કેટલીક શૈક્ષણિક ઘટનાઓ એ શિક્ષણ તંત્રમાં રહેલા પદાધિકારીઓની ઊંઘ ઉડાડી દીધી. નાના શહેરમાં થયેલા મોટા કૌભાંડથી સમગ્ર શિક્ષણ વિભાગ વિચારતો થઇ ગયો છે. દેશમાં કૌભાંડની કથામાં હવે એક વધુ અધ્યાય ઉમેરાયો છે. શિક્ષણ કૌભાંડ અધ્યાય. આમ પણ રાષ્ટ્રમાં જયારે કોઈ કૌભાંડ બહાર આવે છે ત્યારે મોટી મોટી વાતો કરતા રાજવીરો એકાએક મૌન વ્રત લઇ લે છે. ઓક્ટોબર મહિનાની 22મી તારીખે પણ કંઈક એવું જ બન્યું. રાજકોટમાં જર્નાલિઝમ કોલેજ ચલાવતા ચંદ્રકાંત હીરાણીના પુત્રનું ડમી પરીક્ષા કાંડ ઝડપાયું. તેના પુત્રની ઉતરવહી કોલેજની કેન્ટીનમાંથી મળી ને આખો પ્લાન છતો થઇ ગયો. પોલીસ ફરિયાદ, ધરપકડ અને તેની સાથે જોડાયેલા તમામ પાસા પરનો કાળો વહીવટ સામે આવ્યો. સિન્ડીકેટ સભ્ય બની કોલેજ અને શિક્ષણમાં સખળડખળ કરવાનો આ કીમિયો જૂનો છે પણ જયારે કોઈ ચોર રંગે હાથ પકડાય ત્યારે સારું સારું બોલતા ઉતરતી કક્ષાના શિક્ષકોનો આકરો મિજાજ ખુલ્લો પડી જાય છે. જયારે શિક્ષણમાં કોઈ નાનો તણખો થાય ત્યારે ઉમટી પડતા કેટલાક બુદ્ધિના બહાદુર ટોળાઓનો આવાજ શમી જાય છે. લોની પરીક્ષામાં ચાલતું ડામી કૌભાંડે કૌભાંડની સિરીઝમાં વધારો કર્યો. ટેકનોલોજી આવતા શિક્ષણ જગતમાં ભાર હળવો થવાના બદલે વધારે કડાકૂટ ભર્યો બન્યો હોય એવું લાગે છે. ઓનલાઈન ફોર્મ ભરવા મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓ તેને અનુસરે છે ત્યારે દશેરા એ ઘોડું ન દોડે તેમ ચોક્કસ સમયમાં સાઈટમાં સમસ્યા ઉભી થાય અને ભૂલ બધી ફોર્મ ભરનારની જ નીકળે. ઓનલાઈન યુગમાં શિક્ષણે હકીહતમાં લાઇવ બનવાની જરૂર છે.
તાજેતરમાં આઈ.એ.એસ ટ્રેનીંગ સેન્ટરમાંથી પાંચ કરોડના પુસ્તકો સગેવાગે થઇ ગયા. આમ પણ માંડ માંડ ગુજરાતમાંથી આઈ.એ.એસ તૈયાર થાય છે તેમાં પણ આ પ્રકારના ગોટાળાથી શિક્ષણમાં આર્થિક રીતે ફટકો પડે છે. દર વર્ષે શિક્ષણને કુલ બજેટના 72 થી 73% હિસ્સો મળે છે. પણ ક્યાં કેટલું અને કેમ ગોઠવાય જાય છે તેની બેલેન્સશીટને સમજતા કેટલીક વાર ગળે ઘૂટડો ન પણ ઉતરે. પાંચ કરોડની કિમતમાં ચાર લાખ પુસ્તકો ક્યાં ગોઠવાયા તે મુદ્દે સેફ ઝોનમાં રહીને જવાબ આપતા સત્તાધીશો કામગીરી ચાલુ હોવાનો દાવો કરે છે. પેટ્રોલ ડીઝલ અને ગેસની કિમતમાં ભાવનો પારો ગબડતો નથી તેમ શિક્ષણમાં શું સસ્તું છે તેના પર એક રીસર્ચ કરવું પડે. પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવવાની વાતોનું અમલીકરણ કેટલું? અને તેની ગુણવત્તા પર ચાંપતી નજર રાખવાનો સમય આજે કોને છે?? દિવસે દિવસે શિક્ષકો માટે નવી નવી પરીક્ષાઓ યોજીને ડાઈનામાઈક શિક્ષકો તૈયાર કરવા પ્રયાસો કરવામાં આવે છે તો બીજી બાજુ શિક્ષકોના સંતાનો ડામી કૌભાંડમાં ઝડપાય છે. આ પણ એક વાસ્તવિકતા છે કે સમસ્યાની વાતો સાથે સમૃદ્ધિ ભેગી કરતા શિક્ષણમાં પણ હવે એક બિઝનસ ફોર્મેટ ફોલો થવા માંડ્યું છે. સરકારી શાળાઓને તાળા લાગવા માંડ્યા છે તો રાજકોટ જેવા શિક્ષણનું હબ માનતા શહેરમાં એજ્યુકેશન ઇન્સેપ્કટરની ભરતી નથી થઇ અને ગામડાઓમાં પણ શિક્ષણની લોલમલોલ ચાલે છે. શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં રાહત ભાવે ચોપડા કે નોટબુક આપતા જૂથ શિક્ષણ માટે હિતકારી પગલા લેવામાં રિસ્ક છે એમ માને છે. શિક્ષણમાં ડિગ્રીની કોન્ટીટી કરતા લીધેલા શિક્ષણની ક્વોલીટી વધારે મહત્વની છે. પદવીઓની હારમાળા કરતા વ્યવહારુ જીવનમાં સરવાળા આવળવા અગત્યના છે.
બોર્ડની પરીક્ષા વખતે જેટલી કડકાય વિધાર્થીઓ પર રાખવામાં આવે છે તેની માત્ર 10% નજર શિક્ષણ તંત્રના દરેક ખૂણામાં રાખવામાં આવે છે વહીવટની જગ્યાએ વધારે કામ લઇ શકાય. આમ પણ પુસ્તકોમાં વર્તાતી અછત અને ભૂલોના બદલાતા વર્ઝનથી આપણે સૌ વાકેફ છીએ. આ બધા વચ્ચે શિક્ષણ વિભાગે લીધેલો એક નિર્ણય પણ કાબિલે દાદ છે. પ્રથમ વખત રાજ્યના શિક્ષણ વિભાગે શ્રેષ્ઠ સ્કૂલ એવોર્ડની જાહેરાત કરી છે. આ પહેલા રાજ્યની શાળાઓને સ્કૂલ એવોર્ડ આપવામાં આવતો હતો પણ હવે શહેર કક્ષાએ આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આમાં પણ કોઈ શોર્ટ કટનો ઉપયોગ ન થાય તો સારું. નવી નવી ડિગ્રીની એન્ટ્રીની સાથે ટ્રેક બદલતું શિક્ષણ પાયાનું જ્ઞાન આપવામાં ક્યાંયથી બ્રેક ન થાય એ હવે જોવાનું છે. આ સાથે કોઈ કૌભાંડની કથામાં કોઈ નવો અધ્યાય ન ઉમેરાય તો સારું અન્યથા શિક્ષણના કૌભાંડો પર પી.એચ.ડી.ની થેસીસ લખાશે.
No comments:
Post a Comment