Sunday, November 24, 2019

ટેલિકોમ કંપનીઓએ સર્વિસ ચાર્જ વધાર્યા- યે તો હોના હી થા

ટેલિકોમ કંપનીઓએ સર્વિસ ચાર્જ વધાર્યા- યે તો હોના હી થા

રીલાયંસ જીઓ ફ્રી સર્વિસ પર એકએક ભાવ લાગુ કરીને મફત સર્વિસનો વકરો એક જ વર્ષમાં ઊભો કરી લીધો. જોકે, કોલિંગથી લઈને તમામ સર્વિસ ફ્રી આપતા અન્ય ખાનગી કંપનીઓના પેટમાં ઓઈલ રેડાયું. આ તમામ કંપનીઓએ પણ જીઓના રીચાર્જની રકમ જેટલા ભાવમાં તમામ સર્વિસ ફ્રી કરી દીધી. એક એવો પણ સમય હતો જ્યારે રુ.250માં 1GB ઈન્ટરનેટ ડેટા વાપરવા માટે મળતો. એમાં પણ વોટ્સએપ તો એક વાર ચેક કરીને બંધ કરી દેવું પડતું. આવી સર્વિસમાં તો યુટ્યુબ તો ભૂલથી પણ ખોલ્યું એટલે ગયા સમજો. એવામાં જીઓએ ખરા અર્થમાં ક્રાંતિ લાવી. પરંતુ, આઈડિયા અને વોડાફોનના મર્જર પછી કંપનીના આર્થિક રીતે છોંતરા નીકળી ગયા. એવામાં સરકાર અને સુપ્રીમ બંનેએ આદેશ કર્યો કે, પહેલા 52 હજાર કરોડ રુપિયા જમા કરાવો. એમાં તો આ રેલો કંપનીના CEO સુધી પહોંચી ગયો. હવે જ્યારે અઢીસો રુપિયામાં ઈન્ટરનેટ સર્વિસ લેનારા લોકોને જ્યાં નેટવર્ક નહીં મળતું હોય અને પૈસા વેડફાયાનો અહેસાસ થયો હશે ત્યારની સ્થિતિ હાલમાં એ જ કંપનીના સીઈઓ અનુભવી રહ્યા છે. ગ્રાહક એક રીતે તો ખુશ હશે જ કે, કંપનીના પદ્માસનની નીચે પાણી આવ્યું એટલે એને ધમપછાડા કર્યા. દેશમાં હજારો એવા વિસ્તારો છે જ્યાં વાત કરવા માટે પણ નેટવર્ક મળતું નથી અને એવામાં 'સાહેબ' દેશને ડિજિટલ ઈન્ડિયા કરવાની જફા કરે છે. જીઓએ પણ પોતાના નેટવર્કને મજબુત કરવા માટે સ્માર્ટ ગેમ માર્કેટમાં શરુ કરી. જીઓ ટુ જીઓ ફ્રી અને બાકીના નેટવર્ક પર ચાર્જિસ. એટલે સર્વે કરવો સરળ થશે કે, જીઓ સબસ્ક્રાઈબર્સ કેટલા છે? એક તીર બે નિશાન. પૈસા કમાવવાના રસ્તાઓ આસાન.

ટેલિકોમ કંપનીઓએ પોતાના રેટ વધારી દીધા છે. મોટા ભાગની કંપનીઓએ આ પડધારુપી એલાન કરી દીધું છે. ડિસેમ્બર 2019થી મોટા ભાગની ટેલિકોમ કંપનીઓની સર્વિસ મોંઘી થવાની છે. જ્યારે માર્કેટમાં રેટ ડાઉન કરવા માટેની સ્પર્ધા ચાલતી હતી ત્યારે પણ સરકારી કંપની બીએસએનએલે મોડે મોડેથી ઝંપલાવ્યું. હવે જ્યાં ચાર્જિસ વધારવાની વાત છે ત્યારે પણ તે મોડી પડી છે. એટલે સરવાળે નુકસાન સરકારને. એક તરફ આ જ કંપનીના કર્મચારીઓને પગારના ફાંફા છે ત્યાં હવે ભાવ વઘારો કરીને કર્મચારીઓનું ભલું થતું હોય તો ઐસા હી સહી. વોડાફોન અને આઈડિયાનું દેવાળું ફૂંકાવવાના આરે છે. બંને કંપનીઓને એવી આશા હતી કે, સરકાર રાહત આપશે પણ અપેક્ષા પર સુનામી ફરી વળી. શિયાળાની પા પા પગલી થઈ રહી છે ત્યારે વાતાવરણમાં ભલે કોઈ ઝાકળ જોવા ન મળે. પણ ટેલિકોમક્ષેત્રે અનિશ્ચિતતાનું ગાઢ ધુમ્મસ છે. હવે ભાવ વધારો કરીને કંપનીઓ ખોટની ખાડીમાંથી કેટલા સમયમાંથી બાહર આવે છે એ જોવાનું છે. આ સ્પર્ધામાં સરવાળે સલાડની જેમ કપાવવાનો તો કસ્ટમર જ છે. કસ્ટ કરીને મર. આર્થિક શક્તિનું સામર્થ્ય ભલે કંપનીઓ પાસે રહે પણ ખોટની ખીણ ખૂબ ઊંડી છે. ગ્રાહક જેની પાસે મર્યાદિત હક છે તે. તેથી એમના ખિસ્સામાંથી વધુ રકમ સરકવાની છે. પરંતુ, જ્યારે જીઓ માર્કેટમાં 'ફ્રી'માં આવ્યું ત્યારે જ નક્કી હતું કે, ભાવ એવી રીતે લાગુ થશે કે, કાર્ડ ફેંકી પણ નહીં શકાય અને રાખી પણ નહીં શકાય. કારણ કે, આદત સે મજબુર. વાઈફાઈ પ્રોવાઈડ કરતા સર્વિસ પ્રોવાઈડર્સ મોહાનગરોમાં સફળ છે. પણ નાના શહેરોમાં સંતોષની ટકાવારી સિંગલ ડિજિટમાં છે. કારણ કે, સ્કિમ, ઓફર્સ, સર્વિસ અને સબસ્ક્રાઈબર્સ જે મહાનગરમાં મળે છે એ નાના શહેરોમાં નથી. કારણ કે, બ્રાંચ ઓફિસ સુધી કોઈ સ્કિમ આવતી જ નથી. એટલે વધુ પૈસા ચૂકવીને પણ ગ્રાહકને સંતોષ તો નથી જ. દા.ત. અમદાવાદમાં નવા વાઈફાઈ ક્નેક્શનમાં ફાયબર ઓપ્ટિક આવી ગયા પણ રાજકોટ-જામનગર જેવા શહેરમાં ફાયબર ઓપ્ટિક કેબલ માટે ચાર્જિસ વસુલાય છે. એક સમયે જ્યારે ભારતમાં મોબાઈલ ફોનની ઈન્કમિંગ સુવિધા ઉપર પણ ચાર્જ વસુલાતો હવે રીચાર્જ રકમ વધારી દેવામાં આવી છે. કેટલો મોટો કોન્ટ્રાસ.! દુનિયાના બીજા દેશમાં ટેલિકોમ રેટ સસ્તા છે અને ભારતમાં ભાવ વધારો ચાલે છે. મંદી નથી એનો બેસ્ટ પુરાવો. દરરોજ રીચાર્જ તો થાય જ છે.

દુનિયાની કોઈ પણ ફ્રી સર્વિસની વેલિડિટી નિશ્ચિત હોય છે. સમગ્ર ભારતમાં 1.2 અબજથી પણ વઘારે મોબાઈફોન ધારકો છે. નવા ગ્રાહક થવાનો રેશિયો ઓછો થઈ રહ્યો છે. એવામાં કંપનીઓ પાસે એકમાત્ર સ્કિમ હતી કે, તેઓ ઓછામાં ઓછા રીચાર્જ રેટ આપીને ખોબો ભરાય એટલી અઢળક સુવિધા મફત આપે. જેથી અન્ય કંપનીઓના ગ્રાહકો પોર્ટેબિલિટીના માધ્યમથી પોતાનામાં શિફ્ટ થાય. છેલ્લા ત્રણ વર્ષમાં પોર્ટેબિલિટી કરાવનાર ગ્રાહકોની ટકાવારી નોંધપાત્ર રીતે વધી છે. માત્ર અમદાવાદમાં જ આ ટકાવારી 80 ટકા સુધી પહોંચી છે. જેનું પરિણામ એ આવ્યું કે, ફદિયા ફોરમની માફક ઉડ્યા અને કર્મચારીઓ ફાફડા ગાંઠિયાની માફક લાંબા થઈ ગયા. ટૂંકમાં અસ્તિવ ટકાવવી રાખવા કરો યા મરો જેવી સ્થિતિ સામે આવી. કંપનીઓએ આસમાની કિંમત પર ઈન્ટરનેટ સર્વિસ માટેના સ્પેક્ટ્રમ ખરીદેલા હોય છે. હવે સમયે એવો છે કે, સરકારે પણ પોતાની ટેલિકોમ પોલીસીની સ્પષ્ટતા કરવી પડે. કારણ કે, દેશ સ્પેક્ટ્રમ કૌભાંડનો સાક્ષી છે. 4G બાદ હવે 5G સર્વિસ શરુ થવાની છે. જ્યાં વાત કરવા માટે શેરીમાં જવું પડે ત્યાં વધુ એક વિશાળ પરપોટો ડોકિંયુ કરવાની તૈયારીમાં છે. માર્કેટમાં હકીકતે મંદીનો માહોલ છે ત્યારે હવે ટેલિકોમ કંપનીઓ કિંમત વધારવાના મૂડમાં છે. આર્થિક ક્ષેત્રે એક એક પગલું સમજી વિચારીને ભરવું પડે. કારણ કે, આ એક બેવડી અસર જેવું ફિલ્ડ છે. દરેક જગ્યાએ થોડી થોડી અસર તો થાય જ. હરિફાઈ હોવા છતા ટેલિકોમ સર્વિસ ગુણવત્તાની દ્રષ્ટિએ કંગાળ છે. કોલ ડ્રોપની સમસ્યા પર કોઈ ઉકેલનું પુર્ણ વિરામ લાગ્યું નથી. કંપની દર વધાવાની સાથે કોઈ ગુણવત્તા સુધારશે ખરા? લોકો પૈસા આપવા માટે મજબુર છે પણ બેસ્ટ સર્વિસ માટે કોઈ ઉકેલ હોવો જોઈએ.


અર્થતંત્રમાં સુસ્તીનું હવામાન હોવા છતાં નાણામંત્રી કંપનીઓને રાહત આપવાની વાત કરે છે. સ્પેક્ટ્રમની હરાજી માટે સરકારે બે વર્ષ સુધી બ્રેક મારી દીધી છે. પરંતુ, કંપનીઓએ સરકારે કરેલા આદેશનું પાલન કરી પૈસા તો ભરવા જ પડશે. ટેલિકોમ સેક્ટર પર રુ. 7.88 લાખ કરોડ રુપિયાનું દેવું છે. હજુ પણ રોમિંગને લઈને ગ્રાહકોને સંતોષ નથી. ટેલિકોમ કંપની પર લાગેલી પેનલ્ટી પણ ભારે છે. જેની સામે સરકાર કોઈ નમતું જોખવાની તૈયારીમાં નથી. આમ પણ દેશમાં વસુલવા માટેના માધ્યમો અનેક છે પણ આવકના સાધનો લિમિટેડ છે. પેમેંટ લેવા માટે રાહ જોવી પડે છે, જ્યારે ચૂકવવા માટે તો એપ્લિકેશનની ભરમાર છે. આવી સ્થિતિમાં કોઈ કંપનીને તાળું લાગી જાય તો નવાઈની વાત નહીં. નાણામંત્રી સીતારામણ નથી ઈચ્છતા કે, કોઈ કંપનીઓ બંધ થાય. કારણ કે વિદેશી કંપનીઓને દેશમાંથી લોક લાગે તો આબરુના ધજાગરા થાય. કારણ કે, વડા પ્રધાન મોદી પરદેશમાંથી દેશમાં પૈસા રોકવા માટે હાંકલ કરી રહ્યા છે. આવી સ્થિતિએ ખખડધજ સંજોગમાંથી સુધારાનો માર્ગ એ રીતે ધમધમવો જોઈએ જેથી દરેક સર્વિસ ગુણવત્તા યુક્ત  મળી રહે.

આઉટ ઓફ ધ બોક્સ
સૌરાષ્ટ્રના ઐતિહાસિક સ્થાપત્યોને ખાનગીકરણનો સ્પર્શ આપવામાં આવે તો ફિલ્મ ઉદ્યોગની અનેક ફિલ્મનું શુટિંગ ગુજરાતમાં થઈ શકે. રોજગારી સર્જનનો એક માર્ગ વિકસી શકે.

3 comments:

  1. ખૂબ માહિતીપ્રદ સ્ટોરી. વિગતોની માંડણી પણ સારી છે

    ReplyDelete
  2. ખૂબ માહિતીપ્રદ સ્ટોરી. વિગતોની માંડણી પણ સારી છે

    ReplyDelete

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...