Wednesday, November 06, 2019

સંઘની સલાહ અને ભાજપઃ તુ હા કર યા ના કર

સંઘની સલાહ અને ભાજપઃ તુ હા કર યા ના કર

નવા વર્ષની શરૂઆત મોદી સરકારમાં પીએમ નરેન્દ્ર મોદીના થાઈલેન્ડ પ્રવાસથી થઈ છે. કાયમી ધોરણે વિદેશમાં જઈને વ્યાપાર માટે રેડ કાર્પેટ પાથરતા વડાપ્રધાન મોદીએ થાઈલેન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં ફરી એક વખત ‘વ્યાપારી હિત’ને ચર્ચાનો મુદ્દો બનાવ્યો છે. જીએસટીના અમલ વખતે દેશભરમાંથી વેપારીઓએ અનેક પ્રકારને વિરોધ કર્યો. સરવાળે દૂધના ઊભરાની જેમ થયેલા દેખાવો પડી રહેલા ફૂગ્ગામાંથી હવા નીકળે એમ શમી ગયા. ભારતને માફક આવે એવી વ્યાપારી શરતો નહીં હોય ત્યાં સુધી ભારત કોઈ સમજૂતીમાં સમર્થન નહીં આપે અને જોડાશે પણ નહીં. એવું પીએમએ વિદેશની ધરતી પરથી સ્પષ્ટ કર્યું છે. રિજિયોજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ 16 રાષ્ટ્રનું બનેલું ફ્રી ટ્રેડ ગ્રૂપ છે. હવે જો ભારત આવી કોઈ સમજૂતીમાં હકારો કરે તો ફાયદો પાડોશી દેશ ચીનને છે. એક તરફ દેશમાં ચીનની વસ્તુઓનો સિઝનલ બહિષ્કાર થાય છે. એવામાં જો મોદીજી આવું પગલું ભરે તો ટીકાને પાત્ર બને. પરંતુ, ધ્યાન ખેંચે એવી વાત એ પણ છે કે, આ વખતે સંઘની વાત માનીને મોદીએ વૈશ્વિક કક્ષઆએ નિર્ણય લીધો છે.


        દેશમાં આર્થિક સ્થિતિ ખાડામાંથી પસાર થતા વાહનની જેમ ડામડોળ છે એવામાં રોકાણ લાવવાની વાત થાય છે. એ પણ વિશ્વસ્તરે.જીએસટીએ દેશના જ વ્યાપારીઓની કમર ભાંગીને સરકારી કબાટ ભર્યો છે. આ પણ સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટીના સમયાંતરે આવતા આંકડા સાબિતી પૂરે છે. બીજી તરફ આ વખતે પાછલા 70 વર્ષની સૌથી ફિક્કી દિવાળીમાંથી દેશવાસીઓ પસાર થયા. કારણ કે, આખર તારીખમાં દિવાળીએ પધરામણી કરી અને પગારની તારીખ નજીક હોવા છતાં ઊંધા દૂરબીનમાંથી દેખાતી હોય એવી ફીંલિગ્સ આવી. જ્યારે જ્યારે દેશમાં સંઘ ઘોષણા થઈ છે ત્યારે રાજકીય ચિત્રમાં સખળડખળ થઈ છે. સરકારે સ્પષ્ટતા કરવી પડે એવા હોબાળા થયેલા છે. બિહારની વિધાનસભા ચૂંટણી વખતે સંઘ સુપ્રીમોએ અનામતનો મુદ્દો બાફ્યો એમાં તો રાજ્યમાં કમળ ખીલ્યું નહીં. આ હકીકતથી સૌ કોઈ વાકેફ છે. મોદી સરકારના મોટા મંત્રીઓના મૂળીયા સંઘ વિચારધારાથી પ્રેરિત છે. જ્યારે પણ કોઈ નિર્ણયને લઈને ચર્ચા થાય છે ત્યારે મંત્રીઓ પોતાના જ પોર્ટફોલિયોને લઈને કોઈ નવો મુદ્દો ધરી દે છે.

વિશ્વસ્તરે વ્યાપારની વાત છે ત્યારે મોદીના અમેરિકાના પ્રવાસને પણ ભૂલી ન શકાય. વતનમાં વ્યાપારી પ્રવૃતિને પ્રોત્સાહન આપતા નેતાઓ જ્યારે પણ વાત કરે છે ત્યારે સારૂ તો લાગે છે. પણ નાના વેપારીઓને ત્યાં નડતા પ્રશ્નોની કોઈ કોર્પોરેટર પણ ચર્ચા કરતો નથી. મફતનો માલ પચાવવાની શક્તિનો પહેલો પિરિયડ એટલે કોર્પોરેટર્સ તંત્રમાં રહીને જ શીખે છે. વ્યાપારી વર્ગની સુરક્ષા, ટેક્સ સ્કિમ, સ્થાનિક તંત્રની યોજના, ચેકિંગ, રજીસ્ટ્રેશન વગેરે વગેરે જેવા અનેક પાસાઓ એક વેપાર પાછળ જોડાયેલા છે. મોલની ગ્લેમરસ દુનિયા પાછળ પાર્કિંગનો પ્રશ્ન ન દેખાતા રાક્ષસની જેમ મોટો થઈ રહ્યો છે. વ્યાપારી પ્રવૃતિને પ્રોત્સાન આપવામાં કંઈ ખોટું નથી. પણ જ્યાં ઘરના પેટે પાટા બાંધે અને બાહરના બીગ બોસ થઈને બેસે એવું વાતાવરણ છે. છેલ્લા કેટલાક સમયથી વિદેશ પ્રવાસ પાછળનો એજન્ડા સમસ્યા કરતા સંપત્તિવાન બનવા તરફ હોય એવું વધારે લાગે છે. એવામાં સંઘ જે તે મુદ્દાને વિકાસલક્ષી બનાવીને પરોક્ષ રીતે સરકારનું પ્રમોશન કરે છે. નાણું સ્વદેશમાં આવે એમાં કંઈ ખોટું નથી. પણ ડૉલર સામે રૂપિયાનું ધોવાણ થઈ જાય એ પણ યોગ્ય તો નથી જ. આર્થિક સ્થિતિ અંગે દશેરાના દિવસે સંઘ સુપ્રીમોએ પણ પોઝિટિવ વાઈબ્રેશન આપ્યા હતા. પણ એ વાત થોડા ઓછા અંશે કોઈ શાસકના ધ્યાને આવી. સ્વદેશી ઉત્પાદનને ફટકો ન પડે એ માટે નિર્ણય કોઈ રીતે ખોટો નથી. પરંતુ, જ્યાં દૈનિક નાણું પણ માંડ ભેગું થતું હોય ત્યાં ડૉલરના ચલણમાં ડમરું વેંચવાથી કોઈ ફાયદો નથી.

કોઈ પણ દેશના મોટા નેતાઓનો વિદેશ પ્રવાસ અનેક રીતે મહત્વ ધરાવે છે. માત્ર વ્યાપાર કે દ્નિપક્ષીય સંધી પૂરતું જ સિમિત નથી. ટેકનોલોજી, મેડિકલ, દવાઓ, આંતરમાળખાના પ્લાન્સ, સિસ્ટમ, યોજના, ટેક્સથી લઈને ટ્રેડ સુધીના ક્ષેત્રનો ફાયદો થાય એ મુલાકાત હિતકારી છે. બાકી નાના પાયાના ઉદ્યોગો મરવા પડ્યા હતા ત્યારે આવી કોઈ લવારી થઈ જ નહીં. દેશના જ નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક ગાડાને ગેરમાં નાંખવા કોર્પોરેટ ટેક્સ ધટાડ્યો. હવે રોકડું દનિયું કમાતા વેપારીઓને કોર્પોરેટ ટેક્સની કોઈ સીધી અસર થાય ખરા? દેશના જ અનેક મુદ્દાઓ પર રજકણ જેટલી બારિકાઈથી રીપોર્ટ તૈયાર કરવામાં આવે તો ભાજપ સરકારમાં થયેલી અનેક યોજનાઓમાં ખૂંટતી કડી મળી જાય. આ યોજનાઓની સ્થિતિ અંગે દેશની દરેક પ્રજા જાહેરાત કરતા વધારે જાણે છે. માર્કેટમાં જ્યાં પૈસા ફરશે જ નહીં તો કોઈ અર્થતંત્રને વેગ નથી મળવાનો.

આઉટ ઓફ ધ બોક્સ
મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ બાદ રાજકીય કોકડું જીએસટી જેવું ગુંચવાળા ભર્યું બની ગયું છે. સીએમ માટે ભાજપ અને શિવસેના બંને પાસે પોતાના જ હિતકારી નિવેદનો છે. મિશ્ર અર્થતંત્રની જેમ શાસન પ્રણાલીમાં પણ ઘણી ખીચડીઓથી વળી ગયેલી ધૂંચ ઘડીકમાં છૂટે એમ લાગતું નથી.

2 comments:

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...