Saturday, January 11, 2020

તેલથી લઈને ટ્રેન સુધી સર્વત્ર મોંધવારી

તેલથી લઈને ટ્રેન સુધી સર્વત્ર મોંધવારી

નવા વર્ષમાં ઈરાન અને અમેરિકાના ઘર્ષણે વૈશ્વિક માર્કેટની પથારી ફેરવી છે. બદલો લેવાની વૃતિએ અનેક શહેરની આર્થિક વ્યવસ્થાને લઈ ડૂબી છે. એક તરફ સરકાર બજેટ માટેની સલાહ માંગે છે. બીજી તરફ નવા વર્ષે રેલ ટિકિટના દર વધી ગયા છે. સરકારી સાહસને લઈને વાત કરતા નેતાઓ અનેક વખત કહી ચૂક્યા છે કે, રેલ તંત્ર ખોટમાં ચાલે છે. પણ સૌથી વધારે પગાર ભથ્થા કેન્દ્રના સાહસના જ છે. આ ભથ્થાની ચૂકવણી પર થોડી બ્રેક મારીને એકમનો વિકાસ કરી શકાય છે. ડુંગળી, લસણ, દૂધ, મોબાઈલ બાદ ટ્રેનના ભાવમાં ખિસ્સું ફાટી જાય એવો વધારો થયો છતાં રેલવે તંત્રના અધિકારીઓ ખોટમાં ચાલતી ગાડીના ગીત ગાય છે. અનપેક્ષિત ભાડા વધારો બજેટ પહેલા આવ્યો છે. એટલે હવે જ્યારે પણ રાહત આપવામાં આવશે ત્યારે શાસક પક્ષના રંગબદલતા નેતાઓ જશ ખાટશે કે, અમારા રાજમાં ટ્રેનના ભાડા ઘટ્યા. એક એંધાણ એ પણ બાંધી શકાય છે કે, રેલબજેટ અણધાર્યું આવવાનું છે. સરકારનું ભાડા વધારવાનું કારણ વ્યાજબી અને માની શકાય એવું હશે. પરંતુ, હવે સામાન્ય માણસના નજરીયાથી વિચારીએ. એક માણસ દિવસમાં એક વખત રોટલો અને ડુંગળી ખાયને સૂઈ જઈ શકે છે. દૂધ પીને નાસ્તાની અવેજીમાં ચલાવી શકે છે. હવે ડુંગળીના ભાવ ગગડશે એવી જાહેરાત બાદ પણ સ્થિતિ ભાવ વધારાના બેનર નીચે જશ ખાટવા જેવી છે.


   ગુજરાતમાં દૂધ પૂરું પાડતી જાણીતી અને માનીતી કંપની અમુલે ભાવ વધારો કર્યો ત્યારે સ્થાનિક દૂધવાળાઓએ પણ મનસ્વી રીતે પૈસા ચડાવી દીધા. જાણે પોતે હજારો લિટર દૂધ અમુલ કંપનીને આપતા હોય. એટલે બ્રાંડેડ દૂધ પીવો કે નજીકમાં રહેલી ડેરીનું ભાવ તો ડબલ જ દેવાના. સિંગતેલમાં આગ ઝરતી તેજી છે અને ફ્યુલના ભાવ ઈરાન-અમેરિકાના યુદ્ધે વધારી દીધા છે. એવામાં સામાન્ય માણસની સ્થિતિ આર્થિક રીતે મૃત અવસ્થા જેવી થઈ છે. બીજી તરફ મફતની આદત પાડીને સૌની ગમતી કંપની જીઓએ એકાએક ભાવ વધારી દીધા. જોકે, આ વખતે બીજી ખાનગી કંપનીઓએ ઓફર્સ અને રિચાર્જ રેટમાં વધારો કરતા મફત વાત કરતા લોકોને કબજિયાત જેટલું જોર પડવાનું છે. કોઈ એક ચીજમાં ભાવ વધારો થાય ત્યારે બીજી ઘણી બધી વસ્તુને  અસર થતી હોય છે. વિચાર જો કે, જ્યારે ડીઝલના ભાવ ઘટે છે ત્યારે દૂધના ભાવમાં ઘટાડો થાય છે ખરા? જવાબ છે. ના. ભારત દેશમાં જે સ્પીડથી ભાવ વધે છે એ ગતિએ ભાવ નીચે ઊતરતા નથી. એવામાં સરકાર વિકાસની પીપુડી વગાડીને સામાન્ય વ્યક્તિની પડખે ચડવા થનગને છે. દેશના આર્થિક ક્ષેત્રે આટલી ખતરનાક મોંઘવારી અગાઉ કોઈ સરકારમાં જોવા મળી નથી. બીજી તરફ દેશની મોદી સરકાર એમના એમના કર્મચારીઓની વિરોધી હોવાનું સાબિત થઈ છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર કોઈ કર્મચારી સરકાર સામે રાજીપો વ્યક્ત કરતા નથી. સિવાય કે ‘વહીવટ’દારો.


એક તરફ મોબાઈલનો ડેટા મોંધો બીજી તરફ રેલવે મુસાફરીએ બજેટની દઈ નાંખી. આ વખતે મોંઘવારીની ભીંસ એ હદે વધી કે ક્યાં ફરવા જવું પોસાય એમ નથી અને મીઠાઈ ખવડાવી પરવડે એમ નથી. આર્થિક મંદી અને બેરોજગારીના બોંબે અનેક વર્ગને છાંટા ઉડાળ્યા છે. આમા ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળે એવું છે. હવે સરકાર ગ્રાહકોની ખરીદશક્તિ વધે એ માટે ધમપછાડા કરી રહી છે. પણ ખિસ્સામાં હશે તો દુકાન સુધી જવાશે ને? નવા વર્ષે મોંધવારીનું વિષચક્ર અનેક વર્ગના અંદાજપત્રનો અંદાજ ખોરવી પડે એમ છે. એક બાજું હજું નવજાત શિશુ ખરી પડે છે બીજી તરફ ખીલેલા વર્ગો એકાએક કરમાય જાય એવી સ્થિતિ છે.

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...