Sunday, November 17, 2019

લિટરેચર ફેસ્ટિવલઃ ઈવેન્ટ ઉત્સવમાં ફેરવાઈ ગઈ

લિટરેચર ફેસ્ટિવલઃ ઈવેન્ટ ઉત્સવમાં ફેરવાઈ ગઈ

થોડા દિવસ પહેલા એક નેશનલ ચેનલે હિન્દીનો સાહિત્ય ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો. બ્રેકિંગ ન્યૂઝમાં થોડા સમય માટે બ્રેક મારીને લોકો કલ્પનાની નદીમાં શબ્દોના સથવારે વિહાર કરવા લાગ્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે, આવા ઉત્સવમાં સૌથી વધારે દેશનો યુવાવર્ગ જોડાયો હતો. નવી પેઢી કંઈ છાપા-થોથા વાંચતી નથી એવો દાવો કરનારા માટે આ ઘટના એક ઉદાહરણ છે. ગમે તે વાચવું એના કરતા જે ગમે છે એ પૂરેપુરું વાંચવું આ વાતમાં એક નવો નિશ્ચિત યંગસ્ટર માને છે. જયપુર ફેસ્ટિવલ શરુ થવાને ગણતરીના દિવસો બાકી છે. બીજી તરફ અમદાવાદમાં સાહિત્યનો શંભુમેળો અને અનેક પ્રકાશકોનો પુસ્તક મેળો શરુ થઈ ચૂક્યો છે. અગાઉ સાહિત્ય એક નિશ્ચિત વર્ગ પૂરતું સિમિત હતું. પણ નવી પેઢીએ આ ક્ષેત્રે પોતાની કૃતિ પર વાહ વાહ મેળવીને ટેસ્ટ અને નેસ્ટ બંને બદલી નાંખ્યા. કલ્પનાને શબ્દો આપવા એટલે જ સાહિત્ય નહીં. પણ સત્ય ઘટનાઓને એના મૂળ કે હકિકત બદલ્યા વગર લખવું એ પણ કળા છે. કારણ કે કોઈ પણ ક્ષેત્રમાં પરિવર્તન એ જીવંત હોવાની નિશાની છે. ટૂંકો ઈતિહાસ અને લાંબુ ભવિષ્ય આલેખવા માટે પણ અધ્યયન જોઈએ. કોઈ પણ સર્જન કે સર્જકને પુરસ્કાર મળ્યો જ હોય છે. જેને ન મળ્યો હોય એ મેળવવાના પ્રયત્નોમાં હોય છે. કંઈ ખોટું નથી પણ પુરસ્કારે સાહિત્ય ક્ષેત્રે પણ વિવાદનો વંટોળ ઊભો કર્યો છે એના પણ દેશમાં પુરાવાઓ છે. યાદ કરો એ ઘટના જ્યારે મુન્નવર રાણા એક પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલના ટેબલ પર પોતાના એવોર્ડ મૂકીને આવ્યા હતા. સોશિયલ મીડિયા પર થતી કવિઓની મજાકને લઈને મામલો ગરમાયો હતો. એક્સિડન્ટલ પ્રાઈમ મિનિસ્ટર. આ ફિલ્મ નહીં જોવાઈ હોય એટલી વંચાય ચૂકી છે. કારણ કે વિવાદના વાવાઝોડામાં ફંગોળાઈ ગઈ હતી.
લિટરેચર ફેસ્ટિવલ એટલે શૃંગાર, વીર, શાંત, રૌદ્ર, ભયાનક અને હાસ્ય રસનું મિલન સ્થળ. આ તમામ ફ્લેવરના નિષ્ણાંતોને બોલાવીને આયોજકો વાર્તાલાપ કરાવે અને લોકો રસપાન કરે. પણ સમયના સેકન્ડ કાંટે બદલતી દુનિયામાં હવે સાહિત્ય સંપત્તિ સર્જન સુધી પહોંચી ગયું છે. મરીઝ પાસે પોતાની ગઝલ વેચવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. એ સમયે એમના જીવનમાં. પણ આજે સર્જકોના સંપત્તિ તૃષ્ટિગુણ દરિયાની ઊંડાઈ કરતા પણ વધું ઊંડા બન્યા છે. સર્જક પેટ ભરવા માટે સર્જન કરે છે. એ સારી વાત છે પણ સર્જન કરવા માટે ગમે તેવું કરે એ તો યોગ્ય નથી. ગામને હવા ભરીને ખિસ્સા ભરનારાઓની એક આખી લોબી આ ક્ષેત્ર સક્રિય થઈ છે. આપણે ત્યાં કેવા અને કેટલા લેખકો છે એ તમામને દરેકની ખબર જ છે. શું ખૂંટે છે એની ચર્ચાઓ દાયકાઓથી ચાલતી આવી છે. આ બધા વચ્ચે એક એવી પણ મસ્ત પેનલ છે જે પ્રિન્ટિગની મોહતાજ નથી. ઓનલાઈન પ્લેટફોર્મ પર એમનો ચાહક વર્ગ બહોળો છે. આમ પણ કોણ વાંચે છે એના કરતા અભિવ્યક્તિની નિજાનંદ વૃતિથી આ પ્રવૃતિ થવી જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. આ પ્રકારની ઈવેન્ટ હવે ઉત્સવમાં ફેરવાય ગઈ છે. જેના કારણે દિમાંગને શીર્ષાસન કરાવીને, કોઈ ચોપડીમાંથી નહીં પણ ખોપડીમાંથી રચના કરનારાઓના અચ્છે દિન આવ્યા છે. પ્રતિષ્ઠિત ચહેરાઓની આખી ટીમ જે રીતે આવા ઉત્સવોને જીવંત કરે છે એમ નવા ચહેરાઓ આવી પ્રવૃતિને ખરા અર્થમાં પ્રોત્સાહિત કરે છે એને પણ વાસ્તવિક સ્ટેજ મળવું જોઈએ. બ્લોગર, સ્લોગન રાઈટર્સ, જિંગલ રાઈટર્સ અને ફીચર્સ સ્ટોરી રાઈટર્સને પણ લોકો ઓળખે એ જરુરી છે. પૈસા કે પ્રસિદ્ધિ માટે નહીં પણ પોતાનામાં પ્રેમ રસ ઉમેરવા માટે. ચાહક વર્ગ ઊભો કરવા નહીં પણ ચોઈસના વેરિએશન માટે. સર્જકોને આ પ્રકારના ઉત્સવે સ્ટાર બનાવી દીધા છે. પણ દર વર્ષે એક નવી ટીમને સ્ટેજ મળે એવા પણ પ્રયાસો જરુરી છે. એમાં બોલિવૂડના નિર્માતાઓ, વાર્તાલાપ, પ્રશ્ન-જવાબ અને કવિ સંમેલન જેવી ઈવેન્ટથી આખા દિવસનું સાહિત્ય ભાથુ શેડ્યુલ થઈ જાય છે.

વ્યક્તિને બ્રાંડ બનાવવા કરતા ક્ષેત્રની કૃતિઓને આઈકોન બનાવવામાં આવે તો સર્જક આપમેળે યાદ રહી જાય. અનેક વખત એવું બન્યું છે કે, ફેસ્ટિવલમાં ભોપાળું થયું હોય. હાઈપ ઊભી કર્યા બાદ હોબાળો મચી ગયો હોય, ચકલી નાની ને ફૈડકો મોટો, શિસ્ત સાઈડમાં રહી જાય અને સેલિબ્રિટી હોવાનો ભપકો ઊભો થાય. સ્ટોલની મારામારી અને લોકેશન માટે ઈન્વેનશનના ભુક્કા બોલી જાય. લો પ્રોફાઈલ રહેવું જોઈએ એવું લખનારા કે બોલનારા ગ્રાઉન્ડ રિયાલિટીમાંથી જરુર આવે છે. પણ કેવી રીતે આ વિષય કે ક્ષેત્રને નવા આયામ નવા ચહેરા થકી આપી શકાય એની ફ્રી ટિપ્સ ભાગ્યે જ કોઈ આપે છે. મોટા ભાગે તો કેમ શરુઆત કરીને પ્રિન્ટ સુધી પહોંચી શકાય એની વાત જ નથી કરતું. કારણ કે દુકાન બંધ થઈ જવાની બીક અંદર આટા મારતી જ હોય છે. નીડર હોવાનો ડંકો માત્ર શબ્દો થકી જ વ્યક્ત થાય. પણ ચાર નવા માણસોને તૈયાર કરીને ટીમવર્કની તો ગટરગંગા વહાવી દે. આ વસ્તુઓ થયેલી છે અને એક દિવસના રીચાર્જની જેમ સુકાઈ પણ ગઈ છે. આવા કાર્યક્રમોથી સાહિત્યના વિષયોના અનેક દ્વાર ખુલ્યા છે એ પણ હકીકત છે. ટેન્ટવાળાથી લઈને માઈક વાળા સુધીના લોકોને પબ્લિકના પૈસે રોકડું કામ આપ્યું છે. રોયલ્ટી જુદી. આ જ સમયની કે ઉત્સવની સમાંતર હોટેલવાળાઓ કમાયા છે. સારી વાત છે હર તરફ રોજગારી રોજગારી. સૌથી મોટું ધ્યાનાર્ષણ આવા સંચાલનો મોટા ભાગે ખાનગી રેડિયો ચેનલના જાણીતા ચહેરાઓના માથે જ હોય છે.

          કામના અર્થે ફોન પણ ન ઉપાડનારા આ ચહેરા પબ્લિકમાં જઈને સેલ્ફિ પડાવી પોતે જમીન સાથે જોડાયેલા હોવાના પરાણે પુરાવાઓ આપે. પાછો આ લોકોને ચાહક વર્ગ પણ જબરો હોય. આનંદની આ પ્રવૃતિઓમાં આજીવિકાની પ્રોફાઈલ ધીમે ધીમે મજબુત થઈ રહી છે. એમાં કંઈ વાંધો નથી. પણ ચાલેલા અને લોકપ્રિય જ વ્યક્તિઓનું સ્થાન વારંવાર આવે તો નવાને પણ ચાન્સ જરુરી છે. જોકે, આ માટે દિલ્હીમાં એક સમયે થયેલા ફેસ્ટિવલના કોનસેપ્ટને ફોલો કરવો જોઈએ. જેમાં નવા લોકોને સન્માન પુરસ્કાર અને મંચશેર. જેમાં કેમ બોલવું અને કેવું બોલવું એની તાલિમ અપાય છે. જેથી તે આગળ સર્જન કરવા પ્રેરાય. પછી એનું ખિસ્સું ભરાય છે. આપણે ત્યાં સ્થિતિ શું છે એ ખ્યાલ જ છે. ગજવું પહેલા પછી ભલેને સર્જન ગજા બાહરનું હોય. પહેલા સાહિત્ય મંદિર પૂરતું હતું, પછી રાજવી દરબારોમાં આવ્યું, પછી ફિલ્મ કંટેન્ટ બન્યા અને હવે ફેસ્ટિવલમાં બદલ્યા. આ ક્ષેત્રની બજાર જ બ્રાંડ બની ગઈ. પ્રકાશકો આઈકોન થયા. હવે મૂળ વાત છે રુપિયાની. તો એક એક સેશનના હજારો લાખો રુપિયા લેવામાં આવતા હોય છે. સેલિબ્રિટી થયા એટલે સર્જક ઓછા લાકડે ન જ બળે. હવે એક તરફ લૉ પ્રોફાઈલ અને બીજી બાજું આવું. હકીકતે તો આવું કામ નજીવી રકમથી કરવું જોઈએ. વધુ આર્થિક ફાયદો નવાને દેવો જોઈએ.

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...