Tuesday, November 06, 2018

દિવાળી એટલે તહેવાર, વ્યવહાર અને સંબંધોનું ગેટ-ટુગેધર

દિવાળી એટલે તહેવાર, વ્યવહાર અને સંબંધોનું ગેટ-ટુગેધર

                    આમ તો દિવાળી તહેવારોનું એક આખું પેકેજ છે. જેમાં અગિયારસથી શરૂ કરીને લાભ પાંચમ સુધી એક આખો માહોલ  જાણે સ્પેશ્યલ હોલી ડે લઈને આપણે રિલેક્સ અને આનંદ કરાવવા તૈયાર હોય. દિવાળી કદાચ એક માત્ર એવો તહેવાર હશે જેમાં રજાનું મેનેજ નહીં પણ રજામાં પ્લાનિંગ કરવામાં આવે છે. હા, જે લોકો ઈમરજન્સી નોકરી અને સર્વિસ સાથે જોડાયેલા છે તે લોકો માટે તેમના કામના સ્થળે જ તમામ તહેવારોની મજાનો ફરજિયાત આનંદ લેવાનો હોય છે. આખિર ક્યા કરે. ડ્યુટી હૈ. રોશનીના આ પર્વમાં શુભેચ્છાથી લઈને સંવાદ સુધીની સ્પેશ જાણે લાઈવ થતી હોય એવો માહોલ હોય છે. પાડોશીની સાથે આમ ભલે પાર્કિગથી લઈને પાણી સુધીની માથાકુટ થતી હોય પણ દિવાળીમાં તો ત્યાં પણ મીષ્ઠાન આપીને ઉજવણી કરવામાં આવે છે.

          દીવા પ્રગટાવીને અજવાશ કરવાની આ પરંપરા ભારત દેશમાં દાયકાઓ જૂની છે. રામનું અયોધ્યામાં આગમન અને મહાવીર પ્રભુના નિર્વાણદિવસમાં એક વાત સામાન્ય છે તે છે ભજન. આવકારમાં ભજન અને વિદાયમાં પણ ભક્તિ. પર્વનો આ જ તો સંદેશો છે કે સત્સંગથી માહોલ પલટાય છે. હવામાં 100 ગ્રામ ધૂમાડો હોય એવું ક્યારેય સાંભળ્યું નથી. આજે દીવાઓનું ડીજીટાઈઝેશન થઈ ગયું છે. છતાં પણ દરેક ઘરમાં દીવાનું સાતત્ય યથાવત છે. દીવાનું અસ્તિત્વ જ પરંપરાના પુરાવા આપે છે. ઘર ભલે ગમે તેવું હોય કે ગમે એવડું હોય રંગોળીની શોભા એક સંસ્કૃતિની સાબિતી આપે છે. રજામાં મોજ કરવાની અને રીત રિવાજને જીવંત રાખવા તેમાં થોડા આપણા લેટેસ્ટ વાઈબ્રેશન ઉમેરવાના. પગે લાગવાનું અવગણવાનું નથી પણ નવી પેઢિની સામસામે ભેટવાની હગ સિસ્ટમને પણ અપનાવવામાં ખોટું નથી. તહેવાર એટલે ટોટલી રિલેક્સ, ચોઈસ કરીને આનંદના વોઈસમાં હસતા રહેવાનું સમયે આપેલું મેદાન. દીવાની વાત કરીએ તો પહેલા દીવાની વાટ તેલ કે ઘીમાં ઝબોળીને પ્રકાશનું પ્રાગટ્ય થતુ. પછી એક સમય આવ્યો જ્યારે રંગબેરગી લેમ્પને વાયરથી જોડીને પ્લગ પોરવીને સીરિઝ બનતી. આજે એલઈડીનો સમય છે. ચાઈનાનો માલ ભલે કાયમ વિવાદમાં અને ચર્ચામાં હોય પણ આપણા સેલિબ્રેશનમાં મસ્ત ડેકોરેશન કરી આપે છે. 

             આ વખતે મોંઘવારીના મારથી તહેવારોના રંગ ભલે થોડા બદલાયા હોય પણ ઉત્સાહ એવો જ તાજગીથી ભરપૂર છે. ઓછા બજેટમાં ઓનલાઈન સેલની સરપ્રાઈઝથી લઈને ડિસ્કાઉટ સુધી તહેવાર સચવાય એવું કરી આપે છે. પણ વ્યવહાર સચવાય એ માટે હવે આગોતરું આયોજન જોઈએ. કારણ કે ભેટની પાછળ ભોગ કરતા લાગણીઓ હવે પ્રાઈઝ ટેગ પરથી અને વસ્તુની ક્વોલિટી પરથી નક્કી થઈ રહી છે. સંબંધોના સ્નેહ મિલન હવે વોટ્સએપ ગ્રૂપમાં એડવાન્સમાં નક્કી થાય છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે ટાઈમલિમિટ આપીને ફૂલઝર ફોડવા સામે પણ આંખ લાલ કરી છે ત્યારે તહેવાર જાણે કોઈ એક્શનપ્લાનનું એનિમેશન હોય એવું લાગે છે. દિવાળીએ એટલે રિલેશનના રંગમાં રગાઈને સંવાદની રંગોળી કરવાનો ઉત્સવ. હમારા ઝમાને મે કોઈ દાદા-દાદી પાસેથી એમની દિવાળીના પ્રસંગ સાંભળજો, આજની દિવાળી ભારે અને ખૂબ ખર્ચાળ લાગશે.

              વ્યવહારમાં જ્યારે નવા વર્ષે, આમ તો નવું વર્ષ 1 જાન્યુઆરીએ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે થાય છે. પણ ગુજરાતી વિક્રમસવંત પ્રમાણે નવા વર્ષે લક્ષ્મીપૂજનની પ્રસાદીમાં પણ લક્ષ્મી (પૈસા, રોકડ, નવી નોટ)નો પ્રસાદ આપીને ઉજવણી કરવામાં આવે છે. આ કોઈ પૈસાવાળા દેખાડવાનો ટ્રેન્ડ નથી પણ એક ટ્રેડિશન છે. દિવાળીમાં સૌથી વધારે મજા આવે નાનપણને વાગોળવાની. ફટાકડામાં તોડફોડ કરીને હરકત કરવાની અને ભગવાનના મંદિરમાંથી બાકસ ઉછીની લઈ જઈને પાછી ન આપવાની, તૂટેલા માટલામાં ફટાકડો મૂકવાની, વાટ કાઢીને ભડકો કરવાના, બોક્સ બાળવાના અને અનેક તોફાનમસ્તી. નવરાત્રી બાદ કદાચ હિન્દુધર્મનો આ બીજો નાઈટ ફેસ્ટિવલ વીથ લાઈટ ફેસ્ટ કહી શકાય. જ્યાં કળવાશને બાજુએ મૂકીને હળવાશને હૈયાથી માણવાની હોય. વીડિયો કોલના યુગમાં સગા નહીં પણ વ્હાલા કહેવાતા સંબંધો વિશ કરે તો જાણે બાજુમાં આવીને કોઈ સ્પર્શી ગયું હોય એવું અનુભૂતિ થાય. ફીલિંગ્સનું ફોલોઅપ નહીં પણ આપણા કહેવાતા લોકોની ફોરમમાં મઘમઘવાનો તહેવાર.

       વ્યવહારમાં આદાન-પ્રદાનનું વિશાળ નેટવર્ક આજે લિમિટેડ કવરેજ બની ગયું છે એ પાછળ ક્યાંય સંબંધોની ખટાશ અને લાગણીની ભેટ પાછળ પ્રાઈઝ લેબલ જોવાની વિચારધારા જવાબદાર છે. બાકી એક સમયે પાંચ રૂપિયાની નોટ પણ આજના પાંચસો જેવી લાગતી હતી. બદલતા સમયમાં પરિવર્તન પામતા ટ્રેન્ડ કરતા વ્યવહારના સ્ટેન્ડને વધુ સ્પષ્ટ કરીએ તો જ સંબંધોની મજા છે. કશુ ન આપીને ખુદની સમજણ આપવી એ પણ મોટી ગિફ્ટ છે. આજે સાધન, સંપત્તિ અને સુખ દરેક વ્યક્તિની વિચારાધારએ બદલે છે. સમય આપવો એ ભેટ છે પણ સમજના ડાયમંડની કિંમત કરોડોમાં હોય છે. વ્યક્તિ ભલે ઉમરવશ થાય પણ એ સાથે સમજવશ થાય તો જ વાર્ષિક પ્રસંગની મજા મજાની લાગે. જિદ્દના સમ્રાટ થવા કરતા સમજના સેનાપતિ બનીને સંબંધોને લાઈટ રાખી શકાય. બાકી જવાબદારીનો ભારો નવા વર્ષની સાથે વધતો જ જવાને છે. એક સરસ ક્વોટ છે. Space, choice and priority always present your think but understanding define your personality. Happy Diwali and Prosperous New Year with sentimental And Smiling memories.

Monday, October 29, 2018

સરદાર એટલે એકતા, આદર અને આદર્શના માણસ


સરદાર એટલે એકતા, આદર અને આદર્શના માણસ
           
            સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાતના નહીં પણ ભારતના ઈતિહાસનું આ નામ હવે વૈશ્વિક સ્તરે વધુ એક ખ્યાતિ પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યું છે. સરદાર વિશે લખવા આજે હું નાનો પડું. કારણ કે મારો જન્મ થયો એ પહેલા સરદારે કાયમી વિદાય લઈ લીધી હતી. આમ પણ સરદાર વિશે લખતા પહેલા એ અભ્યાસ કરવો પડે. જોકે, કોઈ પણ વિષયના વિચારોને શબ્દ આપતા એક સાધના કરવી પડે. પણ પ્રયત્ન અને કંઈક અલગ શોધી લાવવાની લોખંડી ઈચ્છા શક્તિથી સરદાર વિશે જે કંઈ અનોખુ પણ જે સત્ય સમજવા અને જાણવા મળ્યું તેના કેટલાક અંશો અહી મૂકુ છું. સરદાર પટેલ એટલે શિક્ષણ અને શિસ્તમાં માનનારા માણસ એવું કહી શકાય. એજ્યુકેટ થવામાં આજે બાળકોને ટપારવા પડે છે ત્યારે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વલ્લભભાઈ કોઈને કહ્યા વગર વકીલનું ભણવા માટે વિદેશ ગયા હતા.જ્યાંથી પરત આવીને અમદાવાદના આંગણે વકીલાત શરૂ કરી. અહીથી તેમના નેતૃત્વ અને વિરાટ વિચારોના અનુભવો શરૂ થયા. જ્યારે અમદાવાદમાં આરોગ્ય ખાતાની કચેરીના પ્રમુખ બન્યા ત્યારે એક-એક વોર્ડમાં જાતનિરિક્ષણ કરીને અભિયાન ચલાવેલું.

                22 વર્ષની ઉમરે 10મીની પરીક્ષા પાસ કરીને જિલ્લા અધિકારીની પરીક્ષામાં લાગી ગયા હતા. બાળપણથી જ પોતાના આદર્શ અને સન્માનના વિચારોને છેક સુધી વળગી રહ્યા. બીજી એક બહુચર્ચિત વાત છે કે, જ્યારે નેહરુને વડા પ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે મોટાભાગના દેશવાસીએ સરદારને વડા પ્રધાન પદે જોવા માગતા હતા. પરંતુ, એક સત્ય એ પણ છે કે, ઉમર અને તબિયતને કારણે તેમને આ મોટી જવાબદારીથી દૂર રાખવામાં આવ્યા હતા. સક્ષમતા સામે સવાલ ન હતા કે વિલપાવર સામે કોઈ પ્રશ્ન ન હતો. પ્યોર પેશન અને સમસ્યાના સોલ્યુશનના માણસ હતા. મોટાઈ માટે કોઈ ઉમર નથી હોતી એ તો સરદારના સ્વભાવમાં હતી. જ્યારે ઈગ્લેડ વકીલાત માટે જવા પાસપોર્ટ આવ્યો ત્યારે તેમાં વી.જે.પટેલ લખ્યું હતું. હકીકતે પાસપોર્ટ સરદારનો હતો પણ પહોંતી ગયા વિઠ્ઠલભાઈ. આ સમયે કોઇ વાદ-વિવાદ કરવાને બદલે તેમણે ભાઈને સપોર્ટ કર્યો અને પૈસા પણ મોકલ્યા. આ સરદાર જે જીવનભર અસરદાર રહ્યા. આ લાગણી હતી પણ આપણે ત્યાં અત્યારે લાગણીઓ કરતા લુચ્ચાઓ વધી ગઈ છે.

             બીજો એક સૌથી વધુ ચર્ચાતો મુદ્દો જે આજે પણ ત્રાસ બની ચૂક્યો છે. કાશ્મીરના પ્રશ્ન વખતે જ્યારે સરદારે સૈન્ય સામે કાશ્મીરમાં જવાની તૈયારી દર્શાવી ત્યારે થોડું નહીં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. સમયસર લશકર કાશ્મીર પહોંચ્યું અને પાડોશીની નાકમાં દમ લેવા માટે પણ સમય ન આપ્યો. આ સરદાર નીતિ હતી. જો આ નિર્ણય પણ ન લેવાયો હોત તો આજે લેહ,લદ્દાખ અને જમ્મુ હરામખોર પાડોશી પાસે હોત. એ સમયે સરદારે સૈન્યને આપેલી છૂટછાટ સામે જવાબદારી દેશની અંદર રહેલા કહેવાતા પદાધિકારીઓને જવાબ આપવાની હતી. એ સમયે નિર્ણયની નોંધ ઈગ્લેન્ડમાં બેઠેલા અંગ્રેજો લીધેલી હોવાના પુરાવા છે. ઉગ્રતાની હદમાં પ્રવેશ લીધા વગર આત્મવિશ્વાસથી કામ પાર પાડવાની તેમના ખેવના હતી. એ પછી હૈદરાબાદના નિઝામનો નિર્ણય હોય કે સોમનાથનો પ્રશ્ન. સરદાર અને સોમનાથની અનેક વાત છે પણ સત્ય વાત એ પણ છે કે સરદારે સૌ પ્રથમ વખત સોમનાથના રીનોવેશન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. આમ, સરદાર એક સ્વચ્છ, સમર્થ અને સંયમી નેતા હતા. આજે રાજકીય સ્વાર્થના સિક્સ પોકેટ ભરીને ખુરશી પર બીરાજતા લોકો કેન્દ્રમાં વહીવટ કરે છે.


                તેજસ્વી વ્યક્તિત્વ અને કાયમ તાર્કિક પ્રશ્નો સાથે સરદાર દેશની કાયમ ચિંતા કરતા રહ્યા છે. ભારતની વિદેશ નીતિ સમયાંતરે વાદ-વિવાદના ચક્રવાતમાં ચર્ચાતી રહે છે. સરદારને જૂનાગઢ, જમ્મુ-કાશ્મીર અને હૈદરાબાદના પ્રશ્નોથી સૌથી વધારે યાદ કરાવમાં આવે છે. પણ ઘણી સાચી વાત છે કે, સરદારે એ સમયે કહ્યું હતું કે ચીનથી ચેતવા જેવું છે. તેની ચાલ ભારત માટે સારી નથી. આજે વારંવાર ફૂંફાડા મારતા ચીનની તાસીર એ સમયે સરદારને ખબર પડી ગઈ હતી. આને તેની દીર્ધદ્રષ્ટિ કહી શકાય. અન્ય એક વાત જ્યારે જ્યારે તેઓ ગાંધી કે નેહરુંને મળતા ત્યારે પૂરા માન-સન્માન સાથે મળતા. એટલે સુધી કે જ્યારે દિલ્હીમાં નેહરુ સાથે મુલાકાત થાય ત્યારે નેહરું આગળ અને સરદાર પાછળ ચાલતા. પદની ગરીમાનું સન્માન તેમની પાસેથી શીખવા જેવું છે. આ ઉપરાંત તેઓ પોતાના દીકરીને પણ તમે કહીને બોલાવતા. ક્લિન ડિસિપ્લિન, કમિટમેન્ટ અને ટોટલ ક્લિયર માણસ. જ્યાં બળ કામ આવે ત્યા બળ અન્યથા કળથી કામ લેવાતું. તેઓ સાચા અર્થમાં વીર હતા પણ વિખ્યાતી માટે ક્યારેય વલખા નથી માર્યા.

                  આ દેશમાં બે વલ્લભ થઈ ગયા એક ધરતી બે અવતાર કહી શકાય. એક મહાભારતનો વલ્લભ અને બીજા સ્વંત્રતાના મહાસંગ્રામના વલ્લભ. આ બંને વ્યક્તિનું એક માત્ર સ્વપ્ન હતું. અખંડ ભારત. એ વખતે પણ હસ્તિનાપુર માટે લડાઈ હતી, સરદારના સમયે પણ દિલ્હી (હસ્તીનાપુર) પર રાજ કરતા અંગ્રેજો સામે યુદ્ધ હતું. બંનેની બીજી પણ સામ્યતા બંને ક્યારેય પ્રસિદ્ધિ પુરુષોત્તમ ન હતા. કૃષ્ણએ ક્યારેય નારદને પોતાના કામના પ્રચાર માટે મોકલ્યા ન હતા અને સરદારે પણ ક્યારેય મારું પ્રકાશિત કરવો એવું કહ્યું ન હતું. સરદારે તો પોતાના સંતાનોને પણ પોતાના નામનો ઉપયોગ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આજે હરખાઈ હરખાઈને વન ટુ વનમાં વાહ વાહ કરતા નેતાઓ સરદાર પાસેથી કેટલું શીખેલા છે? આજે સરદારના નામે સંગઠનવૃતિ ચાલી રહી છે જેમાં માત્ર ચાન્સ અને ચેર (ખુરશી)ની વાત છે.


                દેશહિત માટેના નિર્ણયમાં તેઓ મક્કમ હતા. એ માટે પછી જે પગલાં ભરવા પડે એ માટે તેમની માનસિક તૈયારી હતી. કાશ્મીરના પ્રશ્ને પણ સરદારે ત્રણ વખત રાજા હરિસિંહને ચાન્સ આપ્યો હતો. કાશ્મીરનો કટકો પણ પાડોશી પચાવી જાય એ તેમને સ્વીકાર્ય ન હતુ. હાલમાં રોના ઈનપુટ ગૃહખાતાને મળે છે એવું ન હતું. સરદારને પણ જાણ હતી કે અવરચંડીલો પાડોશી સખળડખળ કરે છે જેનું ધ્યેય કાશ્મીર છે. ગાંધીજી અને નેહરુને સરદારે દાવા સાથે કહ્યું હતું કે, હું કાશ્મીરનો પ્રશ્ન ઉકેલી શકું એમ છું. પણ નેહરુના કેટલાક અક્કડ અને આદર્શ સામે સરદારનું મૌન તેમને અંદરથી કોરી ખાતું હતું. સલામ છે આ ગુજરાતીને જેનું આજે અખંડ ભારતનું સ્વપ્ન યથાવત છે. વધુ એક ઈતિહાસ સરદારના નામે થવા જઈ રહ્યો છે એમાં કોઈ રાજકીય વિખવાદ ન થાય અને સરદારના વિચારોથી આ દેશવાસીઓ તેના સાચા ફોલોઅર્સ બને એવી પ્રાર્થના. સેલ્યુટ છે સરદાર વલ્લભભાઈ પટેલ અને તેના બલિદાનને.

Wednesday, October 10, 2018

ગુજરાતમાં પ્રાંતવાદનું ઝેરઃ હિંસા, હોબાળો અને હૈયાતી સામે સવાલ


અઠવાડિયા પહેલા જ અહિંસાના પૂજારી ગાંઘીજીની 150મી જન્મજયંતીની ઘામઘૂમથી ઉજવણી કરવામાં આવી. એ જ ગાંધીના ગુજરાતમાં હિંસાના રાક્ષસે ફફડાટ પેદા કરી દીધો. આ ભય કોઇ સ્થાનિકો નહીં પરંતુ, બીજા રાજ્યમાંથી આવેલા પરપ્રાંતિય લોકોમાં એક ખૌફની સ્થાપના કરી દીધી. ગુજરાતમાં સબ સલામતના દાવા ફરી એક વખત પોકળ સાબિત થયા. જોકે, ગુજરાત વૈવિધ્ય ધરાવતું રાજ્ય હોવાની સાથોસાથ ધટનાપ્રધાન રાજ્ય છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. થોડા અઠવાડિયા પહેલા 23 સિંહના મોતથી જૂનાગઢથી લઇને ગાંધીનગર સુધી વગર ચોમાસે વીજળી પડી હોય એવી ગતિથી દોડધામ મચી ગઇ. દેશ વિદેશમાંથી નિષ્ણાંતોની ટીમે ગીરમાં ધામા નાંખ્યા. નોંધવા જેવી વાત તો એ છે કે, વન વિભાગને દેશની પ્રતિષ્ઠ સંસ્થાએ સીડીએમ વાઈરસ અંગેની વોર્નિગ આપી હતી. પણ રાજ્યના કેટલાક "ખાતા"ઓમાં હોતી હૈ ચલતી હૈ જેવું ચાલ્યા કરે છે. મૂળ વાત પરપ્રાંતિઓ પર, એક દિવસમાં સાત હુમલાની ઘટનાથી મચી ગયેલા હોબાળાનો અવાજ છેક ઉત્તર પ્રદેશ અને બિહારના મુખ્યમંત્રીઓ કાન સુધી પડધાયો છે.


જેની સીધી અસર ગુજરાતની આવનારી ચૂંટણી પર થાય એવી પૂરી શક્યતાઓ છે. ગુજરાતના અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં થઇને પરપ્રાંતિયો પર હુમલાની કુલ 45 જેટલી ઘટનાઓ બની છે. જેના મૂળમાં સાબરકાઠાના ઢૂંઢર ગામમાં બનેલી 14 માસની બાળકી સાથેના કુકર્મની ઘટના છે. જેની આફ્ટર ઈફેક્ટ અમદાવાદથી લઇને સુરત સુધી આવી છે. જ્યાંથી ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો ગુજરાતને ગુડ બાઇ કહી ચૂક્યા છે. એક જ સપ્તાહમાં 70 ટકા મજૂરો રાજ્યમાંથી રવાના થઇ ગયા છે. બીજી તરફ શાખ સાચવવા પ્રયત્નીશીલ પોલીસે ખાતરી આપી છે કે, સબ કંટ્રોલ મે હૈ.  ઉત્તર પ્રદેશ અને બિહારથી દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાત કમાણી કરવા આવે છે. રાજ્યમાં ભલે શિક્ષિત બેરોજગારી હોય પણ આ મોટાભાગના અભણવર્ગને રોજગારી ગુજરાત જ આપે છે. 

અસ્તિત્વને અસ્થિર કરી દે એવી વાત એ છે કે, આ મજૂરોને કલાકના પૈસા ગુજરાતી શેઠીયાઓ આપે છે. કારણ કે સસ્તી મજૂરી સામે લાંબો અને મોટો ફાયદો આ લોકો જ કરી આપે. ઉપરાંત, કલા-કારીગીરી અને હુન્નરબાજ હોવાને કારણે પૈસા કમાઈ જાણે છે. જોકે, સામ્યતા એ પણ છે કે જે કામ આપણા ભણેલા-ગણેલા લોકો પરેદશમાં કરે છે એ કામ આ લોકો રાજ્યમાં કરે છે. ફેર એટલો જ છે કે ત્યાં ડૉલર છે અને અહીંયા તેની સામે તળિયા ધસતો રૂપિયો છે. ખલિલ ધનતેજવીનો એક સરસ શેર છે. એ માસ્તરની રીત ક્યાં ખોટી હતી? હાથમાં એના સોટી હતી. ફર્ક એ જ છે તારામાં અને મારામાં દીકરા, આજના રૂપિયા કરતા એ મારી પાવલી મોટી હતી. રાજ્યમાં સબ સલામતનું સિગ્નલ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. બીજી તરફ વાસ્તવિકતા એ પણ છે રાજ્યમાં ક્રાઇમ રેટ વધે છે ત્યારે કોઇ પ્રાંત કે પ્રદેશનો રેશિયા કાઢતું નથી. ક્રાઇમ ક્રાઇ હોય છે.



શિક્ષણ, શિસ્ત અને શાંતિમાં માનનારા ગુજરાતમાં એક જ ઘટનાએ છબીના છોતરા કાઢી નાંખ્યા. મોબાઈલ હાથમાં આવ્યા બાદ હથેળીમાં મંગળની યાત્રા કરનારાઓને બુદ્ધિ સાથે બારગાડાનું છેટું થઇ ગયું. ચતુર શેઠીયાઓ આ પ્રજા પાસેથી બળથી નહીં કળથી કામ લેતા. રાજ્યમાં કોઇને મહેનતનું કામ ભાગ્યે જ કરવું હોય છે. આમ પણ રાજ્ય અનેક રીતે કામ કરવા માટે "સેફ" જ નહીં  રેડકાર્પેટ સમાન છે. અસ્તિત્વની ઘાર કાઢવા અને સિદ્ધ થવા માટે આ ભૂમિ ખુબ ફળદ્રુપ છે. જ્ઞાનનો અભાવ હોય ત્યાં ઉશ્કેરનારાઓ તૈયાર જ હોય. માત્ર અમદાવાદમાંથી જ 17 લાખ લોકોએ અલવિદા કહી દીધુ. આ એક એવી ધટના બની જેમાં શેઠ અને મજૂર બંનેના પેટ પર પાટું લાગ્યુ. છેલ્લા ત્રણ દિવસમાં ઉદ્યોગોની સ્થિતિનો વિચાર કરો ત્યા માનસિક રીતે સોજો ચડી જાય એવા હાલ છે. જોકે, રીસર્ચ કરવા જેવો મુદ્દો એ પણ છે કે, શાંતિભર્યા માહોલમાં જ્યા પેટનું માંડ પુરુ થતું હોત ત્યાં બીજા પ્રાંતમાંથી આવીને રાજ્યની સંસ્કૃતિ કોણ બગાડે? આ ધટનાની અસર ચૂંટણી આવતા ભલે ઓસરી જાય પણ તહેવાર ટાણે અસામાજિક તત્વોએ કરેલી ટકોર વાસ્તવિક ટ્રિગરનું કામ કરી ગઈ. ગુજરાત આમ પણ વૈવિધ્યભર્યું રાજ્ય છે. નવીનતાને આવકારે છે અને ઉજવે પણ છે. ત્યાં પ્રાંતવાદનું ઝેર ફેલાવીને હોબાળો મચાવવાથી કીચડ ગુજરાતીઓની છબીને જ ઉડવાનું છે. પણ ગુજરાત શાંતિપ્રિય, નવીનતાને આવકારતુ અને સુખી રાજ્ય છે, હતું અને રહેશે. જે સતત નવા આઇડિયાને આવકારે છે.

Thursday, September 20, 2018

વિસર્જનઃ વિદાય અને વ્હાલ બાદ ફરી સર્જનની શરૂઆત

        
        વિધ્નહર્તા વિદાયનું કાઉનડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ભારત એક એવો દેશ છે જ્યાં વિદાયમાં પણ સેલિબ્રેશન અને સેન્ટિમેન્ટસના દરિયામાં ડૂબકીઓ મારીને ઉત્સવને અનેરો બનાવવામાં આવે છે. દરેક તહેવાર આવે છે અને જાય છે. પણ ગણેશચોથ કદાય એકમાત્ર એવો તહેવાર છે જે ધામધુમથી આવે છે પણ વિદાયમાં પણ ધામધૂમ હોય છે. જોકે, વિદાય વિધ્નહર્તાની હોય કે વ્યક્તિની કાયમ વસમી જ રહેવાની. દીકરીની વિદાય વખતે ભલે વિદાયગીત ગવાતા હોય પણ પિતાથી લઇને સ્વજનોના સિસ્કારા તો હ્દય જ જાણતું હોય છે. જવાનું નિશ્ચિત છે પણ સમય અનિશ્ચિત છે. વસ્તુની સાથે વ્યક્તિની પણ વેલિડીટી હોય છે. આપણે ત્યાં દર વર્ષે રાવણદહનમાં મોંધવારીના રાક્ષસને, ભ્રષ્ટાચારને, અનીતિને, લાંચને, અરાજકતાને, ખોટી દાદાગીરીને અને અત્યાચારને અગ્નિ ચાંપીએ છીએ. એ જ વસ્તું ગણેયવિદાય વખતે કુદરત વ્યથા, દુઃખ, દારિદ્ર, હતાશા અને હૈયાવરાળને પોતાની સાથે લઇ જાય એવી પ્રાર્થના કરવામાં આવે છે.


 
   દુનિયાનો કોઇ પણ કુદરત કોઇને મારવા નથી આવતો. કર્મ ખોટા હોય ત્યાં કુદરતે રૂપ લઇને બધું અકુંશ કરવું પડે છે. દરેક વસ્તું છે એની વિદાય છે જ. આપણ વ્હાલને માણવાને બદલે સેલ્ફીના સેલફોનમાં તાંતણા બાંધીને બેઠા એટલે જ બાપાનો મેસેજ દરેક કાન સુધી પહોંચતો નથી. જવાબદારીઓના જે ભારથી મન જમીનદોસ્ત થયું છે એની સામે બાહુબલી બનવા કરતા બુદ્ધિજીવી બનવું જોઇએ આ બાપાનો મેસેજ છે. સોસાયટીની કૃતિ વિકૃતિમાં ન પરિણામે એનું ધ્યાન રાખવું જરૂરી જ નથી પણ અનિવાર્ય છે. માતા-પિતાની પ્રદક્ષિણાથી સમગ્ર બ્રહ્માંડની યાત્રા પૂરી થઇ ગઇ. પણ એ જ માતા-પિતા સામે વટનો સવાલ થઇને દાવો ઠોકવાનું કોઇ કાનુડો કે શ્રીગણેશ નથી શીખવાડતા. બીજી તરફ શિવ-શક્તિએ પોતાના સંતાનની માથે પોતાના આકાશીકદના સ્વપ્ન સંતાનના દિમાંગમાં ખિલા ઠોકીને બેસાડ્યા ન હતા. તાળી બંને હાથે વાગે એવી વાત છે. વિનાયકની વિદાય સાથે બંને તરફથી નક્કી કરવાનું છે વિદાય ખરેખર કોને આપવાની છે? સૌથી વધુ થાક વિચારોનો લાગે છે. જેને વિદાય આપવી એ ભલાલ દેવની કટ્ટરતા સામે વાર કરવા જેવું કામ છે.





 
         વિચારોની વિદાય આપવી કદાચ સૌથી અઘરું કામ છે. દરેકને પોતાની એક આગવી મેમરી હોય છે. જેને યાદ કરતા ફરી એ જ ક્ષણને જીવવાનું અને વહાલ કરવાનું મન થાય. પરંતુ, એ વહાલ વચ્ચેથી પણ એક્ઝિટને સેલિબ્રેટ કરવામાં મન માયુસ થઇ જાય છે. ગણેશથી લઇને ગાદીપતી સુધીના તમામ લોકોને વિદાય કઠે છે. પણ બાપાએ કદી નકારો કર્યો નથી. બાપા પાસેથી પણ સમજવાનું એ જ છે કે જ્યાં જવાનું છે ત્યાં ઉત્સાહ સાથે કેમ ન જઇ શકાય? જ્યાંથી અંત થાય છે આરંભ પણ ત્યાંથી જ થાય છે. તફાવત માત્ર સમયના અંતરનો રહ્યો છે. જ્યાં કોઇ વસ્તું ઝીરો નહી થાય તો એકમ ઊભું કેવી રીતે થશે? સર્જન કરવું જ હોય તો અંતને બાજુએ મૂકીને ઈંટની વચ્ચે સિમેન્ટ જે રીતે જામી જાય છે એવા અચલ નિર્ણયથી શરૂ કરવું જોઇએ. શું કરવું એ વિચારવું જોઇએ અને શરૂ કર્યા બાદ ખોટા વિચારને અલવિદા કહેવું જોઇએ. સલાહ અને સમજણમાં એક તફાવત છે કે સલાહ પર કોઇનો કોપીરાઇટ નથી જ્યારે સમજણનું અમલીકરણ પર દરેકનો પોતાનો દાવો હોય છે. બાપાને બુદ્ધિના દેવ અને વિદ્યાના પ્રભુ કહેવામાં આવે છે.  પણ શાસ્ત્રોમાં ક્યાંય ગણપતિએ કરેલા દાવા કે વટ માર્યાનો કોઇ ઉલ્લેખ નથી. વળમાં બધુ વહી જાય એના કરતા વળને વહાવીને સર્વત્ર વ્હાલના અગ્રણી બની શકાય છે.

આઉટ ઓફ બોક્સ

લાડવા પ્રસાદીના જ સારા લાગે, બાકી લગ્નથી લઇને લડાઈ સુધીના લડવા દૂરથી રણિયામણા અને પાસેથી બિહામણા જ રહ્યા છે. મીઠાશની મજા લેવાની હોય સજાથી તો શરીર બગડે.

Thursday, September 06, 2018

જીવનના પ્લસ માઇન્સઃ વ્યર્થ થવું એના કરતા વ્યક્ત થવું સારૂ.


જીવનના પ્લસ માઇન્સઃ વ્યર્થ થવું એના કરતા વ્યક્ત થવું સારૂ.

       ટાઇમટેબલના એન્જિન સાથે દોડતી જિંદગીમાં અનેક એવા જંક્શન આવે છે જ્યાં સગાની પરખ થાય અને વ્હાલાની વ્યાખ્યા મળી જાય. બેસ્ટ વસ્તુ પાછળ ક્યારેક વિવાદીત બની જવાતું હોય છે. દરેક વ્યક્તિએ પોતાના ભૂતકાળને બિલોરી કાચમાંથી જોયો જ હશે. એટલે વીતી ગયેલો સમય કાયમ મોટો લાગવાનો. પાસ્ટ કાયમ વિચારોની કાસ્ટ બદલતો રહે છે. બાળપણથી લઇને બુઢાપા સુધી દરેક વ્યક્તિ પાસે પોતાના કોમ્પ્રોમાઇઝની આખી સિરીઝ હશે અને એ પછી મળેલા પરિણામને વિરાટ રૂપ આપીને બોલાતું હશે. હું આટલા કિમી સુધી અપ-ડાઉન કરતો, અમે છ મહિના સુધી કોઇ ખરીદી કરી ન હતી, એ દિવસોમાં તો છૂટક તેલ પણ પરવડે એમ ન હતું. આવા કેટલાય નિવેદનો વાક્યરચનાનો વિચાર કર્યા વગર આપણે વગર તોતડાયે કે અચકાયે બોલીએ છીએ. પરંતુ, જ્યારે કોઇ મળ્યું હોય કે કંઇક મેળવ્યું હોય એ સફળતા વિશે બહું ઓછું બળબળ કરી શકાય છે. બોર્ડમાં ફસ્ટ આવેલો વ્યક્તિ પણ કરેલી મહેનત, કોઇને આપેલા શ્રેય અને લક્ષ્ય સિવાય કોઇ વાત કરોત નથી.

       જીવનના દરેક પાસામાં એક વિષય હોય છે અને એ વિષય સતત સાર્વત્રિક રીતે બદલતો હોય છે. ક્યારેક બિલની ચર્ચા તો ક્યારેક બિડાયેલા પરબિડીયાની સાબિતી. તકલીફ એ છે કે દરેકને પોતાનું માઇન્સ તરત યાદ રહી જાય છે અને પ્લસ વિશે બોલવાનું આવે તો વિચારવું પડે છે. પરિણામ આવે ત્યારે પ્રોસેસની મજાને કોઇ વાગોળતું નથી. વોટ્સએપ અને ફેસબુક-ટિ્વટરની દુનિયામાં અનેક સુવિચારો અને સુફિયાણી વાતો આપણી આંખ સાથે અથડાય છે. પણ પ્રેક્ટિકલની વાત આવે ત્યારે કોઇ પણ લજામણીના છોડ બની જાય છે. વાત કરો એટલે બીડાય જાય. કોઇ પણ મહાપુરુષના જીવનની મહેનતના ઉદાહરણ આપીને એના પરિણામની ચર્ચા કરવામાં આવે છે. એમાં એના પ્લસ અને માઇન્સની વાત હોય છે. આજની સોસાયટીમાંથી આવતા લોકો પાસે કાયમ માઇનસની વાત જ હોય છે. ખરેખર તો દરેકને માઇનસની વાત કરીને સ્વાર્થને સિક્યોર કરવાની ટેવ પડી ગઇ છે. કોણે શું ભોગ આપ્યો એનો હિસાબ દરેકને મોટો લાગે છે. પણ ખુલ્લી કિતાબ રાખીને ભાગ્યે જ કોઇ જીવવા માગે છે.

       દરેક સંજોગોમાં આપણામાં કંઇક પ્લસ થતું હોય છે અને કંઇક માઇનસ થતું હોય છે. સંબંધથી લઇને કેરિયરની સફળતા સુધી દરેક મુદ્દાઓમાં કંઇકને કંઇક પ્લસ હોય છે પણ દરેકને મેળવેલાના સ્થાને ખર્ચેલું યાદ રહી જાય છે. એક કપલની વાત છે, એક વખત બંનેએ નક્કી કર્યું કે, આજથી આપણે માઇનસને લેસન માનીને પ્લસનું પોઝિટિવ પરિણામ આપવા માટે પ્રયત્ન કરીશુ. એક અઠવાડિયા સુધી આ પ્રયોગ ચાલ્યો. પછીથી યુવતી આપમેળે જ ફરિયાદ કરતી બંધ ગઇ. સામે યુવક પણ કોઇ વાતનું વતેસર કરતો બંધ થઇ ગયો. એક વર્ષને અંતે પરિણામ એ આવ્યું કે, મેળવેલી વસ્તુથી લઇને અનુભૂતિની સુધીની  યાદી લાંબી હતી અને ગુમાવેલા ખાનામાં માત્ર સમય હતો. જે સાચી સમજદારી અને સંબંધોનું રિઝલ્ટ આપી ગયો. નેકી કર ઔર દરિયા મે ડાલ, આ માત્ર બોલવા પૂરતું રહી ગયું છે. બાકી આજે તો અભાવ બતાવીને દરિયામાંથી ખારાશને  પણ લોકો ઉલેચી લે છે. પ્લસ કરવાનો બીજો એક અર્થ એ થાય છે કે વ્યક્ત થવું જોઇએ. ગુસ્સો હોય કે અકળામણ, એબસન્સ (ખાલીપો) હોય કે એવીડન્સ, થાક હોય કે ઠોકર, આંસુ હોય કે અકસ્માત એક વખત એ જ તીવ્રતા અને આવેશમાં વ્યક્ત થવાથી હાંફ પછી જે હાશકારો મળે એવી હળવાશ ફીલ થાય છે. સમયની સાથએ રહીને નક્કી કરવાનું છે કે આપણા જ લોકોની વચ્ચે વ્યર્થ થવું કે વ્યક્ત થવું. સામે વ્યક્તિએ પણ આપણા લોકોની વાતને સમજવાની અને સ્વીકારવાની માનસિક તૈયારી ન માત્ર રાખવી જોઇએ પણ એ સ્પેસ પણ આપવી જોઇએ. કહી દેવાનું પણ માત્ર કહી જ દેવાનું ન હોય સમજવાનું પણ હોય જ.

       આઉટ ઓફ ધ બોક્સ...
       કમિટમેન્ટ એવું આપો કે સામેની વ્યક્તિ દુનિયા સામે દાવો કરીને કહી શકે કે, આવું તો મારો વ્યક્તિ કરી જ ન શકે, તમારી કંઇક ભૂલ થાય છે.


ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...