Monday, August 26, 2019

મંદીના ખાડામાં ફસાયું ઓટો સેક્ટર, અનેક ડિલર્સે માર્યા શો-રુમને તાળા

મંદીના ખાડામાં ફસાયું ઓટો સેક્ટર, અનેક ડિલર્સે માર્યા શો-રુમને તાળા

         કાયમ ટોપ ગેરમાં રહેતું ઓટો સેક્ટર જ્યારે આ વર્ષમાં પડી ભાંગ્યું ત્યારે બિઝનેસ ન્યૂઝની હેડલાઈન બની. પરંતુ, દેશના જુદા જુદા ભાગમાં કાર્યરત ઓટો સેક્ટર સાથે સંકળાયેલા યુનિટને તાળા લાગ્યા એ ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે. મઘ્ય પ્રદેશમાં છેલ્લા બે મહિનામાં 31માંથી 8 ડિલરશીપ શૉરુમને બંધ કરવાનો વારો આવ્યો છે. આ શૉરુમ સાથે સંકળાયેલા 300 જેટલા કર્મચારીઓને છૂટા કરવાની નોબત આવી છે. કરોડો રુપિયા રડી આપતા આ ઉદ્યોગને સૌથી પહેલા ફટકો નોટબંધી અને જીએસટીએ માર્યો. ત્યાર બાદ ગાડીઓના રજીસ્ટ્રેશનમાં આવેલી ઓટે અનેક ઉત્પાદનોને મંદીના કિનારે ફેંકી દીધા. એવામાં મારુતી જેવી કંપનીઓએ પોતાના પ્રોડક્શનમાં પાવરબ્રેક મારતા આ ઉદ્યોગ વધુ મુશ્કેલીના મહાસાગરમાં અટવાઈ ગયો. જેની ખારાશ કર્મચારીઓએ ભોગવવી પડી. દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઓટો સેક્ટર સાથે 3.2 કરોડ લોકો જોડાયેલા છે.

            જેની પાછળ રુ.8.33 લાખ કરોડનું રોજગાર છે. પરંતુ, ખાટની ખાડીમાં ખોટકાયેલા ઉદ્યોગમાં છેલ્લા પાંચ મહિનાથી સફળતાની કોઈ ગાડી આગળ વધી નથી. ગત વર્ષ મેકિંગ્સ એન્ડ કંપનીએ અનુમાન લગાવ્યું હતું કે, 2021 સુધીમાં ભારતમાં ફોર વ્હિલર્સ અને ટુ વ્હિલર્સનું માર્કેટિંગ દુનિયામાં ત્રીજા ક્રમે હશે.પરંતુ, હાલની સ્થિતિએ મંદીના ખરાબ રસ્તા પરથી ગોકળ ગાયની ગતિએ પસાર થતું ઓટો સેક્ટર હજુ કેટલાયની નોકરી ભરખી જશે. જોકે, આ ક્ષેત્રથી સમગ્ર અર્થવ્યવસ્થામાં ભૂકંપ જેવો આંચકો અનુભવાયો છે. છેલ્લા પાંચ વર્ષથી ઓટો સેક્ટરમાં કોઈ ટાર્ગેટ રેકોર્ડ બ્રેક થયો નથી. કાર ઉત્પાદકો માટે અત્યારે સ્થિતિ વેન્ટિલેટર પર રખાયેલા દર્દી જેવી છે. આ ઉપરાંત કાર અને બાઈક્સના પાર્ટ બનાવતી નાની કંપનીઓ ઉત્પાદનને લઈને ચિંતામાં છે. પાંચ ઓગસ્ટે મોદી સરકારે હિમાલય જેવડા કરેલા મોટા નિર્ણય પાછળ આ વાસ્તવિકતા બહુ નાની કક્ષાએ વીંટાઈ ગઈ. ઓટો સેક્ટર સાથે જોડાયેલા સર્વિસ બિઝનેસમાં થોડી રાહત છે કારણ કે, સેકન્ડ હેન્ડ ગાડી લઈને પણ કંપનીમાં સર્વિસ માટે આપનારો વર્ગ મોટો છે.

             દેશની જીડીપીમાં  મેન્યુફેક્ચરિંગ ઓટો સેક્ટરનું પ્રદાન 22થી25 ટકા છે. પરંતુ, હાલમાં અન્ય કોમોડિટીના ભાવમાં થયેલા વધારાથી ખરીદનારો ઘટતા અર્થ વ્યવસ્થા થોડી ડામાડોળ છે. ઓટોમેટિવ મેન્યુફેક્ચરિંગ એસો.ના પ્રેસિડેન્ટ રામ વૈકંટરમણીએ જણાવ્યું હતું કે, આ જ સ્થિતિ યથાવત રહી તો દસ લાખ લોકો બેરોજગાર થશે એટલે કે કુલ રોજગારીના 30 ટકા છટણી થશે. પીએમ મોદીએ ગત ચૂંટણીમાં નોકરી આપવના મુદ્દે પ્રચાર કર્યો હતો. પણ બીજી ટર્મ શરુ થતા પીએમે ટ્રિલિયન ઈકોનોમીની વાતને દાવા સાથે રજૂ કરી પરંતુ, શાકભાજી, સોનું-ચાંદી, પેટ્રોલ ડીઝલ અને હવે ઓટો સેક્ટરમાં મંદી અજગરે ખોલેલા મોઢથી નોકરીઓ સ્વાહા થઈ રહી છે. કર્મચારીઓ અને કારગરોની આવકનો ક્લચ થતા ડિમાન્ડનું લીવર ખૂબ ધીમી ગતિએ પ્રેસ થઈ રહ્યું છે.

             બીજી તરફ દેશના મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા ઓટો સેક્ટરના અતિ મહત્વના રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે આ મંદી રાજકીય વાતાવરણને સીધી રીતે ડહોળી શકે છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટો મોબાઈલ મેન્યુફેક્ચરન્સના રીપોર્ટ અનુસાર ગત વર્ષે 18.2 લાખ વાહનોના વેચાણ સામે 16.8 લાખ વાહનો જ વેચાયા છે. માત્ર કારમાં જ નહીં પણ ટુ વ્હિલર્સમાં પણ ખોટની ખારાશ ઓટો સેક્ટરને કાટમાં ફેરવી રહી છે. બેન્કોની વાહનલોન સર્વિસ પણ સરળતાથી પ્રાપ્ય હોવા છતા હવે કોઈ ઈએમઆઈમાં પડવા માંગતું નથી. બીજી તરફ ગાડીની અન્ય સર્વિસ પણ મોંઘી થઈ રહી છે. જેમ કે, મેઈટેનન્સ. આ ઉપરાંત જીએસટી લાગું થતા કારની કિંમત સાતમા આસમાને છે. મુંબઈમાં સુઝુકીના સૌથી જૂના શૉરુમના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી ડીલર્સ હાલાકીનો સામનો કરી રહ્યા છે.

           બુકિંગ અને સેલિંગમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓટો મોબાઈલ સેક્ટરમાં આઘાતના અથડાતા મોજાથી આ સેક્ટરમાં સાતત્ય જળવાશે કે કેમ તે આશંકા છે. તહેવારોની સીઝનમાં પણ કોઈ નોંધપાત્ર માંગ નથી. દિલ્હી, અમૃતસર, જયપુર, મુંબઈ, અમદાવાદ, સુરત અને બેંગ્લોર જેવા મહાનગરમાં સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ ધમધમી રહ્યું છે. આ પાછળના બે કારણ એ છે કે, એક તો ઓલા-ઉબેર જેવી રાઈડર કંપનીઓ ઓછા કમિશનથી પણ સર્વિસ આપી રહી છે. આવી સર્વિસમાં આવી સેકન્ડ હેન્ડ કાર દોડી જાય છે. બીજુ એ કે, કોઈ પણ ફેમેલીને શૉરુમની કિંમત કરતા સેકન્ડ હેન્ડની કિંમત પરવડે છે. દિલ્હીના ડીલર્સ કહે છે કે, સમગ્ર દેશના ડીલર્સ હાલમાં અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરી રહ્યા છે. માર્કેટની આટલી ખરાબ હાલત અગાઉ ક્યારેય જોઈ નથી. દરેક ડીલર્સ કટઓફ કરવના મૂડમાં છે. આ ચિત્રની પાછળ નોટબંધી અને જીએસટી તો જવાબદાર છે જ. પરંતુ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કરેલા નિયમોના ફેરફાર પણ છે. આ ઉપરાંત નાના ઉદ્યોગના ઉત્પાદનમાં આવેલું કટઓફ મોટી કંપનીઓને આર્થિક ડામ દઈ જાય છે. એવામાં ટ્રિલિયન ઈકોનોમી કેવી રીતે થશે એ માટે હવે વેઈટ એન્ડ વોચ.

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...