Sunday, November 24, 2019

ટેલિકોમ કંપનીઓએ સર્વિસ ચાર્જ વધાર્યા- યે તો હોના હી થા

ટેલિકોમ કંપનીઓએ સર્વિસ ચાર્જ વધાર્યા- યે તો હોના હી થા

રીલાયંસ જીઓ ફ્રી સર્વિસ પર એકએક ભાવ લાગુ કરીને મફત સર્વિસનો વકરો એક જ વર્ષમાં ઊભો કરી લીધો. જોકે, કોલિંગથી લઈને તમામ સર્વિસ ફ્રી આપતા અન્ય ખાનગી કંપનીઓના પેટમાં ઓઈલ રેડાયું. આ તમામ કંપનીઓએ પણ જીઓના રીચાર્જની રકમ જેટલા ભાવમાં તમામ સર્વિસ ફ્રી કરી દીધી. એક એવો પણ સમય હતો જ્યારે રુ.250માં 1GB ઈન્ટરનેટ ડેટા વાપરવા માટે મળતો. એમાં પણ વોટ્સએપ તો એક વાર ચેક કરીને બંધ કરી દેવું પડતું. આવી સર્વિસમાં તો યુટ્યુબ તો ભૂલથી પણ ખોલ્યું એટલે ગયા સમજો. એવામાં જીઓએ ખરા અર્થમાં ક્રાંતિ લાવી. પરંતુ, આઈડિયા અને વોડાફોનના મર્જર પછી કંપનીના આર્થિક રીતે છોંતરા નીકળી ગયા. એવામાં સરકાર અને સુપ્રીમ બંનેએ આદેશ કર્યો કે, પહેલા 52 હજાર કરોડ રુપિયા જમા કરાવો. એમાં તો આ રેલો કંપનીના CEO સુધી પહોંચી ગયો. હવે જ્યારે અઢીસો રુપિયામાં ઈન્ટરનેટ સર્વિસ લેનારા લોકોને જ્યાં નેટવર્ક નહીં મળતું હોય અને પૈસા વેડફાયાનો અહેસાસ થયો હશે ત્યારની સ્થિતિ હાલમાં એ જ કંપનીના સીઈઓ અનુભવી રહ્યા છે. ગ્રાહક એક રીતે તો ખુશ હશે જ કે, કંપનીના પદ્માસનની નીચે પાણી આવ્યું એટલે એને ધમપછાડા કર્યા. દેશમાં હજારો એવા વિસ્તારો છે જ્યાં વાત કરવા માટે પણ નેટવર્ક મળતું નથી અને એવામાં 'સાહેબ' દેશને ડિજિટલ ઈન્ડિયા કરવાની જફા કરે છે. જીઓએ પણ પોતાના નેટવર્કને મજબુત કરવા માટે સ્માર્ટ ગેમ માર્કેટમાં શરુ કરી. જીઓ ટુ જીઓ ફ્રી અને બાકીના નેટવર્ક પર ચાર્જિસ. એટલે સર્વે કરવો સરળ થશે કે, જીઓ સબસ્ક્રાઈબર્સ કેટલા છે? એક તીર બે નિશાન. પૈસા કમાવવાના રસ્તાઓ આસાન.

ટેલિકોમ કંપનીઓએ પોતાના રેટ વધારી દીધા છે. મોટા ભાગની કંપનીઓએ આ પડધારુપી એલાન કરી દીધું છે. ડિસેમ્બર 2019થી મોટા ભાગની ટેલિકોમ કંપનીઓની સર્વિસ મોંઘી થવાની છે. જ્યારે માર્કેટમાં રેટ ડાઉન કરવા માટેની સ્પર્ધા ચાલતી હતી ત્યારે પણ સરકારી કંપની બીએસએનએલે મોડે મોડેથી ઝંપલાવ્યું. હવે જ્યાં ચાર્જિસ વધારવાની વાત છે ત્યારે પણ તે મોડી પડી છે. એટલે સરવાળે નુકસાન સરકારને. એક તરફ આ જ કંપનીના કર્મચારીઓને પગારના ફાંફા છે ત્યાં હવે ભાવ વઘારો કરીને કર્મચારીઓનું ભલું થતું હોય તો ઐસા હી સહી. વોડાફોન અને આઈડિયાનું દેવાળું ફૂંકાવવાના આરે છે. બંને કંપનીઓને એવી આશા હતી કે, સરકાર રાહત આપશે પણ અપેક્ષા પર સુનામી ફરી વળી. શિયાળાની પા પા પગલી થઈ રહી છે ત્યારે વાતાવરણમાં ભલે કોઈ ઝાકળ જોવા ન મળે. પણ ટેલિકોમક્ષેત્રે અનિશ્ચિતતાનું ગાઢ ધુમ્મસ છે. હવે ભાવ વધારો કરીને કંપનીઓ ખોટની ખાડીમાંથી કેટલા સમયમાંથી બાહર આવે છે એ જોવાનું છે. આ સ્પર્ધામાં સરવાળે સલાડની જેમ કપાવવાનો તો કસ્ટમર જ છે. કસ્ટ કરીને મર. આર્થિક શક્તિનું સામર્થ્ય ભલે કંપનીઓ પાસે રહે પણ ખોટની ખીણ ખૂબ ઊંડી છે. ગ્રાહક જેની પાસે મર્યાદિત હક છે તે. તેથી એમના ખિસ્સામાંથી વધુ રકમ સરકવાની છે. પરંતુ, જ્યારે જીઓ માર્કેટમાં 'ફ્રી'માં આવ્યું ત્યારે જ નક્કી હતું કે, ભાવ એવી રીતે લાગુ થશે કે, કાર્ડ ફેંકી પણ નહીં શકાય અને રાખી પણ નહીં શકાય. કારણ કે, આદત સે મજબુર. વાઈફાઈ પ્રોવાઈડ કરતા સર્વિસ પ્રોવાઈડર્સ મોહાનગરોમાં સફળ છે. પણ નાના શહેરોમાં સંતોષની ટકાવારી સિંગલ ડિજિટમાં છે. કારણ કે, સ્કિમ, ઓફર્સ, સર્વિસ અને સબસ્ક્રાઈબર્સ જે મહાનગરમાં મળે છે એ નાના શહેરોમાં નથી. કારણ કે, બ્રાંચ ઓફિસ સુધી કોઈ સ્કિમ આવતી જ નથી. એટલે વધુ પૈસા ચૂકવીને પણ ગ્રાહકને સંતોષ તો નથી જ. દા.ત. અમદાવાદમાં નવા વાઈફાઈ ક્નેક્શનમાં ફાયબર ઓપ્ટિક આવી ગયા પણ રાજકોટ-જામનગર જેવા શહેરમાં ફાયબર ઓપ્ટિક કેબલ માટે ચાર્જિસ વસુલાય છે. એક સમયે જ્યારે ભારતમાં મોબાઈલ ફોનની ઈન્કમિંગ સુવિધા ઉપર પણ ચાર્જ વસુલાતો હવે રીચાર્જ રકમ વધારી દેવામાં આવી છે. કેટલો મોટો કોન્ટ્રાસ.! દુનિયાના બીજા દેશમાં ટેલિકોમ રેટ સસ્તા છે અને ભારતમાં ભાવ વધારો ચાલે છે. મંદી નથી એનો બેસ્ટ પુરાવો. દરરોજ રીચાર્જ તો થાય જ છે.

દુનિયાની કોઈ પણ ફ્રી સર્વિસની વેલિડિટી નિશ્ચિત હોય છે. સમગ્ર ભારતમાં 1.2 અબજથી પણ વઘારે મોબાઈફોન ધારકો છે. નવા ગ્રાહક થવાનો રેશિયો ઓછો થઈ રહ્યો છે. એવામાં કંપનીઓ પાસે એકમાત્ર સ્કિમ હતી કે, તેઓ ઓછામાં ઓછા રીચાર્જ રેટ આપીને ખોબો ભરાય એટલી અઢળક સુવિધા મફત આપે. જેથી અન્ય કંપનીઓના ગ્રાહકો પોર્ટેબિલિટીના માધ્યમથી પોતાનામાં શિફ્ટ થાય. છેલ્લા ત્રણ વર્ષમાં પોર્ટેબિલિટી કરાવનાર ગ્રાહકોની ટકાવારી નોંધપાત્ર રીતે વધી છે. માત્ર અમદાવાદમાં જ આ ટકાવારી 80 ટકા સુધી પહોંચી છે. જેનું પરિણામ એ આવ્યું કે, ફદિયા ફોરમની માફક ઉડ્યા અને કર્મચારીઓ ફાફડા ગાંઠિયાની માફક લાંબા થઈ ગયા. ટૂંકમાં અસ્તિવ ટકાવવી રાખવા કરો યા મરો જેવી સ્થિતિ સામે આવી. કંપનીઓએ આસમાની કિંમત પર ઈન્ટરનેટ સર્વિસ માટેના સ્પેક્ટ્રમ ખરીદેલા હોય છે. હવે સમયે એવો છે કે, સરકારે પણ પોતાની ટેલિકોમ પોલીસીની સ્પષ્ટતા કરવી પડે. કારણ કે, દેશ સ્પેક્ટ્રમ કૌભાંડનો સાક્ષી છે. 4G બાદ હવે 5G સર્વિસ શરુ થવાની છે. જ્યાં વાત કરવા માટે શેરીમાં જવું પડે ત્યાં વધુ એક વિશાળ પરપોટો ડોકિંયુ કરવાની તૈયારીમાં છે. માર્કેટમાં હકીકતે મંદીનો માહોલ છે ત્યારે હવે ટેલિકોમ કંપનીઓ કિંમત વધારવાના મૂડમાં છે. આર્થિક ક્ષેત્રે એક એક પગલું સમજી વિચારીને ભરવું પડે. કારણ કે, આ એક બેવડી અસર જેવું ફિલ્ડ છે. દરેક જગ્યાએ થોડી થોડી અસર તો થાય જ. હરિફાઈ હોવા છતા ટેલિકોમ સર્વિસ ગુણવત્તાની દ્રષ્ટિએ કંગાળ છે. કોલ ડ્રોપની સમસ્યા પર કોઈ ઉકેલનું પુર્ણ વિરામ લાગ્યું નથી. કંપની દર વધાવાની સાથે કોઈ ગુણવત્તા સુધારશે ખરા? લોકો પૈસા આપવા માટે મજબુર છે પણ બેસ્ટ સર્વિસ માટે કોઈ ઉકેલ હોવો જોઈએ.


અર્થતંત્રમાં સુસ્તીનું હવામાન હોવા છતાં નાણામંત્રી કંપનીઓને રાહત આપવાની વાત કરે છે. સ્પેક્ટ્રમની હરાજી માટે સરકારે બે વર્ષ સુધી બ્રેક મારી દીધી છે. પરંતુ, કંપનીઓએ સરકારે કરેલા આદેશનું પાલન કરી પૈસા તો ભરવા જ પડશે. ટેલિકોમ સેક્ટર પર રુ. 7.88 લાખ કરોડ રુપિયાનું દેવું છે. હજુ પણ રોમિંગને લઈને ગ્રાહકોને સંતોષ નથી. ટેલિકોમ કંપની પર લાગેલી પેનલ્ટી પણ ભારે છે. જેની સામે સરકાર કોઈ નમતું જોખવાની તૈયારીમાં નથી. આમ પણ દેશમાં વસુલવા માટેના માધ્યમો અનેક છે પણ આવકના સાધનો લિમિટેડ છે. પેમેંટ લેવા માટે રાહ જોવી પડે છે, જ્યારે ચૂકવવા માટે તો એપ્લિકેશનની ભરમાર છે. આવી સ્થિતિમાં કોઈ કંપનીને તાળું લાગી જાય તો નવાઈની વાત નહીં. નાણામંત્રી સીતારામણ નથી ઈચ્છતા કે, કોઈ કંપનીઓ બંધ થાય. કારણ કે વિદેશી કંપનીઓને દેશમાંથી લોક લાગે તો આબરુના ધજાગરા થાય. કારણ કે, વડા પ્રધાન મોદી પરદેશમાંથી દેશમાં પૈસા રોકવા માટે હાંકલ કરી રહ્યા છે. આવી સ્થિતિએ ખખડધજ સંજોગમાંથી સુધારાનો માર્ગ એ રીતે ધમધમવો જોઈએ જેથી દરેક સર્વિસ ગુણવત્તા યુક્ત  મળી રહે.

આઉટ ઓફ ધ બોક્સ
સૌરાષ્ટ્રના ઐતિહાસિક સ્થાપત્યોને ખાનગીકરણનો સ્પર્શ આપવામાં આવે તો ફિલ્મ ઉદ્યોગની અનેક ફિલ્મનું શુટિંગ ગુજરાતમાં થઈ શકે. રોજગારી સર્જનનો એક માર્ગ વિકસી શકે.

Sunday, November 17, 2019

લિટરેચર ફેસ્ટિવલઃ ઈવેન્ટ ઉત્સવમાં ફેરવાઈ ગઈ

લિટરેચર ફેસ્ટિવલઃ ઈવેન્ટ ઉત્સવમાં ફેરવાઈ ગઈ

થોડા દિવસ પહેલા એક નેશનલ ચેનલે હિન્દીનો સાહિત્ય ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો. બ્રેકિંગ ન્યૂઝમાં થોડા સમય માટે બ્રેક મારીને લોકો કલ્પનાની નદીમાં શબ્દોના સથવારે વિહાર કરવા લાગ્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે, આવા ઉત્સવમાં સૌથી વધારે દેશનો યુવાવર્ગ જોડાયો હતો. નવી પેઢી કંઈ છાપા-થોથા વાંચતી નથી એવો દાવો કરનારા માટે આ ઘટના એક ઉદાહરણ છે. ગમે તે વાચવું એના કરતા જે ગમે છે એ પૂરેપુરું વાંચવું આ વાતમાં એક નવો નિશ્ચિત યંગસ્ટર માને છે. જયપુર ફેસ્ટિવલ શરુ થવાને ગણતરીના દિવસો બાકી છે. બીજી તરફ અમદાવાદમાં સાહિત્યનો શંભુમેળો અને અનેક પ્રકાશકોનો પુસ્તક મેળો શરુ થઈ ચૂક્યો છે. અગાઉ સાહિત્ય એક નિશ્ચિત વર્ગ પૂરતું સિમિત હતું. પણ નવી પેઢીએ આ ક્ષેત્રે પોતાની કૃતિ પર વાહ વાહ મેળવીને ટેસ્ટ અને નેસ્ટ બંને બદલી નાંખ્યા. કલ્પનાને શબ્દો આપવા એટલે જ સાહિત્ય નહીં. પણ સત્ય ઘટનાઓને એના મૂળ કે હકિકત બદલ્યા વગર લખવું એ પણ કળા છે. કારણ કે કોઈ પણ ક્ષેત્રમાં પરિવર્તન એ જીવંત હોવાની નિશાની છે. ટૂંકો ઈતિહાસ અને લાંબુ ભવિષ્ય આલેખવા માટે પણ અધ્યયન જોઈએ. કોઈ પણ સર્જન કે સર્જકને પુરસ્કાર મળ્યો જ હોય છે. જેને ન મળ્યો હોય એ મેળવવાના પ્રયત્નોમાં હોય છે. કંઈ ખોટું નથી પણ પુરસ્કારે સાહિત્ય ક્ષેત્રે પણ વિવાદનો વંટોળ ઊભો કર્યો છે એના પણ દેશમાં પુરાવાઓ છે. યાદ કરો એ ઘટના જ્યારે મુન્નવર રાણા એક પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલના ટેબલ પર પોતાના એવોર્ડ મૂકીને આવ્યા હતા. સોશિયલ મીડિયા પર થતી કવિઓની મજાકને લઈને મામલો ગરમાયો હતો. એક્સિડન્ટલ પ્રાઈમ મિનિસ્ટર. આ ફિલ્મ નહીં જોવાઈ હોય એટલી વંચાય ચૂકી છે. કારણ કે વિવાદના વાવાઝોડામાં ફંગોળાઈ ગઈ હતી.
લિટરેચર ફેસ્ટિવલ એટલે શૃંગાર, વીર, શાંત, રૌદ્ર, ભયાનક અને હાસ્ય રસનું મિલન સ્થળ. આ તમામ ફ્લેવરના નિષ્ણાંતોને બોલાવીને આયોજકો વાર્તાલાપ કરાવે અને લોકો રસપાન કરે. પણ સમયના સેકન્ડ કાંટે બદલતી દુનિયામાં હવે સાહિત્ય સંપત્તિ સર્જન સુધી પહોંચી ગયું છે. મરીઝ પાસે પોતાની ગઝલ વેચવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. એ સમયે એમના જીવનમાં. પણ આજે સર્જકોના સંપત્તિ તૃષ્ટિગુણ દરિયાની ઊંડાઈ કરતા પણ વધું ઊંડા બન્યા છે. સર્જક પેટ ભરવા માટે સર્જન કરે છે. એ સારી વાત છે પણ સર્જન કરવા માટે ગમે તેવું કરે એ તો યોગ્ય નથી. ગામને હવા ભરીને ખિસ્સા ભરનારાઓની એક આખી લોબી આ ક્ષેત્ર સક્રિય થઈ છે. આપણે ત્યાં કેવા અને કેટલા લેખકો છે એ તમામને દરેકની ખબર જ છે. શું ખૂંટે છે એની ચર્ચાઓ દાયકાઓથી ચાલતી આવી છે. આ બધા વચ્ચે એક એવી પણ મસ્ત પેનલ છે જે પ્રિન્ટિગની મોહતાજ નથી. ઓનલાઈન પ્લેટફોર્મ પર એમનો ચાહક વર્ગ બહોળો છે. આમ પણ કોણ વાંચે છે એના કરતા અભિવ્યક્તિની નિજાનંદ વૃતિથી આ પ્રવૃતિ થવી જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. આ પ્રકારની ઈવેન્ટ હવે ઉત્સવમાં ફેરવાય ગઈ છે. જેના કારણે દિમાંગને શીર્ષાસન કરાવીને, કોઈ ચોપડીમાંથી નહીં પણ ખોપડીમાંથી રચના કરનારાઓના અચ્છે દિન આવ્યા છે. પ્રતિષ્ઠિત ચહેરાઓની આખી ટીમ જે રીતે આવા ઉત્સવોને જીવંત કરે છે એમ નવા ચહેરાઓ આવી પ્રવૃતિને ખરા અર્થમાં પ્રોત્સાહિત કરે છે એને પણ વાસ્તવિક સ્ટેજ મળવું જોઈએ. બ્લોગર, સ્લોગન રાઈટર્સ, જિંગલ રાઈટર્સ અને ફીચર્સ સ્ટોરી રાઈટર્સને પણ લોકો ઓળખે એ જરુરી છે. પૈસા કે પ્રસિદ્ધિ માટે નહીં પણ પોતાનામાં પ્રેમ રસ ઉમેરવા માટે. ચાહક વર્ગ ઊભો કરવા નહીં પણ ચોઈસના વેરિએશન માટે. સર્જકોને આ પ્રકારના ઉત્સવે સ્ટાર બનાવી દીધા છે. પણ દર વર્ષે એક નવી ટીમને સ્ટેજ મળે એવા પણ પ્રયાસો જરુરી છે. એમાં બોલિવૂડના નિર્માતાઓ, વાર્તાલાપ, પ્રશ્ન-જવાબ અને કવિ સંમેલન જેવી ઈવેન્ટથી આખા દિવસનું સાહિત્ય ભાથુ શેડ્યુલ થઈ જાય છે.

વ્યક્તિને બ્રાંડ બનાવવા કરતા ક્ષેત્રની કૃતિઓને આઈકોન બનાવવામાં આવે તો સર્જક આપમેળે યાદ રહી જાય. અનેક વખત એવું બન્યું છે કે, ફેસ્ટિવલમાં ભોપાળું થયું હોય. હાઈપ ઊભી કર્યા બાદ હોબાળો મચી ગયો હોય, ચકલી નાની ને ફૈડકો મોટો, શિસ્ત સાઈડમાં રહી જાય અને સેલિબ્રિટી હોવાનો ભપકો ઊભો થાય. સ્ટોલની મારામારી અને લોકેશન માટે ઈન્વેનશનના ભુક્કા બોલી જાય. લો પ્રોફાઈલ રહેવું જોઈએ એવું લખનારા કે બોલનારા ગ્રાઉન્ડ રિયાલિટીમાંથી જરુર આવે છે. પણ કેવી રીતે આ વિષય કે ક્ષેત્રને નવા આયામ નવા ચહેરા થકી આપી શકાય એની ફ્રી ટિપ્સ ભાગ્યે જ કોઈ આપે છે. મોટા ભાગે તો કેમ શરુઆત કરીને પ્રિન્ટ સુધી પહોંચી શકાય એની વાત જ નથી કરતું. કારણ કે દુકાન બંધ થઈ જવાની બીક અંદર આટા મારતી જ હોય છે. નીડર હોવાનો ડંકો માત્ર શબ્દો થકી જ વ્યક્ત થાય. પણ ચાર નવા માણસોને તૈયાર કરીને ટીમવર્કની તો ગટરગંગા વહાવી દે. આ વસ્તુઓ થયેલી છે અને એક દિવસના રીચાર્જની જેમ સુકાઈ પણ ગઈ છે. આવા કાર્યક્રમોથી સાહિત્યના વિષયોના અનેક દ્વાર ખુલ્યા છે એ પણ હકીકત છે. ટેન્ટવાળાથી લઈને માઈક વાળા સુધીના લોકોને પબ્લિકના પૈસે રોકડું કામ આપ્યું છે. રોયલ્ટી જુદી. આ જ સમયની કે ઉત્સવની સમાંતર હોટેલવાળાઓ કમાયા છે. સારી વાત છે હર તરફ રોજગારી રોજગારી. સૌથી મોટું ધ્યાનાર્ષણ આવા સંચાલનો મોટા ભાગે ખાનગી રેડિયો ચેનલના જાણીતા ચહેરાઓના માથે જ હોય છે.

          કામના અર્થે ફોન પણ ન ઉપાડનારા આ ચહેરા પબ્લિકમાં જઈને સેલ્ફિ પડાવી પોતે જમીન સાથે જોડાયેલા હોવાના પરાણે પુરાવાઓ આપે. પાછો આ લોકોને ચાહક વર્ગ પણ જબરો હોય. આનંદની આ પ્રવૃતિઓમાં આજીવિકાની પ્રોફાઈલ ધીમે ધીમે મજબુત થઈ રહી છે. એમાં કંઈ વાંધો નથી. પણ ચાલેલા અને લોકપ્રિય જ વ્યક્તિઓનું સ્થાન વારંવાર આવે તો નવાને પણ ચાન્સ જરુરી છે. જોકે, આ માટે દિલ્હીમાં એક સમયે થયેલા ફેસ્ટિવલના કોનસેપ્ટને ફોલો કરવો જોઈએ. જેમાં નવા લોકોને સન્માન પુરસ્કાર અને મંચશેર. જેમાં કેમ બોલવું અને કેવું બોલવું એની તાલિમ અપાય છે. જેથી તે આગળ સર્જન કરવા પ્રેરાય. પછી એનું ખિસ્સું ભરાય છે. આપણે ત્યાં સ્થિતિ શું છે એ ખ્યાલ જ છે. ગજવું પહેલા પછી ભલેને સર્જન ગજા બાહરનું હોય. પહેલા સાહિત્ય મંદિર પૂરતું હતું, પછી રાજવી દરબારોમાં આવ્યું, પછી ફિલ્મ કંટેન્ટ બન્યા અને હવે ફેસ્ટિવલમાં બદલ્યા. આ ક્ષેત્રની બજાર જ બ્રાંડ બની ગઈ. પ્રકાશકો આઈકોન થયા. હવે મૂળ વાત છે રુપિયાની. તો એક એક સેશનના હજારો લાખો રુપિયા લેવામાં આવતા હોય છે. સેલિબ્રિટી થયા એટલે સર્જક ઓછા લાકડે ન જ બળે. હવે એક તરફ લૉ પ્રોફાઈલ અને બીજી બાજું આવું. હકીકતે તો આવું કામ નજીવી રકમથી કરવું જોઈએ. વધુ આર્થિક ફાયદો નવાને દેવો જોઈએ.

Wednesday, November 13, 2019

સેલિબ્રિટી વીડિયોઃ અનોખા અખતરા કરી જાય છે બેસ્ટ અપીલ

સેલિબ્રિટી વીડિયોઃ અનોખા અખતરા કરી જાય છે બેસ્ટ અપીલ

ફિલ્મ જગતની સેલિબ્રિટી શું કરે અને કેવું કરે છે તેના પર સૌની નજર હોય છે. એ પછી તૈમુરનો નવો ફોટો હોય કે રામ મંદિર પર આપવામાં આવેલી તીખી પ્રતિક્રિયા. દીપિકા પદુકોણથી લઈને ડેઝી શાહ સુધી, દીલિપ કુમારથી લઈને દિલજીત દોસાંજ સુધી સૌ કોઈ રીલ લાઈફ સિવાય પોતાની પસંદ-નાપસંદ અંગે સમયાંતરે કોઈ પ્લેટફોર્મ પરથી પોતાની વાત કહેતા હોય છે. કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થયા બાદ ફિલ્મ ક્ષેત્રના અનેક કલાકારોએ પોતાના દ્રષ્ટિકોણને શબ્દો આપ્યા હતા. ઓનલાઈન માધ્યમની ડિજિટલ દુનિયામાં સમયાંતરે અનેક સેલિબ્રિટીઓના કેટલાક વીડિયોએ લોકોને સીધી અપીલ કરી છે. દીપિકાના માય સ્પેસ વીડિયોએ સિંગલ વુમન માટે એક આખો માહોલ ઊભો કર્યો હતો. એ વખતે ઘણી યુવતીઓએ હેશટેગ સાથે પોતાની ફેસબુક વોલ પર અભિવ્યક્તિ ઠાલવી હતી. આ વીડિયો અમુક યુવતીઓના સ્ટેટસ ઉપર પણ રહ્યો. તાજેતરમાં સુપર ટેલેન્ટેડ એક્ટર આયુષ્માન ખુરાનાનો જેન્ટમેન વીડિયો જાહેર થયો છે. આ વીડિયો પણ અનેક કહેવાતા 'જેન્ટલમેન' નું સ્ટેટસ બન્યો છે. વીડિયો સારો છે. બેસ્ટ છે, શ્રેષ્ઠ છે. જેમાં ખરા મર્દનો ટેસ્ટ છે.

       એક એવો સમય હતો જ્યારે અમિતાભ   બચ્ચનની ફિલ્મ મર્દનો ડાયલોગ 'મર્દ કો કભી દર્દ નહીં   હોતા' અનેક યુવાનોનો ફેવરિટ હતો. એવામાં ડૉક્ટર   સામે કેટલાક ખમતીધરો કહેતા કે 'મર્દ કો કભી દર્દ   નહીં  હોતા'. પણ ભાઈ દર્દ નહીં થાય એવું કહીશ તો   પેલો સારવાર શાની કરશે. વુમન એમ્પાવરમેન્ટની   પીપુડી વગાડતા કેટલાક નામી લોકોનો આખો સમુહ   'માય સ્પેસ'ની તરફેણ કરતો હતો. દરેક વ્યક્તિને પોતાની સ્પેસ મળવી જોઈએ. સારી વાત છે. પણ પોતાની સ્પેસમાં કોઈને ગેસ થઈ જાય એવી સમસ્યા તો ન જ થવી જોઈએ ને..! મર્દના ડાયલોગ પર સમાજની વિચારાધારા સેટ થયેલી. છોકરો રડે તો કહેવાય કે, બાયલો છે. પણ બોસ એને પણ દિલ છે એટલે હાર્ટમાં દુખે છે. બેક પેઈન કરતા અંદરથી થતા ચેસ્ટ પેઈનને સમજનારા જુજ હોય છે. સ્વીકારનારાઓની વાત તો પછી. એવામાં આયુષ્માન ખુરાનાના જેન્ટલમેન વીડિયોએ મસ્ત અપીલ કરી. કુલ હું પર ફૂલ નહીં હું. બિન્દાસ્ત દેખાતો બોય મુર્ખ ન હોય. મસ્તીની મોજની સાથે એને પણ એક રસ્તાની ખોજ હોય છે. જે રીતે વિદ્યા બાલનની સાડીથી યુવતીઓની ફેશનનો ટ્રેન્ડ બદલ્યો એમ 'જેન્ટલમેન'ની આયુષ્માનની સ્પીચથી પુરુષની દીર્ધદ્રષ્ટિનું બેસ્ટ પ્રેઝન્ટેશન સામે આવ્યું. જે દરેક પુરુષની હકીકત છે. વોઈસ ઓફ એવરી બોય'સ હાર્ટ. સૌથી વધુ સેલિબ્રિટીઓની જે વાત ફોલો થાય છે એ છે એમના ડાયેટ પ્લાન. બીજા નંબરે ફેશન. યુટ્યુબ પર અક્ષક કુમારની ફીટનેસનો વીડિયો એના જ અવાજમાં ફરે છે. જે લાખો વખત પ્લે થઈ ચૂક્યો છે. કેસરીના મેકિંગ વખતેનો વીડિયોમાંથી સત્ય ઘટનાની વાત જાણવા મળી.

રીતિક રોશનના અનેક ડાન્સ વીડિયો તેના ડાન્સિગ કોચ સાથે છે. જે ઢંગધડા વગર ટાટિયા ઉલારનારાઓ માટે બેઝિક્સ છે. આલિયા ભટ્ટે પોતાના અવાજમાં ગાયેલું ગીત 'ઈક કુડી જિદા નામ મહોબ્બત' અનેક યુવતીઓનું ફેવરિટ હોવાનું. આ ટેલેન્ટ જોવા માટે ટિકટોક કરવું પડે. પ્રરેણાસ્ત્રોત બનતા સેલિબ્રિટીઓને યુવાનો આંખો બંધ કરીને ફોલો કરે છે. સારી વાત છે. આવું જીવનમાં કંઈક હોવું જોઈએ. જે સેલ્ફને સેલ્ફિમાંથી જોવા કરતા બંધ આંખોથી જોતા શીખવાડે. પોતાની એક અલગ અદાકારીથી ચર્ચામાં રહેતા નવાઝુદ્દિન સિદ્દકીને સાંભળજો. જેના વીડિયોનું નામ છે 'સ્ટ્રગલ'. ચાર મિનિટના આ વીડિયોમાં છેલ્લી એક મિનિટમાં આત્મા તાળી પાડી ઊઠશે. સ્ટ્રોગલી રિકમન્ડ. કિંગ ખાનનો રોમાન્સ કોને ન ગમે. ભલભલો ઢાંઢો બે હાથ ખોલી બંધ આંખથી કોલેજ કાળની કન્યાને યાદ કરવા માંડે. શાહરુખ ખાને 'સર્કસ' સીરિયલમાં કામ કરેલું આ તો સૌ જાણે છે. પણ આ ભાઈ વાંચવાના એટલો શોખીન છે કે, એના ઘરમાં બોલીવૂડના કલાકારો પૈકી સૌથી વધારે ચોપડીઓ અને થોથા એમના ઘરે છે. 'ડ્રીમ્સ ક્લોઝ યોર આઈસ્' ભૂલ્યા વગર જોઈલો. આ બંદાએ પોતાની સમજનું કી ફીચર આપી દીધું છે. આ યાદીમાં માત્ર ફિલ્મી કલાકારો જ નથી. કેપ્ટન કુલ ધોની પણ છે. ઈન્ડિયન યુથના ફોરમમાં ધોનીએ આપેલી કાબીલે દાદ સ્પીચ ટ્રાફિકની જેમ બ્લોક થયેલી વિચારધારાને વરસાદ બાદ વહેતા ઝરણા જેવો વેગ આપી જાય છે.

        'ઈંસ્પાયરેશન અમિતાભ' શબ્દ યુટ્યુબ પર નાંખજો. બિગ બીના જીવનમાં આવેલી પછડાટમાંથી એ શું શીખ્યા એ પુરાવા સાથે ઉદાહરણ આપીને પોતાના મસ્ત વોઈસમાં કહેશે. મીડિયા રીપોર્ટના સહારે અનેક વસ્તુઓ ખોટી સાચી-રીતે ફરતી હોય છે. પણ વ્યક્તિ પોતે જ પોતાની કઠણાઈઓની કડવી વાત ક્રિસ્પી થયેલી લાઈફમાં કહે ત્યારે માત્ર સારું જ નહીં પણ અપનાવવા જેવું લાગે. હોવું જોઈએ આવું. સડેલા સિદ્ધાંતો અને દર વર્ષે તોડવા માટે લેવાતા રીઝોલ્યુશન કરતા આ તમામ લોકોની સ્પીચની એક લાઈન અસર થઈ જાય તો લાઈફલાઈન વસંતમાં ખીલેલા અને કુદરતી રસ્તે રીતે ખરી પડેલા વનમાર્ગ જેવી થઈ જાય. જેમાં શાંતિ અને સુગંધ બંને માણવા મળે. એ પણ વ્યક્તિગત. નો પાર્ટનરશીપ. કહેવાનો અર્થ ચાન્સ માટે હવાતીયા મારવા કરતા ચેન્જ માટે કદમતાલ કરવામાં એક મજા છે. બસ શરુ કરવામાં હિમાલય ચડવા જેવી હિંમત જોઈએ.

આઉટ ઓફ ધ બોક્સ

ગમતુ કામ કરો અથવા કામને ગમતું કરો. ફિલ્મ 'શોલે' પહેલા અમજદ ખાને કુલ 25 ફિલ્મો કરેલી પણ 'શોલે'થી ફિલ્મજગતના બેસ્ટ વિલનનું ટેગ મળ્યું. કિતને આદમી થે સામાન્ય વાક્ય છે પણ જ્યારે એ બોલે ત્યારે ડાયલોગ બની જાય.

Sunday, November 10, 2019

અયોધ્યાનો નવો અધ્યાયઃ મંદિર યહા મસ્જીદ યહા

અયોધ્યાનો નવો અધ્યાયઃ મંદિર યહા મસ્જીદ યહા

આઠ નવેમ્બર નોટબંધીને કારણે સૌને યાદ રહેશે પણ એના પાક્કા ત્રણ વર્ષ બાદ 9 નવેમ્બરને અનોખી રીતે દેશવાસીઓ યાદ રાખશે. કારણ કે, આ દિવસે 200 વર્ષથી વિવાદીત રામજન્મ ભૂમિનો ચૂકાદો ભારતની સુપ્રીમ કોર્ટે આપી દીધો. ક્ષણ એવી રીતે સાચવી લેવામાં આવી કે, ન જીત ન હાર. નિર્ણયને સ્વીકારીને સહર્ષ શુભ સંકેત આપવામાં આવ્યો. આ ઉપરાંત અયોધ્યામાં થયેલા હિંદુ-મુસ્લિમોના કોમી ઝઘડાઓ ઉપર પણ કાયમી વિરામ મૂકાઈ ગયું. સૌથી ખાસ વાત એ છે કે, હાર્ટબ્રેક કરી દેતા હાલાતમાં રજાના દિવસે ચૂકાદો જાહેર કરવામાં આવ્યો. પોલીસ ડીજીપી સાથે નક્કી કરીને આ દિવસની પસંદી કરવામાં આવી હતી. કોણ સાચું અને ખોટું એની ચર્ચા દિવસભર ટીવી ચેનલ્સ પર ચાલતી હતી. પોલીસથી લઈને પોલિટિક્સ સુધી, ફિલ્મી હસ્તીઓથી લઈને ફોરેનમાં રહેલા પ્રેસિડેન્ટ સુધી સૌ કોઈની નજર દેશની સુપ્રીમ કોર્ટ પર હતી. વિદેશી મીડિયાએ પણ નોંધ લેવી પડે એવો મોટો આ ચૂકાદો અનેક લોકોએ સ્વીકાર્યો. દેશની વડી અદાલતને સેલ્યુટ કર્યું.

જાણીને નવાઈ લાગશે કે, ભારતના કાયદાકીય ઈતિહાસનો સૌથી લાંબો ચાલનારો બીજો કેસ હતો. સતત 40 દિવસ સુધી કોર્ટ પ્રોસેસ યથાવત રહી અને અંતે ચૂકાદો તો અનામત જ રહ્યો. જેનો નિકાલ 9.11.2019ના દિવસે થયો. કેશવાનંદ ભારતી કેસમાં કોર્ટે સતત 68 દિવસ સુધી કોર્ટ પ્રોસિજર કરી હતી. એ પણ હકીકત છે કે, અલ્હાબાદ કોર્ટે આપેલા ચૂકાદાને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો. અલ્હાબાદ કોર્ટે આદેશ આપ્યો હતો કે, જમીનને સરખા ભાગે વહેચી દેવામાં આવે. આ દિવસ બીજી અન્ય એક ઘટનાના સંદર્ભમાં યાદ રાખવામાં આવશે. પાર્કિગ જેવા સામાન્ય મુદ્દાઓ પર બાખડેલા દેશના વકીલ અને પોલીસના ઝઘડાનો અંત આવ્યો હતો. જોકે, આ માટે આગલા દિવસે એટલે કે, આઠ નવેમ્બરન રોજ નિર્ણય લેવાઈ ચૂક્યા હતા. આ પણ ઈતિહાસની અનોખી ઘટના કહી શકાય કે, દેશની પોલીસ વિરોધ કરવા માટે રસ્તે ઊતરી. હવે દરેક રાજ્યમાં પોલીસની છાપ કેવી અને કેવડી છે એ તો સૌ પ્રજા જાણે જ છે. પણ કોલર ઊંચા કરીને ફરતા ખાખી ધારીઓનું આ ઘટનાએ પાણી ઊતારી દીધું. પોલીસ ક્યારે રસ્તે ઊતરીને વિરોધ ન કરે. આ વસ્તુ થઈ ગઈ. અયોધ્યાની ઘટના અંગેની અનેક ફેક્ટ ફાઈલ્સ છે. પણ 11 એવા મુદ્દાઓ રહ્યા છે જેમાં હિંદુ અને મુસ્લિમ બંને પક્ષકારો લડી લેવાના મૂડમાં હતા. જ્યાં પ્રભૂ રામની જન્મભૂમિ છે ત્યાં મુસ્લિમોનું એવું માનવું છે કે, તે પવિત્ર સ્થળ મક્કા છે. હવે હિંદુ અને મુસ્લિમ બંનેનું પવિત્ર સ્થળ અંતે એક લાંબાગાળા પછી કાયદાથી એકતા લાવી શક્યું. ઈંગ્લીશ વેપારી વિલિયમ ફિંગે પોતાની ટ્રાવેલ બુકમાં લખ્યું હતું કે, 1608થી લઈને 1611 વચ્ચે ભારતની યાત્રા વખતે અયોધ્યામાં એક કિલ્લો હતો. જેમાં રામનો જન્મ થયો હતો. પુરાતત્વ વિભાગે પણ એવા પુરાવાઓ આપેલા છે કે, ત્યાં એક સમયે રામ મંદિર હતું. એટલે ઈતિહાસની કેડીએ અસ્તિત્વ છે. કિલ્લાનો સમગ્ર ઢાંચો વાસ્તુકલાનો એક શ્રેષ્ઠ નમૂનો હતો. ઈસ્લામિક કલાકૃતિમાં ફૂલનો ઉપયોગ થાય છે. તાજમાં પણ ફૂલની આકૃતિ ધરાવતી કલા-કોતરણી છે. પણ અહીંના કિલ્લામાંથી કમળની કૃતિઓ મળી આવી હતી. કમળને હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. મુસ્લિમ ધર્મના નિષ્ણાંતો પણ એ સ્વીકારે કે, આવી કૃતિ મસ્જીદમાં હોવી સામાન્ય છે.

જે જમીન પર સૌથી વધુ વિવાદ થતો હતો એ જમીન પર વર્ષ 1934 બાદ મુસ્લિમોએ ક્યારેય નમાજ અદા કરી જ નથી. અલ્હાબાદ કોર્ટમાં સુનાવણી વખતે પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વર્ષ 1934થી 1949 સુધી માત્ર શુક્રવારના રોજ ત્યાં નમાજ અદા કરવામાં આવતી હતી. ત્યાર બાદ પૂજા યથાવત રહી પણ નમાજ અદા કરવાનું બંધ થઈ ગયું. આ પછી ત્યાં હિંદુઓએ ત્યાં મૂર્તિ રાખીને વિવાદને વેગ આપ્યો. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંસની ઘટના ઈતિહાસના પાનાઓ પર હિંસક પ્રકરણ રુપે નોંધાયેલી છે. જેના છાંટા સ્વ.અરૂણ જેટલીથી લઈને અનેક મોટા નેતાઓને ઉડ્યા હતા. આપણે ત્યાં ચૂકાદો હોય કે, ચંદ્રયાનનું લૉચિંગ રાજકીય સ્પર્શ લાગતા વાર નથી લાગતી. સુપ્રીમ કોર્ટના આ ચૂકાદામાં પણ મતની ફેવરની ફૉર્મ્યૂલાની ચર્ચા થઈ રહી છે. જોકે, શાસન તો ભાજપ સરકારનું છે એ જરૂર લોકોને યાદ રહેશે. 'અયોધ્યા રીવિઝિટેડ' બુકના લેખક કિશોર કુનાલે એક લાંબા ઓબઝર્વેશન અને અધ્યયન બાદ આવી કેટલીય વાતો લખી છે. આવી કેટલીય સામ્યતાઓ પર પુરાવાઓ આધારિત લેખકે તમાચાઓ માર્યા છે. આ ઉપરાંત કેટલીક એવી શોકિંગ લાઈન્સ છે જેમાં લખ્યું છે કે, જે મસ્જીદ તોડી પાડવામાં આવી એ બાબરી મસ્જીદ હતી જ નહીં. પરંતુ, રાજકીય અખાડામાં બાબરીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. હવે તમે કહેશો કે આમા નવું શું છે? પણ નવું છે એ જ તો ન્યૂઝ છે. પણ વ્યુઝના વાવાઝોડામાં ન્યૂઝ સાઈડમાં રહી ગયા. સંધ અને વિહિપ બંનેએ આ બુક પર પોતાની વિશ્વસનીતા કહી છે. વધુ એક ફેક્ટ. આ બુકમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જે.બી.પટનાયકે પોતાની અભિવ્યક્તિ કરી છે. વિવાદ જમીન અને માલિકીનો થયો પણ અયોધ્યાના ઈતિહાસની પથારી ફરી ગઈ. સૌ કોઈ દાવા ઠોકનારાઓએ ઈતિહાસના નામે પોતાની પીપુડી વગાડી દીધી અને ઓરિજિનાલિટીની દઈ નાંખી. હવે અયોધ્યાના કોઈ ફોટાને બારીકાઈથી જોઈ લો. હેરિટેજ હાર્ટટચ કરી દેશે.


કહેવાનો અર્થ હિંદુ મુસ્લિમના ડખ્ખાઓનો બિલકુલ નથી. એક તરફ ડિજિટલ ઈન્ડિયા ડેવલપ્ડ ઈન્ડિયાની વાતો થઈ રહી છે. માઈન્ડ ફ્રી રહેવા કરતા કાસ્ટ ફ્રી રહેવામાં દેશની ભલાઈ છે. વિરોધ કરનારાઓ તો સુપ્રીમના ચૂકાદો પણ વિરોધ કરે છે. પણ દેશભક્તિ દેખાડવાની આ ક્ષણ હતી. વધુ એક ઘટનાને 360 ડીગ્રીથી જોઈએ તો વર્ષોથી જેના દર્શન દૂરથી કરવા પડતા એ ગુરુદ્વારામાં ઉજવણી થઈ. પાકિસ્તાનમાં આવેલા કરતારપુર કોરિડોરનું ભારતમાંથી વડાપ્રધાન મોદીએ ઉદ્ધાટન કર્યું. સંપ્રદાય કોઈ પણ હોય એ પણ છે તો પવિત્ર મંદિર જ. એનો પણ નવો અધ્યાય શરૂ થયો. વગર વિઝાએ દર્શન કરવા જતા યાત્રીઓને પાકિસ્તાન તરફથી પણ થોડી રાહત થઈ. સરવાળે 9.11નો દિવસ અમેરિકા માટે ભલે આસુંઓનો રહ્યો હોય પણ ભારત માટે આસ્થાની એકતાનો રહ્યો. કાયદાકીય એકતા કરતા સમજની સામ્યતા હોવી જરુરી છે. મઝહબ નહીં શીખાતા આપસ મૈ બૈર રખના. હવે જ્યાં કોઈ ભગવાને અંદરોઅંદર ડખા નથી કર્યા તો એના જ ફોલોઅર્સ શા માટે ઝઘડા કરે છે.? પાવરફૂલ પોલિટિકસમાં લીડર વોટ વિશે વિચારે છે. સ્વાભાવિક છે પણ દેશની અખંડિતતામાં તીરાડ ન પડે એવા પ્રયાસો દરેકના હોવા જોઈએ. રાજકીય માનસિકતાઓ 2014 પછી બદલાઈ છે. એમાં કોઈ બે મત નથી. હવે પ્લસ માઈનસ શું એ વ્યક્તિ-વ્યક્તિ પર છે. જૈસી જિસકી સોચ.

આઉટ ઓફ ધ બોક્સ
ઐતિહાસિક ફિલ્મોને વિવાદનું ટેગ લાગતા વાર નથી લાગતી. અર્જુન કપુરની ફિલ્મ 'પાનીપત' ઘણી બઘી રીતે રાજવી-મુગલ ઈતિહાસની વાત રજૂ કરે છે. આશા રાખીએ કેટલાક સત્યની સાચી ફિલ્મી  રજૂઆત થાય

Wednesday, November 06, 2019

સંઘની સલાહ અને ભાજપઃ તુ હા કર યા ના કર

સંઘની સલાહ અને ભાજપઃ તુ હા કર યા ના કર

નવા વર્ષની શરૂઆત મોદી સરકારમાં પીએમ નરેન્દ્ર મોદીના થાઈલેન્ડ પ્રવાસથી થઈ છે. કાયમી ધોરણે વિદેશમાં જઈને વ્યાપાર માટે રેડ કાર્પેટ પાથરતા વડાપ્રધાન મોદીએ થાઈલેન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં ફરી એક વખત ‘વ્યાપારી હિત’ને ચર્ચાનો મુદ્દો બનાવ્યો છે. જીએસટીના અમલ વખતે દેશભરમાંથી વેપારીઓએ અનેક પ્રકારને વિરોધ કર્યો. સરવાળે દૂધના ઊભરાની જેમ થયેલા દેખાવો પડી રહેલા ફૂગ્ગામાંથી હવા નીકળે એમ શમી ગયા. ભારતને માફક આવે એવી વ્યાપારી શરતો નહીં હોય ત્યાં સુધી ભારત કોઈ સમજૂતીમાં સમર્થન નહીં આપે અને જોડાશે પણ નહીં. એવું પીએમએ વિદેશની ધરતી પરથી સ્પષ્ટ કર્યું છે. રિજિયોજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ 16 રાષ્ટ્રનું બનેલું ફ્રી ટ્રેડ ગ્રૂપ છે. હવે જો ભારત આવી કોઈ સમજૂતીમાં હકારો કરે તો ફાયદો પાડોશી દેશ ચીનને છે. એક તરફ દેશમાં ચીનની વસ્તુઓનો સિઝનલ બહિષ્કાર થાય છે. એવામાં જો મોદીજી આવું પગલું ભરે તો ટીકાને પાત્ર બને. પરંતુ, ધ્યાન ખેંચે એવી વાત એ પણ છે કે, આ વખતે સંઘની વાત માનીને મોદીએ વૈશ્વિક કક્ષઆએ નિર્ણય લીધો છે.


        દેશમાં આર્થિક સ્થિતિ ખાડામાંથી પસાર થતા વાહનની જેમ ડામડોળ છે એવામાં રોકાણ લાવવાની વાત થાય છે. એ પણ વિશ્વસ્તરે.જીએસટીએ દેશના જ વ્યાપારીઓની કમર ભાંગીને સરકારી કબાટ ભર્યો છે. આ પણ સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટીના સમયાંતરે આવતા આંકડા સાબિતી પૂરે છે. બીજી તરફ આ વખતે પાછલા 70 વર્ષની સૌથી ફિક્કી દિવાળીમાંથી દેશવાસીઓ પસાર થયા. કારણ કે, આખર તારીખમાં દિવાળીએ પધરામણી કરી અને પગારની તારીખ નજીક હોવા છતાં ઊંધા દૂરબીનમાંથી દેખાતી હોય એવી ફીંલિગ્સ આવી. જ્યારે જ્યારે દેશમાં સંઘ ઘોષણા થઈ છે ત્યારે રાજકીય ચિત્રમાં સખળડખળ થઈ છે. સરકારે સ્પષ્ટતા કરવી પડે એવા હોબાળા થયેલા છે. બિહારની વિધાનસભા ચૂંટણી વખતે સંઘ સુપ્રીમોએ અનામતનો મુદ્દો બાફ્યો એમાં તો રાજ્યમાં કમળ ખીલ્યું નહીં. આ હકીકતથી સૌ કોઈ વાકેફ છે. મોદી સરકારના મોટા મંત્રીઓના મૂળીયા સંઘ વિચારધારાથી પ્રેરિત છે. જ્યારે પણ કોઈ નિર્ણયને લઈને ચર્ચા થાય છે ત્યારે મંત્રીઓ પોતાના જ પોર્ટફોલિયોને લઈને કોઈ નવો મુદ્દો ધરી દે છે.

વિશ્વસ્તરે વ્યાપારની વાત છે ત્યારે મોદીના અમેરિકાના પ્રવાસને પણ ભૂલી ન શકાય. વતનમાં વ્યાપારી પ્રવૃતિને પ્રોત્સાહન આપતા નેતાઓ જ્યારે પણ વાત કરે છે ત્યારે સારૂ તો લાગે છે. પણ નાના વેપારીઓને ત્યાં નડતા પ્રશ્નોની કોઈ કોર્પોરેટર પણ ચર્ચા કરતો નથી. મફતનો માલ પચાવવાની શક્તિનો પહેલો પિરિયડ એટલે કોર્પોરેટર્સ તંત્રમાં રહીને જ શીખે છે. વ્યાપારી વર્ગની સુરક્ષા, ટેક્સ સ્કિમ, સ્થાનિક તંત્રની યોજના, ચેકિંગ, રજીસ્ટ્રેશન વગેરે વગેરે જેવા અનેક પાસાઓ એક વેપાર પાછળ જોડાયેલા છે. મોલની ગ્લેમરસ દુનિયા પાછળ પાર્કિંગનો પ્રશ્ન ન દેખાતા રાક્ષસની જેમ મોટો થઈ રહ્યો છે. વ્યાપારી પ્રવૃતિને પ્રોત્સાન આપવામાં કંઈ ખોટું નથી. પણ જ્યાં ઘરના પેટે પાટા બાંધે અને બાહરના બીગ બોસ થઈને બેસે એવું વાતાવરણ છે. છેલ્લા કેટલાક સમયથી વિદેશ પ્રવાસ પાછળનો એજન્ડા સમસ્યા કરતા સંપત્તિવાન બનવા તરફ હોય એવું વધારે લાગે છે. એવામાં સંઘ જે તે મુદ્દાને વિકાસલક્ષી બનાવીને પરોક્ષ રીતે સરકારનું પ્રમોશન કરે છે. નાણું સ્વદેશમાં આવે એમાં કંઈ ખોટું નથી. પણ ડૉલર સામે રૂપિયાનું ધોવાણ થઈ જાય એ પણ યોગ્ય તો નથી જ. આર્થિક સ્થિતિ અંગે દશેરાના દિવસે સંઘ સુપ્રીમોએ પણ પોઝિટિવ વાઈબ્રેશન આપ્યા હતા. પણ એ વાત થોડા ઓછા અંશે કોઈ શાસકના ધ્યાને આવી. સ્વદેશી ઉત્પાદનને ફટકો ન પડે એ માટે નિર્ણય કોઈ રીતે ખોટો નથી. પરંતુ, જ્યાં દૈનિક નાણું પણ માંડ ભેગું થતું હોય ત્યાં ડૉલરના ચલણમાં ડમરું વેંચવાથી કોઈ ફાયદો નથી.

કોઈ પણ દેશના મોટા નેતાઓનો વિદેશ પ્રવાસ અનેક રીતે મહત્વ ધરાવે છે. માત્ર વ્યાપાર કે દ્નિપક્ષીય સંધી પૂરતું જ સિમિત નથી. ટેકનોલોજી, મેડિકલ, દવાઓ, આંતરમાળખાના પ્લાન્સ, સિસ્ટમ, યોજના, ટેક્સથી લઈને ટ્રેડ સુધીના ક્ષેત્રનો ફાયદો થાય એ મુલાકાત હિતકારી છે. બાકી નાના પાયાના ઉદ્યોગો મરવા પડ્યા હતા ત્યારે આવી કોઈ લવારી થઈ જ નહીં. દેશના જ નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક ગાડાને ગેરમાં નાંખવા કોર્પોરેટ ટેક્સ ધટાડ્યો. હવે રોકડું દનિયું કમાતા વેપારીઓને કોર્પોરેટ ટેક્સની કોઈ સીધી અસર થાય ખરા? દેશના જ અનેક મુદ્દાઓ પર રજકણ જેટલી બારિકાઈથી રીપોર્ટ તૈયાર કરવામાં આવે તો ભાજપ સરકારમાં થયેલી અનેક યોજનાઓમાં ખૂંટતી કડી મળી જાય. આ યોજનાઓની સ્થિતિ અંગે દેશની દરેક પ્રજા જાહેરાત કરતા વધારે જાણે છે. માર્કેટમાં જ્યાં પૈસા ફરશે જ નહીં તો કોઈ અર્થતંત્રને વેગ નથી મળવાનો.

આઉટ ઓફ ધ બોક્સ
મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ બાદ રાજકીય કોકડું જીએસટી જેવું ગુંચવાળા ભર્યું બની ગયું છે. સીએમ માટે ભાજપ અને શિવસેના બંને પાસે પોતાના જ હિતકારી નિવેદનો છે. મિશ્ર અર્થતંત્રની જેમ શાસન પ્રણાલીમાં પણ ઘણી ખીચડીઓથી વળી ગયેલી ધૂંચ ઘડીકમાં છૂટે એમ લાગતું નથી.

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...