નાનું બાળક એક ઉંમર સુધી પહોંચે તેમ છતાં કંઈ બોલે નહીં એટલે એના માતા-પિતાને ખૂબ ચિંતા થાય પણ એ જ બાળક મોટું થઈને ક્યાંય જતા અને ન બોલવાનું બાફી મારે એવું ન બને એ ચિંતા પણ પાછી વાલીઓને જ થાય છે. હવે આનાથી તદ્દન વિપરિત સ્થિતિ થાય તો? વ્યક્તિ બધું જાણવા, જોવા છતાં કંઈ બોલે જ નહીં તો ભડાશનો દાવાનળ બહારની જગ્યાએ અંદર ફાટે. બસ, આ અંદર ફાટે ત્યારે જ અણધાર્યા અને અનિશ્ચિત પરિણામ વેઠવા પડે છે. શું બોલવું એ શિક્ષકો કે વાલીઓ શીખવાડી શકે પણ ક્યારે શું બોલવું અને કેવું બોલવું એની સમજ આવતા વર્ષો વીતિ જાય છે. કેટલો મોટો વિરોધાભાસ કહેવાય કે, ગાળો બોલવાનું કોઈ શાળા કે યુનિવર્સિટી ન શીખવાડતી હોવા છતાં આવડી જાય છે અને સારા શબ્દો-વાણી માટે અભ્યાસ કરવો પડે છે. સુશાંતસિંહે આત્મહત્યા કરીને સમગ્ર બોલિવુડ જ નહીં હજારો-લાખ્ખો ચાહકોને ચોંકાવી દીધા છે. જીવનમાં અનેક એવી સ્થિતિ આવે છે કે, જ્યાં માનસિક નિયંત્રણ અનિવાર્ય બની જાય છે. અમેરિકી પૂર્વ રાષ્ટ્રપ્રમુખે એક વખત કહેલું કે, જે વ્યક્તિ પોતાના પર કંટ્રોલ રાખી શકે એ દુનિયાને કંટ્રોલ કરી શકે. આ નિયંત્રણ માત્ર શારીરિક આવેગ માટે નહીં માનસિક માટે પણ લાગુ પડે છે. આ વાક્ય જીવનમાં ઊતરી જાય તો જીભાજોડીથી લઈને ઝઘડા સુધીના તમામ કેસમાં ઓચિંતી બ્રેક લાગી જાય. પણ સુશાંતના કેસમાં એક વાત એ પણ સાબિત થઈ કે, ધન-દોલત, એશો આરામ કે ઐયાશી કંઈ કામ નથી આવતું. જ્યાં કોઈ સાંભળનારૂં જ ન હોય. પેટની આગ, ભૂખમરો અને પગપાળા જતા એક પણ મજૂરે આત્મહત્યા નથી કરી કારણ એમનામાં સ્વયં સંઘર્ષનું કેમિકલ હતું. જે અગાઉ સુશાંતમાં પણ હતું જ. આત્મહત્યા માટે પણ હિંમત જોઈએ. પણ જીવવા માટે તો હિંમતનું આખેઆખું પાવરહાઉસ જોઈએ. કારણ કે જીંદગીની પરીક્ષામાં પહેલા પરિણામ નક્કી થાય છે અને પછી પાઠ શીખવા મળે છે. ઘણી વખત સંબંધોમાં પણ એ સમજાય છે કે, જે જતું રહ્યું એ સુખ હતું. પણ પકડીને પણ રાંખવાથી ક્યાં કંઈ રહે છે.
ફિલ્મ 'ડ્રીમગર્લ'. આમ તો સાવ સરળ થીમ પર બનાવેલી કોમેડી ફિલ્મ છે જ્યાં મજબુરીવશ એક છોકરો છોકરીના અવાજથી કોલ સેન્ટરમાં પૂજા નામથી નોકરી કરે છે. પણ આ ફિલ્મના અંતે આયુષ્માન ખુરાના ખૂબ જ સરસ વાત કહે છે. આ દુનિયામાં એકલતા કરોડો લોકોને છે. પણ જે દિવસે આ લોકોને એની પૂજા મળી જશે ત્યારે કોઈ આવા ફ્રેન્ડશીપના નામથી ચાલતા કોલસેન્ટરમાં કોલ નહીં કરવો પડે. આ પૂજા કોઈ પણ હોઈ શકે છે. પત્ની, બેન, મમ્મી, ભાઈ, ભાભી, પિતા, મિત્ર અને પાડશી પણ. એકલતામાંથી બે ફાટા ફાટે છે. એક સર્જન કરાવે બીજી સમસ્યાઓ ઊભી કરે. હવે આ માટે વ્યક્તિ શું અને કેવું વિચારે છે એના પર એના પગલાં હોય છે. જેલમાં ગાંધીજી પણ રહ્યા અને ગુનેગારો પણ રહે છે. પણ ગાંધીએ ત્યાંથી પણ લોકોમાં સર્જનના વિચારબીજ રોપ્યા. જ્યારે બાકીના કેદી કોઈનું કાયમી વિસર્જન કરીને અંદર બેઠા હોય છે. ડિપ્રેશન એક અવસ્થા છે. જ્યારે સ્ટ્રેસ એક વર્કલોડ સમાન છે. પ્રેશર જેવું છે. પણ પેશનને પકડી રાખીએ તો આ બંને વસ્તુ એટલી ઝડપથી નજીક આવતી નથી. દિમાગની ગુપ્ત તિજોરીમાં સાચવવા જેવું આમ તો ઘણું છે. પણ સૌથી પહેલા એ વાક્ય છે એ છે. ડોન્ટ ક્વિટ. જાતને ક્યારેય પડતી નહીં મૂકવાની. પણ આજની પેઢી એવી છે જેને સંજોગોના સાક્ષાત્કાર વગર શાણપણ નથી આવતી. જસ્ટ ફોર ફન પાછળ ફંદ ક્યારે થઈ જાય છે. એનું ભાન નથી રહેતુ. સુશાંતના કેસમાં આવું કંઈ જ ન હતું. સરળ વ્યક્તિત્વએ સફળતાની એ ઊંચાઈ પણ જોઈ હતી. કલાકારોની પાછળ રહીને ડાન્સ પણ કર્યો હતો. એટલે લો પ્રોફાઈલ રહેલા માણસમાં ડિપ્રેશનનું વાતાવરણ એકદિવસીય ડ્રિમ જેવું તો નહીં હોય. હવે વ્યથા પાછળનો વિલાપ માત્ર એના પરિવારને જ નહીં પણ એના દરેક ચાહકને માનસિક પીડાની અકડામણથી શરીર થકવતું હશે. એક તરફ કોરોના, બીજી તરફ ભૂકંપ અને એમા પણ આવા ગમતા કલાકારની વિદાય એટલે હાર્ટબ્રેક કરી દેતા હાલાતનો સાક્ષાત્કાર. પણ આવા બીજા લોકો હાર્ટબ્રેક ન કરે એ માટે છે. અભિવ્યક્તિ. કહેવાય છે કે, સુશાંતે એક એક્ટરને પણ ફોન કર્યો પણ એને ઉઠાવ્યો નહીં. જો એ ઊઠાવ્યો હોત અને હૈયાવરાળનો શાબ્દિક ફોર્સ ઠલવાયો હોત તો. ચાન્સ અને ચેન્જ બંને શક્ય છે.
છોકરો થઈને રડે છે. બાયલો લાગે છે. આવું આપણે ખાસ કરીને પુરુષોના કાને અથડાયું જ હશે. પણ કોઈની કાયમી વિદાય થાય ત્યારે જ રડવાનું? ત્યારે જ કેમ એકાએક સજીવન થઈ જતી લાગણી આંખમાંથી વહે છે. એ વ્યક્તિને જીવતા જ કહ્યું હોત તો. આવી અનેક ઈચ્છાઓ અને સાંભરણા આપણે કોઈના પ્રત્યે હોવાના જ. પણ આપણે અભિવ્યક્ત થવું પડશે. બીજી તરફ સામે માણસે પણ એવી માનસિક તૈયારી રાખવી પડશે કે, કોઈને સાંભળ્યા બાદ ટમેટા જેવા લાલચોળ થવાથી પરિણામ પલટી શકે છે. ગુસ્સો ક્ષણિક હોય એ સારૂ અને જુસ્સો કાયમી હોય એ સારૂ. આ જુસ્સો હર હાલ પર જીત, દેખાડી દેવાની વૃતિ, જોઈ લે મજા, અપના ટાઈમ આયેગા જેવા ટોણામાં નથી વેડફવાનો. હવે કોઈ પણ સ્પર્ધામાં જે તે માણસ સામે જીતીને પણ શું ઉખાડી લેવાનું છે. એક કડી કે વેર વધવાનું છે. એના કરતા હાર કર જીતને વાલે કો...શું કહેવાય એ તો ખબર જ હશે. પામી લેવાની અને પહોંચી જવાનું જોમ પરમેનન્ટ નથી રહેવાનું. કેટલો મોટો કોન્ટ્રાસ કહેવાય કે, કોઈની પ્રશંસા માટે પાંચ શબ્દ ઉછીના લેવા પડે અને વાંક શોધવા તો ગૂગલ કે બિલોરી કાચની પણ જરૂર નથી પડતી. સ્યુસાઈડ નોટ પાછળનું મૃતકનું લોજિક એ હોય છે કે, હવે એને કોઈ કંઈ કરી શકવાનું નથી. પણ નોટ કે કાગળ પર અક્ષર ઊતારી શકાય તો આપણાની જ સામે આપણે બોલી કેમ ન શકાય? કારણ કે, સામે બોલે એ કોઈને પચતું નથી. બોલવામાં પણ વોલ્યુમ ઓછું અને અવાજમાં સંતોષનો રણકો હોય તો કોઈ પણ પીગળી શકે. ઉદા. દીકરાને પ્રવાસમાં જવાની પરમિશન બાળકે લેવાની થાય ત્યારે ઘરમાં બાપુજીએ બબાલ કરી હોય ત્યારે મમ્મી કહે છે કે, અત્યાર રહેવા દો. બાપુજી મનથી ફાટ્યા છે. પણ એપલ કંપનીના સ્થાપક સ્ટિવ જોબ્સ કહી ગયા કે, બોસ એ જ બની શકે જે ક્ષણભર માટે ગુસ્સે થઈને બીજી મિનિટે તમારી પાસે આવી કહે, બોલ દોસ્ત શું હતું. આપણે સૌ આનાથી વિપરિત સ્થિતિમાં જીવતા આવ્યા છીએ. હવે મોબાઈલનો સોફ્ટવેર પણ સમયાંતરે અપડેટ માગે છે તો આપણા ઘરની વ્યક્તિ અભિવ્યક્તિ તો માંગે ને? કદાચ આ અભિવ્યક્ત નથી કરી શકાતું ને એટલે જ આપઘાતની અડગતામાં મેરૂ પર્વત જેવી મજબૂતી આવે છે. ગુસ્સો સારો પણ ગળી જવું ખરાબ. મોઢે ફડકાવી દેનારાથી માઠું ન લગાડતા પીઠ પાછળથી પાંચસો લોકોને ખોટી પબ્લિસિટી કરતા લોકો પણ છે જ.
ગુસ્સો, ભડાશ, મેણા-ટોણા અને પ્રેમની અભિવ્યક્તિ સારી છે. કોઈના કાયમી મૌન સહેવા કરતા. એક સરસ ગીત છે. 'દિલ કા હાલ સુને દિલવાલા...' કોઈના દિલવાલા તો બનો પછી કોઈ દિલનો હાલ કહેશે. ખૂણામાં બેસીને રડવા કરતા ખભા પર હાથ મૂકીને હળવું થવામાં બે ફાયદા છે. વ્યક્તિ અંગત બનશે અને સાંત્વના ફ્રીમાં મળશે. ટ્યુનિંગ વધશે તો કહેશે હકીકત આ હતી. બાકી હવાતીયા તો આખી જિંદગી મારતા જ રહીશું. સૌથી ડેલિકેટ વસ્તુ હોય તો એ મન છે. ખીજ સારી છે પણ માત્ર ખીજાવાથી પરિણામ બદલવાનું નથી. નેચરલી વિચારો. વરસાદ સારો કે સુનામી? વરસાદ પછીના ટાઢા પોરમાં જ રેઈન-બો જોવા મળે. પાતળા તડકામાં. આવા મેઘધનુષી રંગો કોઈ પણ સંબંધમાં જોવા કે માણવા હોય તો અભિવ્યક્ત થજો અને પ્રેમથી વરસજો. ખોટું લાગે તો ભલે પણ ઈર્ષાના ઓટલે બેસીએ તો માણસને માણસ પ્રત્યેની અવગણના અંદરથી ધીમે ધીમે તોડે છે. બ્રેક (વિરામ) સારો પણ ક્રેક નહીં સારો. સહવાસના સુખનો પણ આનંદ હોય છે પછી ભલેને કોઈના શરીરનો સ્પર્શ ન હોય. દુઃખ થાય છે એ કહી નથી શકાતું પણ દુખે છે એ તો ડૉક્ટર પણ જાણી શકે છે. દરેક માતા-પિતા પોતાના બાળકને સાચું બોલતા નાનપણથી શીખવાડે છે. પણ એ જ્યારે સાચું બોલે ત્યારે ગુસ્સા કા ગાળને બદલે પ્રેમ કે કઠોર સ્વરની અભિવ્યકિત કેમ ન સમજાવી શકાય. થપ્પડ સુધારો લાવી શકે એ પેઢી હવે મર્યાદિત છે. બાકી ટોણો મારીને સીધો કરી શકાય એ વર્ઝન અત્યારે છે. અહેસાસ થવો જોઈએ. અધિકારનું આધિપત્ય અને અહંકારની આરાધના ઓળગે પછી જ સંબંધમાં મીઠાશ આવે. મનમાં માની લેવાની વૃતિને મૂકીને ઉત્સાહ અને ઉલ્લાસ સાથે પૂછવામાં કંઈ ખોટું નથી. ઝાંઝર થનગને તો કેવું સાંભળવું ગમે. એમ બોલનારાના અવાજ અને સાંભળનારાના ટ્યુનિંગ વધે ત્યારે મળવા માટે કોઈ ફ્રિક્વન્સીની મોહતાજી નથી કરવી પડતી.
Wah wah ... khub sars👍👍👌👌👌
ReplyDeleteThank Q. Aashirwad
ReplyDelete