Wednesday, June 03, 2020

લોકલને વોકલ કરવાની પહેલઃ આભાસી પરિણામ અને પહાડ રૂપી પડકાર

લોકલને વોકલ કરવાની પહેલઃ આભાસી પરિણામ અને પહાડ રૂપી પડકાર

કોરોના વાયરસના સંકટકાળમાંથી દેશને ફરી બેઠો કરવા માટે અનેક રાહત પેકેજ અને આર્થિક મદદની પહેલ સરકાર તરફથી કરવામાં આવી. આફત સમયમાં પણ અવસરનો અજવાશ પાથરીને આમ તો બે રસ્તાની એક જ મંઝીલનું એલાન કરાયું. આત્મનિર્ભર ભારત અને લોકલને ગ્લોબલ. આમ જોવા જઈએ તો ગાંધી ચિંધ્યા રસ્તે સાહેબે ચાલવાની વાત ફરી દાયકાઓ બાદ રજૂ કરી છે. આઝાદીના સમય વખતે ગાંધીજીએ સ્વદેશ વસ્તુઓનો સ્વીકાર કરવાની દેશવાસીઓને પહેલ કરી હતી. પણ ફર્સ્ટ કોપીનું માર્કેટ આવતા દેેેશી બનાવટનો કચ્ચરઘાણ
બોલી ગયો. દરજીએ સિવેલા કપડાંથી દિવાળી ઉજવાતી એવામાં જેના કાપડમાં ઈગ્લેન્ડ જેવા દેશના નામ આવતા હોય એવા કપડાં આપણે સૌ હોંશે હોશેં પહેરતા થઈ ગયા. હવે જો આત્મનિર્ભરતાથી જ કોવિડ-19 સામેનો જંગ જીતી શકાય એમ હોય તો આ એક અસાધારણ સિદ્ધિ સમાન સાબિત થશે. પણ 'પોન્સ' ફાવી ગયો હોય એને 'સંતુર' ફાવતા થોડી વાર લાગે. આ બંને પાસા પર સફળતા મેળવવા માટે હિમાલય જેવડા પડકાર છે અને અત્યાર રાય જેવડું પરિણામ દેખાય રહ્યું છે. એ પણ આભાસી. કોરોના વાયરસના નીવેડા બાદ વિકસીત દેશ પોતાની ઈમિગ્રેશન પોલીસીમાં ફેરફાર કરશે એ વાત નક્કી છે. ભારતે પણ પોતાની આયાત-નિકાસ સંબંધીત કેટલીક રણનીતિમાં મોટાપાયે ફેરફાર કરવા પડશે.


દેશના વડાપ્રધાને વધુ ગણવત્તા પર ભાર મૂકવાની વાત કરી છે એના પછીના થોડા જ દિવસોમાં કાર્બનથી પકવેલી કેરીના વેપલા પર દરોડા પડે એ પણ વાસ્તવિકતા છે. ગોળી લીધા પછી તરત જ અસર ન થાય એ સમજી શકાય એવી વાત છે પણ આત્મનિર્ભર બનાવવાની હાંકલ પછી પણ 'લિમ્કા' ફાવી ગઈ હોય ત્યાં 'લીંબુપાણી'નું સ્થાન આવતા હજું સમય લાગશે. પેપ્સોડન્ટના સ્થાને પતંજલીની દંતક્રાંતિ એકાએક આવે તો સવારના જ મોઢાનો ટેસ્ટ અને અરીસામાં મુખ બંને બદલી જાય. એક તરફ આ પહેલ આડકતરી રીતે ચાઈના પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરવા માટેનો સ્પષ્ટ સંદેશો છે. પણ હેન્ડ્સ ફ્રીમાં અત્યાર સુધી 'યુબોર્ન' વાપર્યા છે તો સ્વદેશમાં બનેલા હેન્ડ્સ ફ્રી માર્કેટમાં મળે છે ખરા? ટેકનોલોજીની બાબતમાં આપણે ડિવાઈસ ક્ષેત્રે ઘણા પાછળ છીએ. એપ્લિકેશન અને એવી સર્વિસ સેક્ટરમાં ભારતે ઘણું સારું કામ કર્યું છે. પણ લોકલ લેવલ કામ કરતા વેપારીઓને પણ 100 કિમીથી વધારે દાયરામાં 'બિઝનેસ' કરવાનો વિચાર સુદ્ધા નથી આવતો. એ વાત જુદી છે કે, ગોરધનભાઈની ચટ્ટણી ગોવા સુધી ખાવા ગુજરાતીઓ સાથે લઈને જાય છે. પણ ગોવામાં એનો પ્રચાર કરીએ તો એ બ્રાંન્ડ બને. પણ રાજકોટના વેપારી ગોવાના માધ્યમ કે સોશિયલ મીડિયા પર એડ તો શું ટચુકડી પણ નથી આપવાના. આ પણ વાસ્તવિકતા છે. રૂ.20 લાખ કરોડને નાણામંત્રીએ પાંચ જુદા જુદા પાસામાં વર્ગીકૃત કરીને સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી આર્થિક વેગ આપવા માટે પંપ માર્યા છે. ગ્રામિણ અર્થવ્યવસ્થાને આત્મનિર્ભર ભારતની એક બુનિયાદ બનાવવા પગલાં ભરવા યોજનાઓ જાહેર કરી છે. પણ એક લોજિક તો શહેરની ભણેલી પ્રજાને પણ ગળે ઊતરતું નથી કે, અમુલના ભાવ વધે તો ઘરે આવીને દૂધ આપી જનારો કે જે તે દુકાનેથી લગવાનું દૂઘ લેનારા વેપારીઓ શા માટે ભાવ વધારો કરે છે? શું આપણે ત્યાં દૂધ આપનાર આણંદમાં આવેલા અમુલના પ્લાન્ટમાં દૂધ નાખવા જતો હશે? જવાબ છે ના. દરેકની આર્થિક સ્થિતિ સમયાંતરે સુધરવી જોઈએ. પણ જ્યારે અમુલ ભાવ વધારો કરે ત્યારે જ શા માટે? એ એક, બે, કે પાંચ રૂપિયા વધારે ત્યાં સ્થાનિક ડેરીવાળા સીધા 10 રૂ. વધારે છે. આ આર્થિક વિકાસ કહેવો કે પ્રોફેનલ લૂંટ?

            દેશના કેટલાય મોટા એકમના ઉદ્યોગમાં લોકડાઉન સુધી કાચોમાલ ચીનથી આવતો હતો એ વાસ્તવિકતા છે. કારણ કે સસ્તું પડતું હતું. ગ્રામિણ અર્થવ્યવસ્થામાં 30 લાખ લોકોને નવી રોજગારી મળશે એવી આશા સરકારે વ્યક્ત કરી છે. પણ કેવી રીતે પગલાં ભરાશે એનું આયોજન 'અચ્છે દિન' આનેવાલે હૈ જેવું છે. ગુજરાત રાજ્ય સરકારે ખડૂતોએ લીધેલી પાક લોન અંગેના હપ્તાની સમય મર્યાદા વધારી ખરા અર્થમાં રાહત આપી. આવકાર્ય અને સ્વીકાર્ય પગલું છે. એ વાત નક્કી છે કે, આર્થિક પેકેજે ઉદ્યોગ કારોબાર અને ગ્રામિણ અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંક્યા છે. બીજી તરફ ગેસના ભાવમાં ખિસ્સાતોડ વધારો કર્યો એ પણ કડવો ઘૂટડો છે. લોકલ ઉત્પાદનોને ગ્લોબલ બનાવવા માટે ઘણા મોરચા પર એક જડબેસલાક આયોજનની સાથે અમલીકરણ અનિવાર્ય છે. લોકમુખેથી થતો પ્રચાર કોઈ મોટા બેનર કે એડનો મોહતાજ નથી હોવાનો. પણ જે નાના ઉત્પાદકોને વેપારની વેલિડિટી અને માર્કેટમાં પ્રાયોરિટી વધારવી છે એને માર્કેટ રીસર્ચ કરવું પડશે. એડ આપવાથી અસાધારણ ફાયદો નથી પણ ખોટ પણ નથી જ. લોકડાઉને એક સારી અને મોટી સમજ એ આપી છે કે, હવે વેપારથી લઈને વેલ્યું સુધીના અભિગમ બદલવા પડશે. જેમ કોરોના સાથે જીવન જીવતા શીખવું પડશે એમ ધંધા માર્કેટમાં એ જ કોનસેપ્ટ ચાલશે જે ઈઝી, ઈફેક્ટિવ અને અટ્રેક્ટિવ હશે. દેશી ચાની કિટલીએ દેશી ચાની ભૂક્કીનો સબળકો ભરવાની મજા છે એ 'લિપટન'માં નથી. 'જીલેટ' તો હમણા આપી આપણા દાદા વર્ષોથી 'તોપાઝ'ની બ્રાંડ વાપરતા. આ બ્લેડને ત્રણ વાર ઘસો તો પણ મસ્ત દાઢી થાય. દેશમાં વપરાતી વિદેશી બ્રાંડની પ્રોડક્ટનું ચિત્ર જ્યાં સુધી દિમાંગમાંથી નહીં જાય ત્યાં સુધી તે ઉપયોગ માંથી નહીં જાય. સ્થાનિક ઉત્પાદકો અને વેપારીઓએ પણ બ્રોડ થિકિંગ કરીને એડથી લઈને રિમોટ માર્કેટ સુધી એક્ટિવ થવાની જરૂર છે. એટલે આડકતરી રીતે અહીં 'એડ આપો' એવો કોઈ હેતું નથી. બીજી કોઈ બ્રાંડને અહીં જાહેરાત કરવાનો પણ કોઈ લક્ષ્યાંક નથી. અસ્પષ્ટતા અને અનિશ્ચિતતાના ગાઢ ધુમ્મસ વચ્ચે વિદેશી બ્રાંડ સામે લોકલને સ્વિચ કરવાનો ઈરાદો છે. વિશ્વમાં સૌ પ્રથમ વખત ચંદ્રની ધરતીના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2નું ઊતરણ થયેલું એમ યુવાદિમાંગમાં ફર્સ્ટકોપીના સ્થાને ફ્રેશ દેશી પ્રોડક્ટ અવતરશે ત્યારે ખરા અર્થમાં દેશના અચ્છેદિન આવશે.


સ્નેહ, સંબંધ અને સદ્ ભાવનાનું વાવેતર આપણા ગામ કે પરિજનોથી જ શરૂ થાય છે. હવે જે વ્યક્તિ પોતાના ગામડાંને પ્રેમ કરી જાણે એ જ દેશને પ્રેમ કરી જાણે. ઝીણીં આંખવાળા અને ઊભી લીપીમાં લખનારા ચીનના વૈશ્વિક સ્તરે બહિષ્કારના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. એની સાથે ખાટી થયેલી ઘટનાઓ વર્ષ 1962થી ચાલતી આવે છે. આ તમામનો સરવાળો કરવામાં આવે તો હુંફના સંબંધમાં હુસાતુસી સિવાય કંઈ હાથમાં આવ્યું નથી. લોખંડી પુરૂષ સરદાર પટેલે એક વખત કહ્યું હતું કે, ચીનથી ભારતે કાયમી ધોરણે ચેતવા જેવું છે. કાશ્મીરનો પ્રશ્ન હંગામી છે અને ઉકેલી શકાય એવો છે. આ ગ્રેટમેને દાયકાઓ પછીનું એ વખતે વિચાર્યું હશે જે કથન અત્યારે સાચું પડી રહ્યું છે. વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં એક આખા વર્ગની વેદના એ હોય છે કેવું લાગે? અને ફાવતું નથી. આપણા દાદાજીઓ દાંતણ કરતા એટલે ડેન્ટિસ્ટ પાસે જવાનો વારો ઓછો આવતો. સ્ટેટસ બદલી શકાય તો સ્વદેશી પણ અપનાવી જ શકાય. એક હકીકત એવી પણ છે કે ધોતીમાં જે મજા છે એ ઈનરવેરના ધજાગરા કરતા પેન્ટમાં નથી. કારણ કે એ પણ વિદેશી બનાવટ જ છે. સ્વદેશી ઉત્પાદકો પણ જ્યાં તેનું ઉત્પાદન કરે છે એ શહેર, ગામ કે તાલુકા-જિલ્લાને સસ્તા ભાવે વસ્તુ વેચે એ અનિવાર્ય છે. ભલે બીજા રાજ્યમાં એમઆરપી વધારીને વેચો. પણ જ્યાં જન્મ થાય છે ત્યાં એનો ઓરિજિનલ ટેસ્ટ દરેકના ખિસ્સાને પરવડે એવો હોવો જોઈએ.

આઉટ ઓફ બોક્સ
દુનિયાની કોઈ પણ બ્રાંડ લઈ લો, જે એક સમયે લોકલ જ હતી. પણ એને ગ્લોબલ થવા પાછળ બે પાસા પર પરસેવો પાડવામાં આવ્યો. મેક્સિમમ પ્રમોશન એટ મિનિમમ પ્રોડક્ટ પ્રાઈસ

No comments:

Post a Comment

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...