રાજકારણના રન-વે પર પાયલોટની ફાઈટ, છોડ ભી નહીં, શકતે મોડ ભી નહીં શકતે
છેલ્લા એક અઠવાડિયાથી પાડોશી રાજ્ય રાજસ્થાનમાં રાજકીય દંગલ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી અશોક ગહેલોત અને નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા સચીન પાયલટ વચ્ચેની તીરાડની તડ છેક દિલ્હી સુધી પહોંચી છે. હાઈકમાન્ડના માણસોની કોરોના કાળમાં દોડાદોડીનો આખો માહોલ સત્તા બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. હકીકત એ પણ છે કે, આવી રાજકીય ઉથલપાથલનો ભાજપે મોકે ફાયદો ઉઠાવ્યો છે. એ પછી કર્ણાટકનું રાજકીય નાટક હોય કે પશ્ચિમના રાજ્યનું પોલિટિક્સ. તકસાધુ બની બેઠેલા ભાજપે આ માહોલ વચ્ચે પોતાની એક પણ પ્રતિક્રિયા આપી નથી. એટલે સતત અને સખત બદલતી ઘટના પર એનું ધ્યાન નહીં હોય એ માનવું ભૂલ ભરેલું છે. કોંગ્રેસે સચીનને દરેક પોસ્ટ પરથી ભલે હટાવી દીધા હોય પણ પાર્ટીમાંથી છોડવા પણ નથી માગતા. સામે પક્ષે સચીન પાયલટની મોંઘી બની રહેલી માગ પણ પાર્ટીના ગળે ઊતરતી નથી અને પક્ષ બોલી શકતો પણ નથી. નિર્ણય પાછળનું નેટવર્ક સફળતા પાછળની ફોર્મ્યુલા જેવું છે. બળવાખોર નેતા તરીકે સચીનની છબી વધારે સ્પષ્ટ થઈ ગઈ. ભાર દઈને કહી ચૂક્યા છે કે, ભાજપનો ભગવો ધારણ કરવાનો કોઈ મૂડ નથી. સચીને ધમપછાડા કર્યા પણ ટાઈમિંગ ખોટો રહ્યો છે. હવે જો તે 30 થી વધુ ધારાસભ્યની ટીમ સાથે આગેકુચ કરે તો ભાજપનું સમર્થન મળી શકે છે. જેની સીધી અસર સત્તા પર થશે. ખુરશી ચેન્જ હો શકતી હૈ. આવા માહોલ વચ્ચે 'કિતને ભી તુ કરલે સિતમ, હસ હસ કે સહેગે હમ' કોંગ્રેસને લાગુ પડતું હોય એવું લાગે છે. કારણ કે, જનમત અને કાર્યની અમલવારી જેટલી સચીનના હાથે થઈ એ જોઈને કોંગ્રેસ એને છોડી શકે એમ નથી.
બીજી તરફ સચીન પાયલટ સાથે રહેલા ધારાસભ્યો અંદરથી ગહેલોત સરકારથી નારાજ છે. પણ આ ઘારાસભ્યો પક્ષપલટો કરવાના કોઈ મૂડમાં નથી. રાજસ્થાનનું રાજકારણ કોંગ્રેસ માટે મજબૂત અને સક્ષમ સાબિત થનારૂ છે. કારણ કે ગહેલોત અનુભવી ખેલાડી છે. પણ પાયલટના વલણને કારણે તે બીજે 'સ્વીચ' થાય એવું અત્યારે દેખાતું નથી. એવું પણ કહેવાય છે કે, સચીન કેટલાક સિનિયર કહેવાતા કોંગ્રેસી નેતાઓની રાજકીય જાળમાં અટવાયા છે. ઘણી એવી ક્ષણ પણ જોવા મળી કે, ઉશ્કેરાયેલા પાયલટે કેરિયરનું પ્લેન સાવ અજાણ્યા રન-વે પર ઊતારી દીધું. એક સમયે અગ્રસ્થાને રહેલા સચિન હવે અંતિમ સ્થાન પર છે. પણ કોંગ્રેસ અંદરખાને મનામણા કરી રહી છે. આવી રાજકીય સખળડખળ વચ્ચે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો. એક જ પક્ષના નેતા સામસામે સરકાર ઉથલાવવા માટેના આક્ષેપ કરે છે. પણ 'સુલતાન' કોણ છે એ હજું રહસ્ય છે. સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે, આટલી ખેંચતાણ વચ્ચે ભાજપ માટે આ 'તમાશો' તક રૂપી બની શકે. સચીને એવો આક્ષેપ કર્યો હતો કે, કોઈ મહત્ત્વના નિર્ણય લેવા માટે મને પૂછવામાં નથી આવતું. જાણકારી પણ આપવામાં આવતી ન હતી. આવી પદવીનો અર્થ શું? પ્રજાને આપેલું પ્રોમિસ પૂરૂ ન કરી શકો તો શું કામનું? આ નિવદેનથી એમનો ઈશારો ગહેલોત સરકાર તરફ હતો. સામે અશોક ગહેલોત કહે છે કે, બેઠક યોજીને વિવાદને સંવાદમાં પલટી શકાય છે. દેશના અન્ય રાજ્યમાં પણ કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ છે. પણ અનિશ્ચિતતા અને અસ્પષ્ટતાની રાજકીય રેતીના તોફાનમાં ટકી રહેવું લોઢાના ચણા પચાવવા જેવું છે. અનેક એવા રાજ્યમાં જ્યાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો ત્યાં કોંગ્રેસ સત્તા પર નથી. એવામાં રાજસ્થાનમાં સરકાર બચાવવી અને સૌનો સાથ સાચવવો કાતિલ ઠંડીમા શ્વાસના રોગીને જીવન આપવા જેટલું કઠિન છે.
મધ્ય પ્રદેશમાં સિંધિયા સહિત કોંગ્રેસ ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતા રાજ્યસભાની ચૂંટણીનું સમીકરણ બગડ્યું હતું. પણ મઘ્ય પ્રદેશમાં કોંગ્રેસની ગણતરી વિપરીત સાબિત થઈ. આવો માહોલ મધ્ય પ્રદેશથી શરૂ થયો. જ્યારે કમલનાથની સરકાર સામે જ્યારે એક મોરચો શરૂ થયો. ટૂંક જ સમયગાળામાં કોંગ્રેસ સરકારમાંથી ભાજપ સરકાર સત્તા પર આવી ગઈ. આ રાજ્યમાં કોંગ્રેસ કોઈ તોડ શોધી ન શકી. જ્યારે ભાજપની રાજનીતિ દંગલમાંથી ડેવલપમેન્ટનું બેનર પકડીને આગળ વધવાની રહી છે. હવે ગહેલોતનો રસ્તો સાફ થઈ ગયો છે. કારણ કે, સચીન પાયલટ, મહારાજા વિશ્વેન્દ્રસિંહ અને રમેશ મીણાની હાંકલપટ્ટી કરી છે. રાતોરાત મુકેશ ભાકર અધ્યક્ષ પદે આવી ગયા. ગહેલોતે અધિકારના આધિપત્ની ઉજવણી કરી. હાઈકમાન્ડની ટીમમાંથી આવેલા રણદીપ સુરજેવાલે બેક ટુ બેક બે બેઠક કરીને વણાંક લાવવા પ્રયત્નો કર્યા. હવે બંને નેતા પોતાનું શક્તિ પ્રદર્શન કરે છે. સચીનની ટીમના ધારાસભ્યને હરિયાણાના ગુડગાંવમાં રોકી રખાયા છે.
એક તરફ રાજસ્થાનમાં કોરોના વાયરસના કેસ રોકેટ સ્પીડથી વધી રહ્યા છે. એવામાં સંક્રમણ ઘટડવાના પ્રયત્નો કરવાને બદલે પોતાની ફાઈટને રાઈટ બનાવવા મથી રહ્યા છે. કુલ 25 હજારથી વધારે પોઝિટિવ કેસ રાજસ્થાનમાંથી સામે આવ્યા છે. વાસ્તવિકતા એ પણ છે કે, સચીન અને અશોક ગહેલોતની આ લડાઈ નવી નથી. વિધાનસભાની ચૂંટણી વખતે સચીન પાયલટ મુખ્યમંત્રી પદના મોટા દાવેદાર હતા. જ્યારે દિલ્હી જઈને ગહેલોતે 'વહીવટ' કરી લીધો. મુખ્યમંત્રી એ બન્યા. ત્યારથી બંને નેતા એકબીજાની કમઝોર કડી શોધી રહ્યા છે.
આઉટ ઓફ બોક્સ
મહામારીના સમયમાં અંદરોઅંદર લડવા કરતા આવામ(જનતા)નું સ્વાસ્થ્ય જળવાય એ પ્રયત્નો હોવા જોઈએ. બાકી રાજરમતની સીઝન તો ચૂંટણી વખતે સૂર્યમુખીના ફૂલની જેમ ખીલી ઊઠે છે.
No comments:
Post a Comment