Sunday, April 26, 2020

બસ દો વક્ત કી રોટી હર કીસી કો મિલની ચાહિયે

કટોકટીના આ કપરાકાળમાં રાજકોટની એક સંસ્થાએ એક લાખ રોટલી બનાવીને અનોખું સેવાકાર્ય કર્યું

કોરોના વાયરસને કારણે લોકડાઉનનો બીજો તબક્કો અંતિમ ચરણમાં છે. સાથોસાથ એપ્રિલ મહિનો પણ વિદાય લઈ રહ્યો છે. મૌસમ ગરમ છે પણ ઉનાળાની હેલ્થ ટિપ્સ આવતી બંધ થઈ છે. કારણે દેશની 95% પ્રજા ઘરે બેઠી છે. કાળમુખી કોરોનાએ કેટલાય કાર્યક્રમને કકકળભૂશ કરી નાંખ્યા. વેકેશન વહી રહ્યું છે. ઈત્તર પ્રવૃતિઓ હવે ઈન્ટરનેટ પર થઈ રહી છે. 40 દિવસના લોકડાઉન પર થયેલો એક સર્વે એવું કહે છે સામાન્ય દિવસોમાં જે ભારત ન હતું એનાથી પાંચગણો લોડ ઈન્ટરનેટ પર વધી ગયો છે. ખાસ કરીને વેબસીરીઝ અને ઈ-બુક્સે અનેક યુવાનોને વાંચન પ્રેમી કર્યા છે. કારણ કે, લાખો એવા યુવાનો છે જે સત્યકથા પર આધારિત વેબસીરીઝ જોઈને એ સિવાયની વાર્તા ઈન્ટરનેટ પર શોધી રહ્યા છે. પરંતુ, આ માહોલે સેવાકીય કાર્યની જ્યોતિને વધું તેજસ્વી બનાવી છે. ભૂખ્યા લોકોને ભરપેટ ભોજન કરાવતી અનેક સંસ્થાઓ વગર હરિફાઈએ મેદાને નીકળી છે. આમ પણ નિરાધારની ઉદરતૃપ્તિ કરવી એ સૌરાષ્ટ્રની નસમાં છે. સંત-સાધુની ભૂમિમાં પ્રસાદી રૂપે આખું ભાણું મળે. જેમાં ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે રોટલી. ઓખા મંડળના દ્વારકાથી લઈને અમૃતસર સુધી જમાડવાની પ્રથા પર કોઈ લોજિક છે કે મેજિક એ અંગે જેટલા મોઢા એટલી વાતો છે. ઘરથી દૂર રહેતા અને હોસ્ટેલ-પીજીમાં રહેતા મોટાભાગના યુથ એક વાત સાથે સહમત થાય છે કે, બસ રોટલી સારી હોવી જોઈએ. બાકી બધું ચાલ્યું જાય. ગુજરાતી પ્રજા પ્રવાસ પ્રેમી પણ ખરા. આ પ્રવાસનું ફિક્સ મેનું એટલે પહેલા ક્રમે થેપલા અને અથાણું અને બીજા ક્રમે ટાઢી-રોટલી. એ પછી સેકેલી પણ ચાલે અને તળેલી પણ ચાલે. દક્ષિણ ભારતના લોકોનું ભાત વગર પેટ ભરાતું નથી એમ આપણી આ પશ્ચિમ પ્રાંતની પ્રજાની ભૂખનો મોક્ષ કરતી વસ્તું એ રોટલી છે.


રાજકોટનું અર્હમ ગ્રુપ લોકડાઉનના આ સમયમાં દરરોજની 32 હજાર રોટલી બનાવે છે. પણ હવે આ આંકડો એક લાખ સુધી પહોંચ્યો છે. દાળ-શાક તો ગમે ત્યાંથી મળી રહે પણ રોટલીની કડાકુટ સ્ત્રીઓના મોઢે ભરયુવાનીમાં મોઢે કરચલી લાવી છે. આવા સમયે આ ગ્રૂપે એક લાખ રોટલી બનાવીને લોકોની ભૂખ-જ્વાળાને શાંત કરી છે. અહીં ગ્રૂપમાં કામ કરતી બહેનો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે. હાથમાં મોજા અને મોઢે માસ્ક પહેરીને દરરોજ રોટલીના લોટ બાંધવાથી લઈને એના પેકિંગ સુધીની જવાબદારી નિભાવે છે. માત્ર રાજકોટ પૂરતી જ આ સેવા નથી. રાજકોટથી નજીક ગોંડલ સુધી 5 હજારથી વધારે રોટલી જાય છે. એમાં પણ થોડો મોર્ડન ટચ આપીને રોટી ઓન વ્હીલ્સ નામથી સેવા કાર્ય છે. એક જાણ ખાતર કે, મેસમાં કે ડાયનિંગ હોલમાં રોટલીના લોટ સાથે મેંદાનું સ્નેહમિલન કરીને રોટલી બનાવવામાં આવે છે. પણ આ ગ્રૂપ કોઈ પ્રકારની મિલાવટ કર્યા વગર પ્યોર શુદ્ધ અને ઘઉંના લોટની રોટલી પીરસે છે. ગ્રૂપના દાતા હિરેન મહેતા કહે છે કે, પરિવારનો સાથે મળ્યો એટલે પારકાને પોતાના માનીને આ રોટલીની સેવાને યથાવત રાખી. પણ આ રોટલી વિશે થોડો વ્યુ વાઈડ કરીએ અને રોટલીનું રાષ્ટ્રીય સ્તરે રોટેશન કરીએ. અમદાવાદમાં એક આખું રોટલી માર્કેટ છે. જ્યાં વહેલી સવારથી પરધર્મની સ્ત્રીઓ માત્ર રૂ.1 અને રૂ.2ના ભાવે જથ્થાબંધ રોટલી વેચે છે. અહીં બનેલી રોટલી માત્ર આસપાસની હોટેલમાં જ નહીં પણ છેક ગાંધીનગર સુધી જાય છે. શહેરના જમાલપુર વિસ્તારમાં જગન્નાથ મંદિરની સામે આવેલા ગેટની બહારના ભાગમાં ડાબી બાજુનાં એક ખાંચામાં સવારે નજર કરો તો મસ્ત રોટલીની સુંગધથી સવાર ઉઘડે છે. એમાં પણ ઘીવાળી, સાદી, કડક, અડધી-પાકી (જેથી તવી પર ફરીથી ગરમ કરીએ ત્યારે નવી લાગે), પંજાબી રોટલી, પડવાળી તથા તેલવાળી રોટલી મળે છે. એ પણ માત્ર નજીવી કિંમતે. આ રીતે આ બહેનોના 'ક્લાઈન્ટ' મોટી હોટેલ્સ-રેસ્ટોરાંવાળા છે. રેકડીવાળા તો ખરા જ. અહીં દરરોજ ભરાતી શાકમાર્કેટમાંથી જ્યારે મજૂર બપોરે લંચ માટે જાય છે ત્યારે માત્ર શાક પોતાની સાથે લાવે છે. રોટલી અહીંથી લે છે.



હાલ એકાંતવાસનો કસોટીકાળ ચાલી રહ્યો છે. એટલે ઘરની રોટલીની સ્વાદ તાજો લાગે છે. બાકી ટિફિનની રોટલી કમાવવા માટે પણ કાળી મજૂરી કરવી પડે છે. સંજોગોના સાક્ષાત્કાર વગર માણસ સુધરે નહીં. રોટલીની વાત છે તો ભારતે રોટલીમાં પણ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2012માં ગણેશ ચોથના દિવસે પૂણેમાં આવેલા દગડું શેઠ ગણપતિ બાપાના મંદિરે 140 કિલોની રોટલી બનાવવામાં આવી હતી. જેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે. મોટાભાગના જુદા જુદા પ્રાંતના ભારતીય કુક કહે છે કે, કુલ 16 પ્રકારની સત્તાવાર રોટલીઓ ભારતમાં બને છે. રૂમાલી રોટી, મક્કે કી રોટી એ બધાના નામ તો સાંભળ્યા જ હશે. પણ તંદુરી ચપાતી, રોટી કુલ્ચા અને ગુળ રોટી પણ ઉત્તર ભારતમાં બને છે. પંજાબમાં આવેલા અમૃતસર ગુરુદ્વારના લંગરમાં કલાકમાં 2000 હજાર રોટલી બને છે. વૈશાખીના તહેવાર નિમિતે આ આંકડો 5 લાખ સુધી પહોંચે છે. જ્યારે દરરોજમાં અઢીથી ત્રણ લાખ રોટલી બને છે. હા, અહીં ગુજરાતીઓની પાતળી અને પંજાબીઓની પંજાબી રોટી બંને બને છે. સાથે મિઠાશની મેલોડી પણ ખરા. હવે અમદાવાદમાં ફ્રેન્કી શરૂ થઈ છે. એમાં પણ રોટલી જ છે. બસ અંદરનું સ્ટફ જુદુ છે. ક્યા રાજ્યનું શું વખણાય એ જ્યારે પૂછવામાં આવે ત્યારે પંજાબની રોટલી વખણાય છે. જાણીને નવાઈ લાગશે કે, કેરળ, કર્ણાટક અને તામિલનાડુંના પ્રસાદમ ભોજનમાં રોટલીનું ચલણ જ નથી. આ ઉપરાંત હૈદરાબાદમાં પણ રોટલી એટલી વધારે નથી ખવાતી. પંજાબમાં ગુજરાતીઓ ખાય શકે એ ગુણવત્તાના ઘઉં પાકે છે. પણ પંજાબમાં મકાઈના લોટની રોટલી ખવાય છે. સ્વાદની સફર કરીએ ત્યારે રોટલી ગુજરાતી પ્રજા માટે રેલવેના એન્જિન જેટલું મહત્ત્વ ધરાવે છે. રાજસ્થાનની દાલબાટી તો જાણીતી છે જ. નાથદ્વારા જતા વૈષ્ણવોએ એક વખત ત્યાંની વલ્લભદર્શનની રોટલી ભૂલ્યા વગર ખાવી જોઈએ.

આઉટ ઓફ ધ બોક્સ
ઘણી વખત કાને સાંભળ્યું હશે કે, આનું દિમાંગ તો શૉ રૂમમાં રાખવા જેવું છે. શૉ પીસની જેમ. એક જાણ ખાતર બેંગ્લુરૂમાં એક બ્રેઈન મ્યુઝિયમ આવેલું છે. જ્યાં આ રીતે દિમાગને શૉ રૂમમાં રાખવામાં આવ્યા છે. 

Sunday, April 12, 2020

ઝીંદગી મેરા ગાના, મૈ ઈસીકા દિવાના.

ઝીંદગી મેરા ગાના, મૈ ઈસીકા દિવાના.

ડૉન્ટ રિજેક્ટ મી...આઈ એમ અ લર્નર. 

બપ્પી લહેરીને આ ગાયિકાએ પોતાના કમ્પોઝિશનમાં ગાવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. 

આંખ પર ચશ્મા અને ગળામાં સોનાના લોકેટ. હાથમાં બ્રેસલેટ અને બીજા હાથમાં મસ્ત કડું. બોલીવુડના ગોલ્ડન મ્યુઝિક ડાયરેક્ટર તરીકે જ્યારે પણ કોનું નામ લેવામાં આવે ત્યારે બપ્પી દા પહેલા યાદ આવે. જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે મ્યુઝિક ક્ષેત્રે કેરિયર બનાવવા માટે તેમણે ઘણા કષ્ટ સહન કર્યા છે. પણ કહેવાય છે ને કે, જેને કંઈક નવું કરવું છે એને કપરી સ્થિતિનો સામનો કરવો જ પડે છે. પણ અવાજની અસાધારણ છાપ અને મીઠાશ ક્યારે રિઝલ્ટ બદલે છે એનો ખ્યાલ સમય સિવાય કોઈને હોતો નથી. 70 અને 80નો દાયકો એવો હતો જ્યારે સંગીત ક્ષેત્રે કોઈ કંઈ નવું લાવે તો પરોક્ષ રીતે પરિસ્થિતિને જટીલ બનાવી દે એવી યુક્તિઓ અને યોજનાઓ ક્યારે કોણ કરી દે એની ખબર ન પડતી. આટલા મોટા કદ અને પદના કલાકાર હોવા છતા એમને પણ ક્યારેક રેકોર્ડિંગ રૂમમાં જવાનો ડર લાગતો હતો.

ડૉન્ટ રિજેક્ટ મી, આઈ એમ અ લર્નર
બપ્પી પોતાની વાત આગળ કહેતા કહે છે કે, હું હજું શીખું છું. મ્યુઝિક ક્ષેત્રે હજું પણ ઘણું શીખવાનું બાકી છે. ડિસ્કોની થનગનાટ એટલે બપ્પી દા. પણ હકીકત એવી છે કે, ડિસ્કો ભારતનું કોઈ થીમ કે ફોર્મેટ જ નથી. આ અમેરિકા અને લંડનનું કલ્ચર છે. પણ આ વસ્તુને ઈન્ડિયામાં એક મ્યુઝિક ફ્લેવરથી લાવનાર બપ્પી દા છે. દાદા કહે છે કે, 70નો આખો દાયકો આખો રોમેન્ટિક મેલોડીનો હતો. જેમ કે, ‘ગોરો કીના કાલો કી, દુનિયા હૈ દિલવાલો કી’, ‘પ્યાર બિના ચેન કહા રે’ આ એવા ગીત છે જે હજું જૂના થયા જ નથી. કદાય એટલે જ એનું રિક્રિએશન થાય છે. પણ એ સમયે અને આજે હું જે કંઈ નવું કરું છું એ એક યુથને ગમે અને એની અસર લાંબા સમય સુધી રહે એવા વિચાર સાથે કરું છું. આ એ યુગની વાત છે જ્યારે ફિલ્મમાં અભિનેતાના અવાજ સાથે ગીતનો સ્વર ખૂબ જ નજીક હોય એ અનિવાર્ય હતું. જેમ કે, શમ્મી કપૂરના કોઈ પણ હીટ ગીત લઈ લો એમાં મહંમદ રફી જ હશે. રાજેશ ખન્નાનું ગીત હોય એટલે કિશોર મામા. ધર્મેન્દ્ર હોય એટલે કિશોર મામા પ્લસ રફી. એટલે એ સમય મિથુનદાનો હતો જેમાં મારો અવાજ બિલકુલ મેચ થતો. અમેરિકાના લોસ એન્જલસમાં જ્યારે હું હતો ત્યારે એક ચીનની છોકરી મળી. ત્યારે મેં એને પૂછ્યું કે,તમે મારા ગીત સાંભળ્યા. હજું તો વાત પૂરી થઈ ન હતી ત્યાં એણે જીમ્મી જીમ્મી ચીનની ભાષામાં ગવાનું શરૂ કર્યું. માત્ર આ જ નહીં ‘મેરા દિલ ગાયે જા...ઝુબ્બી ઝુબ્બી’ આ એક ટચ છે અને ઈફેક્ટ છે તમારા સંગીતની.


તમને માન્યમાં નહીં આવે પણ હકીકત છે કે, ‘ગોરો કીના કાલો કી, દુનિયા હૈ દિલવાલો કી’ આ ગીત રશિયન લિરિક્સમાં રેકોર્ડ થયું છે. કુદરતસર્જિત વિશ્વ અને માનવસર્જિત આ દુનિયામાં જ્યાં કલા છે ત્યાં કોપી પણ છે જ. અમેરિકામાં કોપીરાઈટ વાયોલેશનનો કેસ જીત્યો હતો. એ વાત એવી હતી કે, લતાજીનું ગીત છે. ‘કલીયો કા ચમન જબ બનતા હૈ’ હવે આ ગીતમાં મારૂ મ્યુઝિક હતું. આ ગીતમાં રેપ એડ કરવામાં આવ્યું હતું. એટલે મને ફોન આવ્યો કે, ગીત તમારૂ છે પણ વચ્ચે રેપ વર્ઝન આવે છે. ડૉ. ડ્રેના આલ્બમાં આ કમ્પોઝિશનનો ઉપયોગ થયો પછી કેસ કર્યો. જેમાં જીત થઈ. ભલે પૈસા ન આપો વાંધો નહીં પણ નામની ક્રેડિટ તો આપો. કારણ કે દરેક સર્જન સમય માગી લે છે. દાદા ઉષા વિશે તમારી યાદ...ઉષા ખૂબ ટેલેન્ટેડ પર્ફોમિંગ આર્ટિસ્ટ છે. ‘કોઈ યહાં નાચે નાચે’ આ ગીત આજે પણ એટલું જ નવું લાગે છે. એવું અનેક વખત બન્યું છે કે, ગીત પાછળની હિસ્ટ્રી કંઈક અલગ હોય છે. જ્યારે ફિલ્મ ‘લાવારીસ’ આવી ત્યારે મારા ઘરે પ્રકાશ મહેરા સીટીંગ રૂમમાં બેઠા હતા ત્યારે એને ગીત અમિતાભ બચ્ચના સ્ટાઈલનું ગીત સંભળાવ્યું ‘મેરે અંગને મે.. ’ તો મેં પણ ત્યારે આ જ ગીત થોડી અલગ સ્ટાઈલમાં સંભળાવ્યું. હવે એ સમયે તો એક જ મ્યુઝિક ડાયરેક્ટર રહેતા. એટલે મે જ પ્રકાશજીને કહ્યું કે, આનંદજીનું નામ આપી દો. પ્રકાશ મહેરા મારા ખૂબ સારા મિત્ર છે. આ ગીત પ્રકાશ મહેરાજીનું ક્રિએશન હતું. ‘નીલે નીલે અંબર પર ચાંદ જબ આયે’ હવે આ ગીત મે અને પ્રકાશજીએ સાથે મળીને કંમ્પોઝ કર્યું પણ પ્રકાશજીએ કહ્યું કે, ડારેક્ટર પી. સંબાશિવરાવ મારા મિત્ર છે આ ગીત આપી દે. મે હસતા હસતા આપી દીધું. આ ગીતમાં પહેલા કલ્યાણજી આનંદજીનું નામ હતું પછી મને નામની ક્રેડિટ આપી. પ્રકાશજીને ગીતના શબ્દો અને સંગીતના કમ્પોઝિશનનું ખૂબ સારું નોલેજ હતુ.

હવે આ મ્યુઝિકની દુનિયા એવી છે કે, તમે કંઈક નવું કરવા માંગતા હોવ એટલે ઝડપથી કોઈને ગળે ઊતરે નહીં. એવામાં ઘણા સંગીતના મહારથીઓ સાથેની અનબન તો થતી હોય. પણ આવું ચાલ્યા કરે. હું મારા પર કુદરતની કૃપા અને માતા-પિતાના આશીર્વાદ માનું છું કે, આટલી મોટી જર્નીમાં ટકી શક્યા. હવે વાત ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે, આશાજીને કહી દેવાયું હતું કે, તારે બપ્પીના કમ્પોઝિશનમાં નથી ગાવાનું. પણ હું ખૂબ આદર કરું છું આર.ડી. બર્મનનો. એમને પણ મારું સંગીત વખાણ્યું અને ગમ્યું. હવે આશા અને બપ્પીના સંગીતના ગીત જોવો. ‘કિસી નઝર કો તેરા ઈન્તેઝાર આજ ભી’ સુપરહિટ ગીત. ‘આવાઝ દી હૈ એક નજર ને યા ફીર’ આપણ સુપરહિટ સાબિત થયું. આજે ડી.જે.નો જમાનો છે એ સમય ડફલીનો હતો. એ ગીતની અસર જોવો. ‘નેનો મે સપના...સપનો મેં સજના’ આ જ ગીતનું આખું ફોર્મેટ ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’માં રીપિટ થયું. ગીત ‘ઉલાલા ઉલાલા....’આમાં પણ બપ્પીનો અવાજ અને એ જ ડફલી અને નારંગીઓના સેટ. આ સિવાય વર્ષ 1980માં બપ્પીએ 33 ફિલ્મના 180 ફિલ્મી ગીત રેકોર્ડ કરીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ગીતના રેકોર્ડિંગને લઈને  ગિનિસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે.

    બપ્પીએ પોતાની આ અનોખી અને ગોલ્ડન સ્ટાઈલ પર પેટન્ટ કરાવી છે. જેથી કોઈ એમની કોપી ન કરી શકે. કારણ કે એમના ગળામાં જેટલું પણ સોનું છે એ અસલી છે. પોતાની જાત મહેનતથી એમણે કમાયું છે. દિલના પણ એટલા દયાળું છે કે, એક કાર્યક્રમમાં એક દીકરીએ ‘આવો તુમ્હે ચાંદ પે લે જાયે’ આ ગીત ગાયું અને દાદાને ગમી ગયું ત્યારે એ જ સમયે ગળામાંથી એક ચેન કાઢીને ત્યાં એને આપી દીધી હતી. આજ જ્યાં કોઈ ગીત 3 મિનિટ પણ ટકતા નથી ત્યાં 12 મિનિટનું ગીત ‘પગ ઘુંઘરૂ બાંધ મીરા નાંચી થી’ હજું પણ લાખો કરોડો ચાહકોનું ફેવરિટ છે. રિક્રિએશન થાય એની પણ ઈફેક્ટ છે. જૂના ગીતની અસર છે એટલે તો ફરી બને છે. પણ ઓરિજિનાલિટીની સ્વિટનેસને કોઈ લેસ કરી શકે એમ નથી. દાદા કહે છે કે,કિશોર કુમાર અને લતાજી આ બોલીવુડ જ નહીં પણ સંગીતની દુનિયાના પિલ્લર છે. કારણ કે કિશોર મામા કાયમ એક મુડ ચેન્જ કરી દેતા. ગીત ભલે ગંભીર હોય પણ એના અવાજમાંથી સાંભળ્યા બાદ ફરી એ જ એની મોજ મસ્તી રહેતી. ‘દિલ મે હો તુમ, આંખો મે તુમ’ આ ગીતના મૂળીયા બંગાળીમાં છે. આ ગીત પહેલા કિશોરમામાએ બંગાળીમાં ગાયું પછી હિન્દી ફિલ્મ માટે રેકોર્ડ થયું. ‘લાવારિસ’ અને ‘નમક હલાલ’ આ બંને ફિલ્મ એક પછી એક સમયમાં આવ્યા પણ બંને સુપરહિટ સાબિત થયા. આજે પણ એના ગીત બેસ્ટ છે. જ્યારે માયકલ જેક્શન મુંબઈ આવ્યા ત્યારે બાલા સાહેબ ઠાકરેની ઓફિસમાં એમની સાથે મુલાકાત થઈ હતી. ત્યારે જ્યારે મે ખાલી ડિસ્કો ડાન્સરની વાત કરી ત્યારે એણે કહ્યું કે, જીમ્મી જીમ્મી ગીત પર હું આજે પણ ડાન્સ કરી શકું છું.
સેલ્યુટ છે દાદા.

Saturday, April 04, 2020

યે લોગ કહેતે થે મે તબ ભી ગાતા થા જબ બોલ પાતા નહીં થા

યે લોગ કહેતે થે મે તબ ભી ગાતા થા જબ બોલ પાતા નહીં થા

જૂના ગીતની રીધમની એ જ તો તાકાત છે કે જે આજે પણ રીક્રિએટ થઈ રહ્યા છે


‘એક આંખ મારૂ તો....’, ‘યાદ આ રહા હૈ... ’, ‘પ્યાર બિના ચૈન કહાં રે... ’, ‘રંબા હો હો... ’, ‘જીમ્મી જીમ્મી આજા આજા...’આવા અનેક ડિસ્કો થીમ પરના ગીત આજે પણ જ્યારે કાને પડે છે ત્યારે સાંભળવા ગમે છે. સંગીતની દુનિયામાં રીક્રિએશનની સીઝન શરૂ થઈ છે. જેમાં જૂના ગીતને નવા ઈન્સ્ટ્રુમેન્ટના સ્પર્શથી ડેકોરેટ કરીને પીસરવામાં આવે છે. એ જ રીધમ પણ વાજિંત્રો નવા. જાણે વર્ષો જૂના મોડલને નવા લુગડા પહેરાવ્યા હોય એવો ઘાટ છે. પણ હકીકત એ પણ છે કે, જેમ જેમ જૂના ગીતના રીમિક્સ સામે આવતા ગયા એમ ઓરિજિનલ ગીત પર થતું સર્ચ વધતું ગયું. લોકો ડી.જે.ની બીટ કરતા રીયલ ડ્રમ બીટની રીધમને શોધવા માંડ્યા. અલ્ટિમેટલી ફાયદો જૂના ગીતને જ થયો. આ જ માહોલ વચ્ચે બોલિવુડના મ્યુઝિક ડાયરેક્ટર, કંમ્પોઝર, બેગ્રાઉન્ડ મ્યુઝિક આપનાર અને ગાયક બપ્પી લહેરી આજની મ્યુઝિક શૈલી વિશે વાત કરે છે. જેણે 9000થી પણ વધારે ગીતમાં સંગીત પીરસ્યું છે અને સૂરની યાત્રામાં સિદ્ધ થયા છે. સિદ્ધિ મેળવવી સરળ હોઈ શકે પણ કોઈ ક્ષેત્રમાં સિદ્ધ થવા માટે તો સદી પણ ઓછી પડે. પણ આલોકેશ લેહરી (બપ્પી દાનું સાચું નામ)એને ખરા અર્થમાં સાબિત કરી દીધું કે, તે એવરગ્રીન છે. એના ગીત એટલા સુપરહીટ છે કે, હજું પણ એમાં રીક્રિએશન થઈ રહ્યું છે.

ઓવર ટું દાદા
દાદા કેવી રીતે આ સંગીતની રિધમિક જર્ની શરૂ થઈ? હવે ગીત સાંભળવાનો સમય પૂરો થઈ ગયો છે. હવે ગીત દેખાય રહ્યા છે. એ સમય એક આલ્બમનો હતો આજે ઓરિજિનાલીટીનો છે. સંગીત મારા માટે બધું જ છે. મ્યુઝિક ઈઝ એવરીથિંગ. હું ફિલ્મોના સંગીતમાં હજું પણ એક્ટિવ છું. ટેકનોલોજીએ કાયાપલટ કરી છે એમાંથી મ્યુઝિક વર્લ્ડ પણ બાકાત નથી. હજું પણ ઘણી ફિલ્મો મારા ગીતના કમ્પોઝિશન યુઝ કરે છે. આવું બધું ચાલ્યા કરે છે. ફિલ્મ ‘બાગી-3’માં ‘બંકસ...એક આંખ મારૂ તો..’ મારૂ જ કમ્પોઝિશન છે. ફેન્સ કોને કહેવાય એ મને જ્યારે હું મસ્કત ગયો ત્યારે ખ્યાલ આવ્યો. પહેલી વખત જ્યારે મસ્કત ગયો ત્યારે સવારે ચાર વાગ્યે એક હોટેલમાં એક ફેનને ખબર પડી હશે કે, બાજુની વિંગમાં બપ્પી આવેલા છે. એ સમયે બધું છોડીને એ ફેન મને સવારે ચાર વાગ્યે મળવા આવ્યો. હું તો શોક્ડ...વોટ એ ફેમ. હજું પણ વર્ષ 1960ના દાયકાના ગીત પર લોકો ડાન્સ કરે છે. એ મ્યુઝિક સાંભળતા જ લોકોના પગ થિરકવા લાગે છે. હું આને સફળતા માનું છું.  જેમ કે ‘ચાહિયે થોડા પ્યાર....’ ફિલ્મ ‘લહું કે દો રંગ’નું ગીત છે આ


ક્યારેય વિચાર્યું ન હતું કે, ગીત પણ વર્લ્ડ રેકોર્ડ બનાવશે
આવા ગીત જ્યારે પણ સાંભળીયે ત્યારે એવું લાગે છે જાણે કાલે જ રીલિઝ થયા છે. ‘ઈમ્તિહા હો ગઈ...ઈત્ઝાર કી’ ઓલ ટાઈમ મારૂ ફેવરીટ. દાદા ગીત પણ વિશ્વ વિક્રમ કરી શકે એવું ક્યારે વિચાર્યું હતું? યાર, ‘જીમ્મી જીમ્મી’ આ ગીતે તો કમાલ કરી દીધી. આ એક જ ગીત 45 જુદી જુદી ભાષામા ડબ થયું છે. ચીની, અફઘાની, બર્મા, રશિયા અનેક દેશની ભાષામાં આ ગીત ડબ છે. આ ગીતનું મ્યુઝિક જેટલું ચાલ્યું એટલું કોઈ ગીતનું ચાલ્યું નથી. આજે એક ગીત જ્યાં અઠવાડિયું માંડ ચાલે છે ત્યાં આ પ્રકારના ગીત ખરેખર વિશ્વમાં ડંકો વગાડે એ ખરેખર અસાધારણ સફળતા કહી શકાય. એવું નથી કે, એ સમયે વિશ્વ સિનેમા ન હતું કે, વર્લ્ડ ઈગ્લીશ મ્યુઝિક ન હતા. માધ્યમો હતા પણ લોકોને ટચ થાય એવું હવે બહું ઓછું જોવા મળે છે. દાદા કહે છે કે, હું 11 વર્ષનો હતો ત્યારથી સંગીત ક્ષેત્રે સક્રિય છું. 11 વર્ષે મે પ્રથમ કમ્પોઝિશન આપ્યું. જેમાં મારા પપ્પા ગીત ગાતા અને હું વગાડતો. ચાર વર્ષનો હતો ત્યારે લતાદીદી સાથે કામ કરવા મળ્યું. પણ જ્યારે મુંબઈ આવ્યો ત્યારે બપ્પી નામ મળ્યું અને કામ પણ મળ્યું. આ એ સમય હતો જ્યારે શંકર જયકિશન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, આર.ડી. બર્મન, ઓ.પી. નૈયર અને કલ્યાણજી આનંદજીનો સૂર્ય મધ્યાહનની જેમ પ્રકાશિત હતો. એ તમામ વચ્ચે સેટ થવું રણ પ્રદેશમાં રોયલ પેલેસ બનાવવા જેટલું અધરું હતું. એ સમયે આ શરીર પણ શણગાર વગરનું હતું. વર્ષ 1969માં પ્રથમ વખત ફિલ્મમાં કામ મળ્યું અને સત્તર વર્ષની ઉંમરે બીજી ફિલ્મ ‘નન્હે શિકારી’ મળી. આ જ સમયે મન્નાડે અને લતાજી જેવા મોટા કદ અને પદ પર રહેલા ગાયકોને ગાઈડ કરવાનો ચાન્સ મળ્યો. ઘણી વખત એવું બન્યું કે, ફિલ્મ ન ચાલી પણ ગીત ખૂબ ચાલ્યા. જેમ કે, ‘બાઝાર બંધ’ ફિલ્મ ન ચાલી પણ ગીત લોકોને ખૂબ જ ગમ્યા. આ સંગીતજગત એવું છે કે, જ્યાં સુધી કોઈ મોટી સિક્સ ન મારો ત્યાં સુધી કાળું કૂતરું પણ સુંઘતું નથી.

        તાહિર હુસૈન મારા માટે સાંતાક્લોઝ બનીને આવ્યા. જેમ સાંતા ક્લોઝ ઘણી બધી ખુશી આપે છે એમ એ વ્યક્તિને ‘લડકી બદનામ સી’નું કમ્પોઝિશન ખૂબ ગમ્યું. એ સમયે એક પ્રોડ્યુસર, રાઈટર અને ડાયરેક્ટર ઘરે આવે એ મોટી વાત ગણાતી. એ મારા ઘરે આવ્યા હતા. ફિલ્મ ‘મદહોશ’ માં મ્યુઝિક ડાયરેક્ટર આર.ડી.બર્મન પણ બેગ્રાઉન્ડ મ્યુઝિક મારૂ હતું. એ માણસે મને પ્રોમિસ આપ્યું હતું કે, તને ક્રેડિટ મળશે. પછી ફિલ્મ આવી ‘ઝખમી’ છ ગીત એ તમામ સુપરહીટ. ‘જલતા હૈ જીયા મેરા ભીગી ભીગી રાતો મે’ આજે પણ કાને પડઘાય એટલે જલસો પડી જાય.

આ ગીત વખતે તો કિશોર કુમાર રડી પડ્યા
કિશોર દાનો સ્વભાવ માત્ર ઓન સ્ક્રિન કે કામમાં જ મસ્તીખોર ન હતો. પણ એ માણસ આખા જ મસ્તીખોર હતા. ‘પગ ઘુંઘરું બાંધ મીરા નાંચી થી’ આ ગીત જ્યારે મારી પાસે આવ્યું ત્યારે એમા વેસ્ટર્ન, ડાન્સ અને ક્લાસિકલનો એક ત્રિવેણી સંગમ હતો. અત્યાર સુધીના તમામ ફોર્મેટમાં પ્રથમ વખત આ ગીતમાં સરગમ મે મૂકી હતી. ‘સસસ ગગ રેરે સાનીની સા સા સા’ ગીત એટલું લાંબું હતું કે, કિશોરમામા (બપ્પીદાના મામા થાય)એ કહ્યું, ભાઈ હું કંઈ તાનસેન નથી. પહેલીવારમાં તો ના પાડી દીધી આવું બધું ન થાય. પણ મે ફોર્સ કર્યો અને ગીત સુપરહીટ થયું. ‘ચલતે ચલતે મેરે યે ગીત’ આ ગીતનું જ્યારે રેકોર્ડ થતું હતું ત્યારે કિશોરમામા બે વખત રડ્યા હતા. કારણ કે ગીતના શબ્દોમાં એટલી શક્તિ હતી. પછી તો એ ગીતકાર અમિત ખન્નાને મળવા પહોંચી ગયા હતા. ‘બમ્બઈ સે આયા મેરા દોસ્ત’ આ ગીત મારી ઓળખનું આઈડીકાર્ડ સમાન સાબિત થયું. આ એ સમય હતો જ્યાં કલા પણ હતી અને કથા પણ ફિલ્મોમાં હતી. જ્યારે ‘જહાં ચાર યાર મિલ જાયે વહી’ આ ગીતમાં અમિતાભ બચ્ચને રેપ વર્ઝન ગાયું છે એવું કિશોરદાને ખબર જ ન હતી. જ્યારે ફાયનલ રેકોર્ડિગ પૂર્ણ થયું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે, આમા તો બીગ બીનો અવાજ છે. આ એક નવો કોન્સેપ્ટ હતો.
(ક્રમશઃ)

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...