Thursday, June 27, 2019

બીએસએનએલઃ ઈસ મે મેરા ઘાટા

બીએસએનએલઃ ઈસ મે મેરા ઘાટા

          ગત ફેબ્રુઆરી મહિનામાં એવિએશ ક્ષેત્રની સરકારી કંપની એર ઈન્ડિયાએ જાહેર કર્યું હતું કે, એર ઈન્ડિયાની સર્વિસ ખોટમાં ચાલી રહી છે. ત્યાર બાદ રેલવે તરફથી સમયાંતરે એ રીપોર્ટ સામે આવે છે કે, રેલવેમાં બેનિફિટ કરતા લોસનો આંકડો દિવસેને દિવસે મોટો થઈ રહ્યો છે. જાહેર સાહસની કંપનીઓ સસ્તા દરે વિશાળ સુવિધા સાથે સર્વિસ આપી રહી હોય ત્યારે સરકારી કંપનીઓના કર્મચારીઓ અને બીજા સ્ટાફની સેલેરી સામે જોખમ ઊભુ થાય છે સરળતાથી સમજી શકાય એવો મુદ્દો છે. હવે ખોટ કરતી સરકારી કંપનીઓની યાદીમાં વધુ એક કંપનીનો ઉમેરો થયો છે એ કંપની છે બીએસએનએલ. હાલમાં જ આ કંપનીએ પોતાના ગ્રાહકોનો સાચવી રાખવા માટે ઈન્ટરનેટની નવી સ્કિમ જાહેર કરી હતી. જેનો રીચાર્જ દર પણ નજીવો રાખવામાં આવ્યો હતો. પરંતુ, વાસ્તવિકતા એ પણ છે કે, આ સરકારી  કંપની અત્યારે આર્થિક સંકટના વાદળમાં અટવાઈ પડી છે. પોતાના 1.7 લાખ કર્મચારીઓને વેતન આપવા માટે પૂરતું ફંડ નથી. આ માટે કુલ રૂ.850 કરોડનું ફંડ કંપનીની તિજોરીમાં નથી.

              આ કંપનીના બેગ્રાઉન્ડ પર નજર કરીએ તો બીએસએનએલની દેશભરમાં કુલ 15000થી વધારે પોતાની માલિકીની બહુમાળી ઈમારતો છે. જ્યારે 11 હજાર એકરની જમીન માલિકીનો હક આ કંપનીનો છે. જોકે, પ્રોપર્ટીના દરનો આંકડો જોઈને કે સમજીને પગાર ચૂક્તે કરી શકાતો નથી. એ પણ હકીકત છે. આ ઉપરાંત વધુ એક સરકારી કંપની એમટીએનએલ વર્ષ 2010થી નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. બે વર્ષ પૂર્વે 2017માં બીએસએનએલએ 4789 કરોડ રૂપિયાની ખોટ વેઠી હતી. આ વર્ષે આ આંકડો વધી શકે એવી પૂરી શક્યતાઓ છે. ગત વર્ષે આ આંકડો 8000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ખોટની રકમ વધી રહી છે એવામાં પોતાના ગ્રાહકો ટકાવી રાખવાનો પણ પહાડ જેવડો પડકાર છે. એ પણ વાસ્તવિકતા છે કે, લોકસભાની ચૂંટણી પહેલા દેશની કેટલીક રાજ્ય સરકારે વીજબિલ ન ભરતા વીજ લાઈન કાપી નાંખવાની વાત ઉચ્ચારી હતી. જોકે, કંપનીની આ હાલત માટે સરકારની કેટલીક નીતિ પણ અમુક અંશે જવાબદાર છે. સરકારે ક્યારે એવું મુલ્યાંકન કે નિરિક્ષણ કર્યું નથી કે, સરકારી તિજોરીના બે કામાઉ દીકરા એર ઈન્ડિયા અને બીએસએનએલ કેવી રીતે ચાલી રહ્યા છે. 90ના દાયકામાં આર્થિક ઉદારીકરણના રોપાયેલા બીજનો જેટલો ફાયદો ખાનગી કંપનીઓએ લીધો એટલો સરકારી કંપનીએ લીધો નથી. તેમ છતાં બીએસએનએલના ગ્રાહકો સૌથી વધારે હોવાનો દાવો છે. આ સિવાય દેશનું સૌથી મોટું ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક બીએસએનએલ પાસે છે. 8.19 લાખ કિમી. પરંતુ, ધીમે ધીમે રિલાયન્સ જીઓ આ ક્ષેત્રે કદમતાલ કરી રહી છે અને સફળતા માટે હવાતીયા મારી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા નાણામંત્રાલયે બીએસએનએલ અને એમટીએનએલને ફરી જીવંત કરવા કેટલાક પ્રસ્તાવ નવી સરકાર સામે મૂક્યા હતા.
                નવી સરકાર કેન્દ્રમાં આવી એને એક મહિનો થઈ ચૂક્યો છે. હવે બજેટ રજૂ થવાનું છે અને બીજી યોજનાઓ પણ જાહેર થવાની છે. એવામાં સરકાર આ બંને કમાઉ દીકરાને વેગ આપવા કેવું પગલું ભરે છે એના પર તેના ગ્રાહકોનો આધાર છે. કારણ કે લોકોની રુચિ બદલતા સમય નથી લાગતો. ખાનગી કંપનીઓના ગ્લેમર વચ્ચે સરકારી કંપનીઓનું નબળું પ્રમોશન દેખીતી રીતે ખોટના સંકેત આપી રહ્યું છે. ખાનગી કંપનીઓએ શીખી લીધું છે કે રાય જેટલું કામ અને હિમાલય જેટલો પ્રચાર. કંપનીને પાયાથી સુધારવાની જરુર છે. એક નવી પોલીસી આ બંને કંપનીઓને જીવનદાન આપી શકે છે. જ્યારે એર ઈન્ડિયામાં ખાનગી કંપનીઓની કેટલીક સારી પોલીસીને ગ્રહણ કરી જરુરી ફેરફાર સાથે એપ્લાય કરી શકાય છે. કારણ કે ત્રણેય કંપનીઓએ માર્કેટમાં ટકી રહેવા માટે માત્ર નામ જ નહીં કામ પણ એવા દેખાડવા પડશે.

જામનગર ઉદય-તા.27.6.2019

Tuesday, June 25, 2019

બજેટઃ કુછ આશ હૈ, કુછ ખાસ હૈ

બજેટઃ કુછ આશ હૈ, કુછ ખાસ હૈ
                મોદી સરકારની બીજી ટર્મમાં સૌથી વધારે લોકોની નજર જેના પર છે તે છે બજેટ. આ વખતે સૌ પ્રથમ વખત દેશના પ્રથમ મહિલા નાણા પ્રધાન દેશનું બજેટ રજૂ કરવાના છે ત્યારે દરેક ક્ષેત્રના  લોકોને રાહત મળવાની પૂરી આશા છે. ખાસ કરીને ખેડૂત વર્ગ ફરી કોઈ મફત સ્કિમની રાહ જોઈને બેઠો છે તો બેરોજગાર યુવાનો માટે કોઈ ખાસ આયોજનથી કમાણી કરી શકાય એ પ્રોવિઝનની રાહ જોવાઈ રહી છે. તા.5 જુલાઈએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન સૌ પ્રથમ વખત મોદી સરકારની બીજી ટર્મનું બજેટ રજૂ કરશે. જેમાં પીયૂષ ગોયેલની ચાવી રુપ ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ દેશમાં તેજી-મંદીનું મિશ્ર વાતાવરણ છે ત્યારે અનેક પડકારો સામે પહોંચી વળવાની ક્ષમતાની ખરી કસોટી થવાની છે. મોદી સરકારનું નવું મંત્રી મંડળ તૈયાર થયા બાદ ઓછા સમયમાં મોટા પ્રોજેક્ટને પહોંચી વળવાની ચેલેન્જડ છે. એવામાં આ બજેટ પણ ટૂંકા જ સમયમાં તૈયાર થયું છે. છેવાડાના રાજ્ય અને શહેરને કેવો તથા કેટલો લાભ મળી રહે છે એ જોવાનું છે. બીજી તરફ રાજ્ય સરકાર પણ ક્યો પ્રોજેક્ટ શરૂ કરશે જેથી પ્રજાને સીધો ફાયદો થાય એ સૌથી વધારે ચર્ચાતો મુદ્દો રહ્યો છે.
ઉદ્યોગ લોબી અને નોકરીયાત વર્ગને અસર કરતું સમાન પરિબળ ઈન્કમ ટેક્સ છે. ગત ચૂંટણી પહેલા મોદી સરકારે ફેબ્રુઆરીમાં રજૂ કરેલા બજેટમાં ઈન્કમ ટેક્સમાં થોડી રાહત આપવામાં આવી હતી. પણ એ તો ચૂંટણીલક્ષી બજેટ હતું. આવનારા દિવસોમાં વિવિધ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટાયેલા સાંસદો ફરી જનતાને મહેરબાન કરવા મેદાને પડે એવી પૂરી શક્યતાઓ છે. ખાસ કરીને ઉદ્યોગો માટે સરકાર સકારાત્મક રહી છે, બીજી તરફ ગુજરાત અને દિલ્હી જેવા મહત્ત્વના સેન્ટરમાં નવા સ્ટાર્ટઅપ માટે સરકારી રેડ કાર્પેટ છે. એવામાં સ્થાનિક માર્કેટમાં ઉત્પાદિત ચીજ વસ્તુઓ સસ્તી થાય તો પાડોશી રાજ્ય કે દેશ સુધી મોકલવાનું દરેક ઉદ્યોગ સાહસિકને પરવડે. પણ ટેક્સ અને પરિવહનના મોંઘાદાટ માળખામાં ગૂંચવાયેલો રૂપિયો નફો ઓછો અને ખોટ વધારી રહ્યો છે. બીજી તરફ સરકારી તિજોરીને સમયાંતરે લાગતા ફટકાને આર્થિક રીતે સદ્ઘર કરવાની જવાબદારી નિર્મલાના માથે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ક્રુડના ભાવ અંગે ચોક્કસ પોલીસીથી કામ લેવું હવે અનિવાર્ય છે કારણ કે, ઈરાન અને અમેરિકા વચ્ચે છાશ ખાટી થઈ ગઈ છે. જેના છાંટા ભારતને ઉડવાના છે. વલણ બદલતું અમેરિકા અને પાડોશી દેશને મદદ કરતું ચીન આ બંને મુદ્દા દેશના અર્થતંત્રને સીધી રીતે અસર કરે છે. કારણ કે હજું પણ ચીનની આઈટમ સસ્તી હોવાને કારણે તે પ્રોફિટ ભારતમાંથી ખેંચી જાય છે. તો બીજી તરફ આદર્શવાદના દાવા ઠોકતું અમેરિકા પોતાની વૃતિ હાલમાં બદલે એવું લાગતું નથી.   


 નિર્મલા સીતારામણ મોદી સરકારની ટીમમાં સૌથી એક્ટિવ અને ક્રિએટિવ વ્યક્તિ માનવામાં આવી રહ્યા છે. સંરક્ષણ ખાતું જ્યારે એમની પાસે હતું ત્યારે પણ તેમણે પોતાની વર્કિગ પોલીસીનો એ ક્ષેત્રને પરીચય આપ્યો હતો. આ ઉપરાંત અત્યારે બજેટનું છાપ કામ ચાલી રહ્યું છે ત્યારે પૈસો ક્યાંથી આવશે અને ક્યા અનિવાર્ય ક્ષેત્રમાં જશે એ સૌથી અગત્યનું પરિબળ બની રહેશે. એ વાત એ પણ ચોક્કસ છે કે, બજેટ બાદ વિપક્ષ તરફી રાજકીય ખળભડાટ મચી જવાનો છે. 40થી વઘારે આર્થિક સલાહકારની સલાહ લીધા બાદ આ બજેટ રજૂ થવાનું છે ત્યારે સરકારી કર્મચારીથી લઈને ખાનગી ક્ષેત્ર સુધી સૌ કોઈ રાહત ઈચ્છે છે. બસ કુછ આશ હૈ કુછ ખાસ હૈ.

જામનગર ઉદયમાં પ્રકાશિત. તા.24.6.2019

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...