Tuesday, October 25, 2016

કોલ સેન્ટર કૌભાંડઃ આઇટી ક્ષેત્રે ખરડાતી વૈશ્વિક છબી

                        ટેલિકોમ્યનિકેશન સર્વિસ પ્રોવાડર એક કંપનીએ ફોર્થ જનરેશન (4જી) સર્વિસ શરૂ કરી અને ઉપભોક્તાને લ્હાણી કરાવનું શરૂ કરી દીધુ,મફતમાં મોજ ની મેન્ટાલિટીવાળો દેશનો બહોળો વર્ગ માંખી જેમ મીઠાઇ પર ટૂટી પડે એમ મચી પડ્યો. શોપિંગ મોલ, મોબાઇલ શોપ, ફ્રેન્ચાઇઝી અને સ્થાનિક વેપારીને ત્યાં શેરીના નાકે ઉભા રહેતા પાણીપુરી કરતા વધુ ભીડ જામી. રાશનની દુકાનમાં લાઇન જોવા ન મળી તેનાથી લાંબી લાઇન આ તમામ જગ્યાએ જોવા મળી. જો કે મફત યોજનાનો 'સરકારી અભિગમ' થોડા કસ્ટમ સેટિંગ સાથે ખાનગી કંપનીઓએ અમલમાં મૂકી દીધો છે. જેમાં સરવાળે પૈસાનો ભાર અને હેરાનગતિનો હાર ગ્રાહક નામની કન્યાની કેડ પર સ્કિમના કંદોરા સાથે ડેમોમાં મૂકવામાં આવ્યો છે. જેના કેન્દ્રમાં અને લોક નજરમાં છે મફત ઇન્ટરનેટ.

                ઇન્ટરનેટના વિશાળ નેટવર્ક અને ટેલિકોમ્યુનિકેશનના સહારે કરોડોનો બોગસ કારોબાર મુંબઇના મીરારોડ પરના ત્રણ બહુમાળી કોમ્પ્લેક્સમાંથી સામે આવ્યો. જે શ્યામલક્ષ્મી (બ્લેકમની)ની પાધડીનો છેડો ગુજરાતના ભાવનગર અને અમદાવાદમાં ખુલ્યો છે. કોલ સેન્ટર અને નાણા કમાવવાના શોર્ટકટથી વધુ એક નરવીર આંતરરાષ્ટ્રીય સ્તરે પૈસાની લપસણી સપાટી પર કળા કરી ગયો. કોલ સેન્ટરથી કસ્ટમર સુધી, વચ્ચેની તમામ ચેનલમાં નાના-મોટા સર્કિટને 'સેટિંગ'ના કરોડો રૂપિયા મળતા. આ સાથે શરાબ અને શબાબની ઓફર પણ થતી. આ કૌભાંડનો સૌથી મોટો ક્રેક તો એ છે કે તેમાં ગુજરાતના બે ખાખીધારી પોલીસ કર્મીઓના નામ ખુલ્યા. હવે આ બે 'ચૂલબુલ પાંડે'ની ઇન્ક્વાયરીમાં કેટલાય અન્ય પરિબળોની ભેળસેળ ભળશે. પણ આ ઘટનાથી વૈશ્વિક સ્તરે વિશ્વાસનું પારદર્શક પાણી ડહોળાયું છે. કાયમ ટેસ્ટી લાગતા પારકા સ્વાદમાં અમેરિકનો બ્લોક થઇ ગયા અને બધુ 'ઓલરાઇટ'-રોંગ થઇ ગયું.

            દેશની સંવેદનશીલ સરહદ પર સુરક્ષાની બાબતે પણ કડક વલણ અપનાવવા માટે આજે કેટલાક કહેવાતા મફલરધારી નેતાઓ સાબિતી માંગીને સળી કર્યા કરે છે. એવામાં હવે સાયબર હુમલાથી દેશની આઇટી સર્વિસ પણ સેફ નથી. હજુ ટેકનોલોજી ક્ષેત્રે દેશે ઘણુ કરવાનું છે અને આગળ આવવાનું છે ત્યારે વિશ્વના અન્ય રાષ્ટ્ર આપણાથી હજારો કદમ આગળ છે. જે રિયલ ટાઇમ સર્વિસની વાત છે ત્યાં ઇન્ટરનેટની સ્પિડ સામે પણ સવાલ છે અને હજુ પણ દેશના કેટલાક વિસ્તારમાં વાત કરી શકાય એટલા નેટવર્કના ઠેકાણા નથી. દેશની જ કેટલીક આઇટી કંપનીઓના બ્રાંડનેમનું વિશ્વમાં મોટું માર્કેટ છે. યુએસની ઢગલોબંધ વેબસાઇટના ડીઝાઇનિંગ પાછળ ભારતીયોના ભેજાનું આઉટપુટ છે. દેશના જ યુવાનો સોફ્ટવેરના સમ્રાટ બનતા જાય છે. એપ્સના એડમિન બની રહ્યા છે. અમેરિકાની કંપનીઓ ભારતીય કંપનીઓ પર પસંદગીનો પ્રેમ ઉતારે એ પાછળનું કારણ દેશમાં આવેલી આઈટી ક્રાંતિ છે. કોલ સેન્ટરના કૌભાંડથી ભારતીય આઇટી કંપનીઓ સામે હવે શંકાની સોય નહીં પણ તલવાર ઊભી થઇ છે. વિશ્વાસે ચાલતા વહાણમાં સિક્યુરિટી ચેંકિગ થવા માંડ્યું છે. યુએસ બેઇઝ કંપનીઓ આજે ઇન્ડિય સર્વિસિઝના કોલ ઉપાડતા ડરે છે. જેની પાછળ સાગર ઠક્કર જેવી આડપેદાશોનો કિચળમય ફાળો છે.

                         અમેરિકાઓ આઉટસોર્સિગ બંધ કર્યુ અને યુરોપીય સંધમાંથી બ્રિટને વિદાય લીધી ત્યારે ખડભડાટ મચી ગયો હતો કે આંતરરાષ્ટ્રીય વ્યવહારને અસર થશે. જેનો ફટકો ભારતીય આઇટી સેક્ટરને થશે.  પણ પછીનો સમય ભારતીય આઇટી માટે રેડ કાર્પેટ નહીં પણ ગોલ્ડન પિરીયડ શરૂ થયો. કારણ કે દેશના યુવાનોની ક્રિએટિવીટીને ઇન્ટરનેશનલ ઇનકમ થતી હતી અને આજે પણ થાય છે પણ હવે નોકરીના જોખમે. આટીસિટી બેંગ્લોરમાં 3 લાખ બીપીઓ (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિગ) છે. યુ.એસ. કંપનીઓનું છુંટુછવાયું 80 ટકા કામ ભારત સાચવે છે. આઇટી સેક્ટરમાં પડકારો આવી રહ્યા છે એમા ટેકનિકલ વિષય કરતા કૌભાંડથી થતી માઠી અસર સામે ટકી રહેવાનું મુખ્ય છે. પેકેડ ડીઝાઇન, પ્રોગ્રામિંગ, ડેટા મેનેજમેન્ટ, ક્વેરી ફાયર, ફોલ્ટ ફાઇડિંગ અને સોલ્યુશન જેવી સર્વિસનો સમાવેશ થાય છે. કોલ સેન્ટર કાંડના કારણે આઉટસોર્સિગની તમામ સર્વિસ પર જે તે વિદેશી કંપનીઓએ ઇન્વેસ્ટિગેશન અને વેલિડેશનનો ગેટ મૂકી દીધો છે જે માટેના પેરામીટર આપણે ત્યાંની સાયબર સિક્યુરિટી કરતા ઘણા કડક છે. જેને ફરજિયાત પાસ કરવા પડે એમ છે. કારણ કે આઇટી પ્રોડક્ટનું માર્કેટ દેશમાંથી આઉટસોર્સ થાય એમાં આપણી કંપનીઓને જ ઘી કેળા છે.

              આ પહેલા દિલ્લીમાંથી અને બેગ્લોરમાંથી કોલ સેન્ટર ઝડપાયા હતા. બ્રિટિશ સરકારે 88 કરોડનું બોગસ કોલ સેન્ટર વર્ષ 2013માં પકડયું હતુ જેનો રેલો મુંબઇ સુધી આવ્યો અને એક આઇટી કંપનીની પૂછપરછ લગી મામલો અટક્યો. મીરા રોડ પરના કોલ સેન્ટર કૌભાંડથી વૈશ્વિક સ્તરે આઇટીની છબીમાં કાદવ ઉછળ્યું છે અને ગાબડું પડ્યું છે. આટલા મોટા સેટિંગ ચેઇનથી આઇટીની ઉષ્મા વિશ્વકક્ષાએથી ઓસરી રહી છે. અવિશ્વાસથી અવ્યવસ્થા સુધીનો માહોલ અત્યારે ટેકનોલોજી ફિલ્ડમાં છે ત્યારે આઇટીમાં પણ હવે વાયોલંસ (હિંસા) થવા માંડ્યું છે. દેશના ક્રાંતિજનક ક્ષેત્રમાં કૌભાંડીયાઓએ ક્રિએટિવિટી અને ક્રિડેબિલીટિનો કુડચો બોલાવી દીધો છે.

વિજય માલ્યા, કેતન મહેતા અને હવે સાગર ઠક્કર. 

Saturday, October 22, 2016

કાયદાના ગ્રાઉન્ડમાં બીસીસીઆઇને સુપ્રિમ સ્ટ્રોક

            છેલ્લા ત્રણ મહિનાથી બીસીસીઆઇનાના અસરહીન વલણ સામે સુપ્રીમે સતર્કતા દાખવી કડક આદેશ આપ્યા. લોધા કમિટીના સૂચનો સાથે સુપ્રીમના ઓર્ડરે બીસીસીઆઇનું પ્લેગ્રાઉન્ડ નાનું કરીને વેલિડીટીમાં મૂકી દીધુ છે. ગત મહિને ક્રિકેટ બોર્ડને સુપ્રીમે કમિટી નિયમ પાલનને આદેશ આપ્યા હતા પણ બોર્ડની ભાવે તે ખાવું ની નીતિથી મુખ્ય કહી શકાય એવા મુદ્દાઓ સાઇડ લાઇન થતા હતા. ખાનગી વહીવટ અને કાયદાકિય સ્થિતિ સામે બોર્ડના કઠિન દિવસો શરૂ થઇ ચૂક્યા છે. જો કે સુપ્રીમે કરેલા લોધા કમિટીના આદેશ પાલનના પાસાઓ જળ અને આકરા લાગી રહ્યા છે. વહીવટદારોની લકઝરીથી ખાડામાં ખોટકાતુ બોર્ડ અદાલતના ફટકાથી હેરાન છે, બોર્ડના અધિકારીઓ, પદાધિકારીઓ અને જવાબદારોના ઠીકઠાક વલણ યથાવત રહેશે તો બોર્ડે પોતાના અસ્તિત્વ માટે કમર કસવી પડશે.

               અકડાય ગયેલા અનુરાગ ઠાકુર સમગ્ર પરિસ્થિતિ અને પરિણામલક્ષી પગલાઓથી વાકેફ છે. પરંતુ, કોકડું કાયદાની માયાજાળમાં અટવાયેલું છે. સુપ્રીમના આદેશ અનુસાર બીસીસીઆઇ અને રાજ્યના ક્રિકેટ સંગઠનો લોધા કમિટીની ભલામણોનો અમલ નહીં કરે ત્યાં સુધી નાણાકિય વ્યવહાર નહીં થાય. હિમાલય ચડવા ગયેલા પર્વતારોહકનો ઓક્સિજન બંધ કરવા જેવી હાલત આ લોકોની થઇ છે. બોર્ડની લેખિતમાં બાંહેધરી સાથે હવે ટાઇમલિમીટ પણ શરૂ થઇ ગઇ છે.  ઉપરાંત બોર્ડના એકાઉન્ટની સ્વતંત્ર તપાસ માટે ગ્રીન સિગ્નલ મળી ગયું છે. તપાસનો બોલ એકાઉન્ટ સુધી પહોચ્યો છે ત્યારે બોર્ડના વહીવટમાંથી હાથી પણ નીકળી ગયા છે. અનુરાગ પૂર્વે શ્રીનિવાસનની હેકડાઇથી કેટલાય લીલાછમ રજવાળા બોર્ડના પદાધિકારીઓના બન્યા છે. સ્ટેટ લેવલના સિલેક્શનથી લઇને બોર્ડની વર્તમાન વિકટ અવસ્થામાં પક્ષપાતી વલણ ધણી બધી બાબતોમાં જવાબદાર છે.પૈસાના મામલો છે ત્યારે બોર્ડની તિજોરીમાં ડબલ વેલ્યુ નામનું ફિલ્ટર લાગેલું છે. બોર્ડની મુખ્ય ઓફિસ દુબઇમાં છે. ઉપરાંત અન્ય દેશના ક્રિકેટ બોર્ડની તુલનામાં ભારતીય ક્રિકેટ બોર્ડ સૌથી ધનિક છે. રોકડ વ્યવહારો અને આવક દુબઇના પૈસાની ગણતરીએ નોંધાય છે અને જમા પણ થાય છે. બોર્ડની બારિકાઇથી તપાસની વાત છે ત્યાં અનુભવી તથા આદર્શ કારકિર્દી ધરાવતા માઇલસ્ટોન વ્યક્તિઓ પણ મૌન બનીને બેઠા છે. ચિંતાનો વિષય એ પણ છે કે ખાડે ગયેલા વહીવટમાં એકસુત્રતા લાવવા આંતરિક વિખવાદનો વ્યાપ અવકાશ જેટલો મોટો છે.

        નાણાકિય વ્યવહાર અને સુપ્રીમની પ્રોસિજર છે ત્યા સુધી કમિટી, બોર્ડ અને પ્રમુખના અસરકારક પગલા નજીકના ભવિષ્યમાં ક્યાંય દેખાતા નથી. આ ઉપરાંત બોર્ડની કોઇ ટીમ જે સમગ્ર બોર્ડનું સંચાલન કરે અને પારદર્શિતતા લાવે તેનો અભાવ વર્તાય છે. સામે બોર્ડે પણ લોધા કમિટીના સૂચનને કાયમી માન્ય રાખવા હજુ કેટલો બ્રેક જોઇશે તે સંગઠિત થઇને સ્પષ્ટ કરવું પડશે. આ સાથે એક રાજ્યમાં એક વોટનો વિકલ્પ પણ ટુંક સમયમાં વિચારવો પડશે. જો કે કેસનો અંત અત્યારે જ આવી જશે એમ કહી ન શકાય

Friday, October 07, 2016

માત્ર યુધ્ધ જ નહીં પણ યુક્તિ પણ યર્થાથ જોઇએ

                       પીએમ મોદીએ અવરચંડિલા, અખલા સમાન, આતંકી, અમાનવીય અને અત્યંત ક્રુર પાડોશીને ઝાટકીને કહી દીધુ કે લોહી  અને પાણી બંન્ને એક સાથે ન વહી શકે, ત્યારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આતંકવાદને આધાર આપનારા રાષ્ટ્રોના કાન આંબળ્યા. દેશના વાતાવરણમાં જવાબ દેવાની મોસમ ખિલી ઊઠી છે ત્યારે પાયાના પ્રશ્ન એવા પાણીની વહેચણી સામે પણ દાયકાઓ બાદ દમદાર સવાલ સમસ્યામાં પરિવર્તિત થયા છે. યુધ્ધએ વિકલ્પ નથી પણ ખરેખર ચિંટીયો ભરવો જ હોય અને ચમચમી જાયે તેવી સજા કરવી હોય તો વિકલ્પો ઘણા છે. જેનો અમલ કરવા માટે લોખંડી ઇચ્છાશક્તિ જોઇએ. જેથી કોઇ નફ્ફટ રાષ્ટ્રને ઘુંટણીએ લાવી શકાય. જો કે હવે બંન્ને દેશના આર્થિક સંબંધો પણ એટલા મજબુત રહ્યા નથી. ભારતમાંથી જો કારોબાર સમેટી લેવામાં આવે તો પણ અસર થઇ શકે છે. સિંધુ નદીના કરાર મુદ્દે ભારતની પ્રમાણિકતાની નોંધ વિશ્વસ્તરે લેવાય છે

                        જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે રાજકીય જિદ્દ સામે રાષ્ટ્રહિતને અવગણવામાં આવ્યું ત્યારે માત્ર રાષ્ટ્રનું નહીં પણ પીવાના પાણીનું પણ વિધિસર વિભાજન થયું હતુ. પાણીના ભાગલાને લઇને ગંભીરતાથી વિચારવામાં આવે તો હજુ પણ હુકમનું પત્તું ભારત પાસે છે. મેજોરિટી આપણા હાથમાં છે.અત્યાચાર સહન કરવાની ક્ષમતા હવે સાફ થતી જાય છે. પાકિસ્તાન તરફ વહેતા પાણીના પ્રવાહને આપણે ત્યાંથી જ ડાઇવર્ટ કરી શકાય છે. દેશના ઉત્તરભાગના રાજ્યોની ભૌગોલિક સ્થિતિ પાણી અટકાવવાની બાબતે અનુકુળ છે. જે માટેની ક્ષમતા પણ છે. આપણે તો સરહદેથી ગોળીઓ આપીએ છીએ અને પાણી પણ પુરુ પાડીએ છીએ. હકીકતે ગોળી આપીને પાણી આપવાની કોઇ આવશ્યકતા નથી. ગોળી અટવાશે અેટલે ગળશે પણ નહી અને ઉલ્ટી પણ નહીં થાય. વર્ષ 1960ના સમયગાળામાં વિશ્વબેંકની મધ્યસ્થતામાં સિંધુજળ સમજોતા કરાર થયો હતો. જે અંતર્ગત સિંધુ, ચિનાબ અને જેલમ નદીનું પાણી પાકિસ્તાન બાજુ વહે છે. આ ત્રણેય નદીના મૂળ ભારતમાં છે. જો આ નદીના પાણીનો પ્રવાહ અટકે તો સમસ્યા પાકિસ્તાનને થાય એમ છે. કારણ કે એ રાષ્ટ્ર માટે મીઠા પાણીનો એક માત્ર સ્ત્રોત આ ત્રણ નદી છે. કાશમીર આપણું, પાણી આપણું અને છતા કબજો બાજુ વાળાનો? યે બાત કુછ હજમ હુઇ?
 
                           સિંધુ નદીનું પાણી ભારતને સ્પર્શે છે જેનો માત્ર 20 ટકા ભાગનો દેશવાસીઓ ઉપયોગ કરે છે. બાકીનું 80 ટકા પાણી પાકિસ્તાન પી જાય છે. આમ પણ અધુરો ઘડો ક્યાંયનો પણ હોય છલકાય ઘણો. આ નદીઓનું પાણી આપણો દેશ વાપરી શકે. ક્યા કોઇ શરીફ જોવા આવવાના છે. આમ પણ સ્કિમ આપવામાં આપણા નેતા વગર ડીગ્રીએ પીએચડી થયા છે એવામાં એક સ્કિમ પાકિસ્તાનને આપી દેવાની. પાણીના પ્રશ્ને સામા પ્રાણ દેખવવા જોઇએ. ગુરૂદાસપુર,પૂંછ, પઠાણકોટ અને ઉરીના ઉઝરડામાંથી આગ ઝરે છે. હવે પાડોશીની સમસ્યાઓ પ્રત્યે સંવેદના દેખાડવાની જરૂર નથી. આ ગંભીર મુદ્દાને લઇને પ્રેશર ઊભુ કરી શકાય છે પણ અન્ય આફત અડે નહીં તેની તકેદારી જરૂરી નહીં પણ અનિવાર્ય છે. ન રહેગા પાની ન રહેંગે પ્રાણ. દેશના જવાનો ઉઠાવો આધુનિક બાણ. પાડોશી વૈશ્વિક સ્તરે અનેક પ્રશ્નોથી ઘેરયેલો દેશ છે અને સાર્ક સંમેલનને લઇને ભરી સભામાં તે એકલું પડી ગયું છે. બીજી બાજુ ચીન કોઇ મગનું નામ મરી પાડતું નથી. એક વાત એ પણ ઘ્યાને લેવા જેવી છે કે ગંગા અને બ્રહ્મપુત્રા નદીનું પાણી ચીન થઇને ભારતમાં આવે છે. જેને કોઇ ખલેલ ન પહોંચવી જોઇએ. જો કે દેડકાના રંગ ક્યારે બદલે એ નક્કિ નહીં. પણ એક વાત પાણી જેવી પારદર્શક છે જેને  ફિલ્મ દબંગના એક ડાયલોગ પરથી રજૂ કરી શકાય. વો બડાસા જાનવર કૌનસા હોતા હૈ, હા હાથી. વો હમ હૈ, અગર હાથી કા પૈર કીસી કુતે કીં દુમ કે નીચે આ જાય તો ક્યા કરના ચાહિયે?

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...