Wednesday, July 13, 2016

મારો હેતુ હંમેશા એક માનવબળનો અને તેના મનની શક્તિનો દેશની પ્રગતિ માટે કેમ ઉપયોગ કરવો તે રહ્યો છે


                    દેશ અને દુનિયામાં ધર્મના બેનર નીચે  ઝનુંન અને આતંકનું આયોજન થાય છે, એક પ્રાંતમાં દુશમનોના ઝંડા ફરકાવીને  ત્રાસવાદી આકાઓના મોત સામે સોફ્ટકોર્નર દેખાડનારો એક વર્ગ ઊભો થયો છે ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય કે ખરેખર ભારતીય એકતા અને અખંડિતતાની વાતો માત્ર પુસ્તકો તથા વક્તવ્ય પૂરતી જ છે?? કોમ અને કર્તવ્યના ગૂંચવાળામાં ધર્મરૂપી ખિલ્લા ઠોકવામાં આવે છે ત્યારે શસ્ત્ર અને શાસ્ત્રનું ભાન ભૂલાઇ જાય છે. આ વાત સાબિત થઇ ગઇ. આ બધા વચ્ચે એક એવો સમય પણ પસાર થાય છે જે ક્ષણોમાં એક મુઠ્ઠી ઉચેરા માનવીના કાર્યકાળ જ નહી પણ તેની નિવૃતિ અને પ્રવૃતિ બંન્નેને યાદ કરીને તેમની કોઇ પણ વસ્તુ જીવનમાં ઉતરી જાય તો સ્વયં રૂપાંતરણની પ્રક્રિયા આપમેળે શરૂ થઇ જાય. 14 વર્ષ પહેલા તારિખ 15 જૂલાઇના રોજ દેશના 11માં રાષ્ટ્રપતિએ કાર્યભાર સંભાળ્યો હતો. શપથવિધિની પારંપરિક પ્રક્રિયા બાદ દેશને એક એવા મુસ્લીમ રાષ્ટ્રપતિ મળ્યા જેને સલામ કરવાનું મન થાય અને તે નામ એટલે એ.પી.જે. કલામ

         કલામના જીવનમાંથી સમયને સ્વીકારવાનું અને સંજોગોને બદલવાનું શીખવા જેવું છે, રામેશ્ર્વરમથી શરૂ થયેલી જીવનયાત્રામાં રાષ્ટ્રકક્ષાનું પદ મળશે એવું કોઇએ બંધ આંખોથી પણ નહીં વિચાર્યુ હોય. વ્યવહારમાં સાદગી અને વર્તણુંકમાં શિસ્ત એટલું કે પોતાના જ બોડીગાર્ડને બેસવા સુધીની ચિંતા કરે. આપણા રાજકીય પદાધિકારીઓ પોતાના બોડીગાર્ડને સ્વસુરક્ષા અંગે પૂછતા હશે કે નહીં? આંખોમાં સ્વપ્ન લઇને જીવવાની અને ખુદનું જોમ રેડીને તેને સાકાર કરવાની પ્રેરણા દેશને કલામે આપી, આ સાથે લીડરની વ્યાખ્યા સ્પષ્ટ કરી. ડૉ. વિક્રમભાઇ સારાભાઇ વિજ્ઞાની સંગઠનમાંથી નાનાકડા સભ્ય મિસાઇલ મેને દેશને પ્રથમ સેટેલાઇચ લોંચ વેહિકલ આપ્યુ જે સફળતા પુર્વક તરતુ પણ મૂકવામાં આવ્યું. ચૂંટણી સમયે ચાવાળાનું માર્કેટિંગ ખૂબ મોટા હોદ્દે પર બીરાજમાન વ્યક્તિ કરે છે પણ નાનપણમાં અખબાર વિતરકનું કામ કરીને તે આખા દેશવાસીઓનો પિપલ્સ પ્રેસિડન્ટ બને. આ ઘટના કદાચ ભારત સિવાઇ બીજે જોવા ન મળે. આજે રાજકારણીઓ રાઇ જેવડા કામને પોતાના બનાવેલા બિલોરીકાચમાંથી જોઇને પહાડ જેવડો પ્રચાર કરીને લોકનેતા બનવા હવાતિયા મારે છે ત્યારે  ડૉ. કલામમાં સતત કંઇક વૈવિધ્યસભર કરવાની  ટેવથી જ નવા નવા નખુસાઓનું સ્ફુંરણ થયુ હશે. આ ઉપરાંત જીવનભર વિદ્યાર્થી રહેવાની તૈયારી સાથે જીવવું કઠિન છે. વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રે બધાને 'સાહેબ' બનવાની તાલાવેલી જાગી છે ત્યારે કોઇને વિદ્યાર્થી બની રહેવું કેમ પરવડે? કલામનો આ વિચાર સતત કંઇક કંઇક શીખતું રહેવાની તૈયારીઓને રજૂ કરે છે.

                 આપણા નેતાઓમાં એવા કોઇ ગુણ ખરા જે આપણને તેમની બાજુ આકર્ષવા મજબુર કરે?  હકિકતમાં રાજકીય ક્ષેત્રે સર્જનશીલ અને સર્જનાત્મક વિચારશૈલીને સ્થાન જ નથી. કલામને કલમ સાથે પ્રિત હતી એ પણ સ્વહિત માટે નહીં પણ દેશના બાળકોને માહિતીના ઉકરડામાંથી જ્ઞાનના રાજમોતી આપવા માટે. કલામની સૌથી વધુ વંચાયેલી બુક એટલે અગનપંખ. માણસને પોતાના કર્મ પ્રત્યેની પુરી નિષ્ઠા હોવી જોઇએ, આ વાત તેણે જીવી બતાવી. કલામ બાળકની નજરેથી જોઇને દેશના ભાવિને ઉજળુ કરવા ઉત્સાહી હતી. આજે પોતાના સ્વપ્નને બાળકોની આંખોમાં કાજળની જેમ આંજીને વાલીઓ બાવળનું  વાવેતર કરીને આંબો લણવા બેઠા હોય એવું લાગે. બની શકે છે તબિબનું સંતાન સારો સંગીતકાર પણ બને.  અને એક સારો ફોટોગ્રાફર ખૂબ સારો અભિનેતા પણ બને. આ એક્ટર એટલે બોમન ઇરાની. કેળવણીને વિષયોના રસથી છલોછલ કરવા કલામે શિક્ષણે ક્ષેત્રે ઓછું પણ અસાધારાણ અને અસરકારક યોગદાન આપ્યું એટલે જ કાદાચ રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ જાહેર કાર્યક્રમ અર્થે  શાળા કોલેજોના નવયુવાનીયો સાથે મુલાકાતનો કર્યો. અખંડ ભારત- રજવાડાઓનુું એકત્રીકરણ, અખંડ ભારત વિવિધતામાં એકતા જોનારા બે વ્યક્તિ પણ એક જ નામ. જેમાંના એક એટલે સરદાર વલ્લભાઇ પટેલ અને બીજા વલ્લભ એટલે ભગવાન શ્રીકૃષ્ણ.

                    ત્યાર બાદ કલામે દેશના આવનારા સમયને પોતાના વિચારોની બારીમાંથી નીહાળીને શબ્દોરૂપે ઇન્ડિયા 2020 બુકમાં રજૂ કર્યા છે,  કાર્યશીલ અને પ્રગતિશીલ વચ્ચે પાતળી ભેદરેખા છે જે કલામી ચોખવટ કરી છે. તમારા કર્તવ્યમાંથી પરિણાલક્ષી વિચાર તમને પ્રગતિ બાજુ દોરી જાય છે. મળેલા કોઇ પણ પદની એક અવધી હોય છે અને તે અવધી બાદ નિવૃતિ હોય છે, બે નાનકડી બેગ લઇને રાષ્ટ્રપતિ ભવનમાં આવેલો માણસ અવધી પુરી થતા 24 કલાકમાં જ માત્ર બે જ બેગ સાથે ભવનને અલવિદા કહી પોતાના અભ્યાસને આવનારી પેઢી વચ્ચે વહેચવા નીકળી પડ્યો હતો. તેમની આ વાત પરથી શીખી શકાય કે નિવૃતિ જરૂરી છે પણ પ્રવૃતિમાંથી પલાયન ન થવું જોઇએ.  નિવૃત થતા જ માણસ નિરાંતની પળોને પણ આળસના થર જામી જાય એના હોય એના કરતા ડબલ વિલાસી બની જાય છે. કલામ એટલે ગીતના વાંચક, આધ્યાત્મિકતાના પ્રશંલક, અહમના નહીં પણ આચરણના માણસ, પ્રવચનના નહીં પણ વૈજ્ઞાનિક વિચારધારાના પ્રણેતા.
(ભાગ-1 પુર્ણ, બીજો ભાગ 27 જૂલાઇએ)

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...