Wednesday, June 01, 2016

છ રાજ્યમાં અસ્તિત્વ અને પ્રતિષ્ઠાનો જંગઃ

અસમ અને કેરલમાં સફળતા મળ્યા બાદ દેશના રાજકીય પક્ષ માટે હવે કપરા ચઢાણના મંડાણ થયું છે. વર્ષ 2017માં કુલ 6 રાજ્યની વિધાનસભાનીચૂંટણી માટેની રણનીતિ અત્યારથી તૈયારી થઇ રહી છે ત્યારે બીજેપીની ખરી પરિક્ષા પ્રાદેશિક પક્ષો સામે છે. ગુજરાતને બાદ કરતા પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં  પ્રાદેશિક પક્ષો સામે ટક્કર છે જ્યારે ઉત્તરપ્રદેશમાં બીજેપી કમળની પાંદળી જેટલી પણ જીત નહીં મેળવે તો કોંગ્રેસ મુક્ત સ્વપ્નના સ્થાને ઉત્તરપ્રદેશમાં પ્રવેશ એક સપનું બની જશે. 2014માં સમગ્ર દેશમાં મોદી લહેરની અસર યુપીમાં પણ થઇ હતી જેનું પરિણામ ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભાની સીટમાંથી 71 સીટ પર બીજેપીએ વિજયવાવટો ફરકાવ્યો. 2014માં મોદી લહેરનો સીધો લાભ બીજેપીને થયો. ઉજવણીના બે વર્ષ પાછળ યોજના આવનારી ચૂંટણીનો ધ્યેય સ્પષ્ટ છે. લક્ષ્યાંક યુપીમાં છેલ્લા 15 વર્ષથી બીજેપી સત્તાથી દૂર છે ત્યાં કમળ ખીલવવા માટેના પગલા ભરાયા છે. શાહની કેપ્ટનશીપ અને મોદીની વાણીથી દેશના સૌથી મોટા રાજ્યમાં પડધા પડશે તો ઇતિહાસ બનશે અન્યથા યુપીમાં ક્યાંય ફટાકડા નહી ફુટે. (યાદ કરો...અમિત શાહનું ક્વોટ બિહાર વિઘાનસભા ચૂંટણીપ્રચાર વખતે)


યુપીમાં જીત મેળવવી બીજેપી માટે પ્રતિષ્ઠ સાચવવા જેવું છે. જ્યાં સામનો પ્રાદેશિક પક્ષોનો કરવાનો છે. કોંગ્રેસ મુક્તિ બીજેપી માટે ગળામાં અટવાયેલા કાંટા સમાન ન બની રહે કે જે નીચે પણ ન ઉતરે પણ સતત ખટક્યા કરે. મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી તેમની નજર દેશના સેવન સિસ્ટર્સ સ્ટેટ પર રહી છે. અસમથી આરંભ કર્યા બાદ હવે મણિપુરની ગાદી પર શાસન માટેની પૂર્વ તૈયારીઓ છે. અસમમાં વિકાસ અને નક્સલવાદના મુદ્દે વાયદાઓની નદી વહેતી કરીને અસમમાં આસન જમાવી દેવાયું એ માટે દાદ આપવી પડે. કોંગ્રેસના 15 વર્ષના શાસનને એક ઝાટકે જમીનદોસ્ત કરીને શાહ રાજનીતિમાં કુલ કેપ્ટન સાબિત થયા. મોદી સરકારની ઇસ્ટ પોલીસીથી સ્વરૂપ અને સ્થિતિ બદલતા જાય છે, શિલોંગમાં મોદીએ ત્રણ નવી ટ્રેનને લીલી ઝંડી આપી અને ફરી દેશને જોડવાની સાથે પ્રગતિનિ દિશા નક્કી થઇ, પૂર્વના લોકોએ મોદીની લહેરનો અહેસાસ થયો પણ સારી વાત સાથે યશ મેળવીને પહાડ જેવડા પ્રચાર કરવાની બીજેપીની ક્લિયર પોલીસી રહી છે એ પછી ગુજરાત હોય કે દિલ્લી..કુલ રેલ નેટવર્કના માત્ર 4 ટકા નેટવર્ક પૂર્વના રાજ્યમાં છે ત્યારે રેલ થકી વધુ મજબુત ક્નેક્ટિવિટી આપવાની વાત મોદી એ કરી છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં હરિશ રાવતના કમબેક સામે બીજેપીએ મૌન સેવી લીધુ. હરિશ રાવત સાથેના વિવાદના છાંટા આવનારી ચૂંટણીમાં ચોક્કસથી ઉડશે, મોદીની ટીમ માટે ઉત્તરાખંડમાં પડકાર ઓછો નથી. ઉત્તરાખંડની કુલ 70 સીટ સામે બીજેપીને વર્ષ 2012માં 31 સીટ પર સ્થાન મળ્યું હતુ,  મણિપુરમાં બીજેપીની સીધી કસોટી પ્રતિસ્પર્ધી પક્ષ કોંગ્રેસ સાથે છે. આમ પણ મણિપુરમાં બીજેપી ખાસ કોઇ છાપ છોડી શકી નથી. આ વખતે જોવાનું છે કે મણિપુરમાં અમિત શાહની વ્યૂહરચના કામ કરશે કે બિહારની ચૂંટણીની જેમ ઓસરી જશે.


જ્યારે કમળનો મણિપૂરમાં ઉદય થશે ત્યારે પૂર્વના રાજ્યમાં સ્વીકૃતિ મળી છે એમ કહી શકાશે. જ્યારે ગોવા જેવા નાના રાજ્યમાં બીજેપી દબદબો જાળવી રાખશે, પણ ગુજરાતમાં સ્થિતિ જોઇને બ્લુપ્રિન્ટ કાઢવી થોડી વસમી રહેશે કારણ કે અનામત આંદોલનની આગના હજુ પણ ધુમાડા નીકળે છે. વર્તમાન સીએમના નેતૃત્વને લઇને સવાલ સાથે સમસ્યાઓ છે જેમ કે નીટનો મુદ્દો, અનામત, પીવાના પાણીની સમસ્યા, વિકાસ યાત્રાના બેનર નીચે આ બાબતો પર પદડો પડી ગયો. અનાર પટેલના નામે ભ્રષ્ટાચારના આક્ષેપો, આમ છતા મજબુત સંગઠનને લઇને પ્રચાર માટેની દોડ શરૂ થઇ ગઇ છે. જ્યારે પંજાબમાં અકાલીદળ સામે કોઇ ઠોસ મુદ્દે બીજેપીએ વાયદા કરાવ પડશે. પ્રતિષ્ઠાની સાથો સાથ હવે શાખનો સવાલ છે.  જ્યારે સૌથી જૂની પાર્ટી એવી કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો જંગ બની રહેશે, કોંગ્રસે વર્ષોથી રાજ્યના પ્રાદેશિક પક્ષો સંગઠનો સાથે પોતાના હોવાની સાબિતી આપી છે. પણ દેશમાં મોદી વિરુધ્ધ એક જૂથ સામે આવ્યું છે જેમાં કેજરીવાલ, મમતા, જયલલિતા, નીતિશકુમાર, લાલુ, માયાવતીનો સમાવેશ થાય છે. ખરેખર તો બીજેપી માટે પ્રચાર ભલે અત્યારથી શરૂ થઇ ગયો હોય પણ રણનીતિ કરતા મતની ટાકવારી અને વધુ બેઠક માટે શું કરી શકાય એ સંશોધનનો વિષય છે. વિકાસની વાતો સાથે ખટરાગ અને આક્ષેપબાજી વચ્ચે નવી શરૂઆત પરિશ્રમથી ભરપુર રહેશે પણ જ્યાં છે ત્યાં પણ ટકી રહેવા જંગમાં પુરા આયોજન સાથે ઉતરવુ પડશે, અન્યથા પ્રાદેશિકપક્ષો પોતાની પડખે હા પાડવા પણ નહી ઉભા રહે. 

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...