લાઈન, લાગવગ અને લાચારી
દુનિયામાં કોઈ પણ જગ્યાએ લાઈનમાં ઊભા રહેવું એક શિસ્ત માનવામાં આવે છે. વ્યવસ્થા બગડે નહીં એ માટે લોકો સહકાર આપીને લાઈનમાં ઊભા હોય છે. કોઈ પણ શહેર કે ગામમાં એક હદથી વધારે લાઈન લાંબી હોવી એ દર્શાવે છે કે, ખરેખર કંઈક ગુણવત્તાયુક્ત વસ્તુ મળી રહી છે. એનાથી ઊલટું બેકારના પેટની વસ્તુ માટેની લાઈન પણ દરેકે નજર સામે નિહાળી જ હશે. ચૂંટણીમાં મત આપવા માટેની લાઈન લાંબી હોય ત્યારે એ વાત ચોક્કસથી સમજી શકાય કે, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું છે. ડિમાન્ડ અને સપ્લાયની લાઈન વ્યવસ્થિત બની હોય તો અર્થતંત્ર મજબૂત થાય છે. કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે નિયમની લાઈન તૂટે છે ને ત્યારે મોટું ભંગાણ થાય છે. સ્કૂલથી લઈને સ્કોલરશીપ સુધી, ક્લાસથી લઈને કોન્ફરન્સરૂમ સુધી, રાશનથી લઈને રોજગારી માટેના ભરતી મેળા સુધી, એડમિશનથી લઈને ઈમરજન્સીમાં એડમીટ થવા સુધી એક ચોક્કસ લાઈનને સૌ કોઈ ફોલો કરે છે. ક્યારેક એમાં કંટાળો આવે છે તો ક્યારેક સવાલ થાય છે કે, આટલું બધું ડિજિટાઈઝેશન થયું હોવા છતાં આ લાઈનનું આવું મજબૂત અસ્તિત્વ?
થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક હોટેલમાં નોકરી માટે લાઈન જોવા મળી હતી. બેરોજગારોની આવી લાઈન જોઈને ચિંતા થાય છે. પછી એ વીડિયોમાં રેલિંગ તૂટી અને નોકરી વગરના નીચે પટકાયા. વિડિયો અંકલેશ્વરની એક હોટેલ પાસેનો હતો. જ્યાં ઓપન ઈન્ટરવ્યૂ હતા. તારીખ 20મી સપ્ટેમ્બર, લોકેશન મુંબઈનું BKC અને દિલ્હી સાકેત એરિયા. જ્યાં આઈફોન 16 લેવા માટે લાંબી લાઈનમાં ઊભો રહેલો એક યુવાવર્ગ જોવા મળ્યો. કલાકો સુધી રાહ જોયા બાદ સ્ટોર ખુલ્યા અને ખિસ્સાથી મજબૂત લોકોએ આઈફોન 16 ખરીદ્યો. ગુજરાતના કેટલાક આઈફોન 'લવર્સ' મુંબઈ-દિલ્હી પહોંચ્યા હતા. કોઈ આઈફોન લે એમાં કંઈ ખોટું નથી અને વિરોધ પણ નથી. કેટલાક આંકડાકીય તથ્યો પર નજર કરવા જેવી છે જે વિચારવા મગજને વેગ આપે છે. દેશના દરેક મહાનગરમાં કોર્પોરેટ સેક્ટરની બેઝિક સેલેરી ઓછામાં ઓછી 15થી 18000 રૂપિયા મળે છે. દિલ્હી જેવા સિટીમાં તો હવે છેક 21થી 24000 સ્ટાર્ટિંગ સેલેરી થઈ. અમદાવાદમાં રેશિયો હજું 15000 જ છે. જે આઈફોન પાછળ યુવાવર્ગ ગાંડો (સારી ભાષામાં ક્રેઝી) છે. તેના લોએસ્ટ મોડેલની કિંમત 79,000 રૂપિયા છે. આ પરથી એક વાત તો નક્કી છે કે, જેટલા લાઈનમાં ઊભા હતા એની પાસે આવકનો પ્લાન બી તો છે જ. (મોટાભાગે શેરબજાર)
પાટનગર ગાંધીનગરમાં અને દિલ્હીમાં એક વસ્તુ કોમન છે. દર મહિને એક વિરોધ પ્રદર્શન. થોડા સમય પહેલા ગાંધીનગરમાં શિક્ષકોના પ્રશ્નોને લઈ હતું. એ પછી દિલ્હીમાં એડમિશનમાં ચાલતી લાગવગશાહીને લઈને થયું. ભીડ બન્ને ઘટનામાં હતી પણ લાઈન ઊભી નહીં આડી હતી. રસ્તાના કિનારે બેઠી હતી. એમ તો રાજકોટમાં અગ્નિકાંડના પીડિતો પણ ન્યાય મળે એની લાઈનમાં જ છે ને? લાગવગ રંગીલા રાજકોટમાં કેવી પાક્કી અને સિમેન્ટના રોડની સખ્તાઈ જેવી હોય એનો પુરાવો મળ્યો, મનોજ સાગઠિયા કેસમાં.
ઈન્ચાર્જ સા-ગઠિયાએ કેટલાય 'લેન્ડલવર્સ'ને સાચવી લીધા. જે હવે કોઈ કેસમાં મગનું નામ મરી પાડતા નથી. મૌનનું રહસ્ય ક્યારેક અસ્પષ્ટ બની જતું હોય છે. બેદરકારીનું અમલીકરણ થયું એ પાછળ પણ નિયમોની લાઈન ક્રોસ કરી હતી એ જ હતું. લક્ષ્મણે સીતાજી માટે ખેંચેલી લાઈન ક્રોસ થઈ એટલે જ રાવણે પાપ આચર્યું. લાગવગની વ્યાખ્યા એ જ છે પણ જે રીતે એ કામ કરે છે એની શૈલી બદલી છે. થઈ જશે અને ગોઠવાઈ જશે શબ્દો કાને અથડાય એટલે અભણને પણ ખબર પડી જાય કે આખરે શું થયું છે? લાયકાત વગરના લાગવગિયા ગોઠવાયા હોય ત્યાં ટેલેન્ટને તળિયા ઘસવાનો વારો આવે એ હકીકત છે. વાત એ પણ સ્વીકારવી પડે કે, ટેલેન્ટ પાછું બાવળ જેવું હોય છે. આપોઆપ બીજે પણ ઊગી નીકળે અને ખોટું કરનારાને આપોઆપ ખૂંચે. એકવખત ભરતીમેળામાં આવેલા ડબલ ગ્રેજ્યુએટે કહ્યું હતું. "નોકરી મેળવવા માટે જડબેસલાક રેફરન્સ હોવો અનિવાર્ય છે. ગમે તે નોકરીમાં". કૌશલ્યને પોંખનારાની સંખ્યા ઘટી રહી છે એ બારીકીભર્યું સત્ય છે.
ડખો ત્યાં પણ છે કે, નોકરી એટલે સરકારી નોકરી. બસ. વાર્તાપૂરી. એ પછી કરવાનું શું? ઉપલી ખુરશી કહે એમ, શીખવાનું, કરવાનું અને ગુડબુક બનાવવાની. સૌના મોઢે મીઠાં અને અંદરની ગ્રંથીથી તિખા. એટલે મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ એથી તો કાગા ભલા તનમન એક જ રંગ. થોડા પ્રશ્નો મૂકું છું, ઈમાનદારીથી જવાબ તમારા મનને આપજો. મુકેશ અંબાણી સરકારી નોકરી કરે છે? એની કંપનીમાં કામ કરતા કોર એમ્પલોય સરકારી પરીક્ષાના ફોર્મ ભરે છે? એને જરૂર નથી એવું નથી. એને એ વાતની તો ખબર છે કે, કરોડનું પેકેજ કોઈ જ સરકાર નથી આપવાની. કરોડનું વાર્ષિક પેકેજ હોય એટલે માસિક સેલેરી લાખોમાં થઈ. એક વાત દિલમાં યુવાનો કોતરી નાંખે તો બેડોપાર થઈ જાય. જ્યાં પણ નોકરી કરો દિલ અને ઈમાનદારીથી કરવી જોઈએ. હવે જ્યાં પણ નોકરી કરો ત્યાં કોઈ સંસ્થાના કમાઉ દીકરા હોવ તો કોઈ છોડશે તમને? લેવલ એટલું ઊચું કરીએ કે, સિસ્ટમમાં બેઠેલા પણ બે ઘડી પૂછવા આવે.
છેલ્લી વાત. લાચારી. ટ્રાફિક પોઈન્ટ પર ડાબીબાજું ખુલ્લી રાખવી એ નિયમ છે. એ સાઈડથી થોડે દૂર લાઈનમાં ઊભા રહેવું જોઈએ. કોણ ફોલો કરે છે આ? લાચાર એ વ્યક્તિ બને છે જેને ખરેખર ડાબીબાજું વળવું છે. એ બિચારો આખું ટ્રાફિકપોઈન્ટની લાઈટનું કાઉન્ટિંગ ખતમ થશે ત્યાં સુધી રાહ જોશે. હવે બોલો લાઈન કોણે ક્રોસ કરી? નિયમોની લાઈન દરેક જગ્યાએ ફોલો થતી હોય તો ભંગાણ અટકે અને લાગવગની વગ તીવ્રતાવિહિન થાય તો ટેલેન્ટને આકાશ મળે. બાકી તો દરેક ઘટના પાછળ મજબૂર લોકોની લાચારી અત્યાર સુધી જોઈ છે, ભવિષ્યમાં પણ જોવી પડશે.