Tuesday, September 17, 2024

વહેણ, વિસર્જન અને વિદાય

વહેણ, વિસર્જન અને વિદાય   

      શ્રાવણ મહિનો પૂરો થાય એટલે ગણપતિ ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ જાય. બાપાના આગમનને વાજતે-ગાજતે વધાવ્યા એમ વસમી વિદાય પણ આપી. બાપાની હોય કે દીકરીની વિદાય હંમેશા વસમી જ હોય છે. આપણા દેશમાં વિસર્જન પણ એક ઉત્સવ છે. સેલિબ્રેશન છે. ભીની આંખે અપાતી વિદાયમાં ભાવ છે. ભક્તિ છે અને નાનકડા ખૂણામાં એક ખાલીપો પણ છે. અગલે બરસ તુ જલ્દી આ..ના નાદ સાથે સૌ કોઈ બાપાને વિદાય આપે છે. આખાય વિસર્જનનો અર્થ કાઢીએ તો એવો પણ નીકળે છે કે, આખરે જે પાણીમાંથી આવ્યા એક ચોક્કસ સમય બાદ એ જ પાણીમાં અસ્ત થઈ જવાનું. કોઈ પણ શિશું માતાના ગર્ભમાં હોય ત્યાં પાણીમાં હોય છે. વ્યક્તિનું મૃત્યું થાય છે ત્યારે અગ્નિસંસ્કાર કરી દેવાય છે જે પછી તે માટીમાં ભળી જાય છે. માટીમાં પણ પાણી જ તો હોય છે. 

      બાપાના ઉત્સવ કરતા જીવનમાં શીખવા જેવી કેટલીય વાતો છે. વિસર્જન એક પ્રક્રિયા છે. નવસર્જન પહેલા વિસર્જન અનિવાર્ય હોય છે. શરીરમાંથી એક આત્મા છોડી બીજા શરીરમાં પ્રવેશે એ પહેલા એક શરીર તો છોડવું જ પડે છે. જૂના કપડાં હોય કે વધી ગયેલા કેશ(રોકડા), એક ચોક્કસ સમય બાદ વિદાય તો આપવી જ પડે છે. મુંબઈના દરિયામાં મોટી સંખ્યામાં ગણપતિ બાપાને પધરાવી વિસર્જન કરવામાં આવે છે. માટીના ગણેશને કુંડમાં મૂકી દેવામાં આવે છે. ભક્તિભાવ સાથે થતી વિદાયમાં ડિ.જે.કી બીટ પે ગોરી નાંચે...આ વાગે ત્યારે બાપા તમારા કાનની અને સહનશક્તિની શું હાલત થતી હશે? આવું તો દરેક જાહેર ધાર્મિક તહેવારમાં ઘર કરી ગયું છે. નોરતા નજીકમાં છે. તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. માર્કેટમાં ગામઠી કપડાંનો તદ્દન નવો સ્ટોક આવી ગયો છે. વાસ્તવિકતા સ્વીકારવી પડે કે, સુહાના સફર ઔર યે મૌસમ...પર ગરબાની પ્રેક્ટિસ થાય છે. ખરેખર આવા ભેળ કલ્ચરનું વિસર્જન ન કરી નાંખવું જોઈએ? કોઈ જ ઓથોરિટીની પરવાનગી વગર. પ્રજાનો નિર્ણય તો ચૂંટણીપંચ પણ સ્વીકારે છે તો ઓથોરિટી તો સ્વીકારશે.

     બાપાનું આગમન થાય ત્યારે કોઈ નિશ્ચિત તિથિમાં જ સ્થાપના કરવી એવું તો નથી હોતું. ઘણા મંડળ ચોથના દિવસે વહેલી સવારે બાપાનું સ્થાપન કરે તો કોઈ સાંજના સમયે આરતી-પૂજા સાથે બાપાને આવકારે. જેવી જેની આસ્થા. પણ સલામ છે બાપાની ભક્તો પ્રત્યેની કેરિંગ કેપેસિટીને. ખરેખર સિદ્ધિ વિનાયક પાસેથી અપનાવવા જેવી વસ્તુ ફ્લેક્સિબિલિટી છે. ઘણા શરીરથી ફ્લેક્સિબલ હોય પણ દિમાગથી ન હોય. નિયમની લીલ એમના દિમાંગમાં એવી જામી ગઈ હોય જાણે શિયાળાની ઋતુમાં વગર ફ્રિજનું ઘી-માખણ. ડખો ત્યાં છે કે, આ નિયમ પાછા કસ્ટમાઈઝ થયેલા હોય છે. લાગુ પડે એને ચુસ્તપણે પડે અને જેને ન લાગું પડે એની પરિસ્થિતિનો કાઠલો ઝાલીને બોલાવવામાં આવે. બાપા તમને આવું તો સાવ નહીં જ ગમતું હોય. આવી જડતા, ગંધાતી લીલ જેવા નિયમો અને સૂકા નાળીયેર જેવા કઠણ મનનાની ભક્તિમાં તત્ત્વ તો નહીં જ હોય. તો આનું વિસર્જન થશે? સમયના વહેણ સાથે વહી જતું બધુ પછી સ્થિર થતું જાય છે. બાપા, એક જવાબ મને આપો. આ દિમાગમાં રહેલા સાતેય કોઠા પર રાજ કરતા સ્વભાવમાં સકારાત્મકતાનું વહેણ કેમ નથી સ્પર્શતું? સમય સાથે પરિવર્તન એ વાક્ય સ્વભાવના અભેદ કિલ્લાને કેમ નથી તોડતું? સમાજમાં ઘણા આવા કિલ્લાઓ છે જ્યાં જ્ઞાનની રોશની અને ફેરફારનું વહેણ લાગી જાય તો એની પાછલી પેઢિ વગર હલેસા એ ભવસાગર તરી જાય. 


      ડિજિટલના જમાનામાં એઈડી લાઈટ જેવા કેટલાક લોકોનો આખો વર્ગ છે. આવા લોકો પાસે પાવર ઓછો અને ખોટું તેજ વધારે છે. બાપા, આ ખોટા તત્ત્વના દિમાગની ઉપજ છે એની વિદાય કરતા જાવ ને...અમારા દેશમાં તકલાદી કામનારા મજબૂત કોન્ટ્રાંક્ટરની આખી ફૌજ છે. જેથી કોઈ બ્રિજ ન તૂટે, પિલ્લર ન પડે. આવા લોકોની શ્યામલક્ષ્મી (બ્લેકમની)નું કાયમી વિસર્જન થાય એવું કંઈક કરજો. બાપા તમે રાજકોટમાં આવ્યા, વડોદરામાં આવ્યા, સુરતમાં આવ્યા, અમદાવાદમાં આવ્યા, જામનગરમાં આવ્યા, ભાવનગરમાં આવ્યા, વલસાડમાં આવ્યા. અમારા રાજ્યની દરેક જગ્યાએ આવ્યા. આવી દરેક જગ્યાએ તમારી ઝીણી આંખોમાંથી પીડાનું દ્રશ્ય તો દેખાતું જ હશે. શક્ય હોય તો આવી બધી જ જગ્યાઓની પીડાને તમારી સાથે લેતા જાવ ને..દંભિસ્તાનનો આખો પ્રદેશ ધમધમે છે. સમાજમાં અને સંસારમાં. અહીંયા પરંપરાના નામે કેટલુંય ખોટું બટકી જાય છે. બાપા, આનું વિસર્જન કરતા જજો. સોશિયલ મીડિયા પર દરરોજ ટ્રેન્ડ ચાલે છે. બાપા, આ દેશના યુવાનો ટ્રેન્ડ ફોલોઅર્સ નહીં ટ્રેન્ડ સેટર બને એવાં કંઈક આશીર્વાદ આપો. બેરોજગારી તો સમયાંતરે વધવાની એ અમને ખબર છે. પણ આ બેકારીના વિધ્નનો હલ કહેતા જજો. ઈમોજીની દુનિયા છે સાચા ઈમોશન ઓળખી શકે અને સ્વીકારી શકે તો કંકાસનું કાયમી વિસર્જન થઈ જાય. બાપા, તકલીફ ત્યાં પડે છે કે, આ સમાજમાં કોઈને સાચું કહીએ તો ખરજવા પર ઘા લાગે એમ દુઃખતું ખોટું લાગી જાય છે. અંતે છેલ્લી ફરિયાદ...બાપા, વિસર્જન દર વર્ષે થાય છે પણ આ વખતે તને દિલથી ચાહનારા અને માનનારા ભક્તોના દિમાંગમાં વર્ઝન અપડેટ નહીં થતા. બસ આ થોડું કરતા જાવ. જેથી આવતા વર્ષે તારી જેમ દિલ અને મનથી ફ્લેક્સિબલ રહેનારાની સંખ્યા વધે અને સંસારમાં ક્લેશ ઘટે. મિસ યુ બાપા. તારા આશીર્વાદ કાયમ આ વાંચનારા અને ન વાંચનારા દરેક પર રહે. 

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...