Saturday, February 03, 2024

City की બાત: શામ ગુલાબી શહેર ગુલાબી

 City की બાત: શામ ગુલાબી શહેર ગુલાબી

     ગુજરાતનું પાડોશી રાજ્ય રાજસ્થાન મોટાભાગના ગુજરાતીઓનું પસંદગીનું ડેસ્ટિનેશન રહ્યું છે. નજીકનું નજીક અને માણવા જેવી સાઈટનો ઢગલો. આધુનિકતા સાથે કદમતાલ છતાં ઈતિહાસને સાચવી બેઠેલા શહેર. બેશક ગુજરાતના હાઈવેને ટક્કર મારે એવા રસ્તા. રણ, રસ્તા અને રંગોની એવી દુનિયા જે દરેકના ખિસ્સાને પણ પરવડે અને ગમે પણ ખરા. પ્રાચીનતમ પુરાવાઓ સાથે પેશન સાથે જીવતી કોમનો નજારો. આસ્થાના કેન્દ્ર સમાન મંદિરથી લઈને માણવા જેવા કિલ્લાઓ સુધીની તમામ વ્યવસ્થા કરતા અઢળક ઠેકાણા. રેતીના શહેરો છે અને ગ્રીનરી પણ છે. પાણીની સગવડ અને પીવાની પણ. ફેક્ટ એ પણ છે કે, લાખોની સંખ્યામાં રાજસ્થાની લોકો ગુજરાતના મહાનગરમાં રોકડી કરવા માટે આવે છે. રોકાય છે, કમાય છે અને હોળી આવતા ઘરભેગા થાય છે. યુનિટી પણ એવી અને અસાધારણ કામ પણ ખેંચી જાણે. સિટિ કી બાત એક નવી રજૂઆત છે. જેની શરૂઆત જયપુરથી કરીએ. જેને શુટિંગ ડેસ્ટિનેશનથી પણ ઓળખવામાં આવે છે. તો ગુલાબીનગરી પણ કહેવાય છે. તો રાજસ્થાની પાઘડી પહેરીને બેસી જાવ શબ્દોની ગાડીમાં જેને આંખથી ડ્રાઈવ કરતા કરતા જયપુર જોઈએ. ચાલો ત્યારે.

     સમુદ્ર સપાટીથી 431મીટરની ઊંચાઈએ વસેલું સિટી જયપુર. ટેકરીઓના આ ગામમાં અત્યારે રસ્તાઓ સપાટ છે. એક સમયે ટેકરીઓની આસપાસ રસ્તાઓ હતા. જેમાંથી કેટલીક ટેકરીઓ તૂટી ગઈ. તો કેટલાક પોઈન્ટે પોતાનો ત્યાગ આપીને વિકાસની થપાટ સહન કરી. વાત ત્યાંથી શરૂ કરીએ જ્યારે બ્રિટનના ક્રાઉન પ્રિન્સ આલબર્ટ જયપુર આવવાના હતા. સાલ હતી 1876. એ સમયે જયપુરના રાજવી હતા રામસિંહ. પ્રિન્સને વેલકમ કરવા માટે તેમણે પોતાના શહેરને ગુલાબી રંગથી ડેકોરેટ કર્યું. પછી આખા શહેરની ઈમારતથી લઈને મહેલ સુધી તમામ વસ્તુ ગુલાબી. જ્યાં નજર કરો ત્યાં નજારો ગુલાબી. આમ કિલ્લાઓનું સિટિ ગુલાબી થવાનું શરૂ થયું. એક સમયે જયપુરમાં પ્રવેશ લેવા માટે સાત ગેઈટ બનાવવામાં આવ્યા હતા. છેલ્લે જયપુરમાં પત્રિકા ગેઈટ બન્યો. જેની પાછળ રાજસ્થાનના એક જાણીતા મીડિયાનું યોગદાન છે. આ ગેઈટ પણ અદભૂત છે. ખાસ કરીને રાત્રીના સમયે નજારો કેમેરામાં કેદ કરવા જેવો લાગે છે. રાજવી શાસનની સાક્ષી આપતા પેલેસ પરથી કહી શકાય કે, રજવાડું કેટલું પાવરફૂલ રહ્યું હતું. એ સમયે વિકાસની હોડ કરતા પ્રજાની સુખાકારીનું પ્રાધાન્ય હતું. કારણ કે, રાજાને બિઝનેસ કરવો ન હતો. 

      કોઈ એમ કહે કે, મુંબઈમાં મોનસુન એટલે અવિસ્મરણીય. તો જયપુરમાં ચોમાસું એટલે રાજવીઓના આંગણે થયેલી કુદરતી સપ્તરંગી રંગોળી. માત્ર બે દિવસના વરસાદમાં ઠંડુંબોળ થઈ જતું સિટિ રાજવી પ્રાંતમાં વર્ષારાણીને પોંખતું હોય એવું લાગે. પણ કમાલ કહો કે કમનસીબી કોંક્રિટીકરણને કારણે ગુલાબી રંગો ઝાંખપ લઈ રહ્યો છે. એક જાણ ખાતર, જયપુર રહેલું એવું સિટિ છે જેની બાંધણી સમગ્ર રીતે વાસ્તુશાસ્ત્ર પર આધારીત છે. નવા વિકાસ કરતા જૂના જયપુરનો નજારો આજે પણ અડીખમ છે. જુલાઈ-ઓગષ્ટ બે મહિનામાં જયપુરમાં આંટો મારો તો જાણે વાદળાઓની ફૌજ કિલ્લાઓને સલામ આપતી હોય એવું લાગે. છ નાના નાના નગર ભેગા થયા અને જયપુર ઊભું થયું. નાગરગઢ, તાલકટોરા, સંતોષસાગર, મોતીકટલા, કલ્તાજી અને કિશનપોલ. આ બધાના વિસ્તારો જોડી જયપુર બનાવાયું. વિન્ટેજ કારનું એક્ઝિબિશન થશે એવું જ્યારે પણ કાને પડઘાઈ ત્યારે એને જોવા યુવાનોથી લઈને સિનિયર સિટિઝન ઉમટી પડે. પણ વિન્ટેજ કારને પણ પ્રદર્શની હેઠળ મૂકી શકાય એની શરૂઆત જયપુરે કરી. પછી બીજા શહેરોએ રાજવીયુગની ઝાંખી કરાવતી કારની મુલાકાત પ્રજા માટે ખુલ્લી મૂકી. આજે પણ જયપુરમાં વિન્ટેજ કાર ફેસ્ટિવલ થાય છે. માત્ર ફેસ્ટિવલ નહીં આવી દુર્લભ કારની રેલી થાય છે. ક્યારે? જાન્યુઆરીમાં...

       કેરળમાં હાથીને પવિત્ર માનવામાં આવે છે. સૌથી વધારે હાથી કેરળમાં છે એવી માન્યતા હોય તો જયપુર પાસે હાથીનો આખો ફેસ્ટિવલ છે. હોળીના તહેવાર પર સેલિબ્રેટ થાય છે. જેમાં હાથીને શણગારવામાં આવે છે. હેન્ડીક્રાફ્ટનું સૌથી મોટું માર્કેટ જયપુરમાં છે. જ્યાં કલાત્મક વસ્તુઓને હાથેથી બનાવીને સેલ કરવામાં આવે છે. હા, તમારી પાસે કોઈ ડીઝાઈન કે કોન્સેપ્ટ હશે તો આ લોકો કરી આપશે. ડીસેમ્બર મહિનામાં જર્મનીથી આવેલા એક પ્રવાસીએ અહીં એક અઠવાડિયા સુધી રોકાણ કરીને પોતાની જૂતી પોતાની રીતે ડીઝાઈ કરાવી. જે પ્રકાશિત થયેલું અને ટીવી પર પ્રસારિત પણ. કાર્પેટ માટે મિર્ઝાપુર દુનિયામાં ભલે ડંકો વગાડે પણ બીજા નંબરે જયપુર આવે છે. જ્યાંની કાર્પેટ મોટી હોટેલમાં પણ સેટ છે. બડા બાઝારમાં નીકળો એટલે કાર્પેટથી લઈને કુમકુમ સુધી અને ઝાંઝરથી લઈને ઝુમકા સુધી બધુ મળી જાય. હા....માર્કેટ આજે ખૂબ જ મોંઘી છે. ખિસ્સા ભરેલા હોય તો જવાય. પણ આના જેવી ડીઝાઈન, વર્ક, મટિરિયલ અને વસ્તુ બીજે ક્યાંય મળે તો પૈસા પાછા. નહેરૂ બાઝાર અને જૌહરી બાઝારમાં દાલબાટી સહિત લોકલ સ્નેક્સ મળશે. આટલું વાંચ્યા બાદ આકર્ષણ થયું હોય તો અનુભવ તો યાદગાર થવાનો એ ગેરેન્ટી. 

    યુનેસ્કોએ જયપુરને હેરિટેજ સિટિનો ટેગ આપ્યો છે. જ્યારે દેશના ટોપ 5 બ્યુટીફૂલ સિટિની યાદીમાં જયપુર બીજા ક્રમે છે. જયપુરને આકાશમાંથી જોવા ડ્રોનની જરૂર નથી. નાહરગઢ કિલ્લામાં પહોંચો એટલે જયપુર આખું આકાશી નજારામાં દેખાય છે. 18 નવેમ્બરના રોજ આ સિટિનો બર્થડે છે. જેને એકસમયે જૈપરથી ઓળખવામાં આવતું. ઈતિહાસને સાથે રાખીને વિકાસ કરતું સિટિ. વર્ષ 2006થી શરૂ થયેલો જયપુર સાહિત્ય ફેસ્ટિવલ અનેક લોકોને જોડે છે. જેમાં દેશ વિદેશથી અનેક લોકો આવે છે. એશિયાનું સૌથી મોટું સર્કલ જયપુરમાં છે. જવાહર સર્કલ. હા, આપણા ગુજરાતમાં ભાવનગરને સિટિ ઓફ સર્કલ કહેવામાં આવે છે. પણ જવાહર સર્કલ 13 હજાર મીટરના દાયરામાં છે. રામબાગ પોલો ગ્રાઉન્ડમાં હોળી રમવાની એક અલગ મજા છે. પણ એના એક દિવસ પહેલા હાથી ઉત્સવ જોવા ગામ ઉમટે છે. ચલો તો મળીએ. આગામી એપિસોડમાં નવા સિટિની અવનવી વાત સાથે....ચીયર્સ

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...