Tuesday, February 13, 2024

ત્રણ વ્યક્તિની વૉર સ્ટ્રેટજી, ત્રણ કલાકમાં તૈયાર હતી

 ત્રણ વ્યક્તિની વૉર સ્ટ્રેટજી, ત્રણ કલાકમાં તૈયાર હતી

     રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પાસે પ્લાન હતો પણ અમલવારીનું ચિત્ર સ્પષ્ટ ન હતું. એરફોર્સમાં મોટા અધિકારીના પદ પર બઠેલા બીએસ ધનૌઆ અને આર્મી ચીફ વિપિન રાવત પાસે પણ અનુભવના નીચોડમાંથી ઘડાયેલી અને મજબૂત વૉર સ્ટ્રેટજી હતી. રીસર્ચની પહેલું પગથિયું ઈનપુટ હતા. રજૌરીથી લઈને રાવલકોટ સુધી, આ તરફ શિગર (લદ્દાખમાં આવેલો ભારતીય સીમા તરફનો અંતિમ પહાડી વિસ્તાર)થી લઈ શ્રીનગર સુધી દરેક મુવમેન્ટમાં એ ધ્યાન રાખવાનું હતું કે, પાડોશી દેશે રાક્ષસી ઈરાદા સાથે પચાવી પાડેલા આપણા જ એક પ્રદેશમાં કોઈને ગંધ ન આવી જાય. કોર્ડિનેટ તો મળી રહેવાના હતા પણ માણસ તો શું ત્રાસવાદી વિસ્તારની માંખી પણ બચવી ન જોઈએ એવું જામી ગયેલી સિમેન્ટ જેવું મજબૂત પ્લાનિંગ હતું. અલર્ટ, પેટ્રોલિંગ અને ઈનપુટની હેકટીક વચ્ચે મિશન પાર પાડવું એક પડકાર હતો.    

  


       આઈબી અને રૉના ફોન રણકવાના શરૂ થઈ ચૂક્યા હતા. કોડવર્ડની ભાષાઓમાંથી એ વાત ફિક્સ થઈ ગઈ હતી કે, પચાવી પાડેલા પ્રદેશમાં તાલિબાની વિચારધારા ધરાવતા આકાઓ મૌજુદ છે. આમ તો કોઈ પણ સળીચાળાનો જડબાતોડ જવાબ દેવામાં જવાનને માત્ર ઈશારાઓની જરૂર હોય છે. દાંત ખાટા કરી નાખે એવો ઠોસ અને થોબડા પણ ધડથી અલગ હોય એવી રીતે એના પર તૂટી પડવામાં આવે છે. પણ દરેક દેશવાસીના આંખમાં પાણી લાવી દે આવી ઘટનાઓ પર ગુસ્સો વ્યક્ત કરીને જવાબ દેવો ઉતાવળ સમાન હતું. કદાચ પિત્તળભેજાના ફટ્ટુઓ પણ એ જ ઈચ્છા હતા કે, એક્શનનું ઘડીના છઠ્ઠા ભાગમાં રીએક્શન આવે. પણ જ્યાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા જવાનની વાત આવે ત્યાં જવાન દેશ માટે વધુ અગ્રતા ધરાવે છે. અતિ સંવેદનશીલ વૉરરૂમમાં સ્ટ્રેટજી તો ઘણી હતી પણ વિચારઘારા એક કેન્દ્રમાં અટકી હતી. જેમાં કેઝ્યુઅલ્ટી ઓછી થાય ને દુશ્મનનો ખાતમો વધું થાય. આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તાર, કાશ્મીરની ભૌગોલિક સ્થિતિ, ત્યાંના કેટલાક બની બેઠેલા 'ભાઈ' પણ વિસ્ફોટક જેટલા સંવેદનશીલ હતા. પાણા (પથ્થર) મારીને પથારી ફેરવનારા પણ કેટલાક કાશ્મીરમાંથી પણ હતા જ. આ હકીકત કાશ્મીર પોલીસથી લઈને સ્થાનિક પોલિટિકલ લીડર સુધી સૌને ખબર હતી.  

      વાયુ સેનાના તત્કાલિન પ્રમુખ આર.કે. એસ ભદૌરિયા ઑપરેશન ડેટ ડિક્લેર કરી. પણ સૈન્યની ત્રણેય પાંખના આંગળીના વેઢે ગણી શકાય એટલા અધિકારીઓને જ આ તારીખ ખબર હતી. જે જવાનો ઑપરેશનમાં સામિલ થવાના હતા એમને એટલો તો અંદાજો હશે જ કે, વારંવાર છમકલા કરતા જૈશ અને મુજાઈદ્દિનના આકાઓના ડાચાને ડેથ પનિશમેન્ટ દેવાનો કાળ પાકી ગયો છે. પણ શું? ક્યાં? કેવી રીતે? અને કેમ? આ તમામ પ્રશ્નોની પાછળ જંગલ જેવું ગાઢ અંધારૂ હતું. ઑપરેશનનું નામ નક્કી હતું પણ લોકો સુધી ન પહોંચી એવી ચોક્કસ અને રાજસ્થાનના કિલ્લાઓ જેવી કિલ્લેબંધી હતી. દિવાલ વચ્ચે નહીં, દિલ અને દિમાગ વચ્ચે. ઝનૂન અને ઉગ્રતા વચ્ચે. સમય પણ નક્કી હતો. પણ સૌથી કપરો સમય રીર્ટનનો હતો. ખાલી થપ્પડ માર્યે ભાઈડા નથી. ભાગતા પણ આવડવું જોઈએ. જેથી ક્રુર માનસ ધરાવતા ઘાતકીઓથી બચી શકાય. માત્ર ત્રણ જ કલાકમાં તૈયાર થયેલી વૉર સ્ટ્રેટજી સોલીડ હતી. બસ વાર તો ટીમ તૈયાર કરવાની હતી. એ વાત પણ ધ્યાન રાખવાની હતી કે, જે જવાન ડ્યૂટી પર છે એને રીપ્લેસ કરવાના નથી.

        એર માર્શલ હરિ કુમારે આખા વૉરરૂમની સ્થિતિને આંખમાં કેદ કરી હતી. કારણ કે, સૌથી નજીકના સાક્ષી એ હતા. પાવર, પ્લાનિંગ અને પરિણામ સુધીની આખી પ્રોસેસના. ઑપરેશનના નામ પાછળ પણ એક સીધી લાઈનની સ્ટોરી એ હતી કે, ભારતીય સંસ્કૃતિમાં એ પ્રજાતિને એક વિશેષ સ્થાન મળેલું છે. મુદ્દો એ પણ ધ્યાનમાં રાખવાનો હતો કે, ઝીણીં આંખ વાળા અને ચીબા નાકવાળા ચીને જે પ્રદેશ પચાવી પાડ્યો છે એની સાથે આ પાડોશીને પાછો વાટકી વ્યવહાર હતો. એટલે અડધી રાત્રે ઊઠીને એ ધુણે નહીં એ પણ ઘ્યાન રાખવું એટલું જરૂરી હતું જેટલું બિલાડીની સામેથી દૂધને સુરક્ષા આપવી. ચંદગામ હાઈવેથી જાબા સુધીનું બાય રોડ અંતર 250 માંડ હતું. પણ ફાઈટર તો આટલું માત્ર ગણતરીની મિનિટોમાં કાપી કાઢે. દમ વગરની દાઢી ધરાવતા અને મજબૂતીની મુંછ ન ધરાવતા ગટરછાંપ મુખિયાઓનો આ ગઢ હતો. જ્યાં નવયુવાનોને ફના થવાની માનસિક-શારીરિક તાલિમ આપવામાં આવતી. હવે મદડું પણ ન મળે એવો ઘા મારવો હોય તો તીવ્રતા પણ એટલી જ જોઈએ.

     ઘા કરો અને સામે ઘાવ ન લાગે એવું તો કેમ બને? તારીખ નક્કી અને વાયુદળના લડાકું વિમાનની ફૌજ નક્કી. હવે વાર તો માત્ર ઘા મારવાની હતી. પણ રાત્રીના સમયને એટલા માટે પસંદ કરવામાં આવ્યો કારણ કે, લડાઈ નાક વગરના આત્મઘાતીઓ સામે હતી. સામાન્ય પ્રજા સામે નહીં. પણ ત્રણ લૉંચપેડ પર વિમાનમાંથી બોંબમારો કર્યા બાદ રીટર્ન વીજવેગે થવાનું હતું. પણ વિમાનના અવાજ અને એના જ સળી ગયેલા રડારે સાચી માહિતીને ઓનસ્ક્રિન કરી દીધી. જેમાં આપણા વિમાન શિયાળામાં સનસેટ ચોખ્ખો દેખાય એમ અંધારી રાતે દેખાયા. પણ શિકાર માત્ર એકનો જ કરી શક્યા. કારણ કે એમને પણ ભીખમાં મળેલા વિમાન પર ભરોસો હોયને..! તૂટી પડેલા વિમાનમાં હિમાલય જેટલી સખ્તાઈ વાળો જવાન જીવતો નીકળ્યો. પણ રાજકીય દબાણને કારણે પાડોશી રાજનીતિ ઘૂંટણીએ પડી ગઈ. સન્માન સાથે હેન્ડ ઓવર કરવો પડ્યો. 


     તારીખ 26 ફેબ્રુઆરી 2019 ઈન્ડિયન એરફોર્સના મિરાજની એક ટીમ ગ્વાલિયરથી રવાના થઈને દુશ્મનોનાં દાંત ખાટા કરીને પાછી આવી હતી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાહમાં જાબા સહિત ત્રણ લોકેશન પર આતંકીઓના આકાના અડ્ડાઓ પર બોંબવર્ષા કરવામાં આવી હતી. જેમાં 200થી વધારે આતંકીઓ માર્યા ગયા હતા. પણ પોતાના ગાલ પર પડેલો તમાચો સ્વીકારે તો પાકિસ્તાન થોડું કહેવાય? એને આપણી સામે ફરી ફાંકાફોજદારીનો બફાટ શરૂ કર્યો. ભારતે કર્યું એ દુનિયા સ્વીકારે કે ન સ્વીકારે દેશવાસીઓએ તો સ્વીકાર્યું. પુલવામાનો બદલો બાપ થઈને લીધો. પછી તો ફૈડકા મારતું ચકલું ચીનની આપેલી ભીખમાં છુપાઈ ગયું. આ હતું ઑપરેશન બંદર. જ્યારે પાકિસ્તાનના એફ-16 એક્ટિવ થયા ત્યારે આપણા વિમાન આપણી હવાઈ સીમામાં કામ પતાવીને પરત આવી ગયા હતા. જે રીતે તેઓ જંગલ અને ધુમ્મસની આડમાં ભાગે છે એમ. આપણે સામે છાતીએ લડ્યા પણ ફટ્ટુઓની ફૌજમાં આજે પણ આનો પડઘો શમ્યો નથી. ધીસ ઈસ ઈન્ડિયન એર ફોર્સ એન્ડ ઑપરેશન બંદર. રાત્રે 3.30 વાગ્યે શરૂ થયું ને 30 મિનિટથી ઓછા સમયમાં ખતમ. 

           પણ માત્ર મિરાજ ન હતા. એમની સાથે સુખોઈ-30 MIK હતા. જે પાકિસ્તાનના વિમાનને ડાઈવર્ટ કરવા માટે અને હેરાન કરવા માટે બાહુબલી હતા. આ ઉપરાંત ગરૂડ કમાન્ડોની એક ટીમ સ્ટેન્ડ ટુ હતી. જે માત્ર જમીન પર ઊતરે તો કાળા કપડાં પહેરીને આવેલાઓના યમરાજ બનીને બતાવે એમ હતા. બાલાકોટમાં 200થી વધુ આતંકીઓના ફોન એક્ટિવ હતા એટલે એ વાત તો નક્કી હતી કે, સળી કરીને સળગાવનારા આ જ હતા. માનસેરા જે પાકિસ્તાનમાં આવેલું એક સિટી છે, જે ઈન્ડો-પાક. બોર્ડરથી સૌથી નજીક છે. બાલાકોટ એનો તાલુકો છે. કાગાન નામનો પહાડી વિસ્તાર પ્રવાસીઓ માટે જાણીતો છે પણ આંતકી આકા આનો ખોટો ઉપયોગ કરીને છાશવારે છમકલા કરે છે. છાણ વગરના છોતરાંઓ ઘા કરવામાં માહિર છે પણ છાતી કાઢીને લડવામાં એને રાજકારણ નડે છે. જોકે, એમના રાજકારણમાં પણ અંદરોઅંદર યુદ્ધ જ ચાલે છે. માનસેરાના જંગલનો વિસ્તાર આજે પણ એટલો જ સંવેદનશીલ છે. જ્યાંથી ડાયરેક્ટ શ્રીનગરથી લઈને બાલાકોટ સુધીના હાઈવે ક્નેક્ટ થાય છે. ચીન અને પાકિસ્તાનનો જોડતો કારાકોરમ હાઈવે અહીંથી પસાર થાય છે. મુઝ્ઝફરાબાદ પીઓકેનું મુખ્યકેન્દ્ર છે. આ સમગ્ર ઑપરેશનમાં સુબેદારથી લઈને સર્વેલન્સ રડાર સિસ્ટમ સુધી જુદા જુદા વિભાગમાં કુલ 6 હજાર લોકોએ યોગદાન આપ્યું છે. આવી જ આ ઑપરેશન સાથે જોડાયેલી ફેક્ટ ફાઈલ વાંચવી હોય તો ઉપાડો The Lession learnt from operation નામનો રીપોર્ટ.

No comments:

Post a Comment

ફટાકડાની ફૂલઝરઃ હરબાર કલરફૂલ

 ફટાકડાની ફૂલઝરઃ હરબાર કલરફૂલ         દિવાળીનો તહેવાર દરવર્ષે આવે છે. ફટાકડા ફોડવા કે નહીં એની માથાકુટ પણ વાર્ષિક થઈ ગઈ છે. ફટાકડાના ધુમાડાં...