મોબાઈલ વગરની મોર્નિગઃ હો નહીં સકતા

 મોબાઈલ વગરની મોર્નિગઃ હો નહીં સકતા

     આમ તો આખું વર્ષ કેલેન્ડરમાં તારીખ બદલાય છે પણ એક દિવસ એવો આવે છે કે, એક તારીખ આખું કેલેન્ડર બદલી નાંખે છે. આ હકીકત બધાની વચ્ચેથી દર વર્ષે પસાર થાય છે. ઉત્સવપ્રેમી અને હરખઘેલી પ્રજા વર્ષમાં બે-બે વખત ન્યૂયર ઉજવે છે. એકમાં ટ્રેડિશન ફોલો કરીને અને બીજામાં બીજાનું ફોલોઈંગ અપનાવીને. પાર્ટી થાય એમાં કોઈને વાંધો ન હોય પણ પાર્ટીમાં જે થાય એની સામે ઘણાને વાંધો હોય છે. એ પછી પાર્ટી 31ની હોય કે રાજકારણની. નવા વર્ષનો રાજીપો રાઈજીરૂ વેચનારા કરિયાણાવાળાથી લઈને કિડ્સ સુધીના તમામ લોકોને હોય છે. જોકે, કોઈ પણ વર્ષની શરૂઆત દિવસથી થાય છે અને દિવસની શરૂઆત સવારથી થાય છે. હવે ખુદને એક સવાલ આપણે પોતે જ કરીએ કે, શું દિવસની શરૂઆત સવારથી થાય છે ખરા? એક હરતુ ફોરતું વોટ્સેપિયું વન-લાઈનર મારા મોબાઈલમાં પણ ખાબક્યું કે, એલાર્મ નથી ઊઠાડતા એટલી જવાદારીઓ સવારે ઊઠાડે છે. વાત પણ સાચી છે. સવારે ઊઠીને પહેલા કરાતા કામમાં પણ મોબાઈલનો સંગાથ અનિવાર્ય થતો જાય છે.

      ઘણાને મોબાઈલ ભેગો હોય તો જ ઊતરે.....ખી..ખી...ખી...અમુક પંચાતો એવી હોય કે, સવારે ઊઠીને ઓફિસના કર્મીને સોંપાતું કામ એના મોબાઈલમાંથી નીકળતું હોય. જેમ કે, આજે સાહેબશ્રી આવવાના છે એટલે મનીયા ડ્રાઈવરને કોલ કરી દેવો. આજે ત્રણના ઈન્ટરવ્યૂ છે એટલે ફોન કરજે. એક થોડી સ્પેશ્યલ વર્ગની વાત કરીએ તો ગુડ મોર્નિંગના મેસેજ પહેલા એવો મેસેજ હોય કે ઘરેથી નીકળતા પહેલા કોલ કરજે, ઘણાને એવો મેસેજ હોય કે હું ટિફિન નથી લાવવાની તું તારી રીતે જમી લેજે. મારી ગાડીમાં પેટ્રોલ થઈ રીયુ છે એટલે મને પિકઅપ કરજે. હવે આ જે પિકઅપ કરવાની ફોર્મ્યુલા છે એમાં સામેવાળી વ્યક્તિ 99 ટકા બેથી પાંચ મિનિટ લેટ જ હોય. આ સર્વેમાં થયેલું પ્રુફ છે. ઘણાના મોબાઈલમાં ગ્રૂપમાં આવેલા દર્શનથી સવાર પડે. એ પછી કોઈ પણ પ્રભુ કે ધર્મના કેમના હોય. મોર્નિંગ હવે કરાગ્રે વસ્તે લક્ષ્મીથી નહીં પણ અમી ભરેલી નજરૂ મોબાઈલમાં નાંખોથી થઈ રહી છે. આ દરેકના ઘરમાં થતું હશે. પણ ફોર્મેટ અલગ હશે.

      એલાર્મ બંધ કરી સૂઈ જવાની બેસ્ટ ઋતુ એટલે શિયાળો. એમાં પણ મોબાઈલ અડધી રાત્રે વાગે એટલે ધ્રાંસકો પડે એવા જ વાવડ હોય. નવા વર્ષમાં આશા કરીએ અને પ્રાર્થના કરીએ કે, કોઈના ઘરમાં આવો ફોન ક્યારેય ન વાગે. ઘણા બીજાને સવાર સવારમાં થોટ્સ, મોટિવેશન, ઈસ્પીરેશન અને સુવાક્યોની એવી ડિજિટલ સુનામી મોકલી દે કે, ચોથા દિવસે સંસારમાંથી નિવૃતિ જાહેર કરીને દિક્ષા લઈ લઈએ એવું મન થાય. પાછું જે મોકલનાર છે એ મોબાઈલને ઘડીભર રેઢો ન મૂકે, જાણે મોબાઈલ રેઢો મૂકતા પેલો લાલ કપડું જોઈને આખલો ભૂરાટો થાવાનો હોય. હવે આ રમત કઈ એ તો મારો રામ જાણે કે, આમા વિજેતા પેલો બચી ગયો એને માનવો કે આખલો મુર્ખ બન્યો એને?? 

         આમ તો મોબાઈલમાં ઈન્ટરનેટ આવતા દરિયો હાથમાં છલકાતો હોય એવું છે પણ આ મધની પીપર આલ્પેનલીબે જેવું છે. જી લલચાયે રહા ન જાય....વોટ્સએપ પણ ઘણું સ્માર્ટ છે. પરમેનેન્ટ ડિલિટનો ઓપ્શન ત્યારે જ આપ્યો જ્યારે કેટલાક લોકો મેેસેજ મોકલવામાં પીએચડી થઈ ગયા (વોટ્સએપ વિષવિદ્યાલયની ડિગ્રીથી). હવે આંખ ઊંઘમાં હોય તો પણ મેસેજ કરવામાં ભાગ્યે જ કોઈની ભૂલ થાય છે. અહીંયા પણ શરાબી ફિલ્મના ડાયલોગ જેવું લાગુ પડે છે. તૌફે દેનેવાલી કિ નિયત દેખી જાતી હૈ ઉનકે દામ નહીં. જેવું ઈન્ટરનેટનું ઓપ્શન ઓન થાય એટલે વોટ્સએપ, મેઈલ, ટેલિગ્રામ, સ્નેપચેટ, એસએમએસ (આ તો હવે બેંકવાળા સિવાય અને ઓટીપી વાળા સિવાય કોઈ કરતું નથી)નું તાઉતૈ (તોફાનનું એક નામ) નોટિફિકેશનનો કિનારો તોડી નાખે. એન્ડ્રોઈડ બનાવનારે સૌથી મજબુત જે વસ્તુ બનાવી એ છે નોટિફિકેશન વિન્ડો, મારી બેટી ભલભલાને સમાવી લે છે. 

    હવે થોડી કલ્પનાના ઘોડાને રીવર્સ ગેરમાં નાંખીને સીધા દોડાવીએ. કારણ કે ઓરિજિનલ ઘોડો તો રીવર્સ ન ચાલે. જ્યારે મોબાઈલ ન હતા ત્યારે મોર્નિગ કેવી મસ્ત હતી. પ્રકૃતિના કેન્વાસ પર થતી રંગોળીના રંગો આંખના કોરા કાગળ પર સ્મૃતિ બનીને દિમાંગમાં સચવાતા. મોર્નિંગ વૉક કરનારાઓને એના રૂટનો આખો નક્શો યાદ રહેતો. રોડની નીચે ફીટ કરેલી ચાવીને ખોલનારો ક્યાં ઊભીને સરીયો ફેરવે છે એ આખી પ્રક્રિયા આપણને યાદ હતી. દૂધ ઘરે ઘરે આપનારાઓની એક હાંકલથી આપણી સવાર પડતી આ પણ હકીકત છે. ગ્રામ્ય પંથકની વાત કરીએ તો ઉનાળામાં ઉઘાડ થતોને આંખ ઉઘડતી. શિયાળામાં વહેલા ઊઠતા પણ ઠંડીને બરોબર માણતા. સ્કૂલ ટાઈમમાં વહેલા તૈયાર થઈને રીક્ષા કે બસની રાહ જોતા. પૂજા (પેલી ડ્રિમગર્લવાળી નહીં હો..)થી લઈને દિવસ આખામાં પતાવવા પડે એવા કામ મોઢે હતા. ટ્રાફિક સિગ્નલ પર સ્ટોપ થઈએ ત્યારે કઈ નવી ટ્રાવેલ્સ સિટીમાં સેટ થઈ છે એ બસના કલર સહિત એ ક્યા ચાર રસ્તેથી પસાર થાય છે એ યાદ હતું. 

          મોર્નિંગનો અજવાશ રોમેરોમે દીપી ઊઠતો. જાણે તાજગીના દરિયામાં સૌ કોઈ તરબોળ થઈને એક્ચ્યુઅલ ક્નેક્ટ થવાના હોય. પણ આ વર્ચ્યુઅલ આવ્યા બાદ દેખાય તો ઘણું છે પણ સ્ક્રિનમાંથી, ફીલિંગ્સની સર્કિટ નાની થતી જાય છે. આંખેથી પડતા ફોટોને સ્નેહીજન જોઈ લેતા. એ વખતે રિંગટોન ન હતી એટલે જ કદાચ શિયાળાની અફલાતુંન સવારની રોશની હતી. વહેલા ઉઠાતું પણ જે ભેગું થવાનું છે એને મનથી ગુડમોર્નિંગ થતું. મફલર, જેકેટ ને વાંદરાટોપીથી ઓળખી જવાતું કે, આ આપણો ભેરૂ. ઓળખીતા પારખીતાના રામ રામથી સવાર પણ એમાં ટાપસી પૂરાવતી.વિચારો સ્પષ્ટ અને ડગલા મજબુત હતા. વિશ્વાસ સિંહ જેવો હતો પછી ભલે પગમાં ફાટેલા બૂટ હતા. બસ કે રીક્ષામાંથી થતી શહેર કે ગામની પરિક્રમાથી એ ખ્યાલ આવતો કે ઝાકળ ક્યાં ક્યાં વધું છે. કદાચ આપણે સવારને એકલી કરી દીધી એટલે જ એને આપણી સવાર મેલી કરી દીધી.

Comments