બોયકોટની બબાલઃ કુછ બાતે હો ચૂકી હૈ, કૂછ બાતે અભી હૈ બાકી

  બોયકોટની બબાલઃ કુછ બાતે હો ચૂકી હૈ, કૂછ બાતે અભી હૈ બાકી

          ટોટલ 48 કલાકના ટાઈમગેપમાં જ સેલિબ્રિટિના પ્રિય એવા માલદીવને એના જ ટાપુના પાણીએ વાસ્તવિકમાં એના જ પદાધિકારીઓને પાણી મપાવી દીધું. સોશિયલ મીડિયા પર કોઈની જ મંજૂરી વગર યુવાધને માલદીવ પર બોયકોટ નામની મિસાઈલથી સર્જિકલ સ્ટ્રાઈક (ઈરાદાપૂર્વક કરેલો હુમલો) કરી દીધી. એવામાં માલદીવની ઓથોરિટીએ થપ્પડ ખાઈને ગાલ રાખવા અને ટણી ઊંચી રાખવા કહ્યું હતું કે, ભલે ટિકિટ બુકિંગ પ્રવાસીઓએ રદ્દ કરી દીધા પણ અમારી રેવન્યૂને કોઈ અસર થઈ રહી નથી. પણ આ તો એવી જગ્યાએ ડામ લાગ્યો છે કે, દેખાડી શકાય એમ નથી અને સહન પણ કરી શકાય એમ નથી. માલદીવના પ્રધાન માલશા શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી ટ્વિટર પોસ્ટ મૂકીને પોતાના પગ પર કુહાડો નહીં પણ એમના જ દેશની આવક આડે બુલ્ડોઝર મૂકી દીધું છે. હવે આ માલશા શરીફના રવાજે ચડીને બીજા બે ડાહ્યા (વધુ પડતા) નેતા મરિયમ શિયુના અને અબ્દુલ્લા મહજુમે ભારતને ભૂંડું કહેવાની પાપડતોડ હિંમત કરી નાંખી. પછી એમને જ એમના જ મંત્રાલયમાંથી ઘરે નેતાગીરી કરવાનો વારો આવ્યો. 

માલદીવ

        આટલો મામલો અખબારોની હેડલાઈન બન્યાના થોડા કલાકો પહેલા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું બોયકોટ માલદીવ. એમાં પણ પહેલા હેશટેગ લગાવીને આ શબ્દ અંગ્રેજીમાં વગર કોઈ સ્પેલિંગ ભૂલ સાથે લખવાની ચીલો શરૂ થયો. હલકી માનસિકતા સામે બોલિવૂડના સેલિબ્રિટિથી લઈને સામાન્ય નાગરિકે પણ આક્રોશનો અગ્નિ શબ્દ થકી સોશિયલ મીડિયા પર ફૂંકી મરાયો. પરિણામ એ આવ્યું કે, માલદીવના શાસકોની ફાટી રહી. કરોડોનું રોકાણ કરીને બનાવેલા વોટર રૂમ ખાલી પડ્યા રહ્યા અને રાજકીય લોબીમાં રેવન્યૂનો મુદ્દો એવો ખખડ્યો કે, 24 કલાકમાં જ એના વડા ભારત આવવા ઘાંઘા થયા. સુંદરીઓનું (બોલિવૂડની સેલિબ્રિટીઓનું) સ્વર્ગ મનાતું માલદીવ બ્યુટીફૂલ નિર્જન બની રહ્યું. પ્રવાસ પ્રેમીઓ ઉપડ્યા લક્ષદીપ. હવે લક્ષદીપ તો આપણા ભારતમાં જ હતું. પણ ખિસકોલીને ખાખરાનો ટેસ્ટ થોડી ખબર હોય?? પણ સોશિયલ મીડિયા પર જે બોયકોટ વાયરલ થયું એ તો વાયરસની સ્પીડ કરતા પણ સો ગણું હતું. નવા વર્ષની શરૂઆતમાં જ બોયકોટનો બોંબ ફૂટ્યો એ પણ માલદીવ પર. 

     એના છાંટા એમના જ પ્રવાસન ઉદ્યોગને લાગ્યા. ખરેખર તો બોયકોટનો બોંબ સમજી-વિચારીને સમયાંતરે ફોડવો જોઈએ. એ પણ નિશ્ચિત આત્માઓ પર. આ એવી આત્માઓ છે જે દેખાતી નથી. આમ પણ આત્મા ક્યાં કોઈને દેખાય છે? દર વર્ષે સંક્રાંત આવે એટલે ચીનની દોરી (હકીકતમાં પ્લાસ્ટિકની દોરી) પર બોયકોટનો સુતળી બોંબ ન ફોડવો જોઈએ? આવી બોયકોટની બારક્ષરીને આગળ વધારીએ તો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ખોંખારો ખાઈને ગમે ત્યાં થૂંકતા (ગોબરા) લોકોને ન બોલાવીને બોયકોટ ન કરી શકાય? પાન ખાવ એનો વાંધો નથી પણ પાન ખાઈને પિચકારી ગમે ત્યાં મારે એને બોયકોટ કરી દેવાઈ જોઈએ. આવા લોકોનું નેટ 2જીની સ્પીડમાં કરી નાંખવું જોઈએ. ટ્રાફિક પોઈન્ટ પર લેફ્ટ સાઈડ (ડાબી બાજુ) જામ કરતા લોકોના લાઇસન્સ બાઈકોટ કરી શકાય.

       દર વર્ષે હિમાલય જેટલો તોતિંગ ફી વધારો કરતી સ્કૂલને બાઇકોટ કરવા વાર્ષિક અભિયાન ચાલું કરવું જોઈએ. હું તો કહું છું વાલીઓ આવી સ્કૂલ જ બાઇકોટ કરે. સરકારી સ્કૂલ ઘણી સારી છે જેમાં ખરા અર્થમાં ભારતીય વિષયોના પાઠ શીખવવામાં આવે છે. 31મી ડિસેમ્બરે પાર્ટીમાં ના કરવાનું કરતા લોકોની આખી પાર્ટી બોયકોટ કરી શકાય. પાર્ટી કરો એની સામે કોઈ વાંધો નથી પણ પાર્ટીમાં જે ન થવાનું થાય છે એની સામે વાંધાની આખી તલવાર છે. ક્રેડિટ કાર્ડના નામે આપણા પૈસા પર કળા કરી જાતા છુપા રુસ્તમને તો કાયમી બાઈકોટ કરો. સાલા પૈસા આપણા અને વાપરી જાય બીજા. એ પાછા 12મી ફેઈલ હોય છે. જાહેરમાં કચરો ભેગો કરીને એમાં દીવાસળી મૂકનારાના નાક પર ચિપટી મારીને બોયકોટ કરવા જોઈએ. જેમ હવા વગર શ્વાસ ન લઈ શકાય એમ આ કચરાના ધૂમાડાંથી કેવી મુશ્કેલી પડે છે એનો અહેસાસ નાક પર ક્લિપ મારીને જ કરાવી શકાય. બોયકોટની બબાલમાં માલદીવના રાષ્ટ્રપ્રમુખે ભારતીય સેનાને ફૂટબેક કરવા (ખસેડી લેવા) કહ્યું છે. આ સમયે ગતવર્ષની ચૂંટણીમાં વાયદા કરેલા નેતાઓની યાદી બનાવીને એને 'સારી જગ્યા' એ ખસેડવા પગલાં લઈ શકાય. 

     જે વર્ષે મગફળીનું ઉત્પાદન મબલખ થયુ હોવા છતાં તેલના ભાવમાં એક પૈસો ન ઘટાડનારાને કાચું તેલ પાઈને બોયકોટ ન કરાય? ખેડૂતને કમાવા દેતા નથી અને આપણા (મધ્યવર્ગના) ખિસ્સા પર રાજ કરે છે એવા તેલીયા રાજા. મહાનગરમાં મોડી રાત્રે દોઢું ભાળું લેતા રીક્ષા ચાલકોની ગેસની ટાંકી એક મહિના સુધી કાઢી લઈ બોયકોટ કરાય. કારણ કે, આ દોઢુભાડું લેવાની સમયમર્યાદા દરેક રીક્ષા ચાલકે જુદી જુદી હોય છે. પોતાની ડ્યૂટી પૂરી કરીને પાયલટ (રાજસ્થાનના નેતા નહીં હો..) ફ્લાઈટને ફ્લાઈટ મોડ પર મૂકીને પ્રવાસી ગયા તેલ પીવા એવું કહીને બેસી રહેતા પાયલટનું લાયસન્સ બોયકોટ કરવું જોઈએ. પત્રકાર હોવાનું કહીને પૈસા ખંખેરતા કીડીકદના પત્રકારોની કલમ કાયમી આઈપીસી લાગુ પડતી કલમ હેઠળ મૂકીને બોયકોટ કરવી જોઈએ.

Comments

  1. Replies
    1. Thank Q 😍. Click the follow button to get more and latest updates

      Delete
  2. Very nice thoughts. Keep it up.

    ReplyDelete
    Replies
    1. Thank you so much. Ur words are blessing. Please follow the Blog 🙏

      Delete

Post a Comment