Tuesday, January 23, 2024

રામ એટલે રીવેંજ નહીં પણ રિસપેક્ટ, રીયલ અને સિમ્પલ

 રામ એટલે રીવેંજ નહીં પણ રિસપેક્ટ, રીયલ અને સિમ્પલ

       ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરી રામ મંદિર તથા પ્રાણ પ્રતિષ્ઠાથી પાવન થઈ છે. વર્ષોથી જે મુદ્દા પર વાતચીત થતી અને ચૂંટણીની ચર્ચામાં જે વારંવાર ઘુંટાતું એ ચિત્ર તારીખ 22 જાન્યુઆરી 2024માં સ્પષ્ટ થયું છે. રામ મંદિરને લઈને જે વિષયો સંકળાયેલા છે એ તો સદાય રહેવાના, લખાવાના અને વંચાવવાના પણ ખરા. પણ કેન્દ્રમાં જે તત્વ રહ્યું છે એ રામ છે. મંદિર શબ્દની પહેલા પણ રામ, અયોધ્યા પછીનો પહેલો શબ્દ મનમાં આવે એ પણ રામ. સરયુ નદીના કિનારાનો કોઈ ઉલ્લેખ કરો તો પણ રામ અને દિવાળીનું પર્વ હોય ને દીવા જેના નામે થાય એ પણ રામ. આસ્થાનો મીઠડો દરિયો જ્યાં ઘુઘવાય છે એવી અયોધ્યા નગરી રામની પ્રતિષ્ઠાના રીયલ વાયબ્રેશનથી પવિત્ર બની છે. હાથીઓની વિરાટ સેના જેવા પથ્થરમાંથી સુંદર નક્શી કામ કરીને જે મંદિર તૈયાર થયું એ દરેક કારીગરોના હૈયે કદાચ રામે જ હિંમત કાયમ રાખીને મંદિર કાર્ય માટે નિમિત કર્યા હશે. મંદિર સાથેના અનેક એવા વિષયો છે જેની પર એક આખું પુસ્તક લખી શકાય. ફેક્ટ ફાઈલ પણ એવી છે જે દિમાગથી ખાલી કોઈ ફોલ્ડરીયો વાંચે તો પણ એના દિલમાં દશરથ નંદન વસી જાય. પણ હકીકત એ પણ છે કે, જ્યારે મૂખ્ય મૂર્તિ તૈયાર કરનાર અરૂણ યોગીરાજ મૂર્તિને કંડારી રહ્યા હતા ત્યારે એની આંખમાં ઈજા થઈ હતી. 14 દિવસના વિરામ બાદ કામ ચાલું થયું અને મૂર્તિ તૈયાર થઈ. અહીંયા પણ તબીબે એને 14 દિવસનો વિરામ આપેલો. છે ને બાકી રામની ક્નેક્ટિવિટી!

            રામ કોઈ શબ્દ નથી પણ એક યુનિવર્સ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. ત્રેતાયુગથી રામને જાણનારા સ્વીકારે છે કે, રામ કદી ખોટા નથી અને ખોટું હોય ત્યાં રામ નથી. ઈન્ડોનેશિયાથી લઈને ઈન્ડિયા (ભારત) સુધી રામનું એક વ્યાપક નેટવર્ક છે. અનેક એવા સ્થળો એની લીલાના સાક્ષી છે. પણ રામ જેટલું નામ ટૂંકું છે એટલી એનામાં ઊંડાઈ છે. પણ ખુદ રામના હૈયામાં આધાત ને પીડાનું સામ્રાજ્ય છે. કારણ કે, યુવાની માણવાની વયમાં વનવાસ માણ્યો ને પિતાના વચનને પાળવા રાજવી ઠાઠમાઠ ત્યાગી દીધો. આપણી આસપાસ કેટલાક માથાઓ બાપાની છત્રછાયા છોડી શકે પણ રોકડા નહીં. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે એક પ્રાર્થના કરીએ કે રાજકીય અખાડામાં કોઈ રામને લઈને દોષારોપણ ન થાય. કૃષ્ણ ને રામની તુલના ન થઈ શકે, કારણ કે બન્ને એક જ મુખ્ય પ્રભુના અલગ અલગ અવતાર છે. નિયમ, નીતિ અને નિર્ણય પરની અડતા એટલે રામ. વર્ષાંતે ઘણા લોકો રિઝોલ્યુશન નક્કી કરે પણ પછી એ ફોલો થાય છે કે નહીં એ તો હવે રામ જાણે! રામના સ્વભાવનું વિશ્લેષણ કરીએ તો એક વાત શીરાની જેમ ગળે ઊતરે એ છે નીતિ. પોલીસી. કોઈનું ખોટું કરવાની નીતિ નહીં અને સાચું હોય એને અન્યાય ન થાય એવી નીતિ. રાવણવધ કરીને એની લંકા પર રાજ કરી શકે એમ હતા. પણ તેણે વિભિષણને રાજ આપીને અવધાગમન કર્યું. એક વાસ્તવિકતા એ પણ છે કે, જેના પિતા રામપ્રેમી હોય એનો પુત્ર થોડી રાવણને ફોલો કરે? વિભિષણનો પુત્ર અયોધ્યા આવ્યો એવા પુરાવા છે. જેનું નામ છે મતગજેન્દ્ર. આજે અયોધ્યામાં એનું મંદિર છે. હેડમાં ભરાતા બેડ ન્યૂઝને કારણે આવું આપણી આંખ સુધી પહોંચ્યુ નહીં હોય કદાચ. 

           રામ એટલે રિલેશનશીપના માઈલસ્ટોન વ્યક્તિ. પતિ, પુત્ર અને ભ્રાતા તરીકે જેને કોઈ પણ ફ્રેમ વગર સ્વીકારી શકાય. રામાયણનું દરેક પાત્ર એક ઊંડાઈને સરળ શબ્દોમાં સમજાવે છે. ભરત ધારત તો સત્તાના સિંહાસન પર બેસીને રાજ કરી શકત. પણ ના...રાજ તો રામનું. હવે આ શબ્દને થોડો ટ્વિસ્ટ કરીએ તો રામરાજ છે આવો શબ્દ પ્રયોગ આપણે ક્યાં કરીએ છીએ? જવાબ તમારી પાસે છે જ...રામ રાજ્ય ને પ્રજા સુખી...આવું પણ બોલાય છે. હવે રામ પણ ઈચ્છે છે કે, આ શબ્દ પ્રયોગને કોઈ નેગેટિવ ટોનમાં ન બોલવામાં આવે. કમાલ કહો કે કમનસીબી પણ વારંવાર એવું પણ બોલાય છે કે, રામાયણ થઈ ગઈ. વાત સાચી કે રામાયણમાં લડાઈ હતી પણ માત્ર લડાઈ જ ન હતી. હનુમાન જેવા રામભક્ત પાસેથી રામભક્તિ પણ શીખવા જેવી છે. બસ, આ પ્રાણ પ્રતિષ્ઠાથી એ પ્રણ લઈએ કે, કોઈ પણ લડાઈ વખતે રામાયણ થઈ ગઈ એવું નહીં બોલીએ. આસ્થાની અયોધ્યામાં રામ મંદિર બંધાયું એમ દરેકના દિલમાં એક રામ મંદિર છે એની મર્યાદા રાખીને કોઈ પાસેથી રીવેંજ લેવાના બદલે relinquish (રેલિંક્વિશ-જતુ કરવું) કરીએ. બદલો લેવાના તાલિબાની વિચારોનું અમલીકરણ થાય છે એટલે જ તર્કશક્તિનો વિનાશ થાય છે.

           રામ એટલે સરળતા, સમાનતા અને સભ્યતાનો સંગમ. પ્રભુએ એક વ્યક્તિ તરીકે જન્મ લઈને પાવરફૂલ કામ કર્યા. સાલું અહીંયા બધાને વ્યક્તિત્વ ભૂલીને પાવરફૂલ થવું છે. એ પણ શોર્ટકટથી. રામાયણમાં હનુમાનને કદી રામે તુકારો નથી આપ્યો. હનુમાને કદી ખોટી હોશિયારી નથી દેખાડી. શક્તિ પ્રયોગ પહેલા પણ હનુમાન જય શ્રી રામ બોલતા. સમાજના કેટલાક ડાયરેક્ટ શક્તિ પ્રયોગ કરે છે ને પછી હાય રામ...બોલે છે. બસ આવું ન કરીએ એ જ રામની સાચી પ્રાણ પ્રતિષ્ઠા. રામાયણના દરેક કિસ્સામાં જીવનમાં ઊતારવા જેવા પાઠ છે. પણ રામ પાસેથી ઈન્ટિગ્રિટી (પ્રમાણિતકા) અને સિમ્પિસિટી (સરળતા) શીખવા જેવી છે. આ ઉપરાંત જે સૌથી વધારે ગળે નહીં પણ આચરણમાં ઊતારવા જેવું છે એ છે બી રીયલ. અમુક લોકો દરેક કામમાં ખોટા ફિલ્ટર મારીને ન હોવાનું દેખાડે છે અને પોતાને પુરવાર કરે છે. એટલે જ તકલીફ પડે છે. કુટનીતિ મંથરાએ અપનાવી, નિમિત બની કૈકેઈ અને પરિણામ ભોગવ્યું રામે. બસ આવું થાય ત્યારે રામને યાદ કરી લેવાના. ખુદને સાચા સાબિત કરવાના બદલે સમયને પુરાવા આપવા દીઓ. કૈકેઈ જેવી કેટલીય સુધરી જશે એવી ગેરેન્ટી રામની. ચલો ત્યારે રામ રાષ્ટ્ર બનાવીએ એવા પ્રયાસ સાથે જય શ્રી રામ

Tuesday, January 16, 2024

બોયકોટની બબાલઃ કુછ બાતે હો ચૂકી હૈ, કૂછ બાતે અભી હૈ બાકી

  બોયકોટની બબાલઃ કુછ બાતે હો ચૂકી હૈ, કૂછ બાતે અભી હૈ બાકી

          ટોટલ 48 કલાકના ટાઈમગેપમાં જ સેલિબ્રિટિના પ્રિય એવા માલદીવને એના જ ટાપુના પાણીએ વાસ્તવિકમાં એના જ પદાધિકારીઓને પાણી મપાવી દીધું. સોશિયલ મીડિયા પર કોઈની જ મંજૂરી વગર યુવાધને માલદીવ પર બોયકોટ નામની મિસાઈલથી સર્જિકલ સ્ટ્રાઈક (ઈરાદાપૂર્વક કરેલો હુમલો) કરી દીધી. એવામાં માલદીવની ઓથોરિટીએ થપ્પડ ખાઈને ગાલ રાખવા અને ટણી ઊંચી રાખવા કહ્યું હતું કે, ભલે ટિકિટ બુકિંગ પ્રવાસીઓએ રદ્દ કરી દીધા પણ અમારી રેવન્યૂને કોઈ અસર થઈ રહી નથી. પણ આ તો એવી જગ્યાએ ડામ લાગ્યો છે કે, દેખાડી શકાય એમ નથી અને સહન પણ કરી શકાય એમ નથી. માલદીવના પ્રધાન માલશા શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી ટ્વિટર પોસ્ટ મૂકીને પોતાના પગ પર કુહાડો નહીં પણ એમના જ દેશની આવક આડે બુલ્ડોઝર મૂકી દીધું છે. હવે આ માલશા શરીફના રવાજે ચડીને બીજા બે ડાહ્યા (વધુ પડતા) નેતા મરિયમ શિયુના અને અબ્દુલ્લા મહજુમે ભારતને ભૂંડું કહેવાની પાપડતોડ હિંમત કરી નાંખી. પછી એમને જ એમના જ મંત્રાલયમાંથી ઘરે નેતાગીરી કરવાનો વારો આવ્યો. 

માલદીવ

        આટલો મામલો અખબારોની હેડલાઈન બન્યાના થોડા કલાકો પહેલા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું બોયકોટ માલદીવ. એમાં પણ પહેલા હેશટેગ લગાવીને આ શબ્દ અંગ્રેજીમાં વગર કોઈ સ્પેલિંગ ભૂલ સાથે લખવાની ચીલો શરૂ થયો. હલકી માનસિકતા સામે બોલિવૂડના સેલિબ્રિટિથી લઈને સામાન્ય નાગરિકે પણ આક્રોશનો અગ્નિ શબ્દ થકી સોશિયલ મીડિયા પર ફૂંકી મરાયો. પરિણામ એ આવ્યું કે, માલદીવના શાસકોની ફાટી રહી. કરોડોનું રોકાણ કરીને બનાવેલા વોટર રૂમ ખાલી પડ્યા રહ્યા અને રાજકીય લોબીમાં રેવન્યૂનો મુદ્દો એવો ખખડ્યો કે, 24 કલાકમાં જ એના વડા ભારત આવવા ઘાંઘા થયા. સુંદરીઓનું (બોલિવૂડની સેલિબ્રિટીઓનું) સ્વર્ગ મનાતું માલદીવ બ્યુટીફૂલ નિર્જન બની રહ્યું. પ્રવાસ પ્રેમીઓ ઉપડ્યા લક્ષદીપ. હવે લક્ષદીપ તો આપણા ભારતમાં જ હતું. પણ ખિસકોલીને ખાખરાનો ટેસ્ટ થોડી ખબર હોય?? પણ સોશિયલ મીડિયા પર જે બોયકોટ વાયરલ થયું એ તો વાયરસની સ્પીડ કરતા પણ સો ગણું હતું. નવા વર્ષની શરૂઆતમાં જ બોયકોટનો બોંબ ફૂટ્યો એ પણ માલદીવ પર. 

     એના છાંટા એમના જ પ્રવાસન ઉદ્યોગને લાગ્યા. ખરેખર તો બોયકોટનો બોંબ સમજી-વિચારીને સમયાંતરે ફોડવો જોઈએ. એ પણ નિશ્ચિત આત્માઓ પર. આ એવી આત્માઓ છે જે દેખાતી નથી. આમ પણ આત્મા ક્યાં કોઈને દેખાય છે? દર વર્ષે સંક્રાંત આવે એટલે ચીનની દોરી (હકીકતમાં પ્લાસ્ટિકની દોરી) પર બોયકોટનો સુતળી બોંબ ન ફોડવો જોઈએ? આવી બોયકોટની બારક્ષરીને આગળ વધારીએ તો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ખોંખારો ખાઈને ગમે ત્યાં થૂંકતા (ગોબરા) લોકોને ન બોલાવીને બોયકોટ ન કરી શકાય? પાન ખાવ એનો વાંધો નથી પણ પાન ખાઈને પિચકારી ગમે ત્યાં મારે એને બોયકોટ કરી દેવાઈ જોઈએ. આવા લોકોનું નેટ 2જીની સ્પીડમાં કરી નાંખવું જોઈએ. ટ્રાફિક પોઈન્ટ પર લેફ્ટ સાઈડ (ડાબી બાજુ) જામ કરતા લોકોના લાઇસન્સ બાઈકોટ કરી શકાય.

       દર વર્ષે હિમાલય જેટલો તોતિંગ ફી વધારો કરતી સ્કૂલને બાઇકોટ કરવા વાર્ષિક અભિયાન ચાલું કરવું જોઈએ. હું તો કહું છું વાલીઓ આવી સ્કૂલ જ બાઇકોટ કરે. સરકારી સ્કૂલ ઘણી સારી છે જેમાં ખરા અર્થમાં ભારતીય વિષયોના પાઠ શીખવવામાં આવે છે. 31મી ડિસેમ્બરે પાર્ટીમાં ના કરવાનું કરતા લોકોની આખી પાર્ટી બોયકોટ કરી શકાય. પાર્ટી કરો એની સામે કોઈ વાંધો નથી પણ પાર્ટીમાં જે ન થવાનું થાય છે એની સામે વાંધાની આખી તલવાર છે. ક્રેડિટ કાર્ડના નામે આપણા પૈસા પર કળા કરી જાતા છુપા રુસ્તમને તો કાયમી બાઈકોટ કરો. સાલા પૈસા આપણા અને વાપરી જાય બીજા. એ પાછા 12મી ફેઈલ હોય છે. જાહેરમાં કચરો ભેગો કરીને એમાં દીવાસળી મૂકનારાના નાક પર ચિપટી મારીને બોયકોટ કરવા જોઈએ. જેમ હવા વગર શ્વાસ ન લઈ શકાય એમ આ કચરાના ધૂમાડાંથી કેવી મુશ્કેલી પડે છે એનો અહેસાસ નાક પર ક્લિપ મારીને જ કરાવી શકાય. બોયકોટની બબાલમાં માલદીવના રાષ્ટ્રપ્રમુખે ભારતીય સેનાને ફૂટબેક કરવા (ખસેડી લેવા) કહ્યું છે. આ સમયે ગતવર્ષની ચૂંટણીમાં વાયદા કરેલા નેતાઓની યાદી બનાવીને એને 'સારી જગ્યા' એ ખસેડવા પગલાં લઈ શકાય. 

     જે વર્ષે મગફળીનું ઉત્પાદન મબલખ થયુ હોવા છતાં તેલના ભાવમાં એક પૈસો ન ઘટાડનારાને કાચું તેલ પાઈને બોયકોટ ન કરાય? ખેડૂતને કમાવા દેતા નથી અને આપણા (મધ્યવર્ગના) ખિસ્સા પર રાજ કરે છે એવા તેલીયા રાજા. મહાનગરમાં મોડી રાત્રે દોઢું ભાળું લેતા રીક્ષા ચાલકોની ગેસની ટાંકી એક મહિના સુધી કાઢી લઈ બોયકોટ કરાય. કારણ કે, આ દોઢુભાડું લેવાની સમયમર્યાદા દરેક રીક્ષા ચાલકે જુદી જુદી હોય છે. પોતાની ડ્યૂટી પૂરી કરીને પાયલટ (રાજસ્થાનના નેતા નહીં હો..) ફ્લાઈટને ફ્લાઈટ મોડ પર મૂકીને પ્રવાસી ગયા તેલ પીવા એવું કહીને બેસી રહેતા પાયલટનું લાયસન્સ બોયકોટ કરવું જોઈએ. પત્રકાર હોવાનું કહીને પૈસા ખંખેરતા કીડીકદના પત્રકારોની કલમ કાયમી આઈપીસી લાગુ પડતી કલમ હેઠળ મૂકીને બોયકોટ કરવી જોઈએ.

Wednesday, January 03, 2024

મોબાઈલ વગરની મોર્નિગઃ હો નહીં સકતા

 મોબાઈલ વગરની મોર્નિગઃ હો નહીં સકતા

     આમ તો આખું વર્ષ કેલેન્ડરમાં તારીખ બદલાય છે પણ એક દિવસ એવો આવે છે કે, એક તારીખ આખું કેલેન્ડર બદલી નાંખે છે. આ હકીકત બધાની વચ્ચેથી દર વર્ષે પસાર થાય છે. ઉત્સવપ્રેમી અને હરખઘેલી પ્રજા વર્ષમાં બે-બે વખત ન્યૂયર ઉજવે છે. એકમાં ટ્રેડિશન ફોલો કરીને અને બીજામાં બીજાનું ફોલોઈંગ અપનાવીને. પાર્ટી થાય એમાં કોઈને વાંધો ન હોય પણ પાર્ટીમાં જે થાય એની સામે ઘણાને વાંધો હોય છે. એ પછી પાર્ટી 31ની હોય કે રાજકારણની. નવા વર્ષનો રાજીપો રાઈજીરૂ વેચનારા કરિયાણાવાળાથી લઈને કિડ્સ સુધીના તમામ લોકોને હોય છે. જોકે, કોઈ પણ વર્ષની શરૂઆત દિવસથી થાય છે અને દિવસની શરૂઆત સવારથી થાય છે. હવે ખુદને એક સવાલ આપણે પોતે જ કરીએ કે, શું દિવસની શરૂઆત સવારથી થાય છે ખરા? એક હરતુ ફોરતું વોટ્સેપિયું વન-લાઈનર મારા મોબાઈલમાં પણ ખાબક્યું કે, એલાર્મ નથી ઊઠાડતા એટલી જવાદારીઓ સવારે ઊઠાડે છે. વાત પણ સાચી છે. સવારે ઊઠીને પહેલા કરાતા કામમાં પણ મોબાઈલનો સંગાથ અનિવાર્ય થતો જાય છે.

      ઘણાને મોબાઈલ ભેગો હોય તો જ ઊતરે.....ખી..ખી...ખી...અમુક પંચાતો એવી હોય કે, સવારે ઊઠીને ઓફિસના કર્મીને સોંપાતું કામ એના મોબાઈલમાંથી નીકળતું હોય. જેમ કે, આજે સાહેબશ્રી આવવાના છે એટલે મનીયા ડ્રાઈવરને કોલ કરી દેવો. આજે ત્રણના ઈન્ટરવ્યૂ છે એટલે ફોન કરજે. એક થોડી સ્પેશ્યલ વર્ગની વાત કરીએ તો ગુડ મોર્નિંગના મેસેજ પહેલા એવો મેસેજ હોય કે ઘરેથી નીકળતા પહેલા કોલ કરજે, ઘણાને એવો મેસેજ હોય કે હું ટિફિન નથી લાવવાની તું તારી રીતે જમી લેજે. મારી ગાડીમાં પેટ્રોલ થઈ રીયુ છે એટલે મને પિકઅપ કરજે. હવે આ જે પિકઅપ કરવાની ફોર્મ્યુલા છે એમાં સામેવાળી વ્યક્તિ 99 ટકા બેથી પાંચ મિનિટ લેટ જ હોય. આ સર્વેમાં થયેલું પ્રુફ છે. ઘણાના મોબાઈલમાં ગ્રૂપમાં આવેલા દર્શનથી સવાર પડે. એ પછી કોઈ પણ પ્રભુ કે ધર્મના કેમના હોય. મોર્નિંગ હવે કરાગ્રે વસ્તે લક્ષ્મીથી નહીં પણ અમી ભરેલી નજરૂ મોબાઈલમાં નાંખોથી થઈ રહી છે. આ દરેકના ઘરમાં થતું હશે. પણ ફોર્મેટ અલગ હશે.

      એલાર્મ બંધ કરી સૂઈ જવાની બેસ્ટ ઋતુ એટલે શિયાળો. એમાં પણ મોબાઈલ અડધી રાત્રે વાગે એટલે ધ્રાંસકો પડે એવા જ વાવડ હોય. નવા વર્ષમાં આશા કરીએ અને પ્રાર્થના કરીએ કે, કોઈના ઘરમાં આવો ફોન ક્યારેય ન વાગે. ઘણા બીજાને સવાર સવારમાં થોટ્સ, મોટિવેશન, ઈસ્પીરેશન અને સુવાક્યોની એવી ડિજિટલ સુનામી મોકલી દે કે, ચોથા દિવસે સંસારમાંથી નિવૃતિ જાહેર કરીને દિક્ષા લઈ લઈએ એવું મન થાય. પાછું જે મોકલનાર છે એ મોબાઈલને ઘડીભર રેઢો ન મૂકે, જાણે મોબાઈલ રેઢો મૂકતા પેલો લાલ કપડું જોઈને આખલો ભૂરાટો થાવાનો હોય. હવે આ રમત કઈ એ તો મારો રામ જાણે કે, આમા વિજેતા પેલો બચી ગયો એને માનવો કે આખલો મુર્ખ બન્યો એને?? 

         આમ તો મોબાઈલમાં ઈન્ટરનેટ આવતા દરિયો હાથમાં છલકાતો હોય એવું છે પણ આ મધની પીપર આલ્પેનલીબે જેવું છે. જી લલચાયે રહા ન જાય....વોટ્સએપ પણ ઘણું સ્માર્ટ છે. પરમેનેન્ટ ડિલિટનો ઓપ્શન ત્યારે જ આપ્યો જ્યારે કેટલાક લોકો મેેસેજ મોકલવામાં પીએચડી થઈ ગયા (વોટ્સએપ વિષવિદ્યાલયની ડિગ્રીથી). હવે આંખ ઊંઘમાં હોય તો પણ મેસેજ કરવામાં ભાગ્યે જ કોઈની ભૂલ થાય છે. અહીંયા પણ શરાબી ફિલ્મના ડાયલોગ જેવું લાગુ પડે છે. તૌફે દેનેવાલી કિ નિયત દેખી જાતી હૈ ઉનકે દામ નહીં. જેવું ઈન્ટરનેટનું ઓપ્શન ઓન થાય એટલે વોટ્સએપ, મેઈલ, ટેલિગ્રામ, સ્નેપચેટ, એસએમએસ (આ તો હવે બેંકવાળા સિવાય અને ઓટીપી વાળા સિવાય કોઈ કરતું નથી)નું તાઉતૈ (તોફાનનું એક નામ) નોટિફિકેશનનો કિનારો તોડી નાખે. એન્ડ્રોઈડ બનાવનારે સૌથી મજબુત જે વસ્તુ બનાવી એ છે નોટિફિકેશન વિન્ડો, મારી બેટી ભલભલાને સમાવી લે છે. 

    હવે થોડી કલ્પનાના ઘોડાને રીવર્સ ગેરમાં નાંખીને સીધા દોડાવીએ. કારણ કે ઓરિજિનલ ઘોડો તો રીવર્સ ન ચાલે. જ્યારે મોબાઈલ ન હતા ત્યારે મોર્નિગ કેવી મસ્ત હતી. પ્રકૃતિના કેન્વાસ પર થતી રંગોળીના રંગો આંખના કોરા કાગળ પર સ્મૃતિ બનીને દિમાંગમાં સચવાતા. મોર્નિંગ વૉક કરનારાઓને એના રૂટનો આખો નક્શો યાદ રહેતો. રોડની નીચે ફીટ કરેલી ચાવીને ખોલનારો ક્યાં ઊભીને સરીયો ફેરવે છે એ આખી પ્રક્રિયા આપણને યાદ હતી. દૂધ ઘરે ઘરે આપનારાઓની એક હાંકલથી આપણી સવાર પડતી આ પણ હકીકત છે. ગ્રામ્ય પંથકની વાત કરીએ તો ઉનાળામાં ઉઘાડ થતોને આંખ ઉઘડતી. શિયાળામાં વહેલા ઊઠતા પણ ઠંડીને બરોબર માણતા. સ્કૂલ ટાઈમમાં વહેલા તૈયાર થઈને રીક્ષા કે બસની રાહ જોતા. પૂજા (પેલી ડ્રિમગર્લવાળી નહીં હો..)થી લઈને દિવસ આખામાં પતાવવા પડે એવા કામ મોઢે હતા. ટ્રાફિક સિગ્નલ પર સ્ટોપ થઈએ ત્યારે કઈ નવી ટ્રાવેલ્સ સિટીમાં સેટ થઈ છે એ બસના કલર સહિત એ ક્યા ચાર રસ્તેથી પસાર થાય છે એ યાદ હતું. 

          મોર્નિંગનો અજવાશ રોમેરોમે દીપી ઊઠતો. જાણે તાજગીના દરિયામાં સૌ કોઈ તરબોળ થઈને એક્ચ્યુઅલ ક્નેક્ટ થવાના હોય. પણ આ વર્ચ્યુઅલ આવ્યા બાદ દેખાય તો ઘણું છે પણ સ્ક્રિનમાંથી, ફીલિંગ્સની સર્કિટ નાની થતી જાય છે. આંખેથી પડતા ફોટોને સ્નેહીજન જોઈ લેતા. એ વખતે રિંગટોન ન હતી એટલે જ કદાચ શિયાળાની અફલાતુંન સવારની રોશની હતી. વહેલા ઉઠાતું પણ જે ભેગું થવાનું છે એને મનથી ગુડમોર્નિંગ થતું. મફલર, જેકેટ ને વાંદરાટોપીથી ઓળખી જવાતું કે, આ આપણો ભેરૂ. ઓળખીતા પારખીતાના રામ રામથી સવાર પણ એમાં ટાપસી પૂરાવતી.વિચારો સ્પષ્ટ અને ડગલા મજબુત હતા. વિશ્વાસ સિંહ જેવો હતો પછી ભલે પગમાં ફાટેલા બૂટ હતા. બસ કે રીક્ષામાંથી થતી શહેર કે ગામની પરિક્રમાથી એ ખ્યાલ આવતો કે ઝાકળ ક્યાં ક્યાં વધું છે. કદાચ આપણે સવારને એકલી કરી દીધી એટલે જ એને આપણી સવાર મેલી કરી દીધી.

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...