Tuesday, February 18, 2020

શિક્ષણતંત્રઃ ઈસ તરહ તૂટે હુવે ચેહરે નહીં હૈ, જીસ તરહ તૂટે હુવે આઈને હૈ

શિક્ષણતંત્રઃ ઈસ તરહ તૂટે હુવે ચેહરે નહીં હૈ, જીસ તરહ તૂટે હુવે આઈને હૈ

દિલ્હી વિધાનસભા ચૂંટણી (વર્ષ 2020)ના પ્રચારમાં જે મુદ્દો સૌથી વધુ ચર્ચામાં એ હતો શિક્ષણ. જેમાં ભલે સંપૂર્ણ અને સાચું ચિત્ર રજૂ નથી કરાયું. પણ જે રીતે સરકારી સ્કૂલની કાયાપલટ થઈ છે એ મુદ્દો મીડિયા કરતા સોશિયલ મીડિયામાં હજારો લોકો સુધી મત અપીલ બનીને પહોંચ્યો. જીતનું પરિણામ જોવા મળ્યું અને લોકોએ પણ સ્વીકાર્યું. શિક્ષણમાં અનેક વખત નેતાઓના પ્રચાર કરતા વાસ્તવિકતાનો વિસ્તાર વિરાટ હોય છે. જેમાં નક્શીકામ કરવા કરતા પરિણામ પોતે પુરાવો બનીને રજૂ થતું હોય છે. ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ બેન્કના મર્જર જેવી થઈ ગઈ છે. ક્યાંય સંખ્યા નથી તો ક્યાંય સુવિધા નથી. એવામાં હવે સરકારી ફતવો સામે આવ્યો છે કે, ધો.3થી 12 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષા સરકાર લેશે. સ્કૂલ બદલાવવા સિવાય તમામ માળખું બોર્ડનું ફરજિયાત પણે લાગુ કરાયું છે. પણ જ્યાં સ્કૂલમાં બાળકોની સંખ્યા થતી નથી એ માટે સરકારનું કોઈ આયોજન નથી એ સ્પષ્ટ થયું છે. સમયાંતરે લેવાતા નિર્ણય પરથી એવું લાગે છે કે, રાજ્ય સરકારના એજ્યુકેશન વિભાગમાંથી આદેશ આપવામાં ઓટ ન આવવી જોઈએ. પછી ભલેને મુલ્યાંકન સ્થિતિ વરસાદ પછીના રચતા કાદવ જેવી હોય. શિક્ષણમાં ઓનલાઈન માધ્યમ આવ્યું હવે પુસ્તકો ઓનલાઈન આવી રહ્યા છે. થોડા વર્ષ પહેલા પુસ્તકોની અછતનો મુદ્દો વરસાદી વાદળની જેમ ગાજ્યો હતો. ઓનલાઈન પુસ્તકો વાંચવાની આદતથી ટેવાવવા માટે પગલાં ભરાઈ રહ્યા છે.


મોબાઈલ યુગમાં સ્ક્રિન પર અંગુઠા ફેરવવામાં માહિર ભૂલકા કે વિદ્યાર્થીઓ હજું એટલા એડવાન્સ નથી કે ઈ રિડિંગ કરી શકે. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓની વાત છે. મનોરંજન માટેનું ડિવાઈસ માહિતીપ્રદ ત્યારે જ થાય જ્યારે એમાં કંઈક નવી ક્રિએટિવિટી હોય. હવે સામાજિક વિજ્ઞાન અને ગણિતના પુસ્તકોમાં જોવા ગમે એવા ચિત્રો હોય છે? પૂછી જો જો કોઈ વિદ્યાર્થીઓને...ગામડાંમાં વાત કરવા માટેના નેટવર્કના ઠેકાણા નથી ત્યાં ઓનલાઈન પાઠ્યપુસ્તક વાંચવાનો ઢોલ પીટાય છે. ચોપડી હાથમાં લઈને વાંચવાની પણ મજા છે. પણ  સરકારે બધુ મૂકીને ઓનલાઈન કામચોર શિક્ષકોને આપેલી સજા છે. હવે સરકારી શાળામાં ચિત્ર, સંગીત, વ્યાયામ અને સંસ્કૃતના શિક્ષણો આંગણીના વેઢે ગણી શકાય એટલા છે. એમનું કોર્ષ પેપર સરકાર જાહેર કરે તો પણ તબલા, હાર્મોનિયમ કે અંગકસરતના દાવ ઓનલાઈન કરાશે? થાય તો હાજા નરવા રહે વિદ્યાર્થીઓ. રાજ્ય સરકારના પાઠ્યપુસ્તકનો ફરજિયાત પણે ઉપયોગ કરવાના નિર્ણયથી ખાનગી સ્કૂલને કબજિયાત થઈ ગયું છે. કારણ કે લાગતા વળગતા લેખકો અને પ્રકાશકોની રોકડી પર સરકારી રેલો આવ્યો. એમના અરમાનો પર એસિડ એટેક થયો. હવે સરકારને વરસાદ પછીના ઉઘાડ જેવું શિક્ષણનું ભાવિ દેખાય છે. જ્યારે ખાનગી સ્કૂલને બાપુજીનો પેઢો અને કંપની માની બેઠેલા ટ્રસ્ટીઓ તેમજ આચાર્યોએ ફરજિયાત આ સરકારનું કળુકળિયાતું પીવું પડશે. એટલે ફરજિયાત બાવા બનકે હિન્દી બોલના પડેગા.
              
સમય સાથેની સરવાળા-બાદબાકી કરીને સરકારી નિર્ણય યોગ્ય છે. આ સાથે જડબા તૂટી જાય એવી જબરદસ્ત પછડાટ ખાનગી સ્કૂલને પડી છે. કારણ કે ફી વધારો સૌથી વધારે એ જ કરે છે. બાપ દાદે કોઈ દિવસ કરી ન હોય એવી પ્રવૃતિને પર્ફોમન્સ બેઈઝ આપીને આખરે  બાળકોને રોબોટ બનવવા છે કે મશીન? ક્રિએટિવિટીના ક્લાસ ન હોય પણ ક્લાસમાં શિક્ષક ધારે તો જરૂર ક્રિએટિવિટી થાય. શણગારેલા સંપ્રદાયો જેવી જુદા જુદા ફોર્મેટની શાળાઓ એમેઝોનની જાહેરાતને અનુસરતી હતી. શિક્ષકો પાસેથી થોડા ઔર દિખાઓ...થોડા ઔર દિખાઓ...જેવી અપેક્ષા રાખવામાં આવતી. પણ સરકારે પાણીની સેર જેવો સટાક નિર્ણય લઈને વગર છાંટણાએ પવિત્ર કરી દીધા છે. હજું ખાનગી શાળાઓના ફી વધારા સામે ધોકા પછાડવાની જરૂર છે. જેથી પડધા ખાનગી સ્કૂલમાં ઈકો ઈફેક્ટની જેમ પડે. બીચારા વિદ્યાર્થીઓને શાળાનું ફોર્મેટ એન્જોય કરવાને બદલે બગડેલી કેરીની માફક પચાવવું પડશે. કારણ કે કુંવામાં હશે તો અવેડામાં આવશે. ભારતની કોઈ પણ યુનિવર્સિટી લઈ લો. જેએનયુથી લઈને જામિયા મિલિયા સુધી. સિક્કિમથી લઈને સૌરાષ્ટ્ર સુધી. આ તમામ સંસ્થાઓ સમયાંતરે હુલ્લખોરીના કેન્દ્રસ્થાન પ્રાપ્ત કરતી જાય છે. ગ્રેડ મળે કે ન મળે સેનેટની સીટ અને આવકની 'અદ્રશ્ય રિસિપ્ટ' મળવી જોઈએ. નેકની ટીમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નાક કાપી લીધું. બે ઉચ્ચ અને પહોંચેલા ભગવા રંગના તરફદાર નરપક્ષીઓએ વિદ્યાર્થીઓના ગૌરવનો ગારો કરી નાંખ્યો. કૉલેજના છેલ્લા વર્ષમાં આવેલા વિદ્યાર્થીને ખબર પડે કે એમની યુનિવર્સિટીની કક્ષા ગગડી ગઈ છે તો? વિચારના આકાર અને વ્યવહારની આકૃતિ બંને ફરી જાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે બળદે શિંગળા ભરાવ્યા અને ગ્રેડનું પરિણામ ગાય ખાય ગઈ. હવે જે સ્ટાફ કે પ્રોફેશર ખરા દિલથી ભણાવે છે એને કોઈએ પૂછ્યું કેમ નહીં કે, શું ફીલિંગ્સ આવે છે.


વિવાદોની વિદ્યાપીઠ બની રહેલી સંસ્થાઓમાં પોલિટિકસ ભણાવવા કરતા એનું પ્રેક્ટિકલ વધારે થાય છે. એ પણ એક ભગવા રંગ તરફી. હજું પણ કેટલાક પદાધિકારીઓ પોતાના કેલેન્ડરમાં એ ગ્રેડનું પ્રેઝન્ટેશન કરે છે. પણ પરીક્ષામાં ચોરી, કેટલીક કૉલેજ પ્રત્યે પ્રેમાળ વર્તન, શ્રેષ્ઠતા પુરવાર કરવાની હોડ અને પીએચ.ડીની વિદ્યાર્થિની પાસે કરેલી તનતૃપ્તિ કરવાની માગ હલકાઈ સાબિત કરે છે. જેના કારણે એ ગ્રેડને કોરોના થઈ ગયો. આવી સ્થિતિ વચ્ચે ભાજપનો વિરોધ કરવો જાણે દેશનો વિરોધ કરવા બરોબર હોય એવી બ્રાંડ ઊભી કરવામાં આવી છે. આવી પરિસ્થિતિ સુધી પ્રવાહ પહોંચ્યો ત્યાં સુધી શિક્ષણપતિ બની બેઠેલા અધિકારીઓએ શું નથી કર્યું એ વર્તાય છે. અધિકારના આધિપત્ય પર લીગલી વોમેટિંગ થઈ અને અહંકારની આરાધના નાપાસ થઈ ગઈ. હુંશાતુશી અને સામસામી ખો કરવા કરતા હવે સારા પ્રયાસોનું વાવેતર કરવું જોઈએ.

Saturday, February 15, 2020

અમેરિકી ઉત્પાદનોનું ભારતીય માર્કેટ, મોંઘવારીનું ચિત્ર એટલું ઝડપથી નહીં બદલે

અમેરિકી ઉત્પાદનોનું ભારતીય માર્કેટ, મોંઘવારીનું ચિત્ર એટલું ઝડપથી નહીં બદલે

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવવાના છે. જેને લઈને અમદાવાદમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જે રસ્તાઓ, સર્કલ, સાઈન બોર્ડ અને ટ્રાફિક સિગ્નલ છેલ્લા ત્રણ વર્ષમાં વ્યવસ્થિત થયા ન હતા એ તમામની ત્રણ જ દિવસમાં કાયા પલટ થઈ છે. જ્યારે પણ કોઈ શહેરમાં વિદેશી મહેમાન આવે છે ત્યારે આ પ્રકારની આગસ્તાસ્વાગતા થાય એ સામાન્ય છે. જ્યારે જાપાનના રાષ્ટ્રપ્રમુખ શિંજોઆબે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે આવી જ તૈયારીઓ વસ્ત્રાપુર વિસ્તારની આસપાસના કેટલાક એરિયાની હતી. પરંતુ, જ્યારે પણ કોઈ વૈશ્વિક નેતા ભારતની મહેમાનગતી માણે છે ત્યારે સાંસ્કૃતિક વારસાના મુલ્યને એક સ્તર સુધી અંકિત કરવામાં આવે છે. જેની પાછળનો હેતું વ્યક્તિગત કરતા વ્યાપારીકરણનો વધારે હોય છે. નવા વર્ષમાં પ્રથમ વિદેશી મહેમાનની યાદીમાં બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ગણતંત્ર દિવસ પર મહેમાન બન્યા. ત્યાર બાદ હવે મહાસત્તાના મોટા નેતા ભારતની મુલાકાતે આવવાના છે. આ સિવાય અમેરિકામાં ચૂંટણી નજીક આવી રહી છે જ્યારે ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીના પડધમ સંભાળાય છે. બંને પાસાઓ પર દૂરબીન જેવી દ્રષ્ટિ કરીએ તો આ એક રાજકીય એજન્ડા એમ કહેવામાં કંઈ ખોટું નથી. ભારત અને અમેરિકા વચ્ચે ભારતની ધરતી પર વ્યાપારી સંબંધોને મજબુત કરવાની પ્રાથમિકતા રહેશે.

       ભારતમાં ડેરી ઉદ્યોગ મોટો છે અને અમેરિકા પાસે ટેકનોલોજીની વખાર છે. એટલે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે અમેરિકાને એન્ટ્રી આપવામાં આવે એવા એંધાણ છે. ખિસ્સાની ખખડતી દુનિયામાં મોંઘવારીએ અવકાશી સ્પર્શ કર્યો છે. એવામાં જ્યારે આવો કોઈ મોટો પ્રસંગ ઘર આંગણે થાય ત્યારે વેપારીઓથી લઈને નોકરિયાત વર્ગ સુધી સૌ કોઈ સરકારી રાહતની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. અમેરિકા પાસેથી આમ તો ટેકનોલોજીને લઈને આશા છે પણ એ સિવાય પણ બ્લુબેરી અને ચેરી જેવા ફળ પર ઈમ્પોર્ટ ડ્યુટી ઓછી થાય તો દરેકને એનો સ્વાદ ચાખવા મળી શકે છે. ભારતમાં પણ આ ફળ પાકે છે પણ વાત અહીં ગુણવત્તાની છે. બીજી તરફ ડેરીના કેટલાક ઉત્પાદનોમાં પણ અમેરિકાને પ્રવેશ મળે એવી આશા છે પણ અહીં એમનો ભાગ સમિત હશે. ભારત દુનિયાનો બીજા ક્રમનો સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ છે. પોલ્ટ્રી ફાર્મ પર આશરે આઠ કરોડ જેટલા દેસવાસીઓની આજીવિકા ચાલે છે. વડાપ્રધાનનો પ્રાથમિક હેતું અમેરિકા સાથે વ્યાપારી સંબંધો મજબુત કરવાનો છે. ખાસ કરીને ભારતીય ઉત્પાદનો પર થતા ચાર્જિસ પર રાહત મળે તો સ્થાનિક કક્ષા સુધીના લાભ મળે એમ છે. જ્યારે અમેરિકી મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ પર ભારતે પ્રતિબંધ જાહેર કર્યો હતો ત્યારે ટ્રમ્પે પણ વર્ષ 1970થી યથાવત રહેલા વિશેષ વ્યાપારી દરજ્જામાંથી ભારતને દૂર કરી દીધુ હતું. બંને તરફની સ્ટ્રોફ ઈફેક્ટને કારણે અસર બંને બાજું થઈ હતી. ટ્રમ્પની ભારતયાત્રાથી આવી કડવાહટ દૂર થાય એવી પૂરી શક્યતા છે.

ભારત સાથેના દ્વિપક્ષીય કારોબારમાં અમેરિકા બીજા ક્રમે છે. જ્યારે ચીન પ્રથમ ક્રમે છે. આ પાછળનું કારણ સસ્તા ભાવે મળી રહેતી ચાઈનીસ પ્રોડક્ટનું વિશાળ માર્કેટ કરોડો રડી આપે છે. ભારતની યાત્રા વખતે ટ્રમ્પ ભારતીય ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે અને અમેરિકાના રોકાણ માટે રેડકાર્પેટ પાથરશે. જેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસતા ભારતીયોને સંબોધન કર્યું હતું એમ ટ્ર્મ્પ વ્યાપારી સંગઠનને સંબોધી શકે છે. આ વર્ષે ડિસેમ્બર મહિનામાં અમેરિકામાં ચૂંટણી છે. એવામાં ફર્સ્ટ અમેરિકનની વિચારધારા ધરાવતા ટ્રમ્પ પાસે કોઈ ક્રિએટિવ તકની આસમાની આશા છે. વીજળીની જરૂરિયાતને પૂરી કરવા માટે અમેરિકા મદદે આવએ એવું અત્યારે લાગતું નથી. કારણ કે, એક તરફ ભારતીય માર્કેટમાં આંશિક મંદીની અસર છે. પણ અમેરિકી આર્થિક સલાહકારે કહ્યું હતું કે, ગેસ અને ઓઈલની જરૂરિયાત અમેરિકા પૂરું કરી શકે છે. કરોડોના પ્રસંગમાં અબજોનો ફાયદો થાય એવા એજન્ડા તો ટ્રમ્પની મુલાકાત બાદ ખ્યાલ આવશે. ટ્રમ્પેને પણ આશા છે કે, ડીલ સારી થશે તો અમેરિકાને પણ ફાયદો થશે. જોકે, વિચારવા જેવો મુદ્દો એ પણ છે કે, જાપાનના રાષ્ટ્રપ્રમુખ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે બુલેટ ટ્રેન આપી હતી. પણ આ ટ્રેન જાપાનમાં બંધ થઈ ચૂકી છે. એટલે કોઈ વેસ્ટનો રીયુઝ ભારતને સોંપી ન દેવાય એ ખાસ જોવાનું રહેશે. બીજી તરફ જ્યારે અમેરિકી વિઝા મેળવીને પરદેશની ધરતી પર સેટ થવાનું સપનું લાખો ગુજરાતીઓનું હોય છે. એવામાં અમેરિકા કેટલી હળવાશ વર્તે છે એ પણ મુદ્દો આ મુલાકાતને અસર કરે છે. આર્થિક દ્રષ્ટિએ ભારતના સ્વાવલંબનમં હજું દિલ્હી ખૂબ દૂર છે. કારણ કે, નાના પાયાની રોજગારીનું ચક્ર ગોકળગાયની જેમ ફરે છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ આ પ્રસંગથી કોઈ રાહત વર્તાશે તો જરૂર ટ્રમ્પની ગુજરાત યાત્રા સૌને યાદગાર રહેશે.

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...