Saturday, October 11, 2025

ફટાકડાની ફૂલઝરઃ હરબાર કલરફૂલ

 ફટાકડાની ફૂલઝરઃ હરબાર કલરફૂલ

    

   દિવાળીનો તહેવાર દરવર્ષે આવે છે. ફટાકડા ફોડવા કે નહીં એની માથાકુટ પણ વાર્ષિક થઈ ગઈ છે. ફટાકડાના ધુમાડાંથી પ્રદૂષણ ફેલાય છે. પ્રદૂષણ દરેક જીવ માટે હાનિકારક છે. વાત સાચી છે અને પર્યાવરણ માટે સારી છે. નવ દિવસીય તહેવાર નોરતા પૂરા થાય એટલે દિવાળીના એંધાણ વર્તાય. નોરતાના પૂરા થાય એના ચારથી પાંચ દિવસમાં ઘર-ઘરમાં સફાઈ અભિયાન શરૂ થાય. સ્વચ્છતાનો વાર્ષિક કાર્યક્રમ. એમાંથી પણ નાના-મોટા કોઈ ફટાકડાના પેકેટ જડે. અગાઉના ઘરમાં માળીયા હતા હવે ફ્લેટમાં રહેતા લોકો કબાટ અને ફર્નિચર સાફ કરે છે. માળીયામાં અનેક એવી જૂની-પુરાણી વસ્તુઓ આ સફાઈ વખતે નીકળે. વડીલ-વૃદ્ધો એ સમયે બોલે કે, આ તો સંઘરેલો સાપ છે. સંઘરેલા હોય કે જંગલના હોય, પાણીના હોય કે રેતીના. સાપ ક્યાંય કામ આવે? 😆 દિવાળી એટલે ફટાકડાની પ્રાઈમ સીઝન. ફોડવાની મજા આવે પણ વેચવા માટે પાછું મંજૂરીઓ જોઈએ. અમારા ગામમાં તો આ વર્ષે બે વિભાગો વચ્ચે મંજૂરીને લઈને ખો-ખો શરૂ થઈ ગઈ. 😏


        અમારા ગામમાં દરવર્ષે ચુનીકાકા ફટાકડાની દુકાન કરે. દિવાળી બાદ ડિસપ્લેમાં સ્ટોક ગોઠવે. નીવડેલા પાક્કા વેપારીની જેમ પહેલા જૂનો સ્ટોક વેચે અને પછી તદ્દન નવો નક્કોર. ચુનીકાકાની દુકાને હમણા એક ભાઈ આવ્યા અને કહ્યું કે, હું દરેક ફટાકડાનો ટેસ્ટ લઈશ અને પછી ખરીદી કરીશ.😆 એક તો સ્ટોક મર્યાદિત હતો અને એવામાં આ ભાઈએ તો તમામ આઈટમની દઈ નાંખી. 😏 દરેક બોક્સ ઉઘાડ્યા અને સુરસુરિયા કરીને જતા રહ્યા. એ ભાઈને એવી આશંકા હતી કે ફટાકડા નહીં ફૂટે તો? આવો આઈડિયા કરવા જેવો ખરા. 😆ભાઈએ ચુનીકાકા સામે એવી દલીલ કરી કે, ભાઈ અમારે શાકભાજીમાં મરચા 💥 પણ ઘણા લોકો ચાખીને લે છે, આ તો ફટાકડા છે. 😆 ભાઈ પણ ખરો નીકળ્યો, કાકાને કહે કપડાં લેવા જાવ ત્યારે પણ ટ્રાયલ રૂમ હોય છે. વ્યવસ્થિત લાગે પછી લેવાના તો ફટાકડામાં કેમ નહીં? 😠 ચુનિકાકો બરોબરનો અકળાયો. 

       કાકાએ થોડું બ્રાંડિગ કર્યું. આ ફટાકડા શિવાકાશીના છે. એકદમ બેસ્ટ અને કાનતોડી નાંખે એવા અવાજવાળા. રોકેટ તો બોટલમાં મૂકો તો પણ સીધા ન જાય એની ગેરેન્ટી 😆. ચક્કર (સૌરાષ્ટ્રમાં જમીન ચક્કરી) તો એવા છે કે, જોરદાર ફરશે. શંભુ (સૌરાષ્ટ્રમાં ઝાર) માંથી તો ઝીણાઝીણા દીવા જેવા દાણા ખરશે. કોઠીબોંબ તો કાચ ધ્રુજાવશે. પોન્સના ડબ્બા જેવી આતશબાજીના બે-ચાર ડબ્બામાં ડિસ્કાઉન્ટ કરી આપીશ. બસ એક જ શરત કે એનો ટેસ્ટ ન લેતા. ચુનીકાકા ડબ્બામાં પણ ડિસ્કાઉન્ટ પર ઊતર્યા. 😆 ફટાકડાના ફીચર્સ સાંભળીને ભાઈએ આપેલો જવાબ પણ દમદાર છે. ચુનિકાકા, શિવાકાશીના નામ પર ફટાકડા ફૂટે વાત સાચી પણ મારે ત્યાં તો નામ લખવાના મુદ્દે ફટાકડા ફૂટી ગયા. એ પણ બે સખીઓ વચ્ચે બોલો. 👧👧 રોકેટની તો વાત જ મૂકી દો. અમારા વિભાગમાં તો દરરોજ નવા નવા નિયમોના રોકેટ ઉડે.  🚀 પણ ફૂટે અમુક લોકો ઉપર જ. કેટલાક રોકેટ તો આખું વર્ષ એવા આવે છે કે, એને રોકેટની સ્પીડ કરતા વધારે ફૂટવાની ને ઉડવાની ઉતાવળ હોય. આવા મારે ત્યાં છે એવું નથી બધેય છે જ. જેને બોટલ પણ જોઈએ અને પછી ઉડવાય જોઈએ. 😜 મેં ગયા વર્ષે પ્લાસ્ટિકની બોટલમાં રોકેટ મૂક્યું હતું. રોકેટ તો ઉડ્યું પણ પ્લાસ્ટિકની બોટલ સવારે ઊઠીને આળસ મરડતા માણહ જેવી થઈ ગઈ. તમે જેને શંભુ કહો એને અમે ઝાર કહીએ. જેની માથે ડામ દેતા એમાંથી એ ફાટે પણ ફૂટે નહીં. દરેક જગ્યાએ સાથે રહેનારા કરતા માથે રહેનારા વધારે હોય છે. એ પાછા ડામ પણ દઈ જાય. પછી આપણે ફાટી(બોલી) એ તો ખોટું લાગી જાય. ફૂટે તો દશા હું થાય? 

     તમારા કોઠી બોંબ તો ધ્રુજાવશે પણ ઘણાય વગર ધ્રુજારીએ કોઠી જેવા થઈ ગયા છે એનું શું? આવી કોઠીઓ પાછી તળીયા વગરની હોય. સંતોષ નામની સર્કિટ જ કુદરત મૂકતા ભૂલી ગયો હોય એવું લાગે. 😜 કાકા તમે ડબ્બામાં ડિસ્કાઉન્ટની વાત ન કરો. અહીંયા સૌથી વધારે મગફળી મારા ગામે પાકે છે છતાં તેલના ડબ્બા સસ્તા થતાં નથી. દહ-વીહ રૂપિયા ઘટે તો જાણે સોનું સસ્તુ થયું હોય એમ વાવડ વહેતા થાય. પણ દરિયામાંથી ડોલ કાઢો તો કંઈ ફેર પડે? 💸 ચુનીકાકાએ ફૂલઝરનો ફોર્સ કર્યો. આ કલરફૂલ ફૂલઝર લઈ જાવ, લાલ-લીલી, પીળી-તળતળીયાળી. એક કામ કરો દોરી લઈ જાવ, એમાં પણ કલર્સ છે આપણી પાસે. કાકાએ કપડાં સુકવવાની દોરી દેવાની હોય એમ એમાં કલર ભેળવ્યા. આ પેન્સિલ આ વખતે મસ્ત છે. લાડવા લઈ જાવ લાડવા..ભાઈએ ફરી ચુનીકાકાને રીપ્લાય કર્યો. ફૂલઝર રહેવા તો ઘણાય એવા હોય છે હું પીને આવ્યો છું.  🤓 ચુનીકાક ડઘાઈ ગયા. પછી ખબર પડી કે ભાઈ ફૂલઝર સોડાના ફ્લેવરની વાત કરે છે. ભાઈ ફૂલઝર રહેવા દો. જે હાથમાં રાખે અને ફૂટી જાય અને સરીયા દેખાય એટલે ફેંકી દે. અમારે ત્યાં આવા ઘણાય માણહ છે. રમતથી લઈને રાજનીતિ લગી. કેટલાક તળતળીયા જ કરે પણ એનાથી થાય કંઈ નહીં.  😁

     દોરીની તો વાત જ મૂકો. લેવી જ નથી. ગત વર્ષે મેં એમાં ગાંઠ મારી હતી. લાગ્યું કે ઠરી જશે પણ એનો ભડકો થઈ ગયો. પેન્સિલ તો કાઢતા જ નહીં. ઈન્ટરવ્યૂર પેન્સિલ લઈને બેહતા થઈ ગયા છે. ખબર નહીં કોના નામ પર છેકરબ્બર કળા કરી જાય. તમારી પાસે ઓલી ડિજિટલ પેન્સિલ હોય તો બતાવો. જે દિવાળીમાં પણ ચાલે અને ફોનમાં પણ ચાલે. ચુનીકાકો ફરી અકળાયો. મીઠાઈના ભાવ આસમાને છે. આમા કંઈક ડિસ્કાઉન્ડ આપો. મિષ્ઠાનમાં નહીં તો ફટાકડામાં હી સહી. ભાઈએ જમીનની લગડીમાં અડધો ફૂટ વધારે આપજો એવી માગ કરી લીધી. છેલ્લે ચુનીકાકો કંટાળ્યો. તમારે જોઈએ છે હું? ભાઈ કે, કંઈ નહીં આ તો ઘરના સફાઈ ન કરાવે એટલે ફટાકડા અને મીઠાઈ લેવા જાવ છું એવું કહીને નીકળ્યો હતો...

Friday, October 10, 2025

કૉલકાતા અપને આપ મેંઃ સ્ટોરી, હિસ્ટ્રી અને ફિલ્મ

કૉલકાતા અપને આપ મેંઃ સ્ટોરી, હિસ્ટ્રી અને ફિલ્મ

     

    ઓનલાઈન કહેવાતા યુગમાં ઓટીટી પ્લેટફોર્મનો દબદબો રીતસર વર્તાય છે. ફિલ્મો જે સિનેમાહોલમાં રીલિઝ થતી, એ હવે ઓટીટી પર થાય છે. ઘણી સારી પણ જૂની ફિલ્મ ઓટીટી પર જોવા મળે એ રાહ જોનારો પણ એકવર્ગ છે. સિનેમાહોલ અને ફિલ્મ એ એક સિક્કાની બે બાજુ છે. એવું કહેવામાં કંઈ ખોટું નથી. મોબાઈલ જનરેશનમાં ઓટીટીએ એક સમયની ટીવી સીરીયલ જેવું કામ કર્યું છે. સીરીયલનો દરરોજ એક એપિસોડ પ્રસારિત થતો. અહીં બધા એપિસોડ એક સાથે પીરસાય છે. આ જ ફેર છે. બોલિવુડ હિન્દી ફિલ્મોનું નામ આવે એટલે કેટલાક શહેરોનું હોવું એક અપેક્ષિત છે. સમય બદલતા હિન્દી સિનેમાની વાર્તાના મૂળ સુધી પહોંચવા કેટલીય ફિલ્મોએ એના ઓરિજિનલ લોકેશન સુધી પહોંચવા કમર કસી. હિન્દી સિનેમામાં ફિલ્મો પાછળ થતું સ્ટોરીવર્ક અને હોમવર્ક ઘટ્યુ. આની અસર સ્ટોરી પર પડી એના કરતા જ્યાંથી એ સ્ટોરી આવતી એના પર વધારે થઈ. ફિક્શનની સાથે સત્યઘટનાથી પ્રેરિત ફિલ્મોનો આખો ફાલ આવ્યો. મોબાઈલમાં ઓટીટીના પ્રભાવ વચ્ચે સિનેમાહોલનો એક યુગ હતો.

       સોની કંપનીના સ્પીકર અને ડલબી ડિજિટલની ઈફેક્ટ સાંભળવા યુવાનોની લાઈન લાગતી. સિંગલ સ્ક્રિન થિએટર્સ એક સમયના કિંગ હતા. આવા સિનેમાહોલ સાથે એક આખી પેઢીની યાદો જોડાયેલી છે. એ સિનેમા હોલની આસપાસ મળતી ખાણી-પીણીની આઈટમ, ટિકિટ માટે થતા જુગાડ, મનપસંદ જગ્યા માટે થતા ટિકિટ એક્સચેન્જ, ટાઈટલ ટ્રેક જોવા શૉ ટાઈમ કરતા વહેલા પહોંચવાનું એક્સાઈટમેન્ટ, ઈન્ટરવલમાં ફરી સિંગચણા કે દાળની પડીકી લઈને અંદર દોડવાની મજા હતી. એક્ઝિટ ગેઈટમાંથી બાહર આવીએ ત્યારે પણ બીજી આવનારી ફિલ્મના પોસ્ટર દેખાતા. એટલે એ પછી રીલિઝ થતી ફિલ્મ જોવા વાત થતી. ફિલ્મોમાં સ્ટોરી હોય અને સ્ટોરીમાં અનેક પાત્ર હોય. પાત્રનું જે તે શહેર સાથે એક ક્નેક્શન હોય. બોલિવૂડની અનેક એવી ફિલ્મમાં સ્ટોરીલાઈન અલગ હોવા છતાં દેશની પ્રથમ રાજધાની કોલકાતાનું દમદાર સિનેમેટિક થયું. હકીકત એ પણ સ્વીકારવી પડે કે, મુંબઈ અને દિલ્હી જેવા શહેરને જે સ્થાન મળ્યું એવું સ્થાન ફિલ્મોમાં કોલકાતાને ન મળ્યું. પણ રાજનીતિમાં વિવાદાસ્પદ રીતે મળ્યું. કોલકાતા એટલે સ્ટોરી, હિસ્ટ્રી અને કલ્ચરનો ત્રિવેણી સંગમ. આર્ટ વીથ એક્ટિવિટી, કલર્સ વીથ ટ્રેડિશન, ઈમેજ વીથ ઈમોશન. આપણા દેશમાં પ્રથમ થિએટરનું નિર્માણ કોલકાતામાં થયેલું અને એક ગુજરાતી-પારસી વ્યક્તિએ બનાવેલું. વર્ષ 1907માં જમશેદજી ફરામનજી માદન નામના વ્યક્તિએ એલ્ફિન્સ્ટન પિક્ચર પેલેસ નામનું થિએટર બંધાવ્યું. મૂળ આ વ્યક્તિ નાટકના જીવ. ફિલ્મ સાથે સીધો તો નહીં પણ વાયા-વાયા સંબંધ. ખુરશીમાં બેસીને ફિલ્મ જોવાના શોખીન પારસીએ થિએટર બનાવી નાંખ્યું.                  

        પ્રથમ થિએટર કોલકાતામાં બંધાવ્યા બાદ દેશના બીજા શહેરમાં આ શૃંખલા શરૂ કરી. વર્ષ 1913માં બનેલી પ્રથમ મૂક ફિલ્મ 'રાજા હરિશચંદ્ર' સૌ પ્રથમ આ જ થિએટરમાં રીલિઝ થયેલી. આઝાદી બાદ સિંગલ સ્ક્રીન થિએટરનો યુગપ્રારંભ થયો. એમાં પણ કોલકાતાના ફ્લેવર ફીલ થતા. બંગાળની ધરતીની મહેક હતી. મૃણાલ સેન અને સત્યજીત રેની જન્મભૂમિ પશ્ચિમ બંગાળ સાહિત્યની સાથે ફિલ્મકલાનું કેન્દ્ર રહ્યું પણ સ્ક્રીન સુધી એટલું પહોંચ્યું નહીં. એ પછીના દાયકાઓ બાદ કોલકાતા સ્ક્રીન પર ચમક્યું. 'ગુંડે' અને 'સ્પેશ્યલ 26' જેવી ફિલ્મોએ કોલકાતાના કલર્સ બતાવ્યા. જ્યારે 'કહાની' જેવી ફિલ્મોએ ટ્રેડિશનની સાથે કિલર સ્ટોરી પીરસી. આ પાછળનું એક કારણ એ છે કે, કોલકાતામાં પ્રોડક્શન કોસ્ટ મુંબઈ કરતા ઓછી છે. મહેનતાણું ઓછું અપાય છે. 'બુલેટ રાજા' ફિલ્મના કેટલાક સીન હૈદરાબાદમાં તો કેટલાક કોલકાતામાં રેકોર્ડ થયેલા. આ જ ફિલ્મની પ્રોડક્શન ટીમના એક વ્યક્તિ રાહુલ મિત્રા કહે છે કે, ફિલ્મને લઈને આ સિટીનું પ્રમોશન જરૂરી છે. કારણ કે અહીં આધુનિકતા અને વિરાસત બન્નેનો સંગમ છે. આજે પણ આ શહેરની અંગ્રેજોના યુગની એક ઓળખ યથાવત છે. દેશની પ્રથમ રાજધાની તરીકે આ શહેરે જે સહન કર્યું એ 'બેંગાલ ફાઈલ્સ'માં જોયું.


      બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો કોલકાતા બીજા શહેરો કરતા સ્લો છે. લાઈફસ્ટાઈલ અલગ છે. ટ્રામ સિટીથી લઈને ટેલિકોમ હબ તરીકે વિકસી રહેલા સિટીમાં ફિલ્મોનો નાતો આઝાદી પહેલાનો છે. શહેરના જૂના વિસ્તારમાં ફરો એટલે એક અલગ ફીલ આવે છે. જ્યાં સુધી વાત ફિલ્મોની છે તો એમાં બંગાળી ફ્લેવર અપગ્રેડ થઈને પીરસાયો છે. 'કહાની' જ જોઈ લો. 'લૂટેરા', 'બરફી', 'સ્પેશ્યલ 26' આ ફિલ્મોના રૂટ પશ્ચિમ બંગાળના છે. શહેર ભલે કેન્દ્રમાં રહ્યું પણ ફ્લેવર બંગાળી છે. 'દો બીઘા જમીન' અને 'બ્યોમકેશ બક્ષી' એના રૂટ પણ પશ્ચિમ બંગાળના. રાજકીય વિવાદોમાં ન પડતા અહીં આજે પણ વહેલી સવાર આપણે ત્યાંના રાત્રીના 3.30 વાગ્યે પડે છે. અનેક એવા મઠમાં સંગીતના માધ્યમથી પૂજા થાય. આરતી વખતે વાગતું સંગીત અલગ. કિશોર કુમાર જેવા ગાયક અને નીરજ પાંડે જેવા ઉચ્ચ કક્ષાના ડાયરેક્ટર પશ્ચિમ બંગાળથી જ આવે છે. પણ કોલકાતા સિટી ક્યાંય ફિલ્મની સ્ક્રિનમાં પાછળ રહી ગયું. સ્ટોરીલાઈનમાં દમ અને રૂટ સંશોધનમાં પ્રાદેશિક ભાષા જેવી અનેક એવી મર્યાદાઓ વચ્ચે સિટીએ પોતાનો સ્પાર્ક જાળવી રાખ્યો. 'પરિણિતા' અને 'દેવદાસ' જેવી ફિલ્મોએ એને ક્નેક્ટ કરવાનો મસ્ત પ્રયાસ કરેલો. જે ખરેખર પોંખવા જેવો. જ્યારે 'લવ આજ કલ' જેવી ફિલ્મોએ પણ કંઈક બતાવવાનો પ્રયાસ કર્યો..


આઉટ ઓફ બોક્સ

આધુનિક કોલકાતા અને અપગ્રેડ થયેલી સિટી જોવું હોય તો વિક્કી ડોનર ફરી જોઈ લેજો. રાજ બાડિયોના અદભૂત લોકેશન ખરેખર એક વિઝિટ કરવા ઉત્સાહિત કરે એવા છે.

ફટાકડાની ફૂલઝરઃ હરબાર કલરફૂલ

 ફટાકડાની ફૂલઝરઃ હરબાર કલરફૂલ         દિવાળીનો તહેવાર દરવર્ષે આવે છે. ફટાકડા ફોડવા કે નહીં એની માથાકુટ પણ વાર્ષિક થઈ ગઈ છે. ફટાકડાના ધુમાડાં...