Monday, July 01, 2024

સમર્થક સાથી વચ્ચે કેન્દ્રમાં 'બેલેન્સ' અનિવાર્ય

સમર્થક સાથી વચ્ચે કેન્દ્રમાં 'બેલેન્સ' અનિવાર્ય

  વડાપ્રધાન મોદીની છબી હેઠળ બે-બે ચૂંટણીના પરિણામમાં મજબૂત થયેલી ભાજપ પાર્ટી સામે રાજકીય પડકારો પણ મોટા

   છેલ્લા છ દાયકામાં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેનાર વ્યક્તિ એટલે નરેન્દ્ર દામોદરદાસ મોદી. આ ખરેખર એક અસાધારણ કહી શકાય એવી રાજકીય ઘટના છે. લોકસભા ચૂંટણીમાં મેરેથોન પ્રચાર અને રેલી વચ્ચે જે માહોલ જોવા મળ્યો એમાં મોદી લહેર કરતા ગેરંટીની ચર્ચા વધારે હતી. એમાં બંધારણમાં ફેરફાર અને પ્રાંત-કોમ-ધર્મનો મુદ્દો એક ચોક્કસ વર્ગમાં અસર કરી ગયો. 4 જુને આવેલું પરિણામ વડાપ્રધાન મોદીજીના વ્યક્તિગત દ્રષ્ટિકોણથી એક મોટો ફટકો માનવામાં આવે છે. મીડિયા રીપોર્ટ અનુસાર આ વખતે જીતી ગયા કરતા બચી ગયા એવું ચિત્ર ઉપસ્યું છે. સતત બે વખત બહુમતીથી કેન્દ્રમાં સરકાર બનાવાર પક્ષ તરીકે ભાજપમાં અંદરોઅંદરની ખટાશ પણ તેલનું ટીપું પાણીની સપાટી પર આવે એમ ઉપર આવી. વર્ષ 1952, 1957 અને 1962માં સતત ત્રણ વખત ચૂંટણી જીતીને જવાહરલાલ નેહરૂએ હેટ્રિક ફટકારી હતી. આવું જ મોદીજીએ કર્યું.

    ભલે ભાજપને બહુમતી ન મળી. સહકાર-સમર્થનની સરકાર બની. જે વર્ષ 2019માં 303 બેઠક પર કમળ ખીલ્યું હતું એમાં બેઠક એ જ રહી પણ પરિસ્થિતિ બદલી ગઈ. 240 પર બ્રેક લાગી ગઈ. જ્યારે કોંગ્રેસ સદી કરતા એક બેઠક ચૂકી ગઈ. બહુમતીમાં કુલ 32 બેઠક ઘટી. તેથી તેલુગુ દેશમ પાર્ટી અને જેડીયુ પર નિર્ભર થવાનો વખત આવ્યો. વિપક્ષની કુલ 234 બેઠક આવતા અણધાર્યું આશ્ચર્ય અનેક લોકોને થયું. વર્ષ 2014માં 44 અને 2019માં 52 બેઠક જીતનારી કોંગ્રેસ ફરી ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠી થઈ. એક લાંબા સમય બાદ કેન્દ્રીય સ્તર પર ગઠબંધનની રાજનીતિ જોવા મળી છે. ગજગ્રાહ વચ્ચે જનતાએ પોતાનો નિર્ણય તો આપી દીધો, પરંતુ કેન્દ્રમાં હવે સમતોલન જાળવવું અનિવાર્ય છે. પરિણામના ચોક્કસ સમય બાદ સંઘ સુપ્રીમો મોહન ભાગવતે સેવક તરીકેની વ્યાખ્યા સ્પષ્ટ શબ્દોમાં સમજાવી. એમનું સમગ્ર સંબોધન તો ખૂબ જ લાંબુ છે. જેમાં તેમણે મણીપુર હિંસા અને અહંકારની ટિપ્પણી કરતા રાજકીય ચહલપહલ એકાએક તેજ થઈ ગઈ. સંસદમાં વિપક્ષને કાયમી વિરોધી ગણીને યુદ્ધ જેવો માહોલ ન ઊભો કરવો જોઈએ. એમનું આ વાક્ય ઘણી રીતે સૂચક અને વિચારસર્જક છે.

     સંઘ સુપ્રીમોએ તો ત્યાં સુધી કહ્યું કે, કોઈ પણ પક્ષે સમાજમાં કોઈ વર્ગવિગ્રહ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ થયો કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ફાવે એમ નહીં મનફાવે એમ બોલાયું છે. બફાટ પાર વિનાનો થયો છે. રાજકીય સ્પર્ધા હોઈ શકે પણ સતત અને સખત જુથબંધી નહીં. વિપક્ષ ભલે મજબૂત હોય પણ હવે વડાપ્રધાન શ્રીએ ધ્યાન ઘણું રાખવું પડશે. કર્મબળે મળેલી સત્તા સામે કપાતર ગાલીચરણો તો રહેવાના. પણ જરૂરી છે કંટ્રોલ. પક્ષના આગેવાનો પોતાના દમ પર ડાયનામાઈક જેવો પાવરફૂલ વિશ્વાસ વ્યક્ત કરતા હતા પણ બહુમતીના અભાવે એમનામાં ફરી ખાલીપો પૂરી દીધો. NDAનો આખો અર્થ સમજાવતા મોદીજીએ કહ્યું કે, ન્યૂ ઈન્ડિયા, ડેવલપ ઈન્ડિયા અને એસ્પાઈરિંગ ઈન્ડિયા. ટાઈમિંગના દ્રષ્ટિકોણથી જોઈએ તો સંઘ સુપ્રીમો મોહન ભાગવતનું સ્ટેટમેન્ટ પણ એવા સમય આવ્યું જ્યારે પરિણામ અને ખાતાઓની જવાબદારી નવી સરકારમાં જે તે નેતાઓને સોંપાઈ ચૂકી હતી. સંઘના મુદ્દે એ વાત પણ સમજવી ને સ્વીકારવી પડે કે, સિસ્ટમ સેટ કરવામાં સંઘ ક્યાંય કોઈની પણ સામે વિધ્ન ઊભું કરવા માગતું ન હતું.  બીજી એક ઘટનાએ પણ ઘટી કે, જ્યારે શપથવિધિ ચાલતી હતી એ સમયે કાશ્મીરમાં ફરી ફાયરિંગથી ફફડાટ ફેલાયો. યાદ રહે કે, આ વખતે કાશ્મીરમાં નોંધપાત્ર મતદાન થયું છે. ભાજપ મહત્ત્વની બે જગ્યાઓ પર મજબૂત થયો છે. 

          સૈન્યની વારંવાર ચોખવટ એ જ રહી છે કે, લોકલ ઈનપુટ વગર એ શક્ય ન બને. એટલે એક વાત એ પણ સપાટી પર આવી કે, નસનસમાં નેગેટીવિટીનું ખુન્નસ ભરીને બેઠેલા પાડોશી પાકિસ્તાન પ્રત્યે અમુક લોકોને પૈસા કે નશાલક્ષી પ્રેમ છે ખરા. પ્રચાર હોય કે પ્રોજેક્ટ, કાશ્મીરના કણમાં કોઈ તો એવું છે જ જેને વિકાસ કણાની આંખમાં જેમ ખટકે છે. નશો અને પૈસાની લાલચ દેશ તોડે છે એ પણ યાદ રાખવું જોઈએ. 9 જુનના રોજે જે રીતે શપથવિધિ પૂરી થઈ એમાં ભાજપના નેતાઓ પાસે મહત્ત્વની જવાબદારી આવી છે. પ્રદેશ અધ્યક્ષ નડ્ડાને મંત્રીમંડળ મળ્યું છે, સારી વાત છે. પણ જરૂરી હવે સંયમ અને મર્યાદા છે. ભાજપના ચહેરા અને જાણીતા નેતાઓ પાસે અતિ મહત્ત્વના પોર્ટફોલિયો છે. જે થયું એમાં પોસ્ટમોર્ટમ કરવા જેવું નથી. જે થવાનું છે એમાં એલર્ટનેસ સાથે અવેરનેસથી પગલું ભરવાનું છે. ભાજપના નેતાઓનો આસમાની અહંકાર કોઈ અસાધારણ જીત સુધી પહોંચ્યો નથી એ હકીકત છે. પથ્થર તો રામના નામે પણ તરવાના એની જેમ માત્ર મોદીજીના બેનર નીચે જે તે આયાતી ઉમેદવારોએ કરેલી લોકઅપીલ ન ચાલે એવું પ્રજાએ શાનમાં સમજાવી દીધું. હવે સૌને સાથે રાખીને ડગ ભરવાની સ્થિતિ છે. કોઈ પણ સમાજ માટે એની પ્રાથમિક જરૂરીયાત ગુણવત્તા સાથે પૂરી થાય એ પાયાની શરત છે. આ દિશામાં ચૂંટાઈ આવેલા નેતાઓ કામ કરે તો મોદીજીની કાર્યશૈલીનું ખરેખર સાતત્ય જળવાશે.

       ભાજપના નેતા કોઈ ચૂંટણી પ્રચારમાં ભલે મોંઘવારી કે બેરોગારીના દયાજનક આંક સામે વિકાસના કરોડોના પ્રોજેક્ટ ધરી દે. પણ વાસ્તવિકતા એ પણ છે કે, વિપક્ષે આ બન્ને મુદ્દા પર લોકોની નસ પારખી નહીં પકડી લીધી. એવામાં બંધારણનો મુદ્દો, અનામતનો મુદ્દો, ધર્મની કેડી જેવી અનેક બાબતોમાં ખાતરી ક્યાંક ખોટી ઠરી. ચૂંટણી પહેલા ફ્યૂલ ચાર્જના ઘટતા ભાવ અને પરિણામ બાદ જીવનજરૂરી વસ્તુઓમાં એ જ કમરતોડ ભાવ વધારો સરકાર સામે સવાલ ઊભા કરે છે. આ મુદ્દે ભલે કોઈ તરત તિખારા ન ઝર્યા હોય પણ વોટ દઈને ખોટું કર્યું કે અફોસસ એવી વાત તો છે જ. મુસ્લિમ અને મંગળસુત્રનો મુદ્દો એટલો પડઘાયો કે, ખરેખર લોકોએ પ્રચારની ચરમસીમાનો દાખલો જોયો. હવે લોકહિતના મુદ્દા સાથે પરિણામલક્ષી કામ થવું જોઈએ. જે માટે વડાપ્રધાન શ્રી નવી ટીમને કોઈ ટાર્ગેટ બેઈઝ વસ્તુ સોંપે તો નક્કર નવીનીકરણ થાય. બાકી કરોડોના પ્રોજેક્ટ અને કાચામાંથી પાક્કા રોડ તો સરકાર બનાવતી જ હતી. ગ્રામીણ, પંચાયત અને જિલ્લા-પાલિકાની ચૂંટણી હવે પછીના સમયમાં છે. ભાજપે સ્થાનિકોની ફરિયાદ સાંભળીને સિસ્ટમમાં નખ ભરાવવા કરતા સિસ્ટમેટિક કામગીરી કરવી પડશે. રાજનેતા-અધિકારીઓ વચ્ચેની લડાઈમાં કામ ક્યારે કચરો બની જાય છે એ શૈલીનું આખું ફોર્મેટ બદલવું પડે. ઓડિશામાં વગર ચિંતાએ આંટાફેરા વધે તો નવાઈ નથી. આ વખતે ઓડિશામાં પણ ડબલ એન્જિન સરકાર બની છે. 

      આંધ્ર પ્રદેશમાં બેઠક વધી પણ ટીડીપીનું વર્ચસ્વ એ જ પાવર સાથે વધારે 'પાવરફૂલ' થયું. ગુજરાત, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ગઢ તો બચી ગયો. ખરેખર તો હવે સૌનો સાથ અને સૌનો વિકાસ એ સુત્ર સાર્થક કરવાની તક પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધી એવું હતું કે, કેન્દ્રમાં ભાજપ સરકારની 'પોલીસી' કે નીતિની એક આખી વ્યવસ્થા હતી. વિધ્નો લીગલ કરતા વૈચારિક વધારે હતા. જે હવે નથી. સંઘ અને ભાજપ વચ્ચેના સંબંઘોમાં વિરોધાભાસ દેખાયો. પણ જે રીતે સંઘના સજેશન અને માનવહિત મિશનને ફગાવાયા છે એ ખોટું છે. ન થવું જોઈએ. ડેમેજ કંટ્રોલ કરતા હવે કંટ્રોલમાં જ મજા છે. એમ કહેવામાં કંઈ ખોટું નથી. 

    આ પાછળનું કારણ પણ સમજવા જેવું છે. નીતીશ કુમાર રાજનીતિના અનુભવી અને ખેલાડી કહી શકાય એવા વ્યક્તિ છે. જે સમય આવ્યે ગમે તે બાજું ઢળી જાય એમ છે. બિહારમાં લોકસભાની આ વખતેની ચૂંટણી બાદ સોશિયલ મીડિયામાં એક પોસ્ટર વાયરલ થયું હતું. જેમાં લખ્યું હતું કે, નીતીશ સબ હૈ. રાજકારણમાં જે છે એ ન હોવું એવો અર્થ સામાન્ય રીતે કાઢવામાં આવે છે. જેમ કે, મનમોહનસિંહે પીએમ તરીકે જાણીતા નેતાઓ સામે પદનો ઈન્કાર કર્યો હતો. પછીથી તો પીએમ તરીકે એ જ આવ્યા એ દુનિયા આખી જાણે છે. બીજી તરફ પાણી અને પ્રોજેક્ટ વિશેષ રાજ્યને લઈ ચંદ્રબાબુ નાઈડુ ઘણા ક્લિયર છે. અમરાવતીને એક વ્યવસ્થિત ટાઉન તરીકે સ્થાપીને તે નેતાગીરીમાં પર્સન ઓફ રાજનીતિ યુગ થવા માગે છે. હવે આ સ્થિતિ એવી છે કે, પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર બાંધવા જેવું નથી. આંધ્ર પ્રદેશની પ્રજાએ પણ એ જ સમજીને વોટ આપ્યા હશે કે, આ ભાઈ આપણું, આપણા શહેરનું ભલું કરશે. વસ્તુ પણ ખોટી નથી. પણ મોદીજીના હવેના પછીના નિર્ણય પણ સૌની નજર છે. સમીકરણ જે પણ હોય દેશ વિકાસનું પ્રાધાન્ય ખોટું નથી. બીજી તરફ વ્યક્તિના ખિસ્સા એકસામટા જ કપાય જાય એવો ભાવ વધારો અને મનસ્વી નિર્ણય પણ અસ્વીકાર્ય તો છે જ. પ્રજા પણ મનોમન કહેતી જ હશે કે, કિતને ભી તું કરલે સિતમ...હસ હસ કે સહેંગે હમ. કારણ કે, પ્રાથમિક વસ્તુઓ સામે બીજો કોઈ ઓપ્શન જ નથી. મીડલક્લાસ અને નોકરિયાત વર્ગ પાસે બીજી બચત કે આવકના સોર્સ માટેની સ્પેસ જ નથી. કમને કહેવું પડે કે, દેશનો દરેક વ્યક્તિ ભલે ધાર્મિક હોય પણ નૈતિક છે કે નહીં ત્યાં પ્રશ્નાર્થ છે. 

       સંઘ અને ભાજપ વચ્ચે વૈચારિક મતભેદ દૂર થાય તો સારી વાત છે. મજાનું કામ થઈ શકે. આગળના દિવસની કલ્પના કરતા જાને ક્યા હોગા રામા રે...ગીત જેવી સ્થિતિ છે. ધ્યાન હવે ગઠબંધનની અંદર શું, કેમ, કેવી રીતે અને શા માટે ચાલી રહ્યું છે એનું પણ ધ્યાન રાખવાનું છે. દેશવાસીઓએ એક એવો પણ સમય જોયો જેમાં કોઈ જ રાજકીય વિરોધ કે હસ્તક્ષેપ ન હતો. બિલ હોય કે નિર્ણય યુદ્ધના ધોરણે લાગુ થઈ જતા કે પાસ થઈ જતા. આર્થિક અને વિકાસના પાયા પર સહમતી હવે અનિવાર્ય થઈ રહેશે. ભાજપના નેતાઓ પાસે મહત્ત્વના ખાતા છે એ દરેક એનડીએના પક્ષ જાણે છે. મોદીજી પાસે રાજકીય અનુભવ પાક્કો અને મોટો છે. આ ઉપરાંત નીતીશ કુમાર બિહારને એક વિશેષ રાજ્ય તરીકે ગણવા માગ ઊઠાવી રહ્યા છે. જ્યારે ટીડીપીના જ કદાવર નેતા સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે અનામતની ટકાવારીની વાત કહી ચૂક્યા છે. ખેર, ચૂંટણી મુદ્દાઓ અનેક છે જેમાં બેલેન્સ કરવાનો હાલ સમય છે. હવે શરૂઆત કેવી અને કોની થાય એ તો મારો રામ જાણે. પણ હવે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં ગ્રાઉન્ડ લેવલ પર પક્ષની મજબૂતી પ્રાધાન્ય હોય તો કંઈ ખોટું નથી. 

વૈશ્વિક સ્તરે મોદીજીની છબી હજું પણ યથાવત

ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં જી7 દેશના વડાઓની બેઠકમાં હાજરી આપી હતી. ઈટાલીના અપુલિયામાં આયોજીત વૈશ્વિક બેઠકમાં ઝેલેન્સકીથી લઈ ઋષિ સુનક સુધીના વડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, પોપ ફ્રાંસિસ પહેલી વખત આ બેઠકમાં સામેલ થયા છે. પોપનું ખ્રિસ્તી સમુદાયમાં એક મોટું માન છે. આ બેઠકના પહેલા જ દિવસે મોદીજીએ ટેકનોલોજીની જે તે દેશની એક મોનોપોલી ખતમ કરવાની વાત કહી હતી. ટેકનોલોજીને સંહારક કરતા સર્જકતાનું માધ્યમ બનાવવાની વાત કરી હતી. દુનિયાના કોઈ પણ દેશ જ્યારે કોઈ એકમંચ પર ભેગા થાય છે ત્યારે જે તે વડા મોદીજીની એક સકારાત્મક પર્સન તરીકે નોંધ લેવાનું ભૂલતા નથી.

No comments:

Post a Comment

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...