Tuesday, July 23, 2024

ઊંચાઈ વધુ હશે તો પ્રમાણપત્ર ફરજિયાત જોઈશે

 ઊંચાઈ વધુ હશે તો પ્રમાણપત્ર ફરજિયાત જોઈશે

     સામાન્ય રીતે કોઈ મહાનગરમાં જ્યારે બહુમાળી ઈમારતનો નજારો આંખમાંથી પસાર થાય છે ત્યારે એની જોરશોરથી વાત થાય છે. મુંબઈ જેવા સિટીમાં તો કોર્પોરેટ ઓફિસ પણ એટલી ઊંચાઈએ હોય કે, જે તે વિસ્તારના મોટાભાગના આકાશી દ્રષ્યના દર્શન એ ઈમારતમાંથી થાય. ઊંચાઈ બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે. એ પછી ઈમારતની ઊંચાઈ હોય કે વિચારોની. માણસમાં તો ઊંડાઈ હોવી જોઈએ એવું અનેક સુવાક્યોમાં લખાઈ ચૂક્યું છે. કોર્પોરેટ ઓફિસ હોય કે મલ્ટિલેવલના મોલ, અંદર કેવું અને શું હશે એ કાયમી ધોરણે ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ મુદ્દાની વેલિડિટી જ્યાં સુધી તે સંપૂર્ણ પણે કાર્યરત ન થાય ત્યાં સુધી જ રહે છે. એકવખત શરૂ થઈ ગયા બાદ બધાને બધી જ ખબર હોય છે. અંદર શું થાય છે અને શું નથી થતું એ. શિક્ષણ વ્યવસ્થામાં નીટની પરીક્ષાએ જે શિક્ષણ વિભાગની ઊંચાઈને શરમાવી એ મામલો છેક સુપ્રીમ સુધી પહોંચ્યો. સિસ્ટમમાં જ બેઠેલા ચેરલવર્સ (ખુરશીપ્રેમી)ની ટુકડી ફાવી તો ગઈ પણ દેશ આખામાં પડઘા પડ્યા. 

     આપણા રાજ્ય ગુજરાતના તમામ જિલ્લાની શાળાની ઈમારતની ઊંચાઈ 9 મીટરથી વધારે હશે તો ફાયર NOC ફરજિયાત રજૂ કરવું પડશે. એકથી વધારે ફ્લોર હશે એવા શૈક્ષણિક સંકુલ માટે પણ ફાયર વિભાગ તરફથી મળતું પ્રમાણપત્ર અનિવાર્ય બનાવતો વિભાગે આદેશ આપ્યો છે. આ આદેશના પગલે જે તે જિલ્લાઓમાં રહેલી ખાનગી અને સરકારી શાળાઓમાં તપાસ શરૂ કરવામાં આવશે. રાજકોટમાં બનેલા અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફ્ટિના ફરજિયાતપણા પર વિશેષતમ ભાર મૂકાઈ રહ્યો છે. એમાં કંઈ ખોટું નથી. એમ તો ફિલ્મો હોય કે ફેમિલી એવા તો કેટલાય નથી મળતા જેની ઊંચાઈ હોય પણ વાતમાં કંઈ હાજુ ન હોય? જોકે, આ ફરજિયાત શબ્દ જેટલો ગંભીર છે એટલી ગંભીરતાથી લેવાતો નથી. વગદારો માટે એ કાગળ ઉપર ને મધ્યમવર્ગ માટે જ તે અમલમાં હોય છે. એટલે આ ચોક્કસ વર્ગ પૂરતું નથી. જેટલી પણ કંપનીઓમાં આઈડી કાર્ડ ન હોવા પર સજા કે દંડનો નિયમ છે એના કેટલા માલિકોને આપણે આઈડીકાર્ડમાં જોયા છે? વિદેશનું અનુકરણ કરવામાં પાવરધા લોકોએ આ વિષય પર અનુકરણ કરવું જ જોઈએ. કંઈ ખોટું નથી. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં જાવ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ચોક્કસ પ્રકારનું તપ કરવું પડે. પુરૂષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. પછી પ્રમાણપત્ર મળે. પાપ વગરની કમાણી જ ટકતી હોય છે એમ તપથી મળેલું જ ટકતું હોય છે. હવે વાત જ્યાં પ્રમાણપત્રની આવે છે ત્યાં ડખો છે. કારણ કે, ચોમાસામાં જેમ બિલાડીના ટોપ ફૂટી નીકળે એમ ફૂટી નીકળેલા વિશ્વવિદ્યાલયો (ભલેને પછી વિશ્વ લેવલનું કંઈ ન ભણાવાતું હોય) જોઈએ એ ડિગ્રી આપે છે. 

      આ વર્ષનો ઉનાળો પણ ગજબ રહ્યો એને પણ ડિગ્રીમાં ભુક્કા કાઢી નાખ્યા. હવે ખબર નહીં ઉનાળાને ક્યાં એવી ડિગ્રી રજૂ કરવાની જરૂર પડી હશે. ડિગ્રી એને વધારી અને શેકાઈ આપણે બધા ગયા. આવું જ થાય છે. કરી કોક જાય છે અને વાહાં (પીઠ) આપણા કાબરા થઈ જાય છે. હાઈક્વોલિટી (ગુણવત્તાની ઊંચાઈવાળું) દૂધ લેવા જઈએ તો આપણે પણ એના માપદંડનું પ્રમાણપત્ર ન માગવું જોઈએ? ઊંચાઈ તો યુનિવર્સલ હોય. પણ લાગુ થતા આદેશનો પ્રદેશ જ મર્યાદિત હોય છે. એમ તો ચૂંટણી વખતે સ્ટાફની ઘટને ઘ્યાને લઈને કેટલાક લોકોને હેડક્વાર્ટર ન છોડવા આદેશ હોય છે. પરંતુ, અમુક અધિકારીઓને તો આદેશ લાગુ ન પડે પણ રાતોરાત બીમારી યુદ્ધના ધોરણે લાગુ પડી ગઈ હોય. એ સમયે પણ નામાંકિત હોસ્પિટલના પ્રમાણપત્ર તો ઝેરોક્ષ તૈયાર થાય એટલી સ્પીડથી તૈયાર થઈ જાય. એ માન્ય હશે કે નહીં એ તો મારો રામ જાણે.

         હશે અને જોઈશેની રાજરમત તો વર્ષોથી ચાલી આવે છે. હવે બગાસુ ખાતા પતાશું મળી જાય તો આગાહીકારો ને જ્યોતિષો હરખાય જાય કે, જોયું મેં કહ્યું હતું ને કે થશે એમ. ડોબેશચંદને એ ખબર ન હોય કે આ પતાશું છે. જરૂરી પ્રમાણપત્ર કઢાવવા માટે પણ લાંબાલચક કાગળીયાઓની એવી રીતે માગે જાણે આખી ટેસ્ટ સીરઝ પાસ કરી આપણે ગિનિસ બુકની સંસ્થામાંથી પ્રમાણપત્ર લેવાનું હોય. આંધળોપાડો રમવામાં કોઈ ચાલાકીથી છટકી જાય અને ફરાર થઈ જાય એમ વિજયભાઈ માલ્યા સાહેબ જ્યારે દેશ છોડીને ભાગ્યા એ સમયે એની પાસેથી આવેલા કાગળીયા પર કેમ ભરોસો આવી ગયો એ હજું ગૂગલવાળા પણ શોધે છે. વાત સાચી કે, ઊંચાઈ હોવી જોઈએ પણ સત્તાવાર અને ઓથેંટિકેટ હોવી જોઈએ. હવામાં કિલ્લા બાંધીને ખોટા પ્રમાણપત્ર પર ફાંકાફોજદારી એ ચીનથી મંગાવેલા માલ જેવી હોય છે. લાંબા સમય સુધી ટકતી નથી. ઊંચાઈ જરૂરી છે એક લેવલ સુધી પહોંચવા માટે પણ કેટલાય એવા હોય જેને અંધારાથી ડર ન લાગતો હોય એટલો પ્રમાણિક કર્મચારીથી ભય લાગતો હોય. કારણ કે, એ સમકક્ષ થઈ જાય તો ખુરશીમાં તિરાડ પડી જાય.   

      ઊંચાઈ વધારવી હોય તો સાચા, સારા અને સો ટકાના સત્યની સાથે ખુદની વધારવી. આવું સત્ય પાછું સંગઠીત થવું જોઈએ કોઈ સારા કામ માટે, બાકી એ પણ નક્કામું. એ સંગઠનમાં પાછો કોઈ મુખબીર હોય તો શિખર સુધી પહોંચેલું ડગલું પણ ભવનાથની તળેટી કરતા પણ નીચે આવીને ઊભું રહે. એટલે પ્રમાણપત્ર ધારીઓ પાછા એકતામાં હોય તો પરિવર્તન આવે. બાકી તો ફતવા જાહેર કરો. મોજ કરો તપાસના નામે ગોઠવણી કરો. 

No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...