Saturday, December 23, 2023

બેલ્જિયમ વેફલ્સઃ તુમ સે જો દેખતે હી પ્યાર હુઆ, ઝિંદગી મેં પહેલી બાર હુઆ

 બેલ્જિયમ વેફલ્સઃ તુમ સે જો દેખતે હી પ્યાર હુઆ, ઝિંદગી મેં પહેલી બાર હુઆ

            શિયાળાની ઠંડીમાં સ્વાદનો જાણે અન્નકુટ શરૂ થાય એવી સીઝનમાં તનને તંદુરસ્ત કરવા આમ તો જીમ અને જામ બન્નેની શરણે જતા લોકો જોવા મળે. એમાં પણ ગુજરાતના એક જાણીતા સ્થળેથી પરવાના સાથે પ્યાલા ભરવાની શરતી છૂટથી ક્યાંક અસાધારણ ખુશી તો ક્યાંક આક્રોશનો માહોલ છે. પણ ફૂડની વાત થાય ત્યારે ગુજરાતીઓની જીભ વાસ્તવિક સ્વાદને પારખનારી છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. આમ પણ બધુ પેટ માટે જ થાય છે. પણ ખાદ્યપ્રેમી પ્રજા પેટ માટે ક્યાંય વેઠ કરે એમ નથી. છેલ્લા બે વર્ષમાં જેટલી કોમોડિટીની આયાત નહીં થઈ એટલી કોમોડિટી ફૂડ ક્ષેત્રે દરિયામાં સામે છેડે દેખાતા ક્ષિતિજ જેટલી વિસ્તરી છે. ખાસ કરીને ઈટાલી ને ચાઈનીઝ બાદ થાઈ તેમજ સ્વિઝ ફૂડની આખી સીરિઝ મહાનગરમાં માણવા મળે છે. અમદાવાદના રાત્રી બજારમાં તો જાણે ફૂડનું એક્ઝિબિશન હોય અને માત્ર ચાખો ત્યાં પેટ ભરાઈ જાય એવી મસ્ત ક્વોલિટી વાળું ફૂડ પ્રાપ્ય છે. આમ તો રાજ્યના તમામ જિલ્લાઓની ફીચર ડેફિનેશન આપવામાં આવે તો દરેક જગ્યાની કંઈકને કંઈક તો વાનગી ખાવા લાયક મળે જ. જેમ કે, રાજકોટની ચટ્ટણી, ચેવડો અને ચિક્કી. જામનગરના ઘુઘરા અને પાન. એમ દુનિયાના નક્શમાં નજર કરીએ તો જેનું ફૂડ બેસ્ટ છે એવા રાષ્ટ્રમાં ઈટાલી, બ્રિટન અને થાઈલેન્ડ બાદ બેલ્જિયમનું નામ આવે છે. હા, એક હકીકત એ પણ છે કે, ઈન્ડિયન ફૂડને દુનિયાભરમાં સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. 

        બેક ટુ પોઈન્ટ...બેલ્જિયમ એક નાનકડો એવો દેશ. જે પોતાની આગવી સુંદરતા માટે જાણીતો તો છે જ. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાંની લોકલ ગણાતી વેફલ્સે દુનિયાના બીજા દેશમાં જોરદાર ડંકો વગાડી દીધો છે. ઈટાલીના પિઝા જેમ પ્રખ્યાત છે. એમ અહીંની વેફલ્સનો ટેસ્ટ દાઢમાં રહી જાય એમ છે.ખાસ કરીને ચોક્લેટ લવર્સ લોકો માટે આ વાનગી તો દિલના તારમાં ગીટાર વગાડી દે અને ધૂન બનાવી દે એવી છે. આગ્રા આવ્યા હોય અને પેઠા ન ખાઈએ એવું તો કેમ ચાલે? એમ બેલ્જિયમ આવ્યા હોય અને વેફલ્સ ન ખાઈએ એવું તો કેમ બને? ઓરિજિનલ શબ્દ વોફલ્સ (ઉચ્ચારણ પણ વોફ્લ્સ). વોફલ્સ બેલ્જિયમનું સ્ટ્રિટ ફૂડ છે. જે ગરમ હોય તો ખાવાની આખી મજા અલગ છે. ચોક્લેટ લવર્સ માટે હાઈલી રેકમન્ડેડ. હાલના ટાઈમથી થોડું રીવાઈન્ડમાં ડોકિંયું કરીએ તો એક સમયે પાર્લે કંપનીના વેફર બિસ્કીટ આવતા. જુદી જુદી ફ્લેવર્સના. એમાં સ્ટ્રોબેરીથી લઈને જીમજામ સુધીના ફ્લેવર્સ. પણ બેલ્જિયમમાં આનો જ એક ચોક્લેટ ફ્લેવર. એ પણ બિસ્કીટ કરતા અલગ ટેસ્ટનો, ફ્લેવર્સમાં પણ ચોક્લેટ તો મેઈન. પણ બ્લેક કે કોકો ફ્લેવર એ ખાનાર પર નિર્ભર કરે છે. 

        કુછ મીઠા હોય જાય...ની જેમ આમા પણ એક દિમાગી કેમિકલ્સને અસર પહોંચાડી દે એવા જોરદાર ટેસ્ટ છે. જે રીતે કોઈ મોલના આઉટલેટમાં કોઈ ડિસપ્લે મૂકેલા હોય અને આંખ ખેંચાયા વગર ન રહે એમ બેલ્જિયમના ફ્લેવર પણ મસ્ત હોય છે. અહીંયા તો પાર વગરના ઓપ્શન છે. મીઠું લાગે એવું પણ છે અને એકદમ નોર્મલ મીઠાશ હોય એવું પણ મળી રહે. ઈન્ડિયામાં અત્યારે વોફલ્સ પોતાના પીક પોઈન્ટ સુધી પહોંચ્યું છે. પણ બેલ્જિયમમાં તો બે સૈકાથી પણ વધારે સમયથી આ વાનગી ખવાય છે. એટલું જ નહીં દેશ વિદેશના પ્રવાસીઓ ખાસ આ વાનગી ખાવા માટે આતુર હોય છે. હા, બીજી એક વાત કે, જે વોફેલ્સ એના બેઝમાં હોય છે. એ વેજ અને નોનવેજ બન્ને કેટેગરીમાં મળે છે. બટ ડોન્ટ વરી....આપણે ત્યાં વોફલ્સ વાળા પ્યોર શાકાહારી છે. સો..ફીકર નોટ..જ્યારે આ વોફલ્સ તૈયાર કરવામાં આવે છે ત્યારે એના પર થોડી ખાંડ નાંખવામાં આવે છે. પછી ચોકલેટને કસ્ટમાઈઝ રીતે નાંખવામાં આવે છે. જેથી વધારે પડતી મીઠી વસ્તુ તૈયાર ન થાય. બેક્ડ આઈટમ હોવાથી વ્યવસ્થિત પકવ્યા બાદ જ એના પર ટોપિંગ અને ચોક્લેટની મસ્ત કાળી પણ જીભને ચોંટે એવી રંગોળીઓ કરવામાં આવે છે. 

      કોઈને બ્રસેલ્સના વોફલ્સ ગમે તો કોઈને લીચના.એક વખત વસ્તુ તૈયાર થયા બાદ ફરી એને શેકવામાં આવે છે. એક વખત શેકાયા બાદ એ થોડું સખત થાય છે. છેલ્લે આવે છે ટોપિંગ્સનો વારો. ગરમાગરમ કાણાવાળી વસ્તુ પર ચોક્લેટ સોસ નાંખીને મજેદાર બાઈટ તૈયાર કરવામાં આવે છે. હા...ફ્રેશ ફ્રુટ પણ નાંખી શકાય છે. જેમાં સ્ટ્રોબેરી મોટાભાગના ફૂડ લવર્સની ફર્સ્ટ ચોઈસ છે. (હા, ગુજરાતીઓ બાકાત છે હો... કારણ કે, અહીંયા એક વર્ગ તો પીઝા સાથે પણ છાસ ઢીચે...) પછી એની સાથે એક ક્રિમ પેસ્ટ પણ મૂકાવી શકો. આ તમામ વસ્તુ પાછી ટોટલી બેઝ પર કસ્ટમાઈઝડ છે. ચલો માની લો કે, ટેસ્ટમાં મજા ન આવી. જો એના પર લગાવેલી તમારા ફ્લેવરની આઈસક્રિમ તો જામો પાડી દેશે એમાં કોઈ બે મત નથી. પછી ચોકલેટના ટુકડા નાંખીને મસ્ત એન્જોય કરી શકાય. હા, આપણે ત્યાં હોય જેવું નથી કે, ઉપરથી વધારાની ચોકલેટ માંગ તો ડાચા બગડે..અહીંયા તો ખવડાવનારાનો ટેસડો છે. સ્ટ્રોબેરી અને ક્રિમ વાળી વોફેલ્સને લીએજ કહેવામાં આવે છે. બાકી સાદી વોફેલ્સ ચોક્લેટ તો કોમન છે. એ પછી ખાનારા પર છે કે, બ્લેક ચોકલેટ ખાવી છે કે, ચોક્લેટ સોસ. બ્રસેલ્સમાં ગ્રાન્ડ પ્લેસની આજુબાજુની કોઈ પણ સ્ટ્રીટમાં આટો મારો એટલે યુરોપીય કલ્ચરની આંખને સુગંધ આવે.  

     હવે આમા પણ નવા પ્રયોગ થાય છે. જેમ ચાઈનીઝ ભેળ નામની કોઈ વાનગી ચીનમાં મળતી નથી. આ ઈન્ડિયન કસ્ટમાઈઝેશન છે. એમાં ત્યાં પણ અખતરા કરનારા હોય ને? ફેર એટલો કે, ત્યાં શેરીમાં વેચનારો પણ સર્ટિફાઈડ હોય અને આપણે ત્યાં પહેલા હેલ્પર તરીકે હોય પછી એ તવામાં તેલથી વધાર કરતો હોય. એ પણ એવી રીતે સ્ટાઈલ મારે કે, દુકાન વધાવવાનો સમય થાય ત્યારે ગેસ અને તવાની આસપાસનું મટિરિયલ્સ ભેગું કરવામાં આવે તો એક વ્યક્તિનું ફૂડ પાર્સલ થઈ જાય. શરૂઆતમાં આ વાનગી દુનિયાભરમાં વિસ્તરી. એની સામે ઘણા વિદેશી પ્રવાસીઓ પણ ખાસ આ વાનગી ખાવા માટે બ્રસેલ્સ પધાર્યા. કોઈ પણ વિદેશની વાત હોય પછી ફૂડ હોય કે ફેશન. અમેરિકાનું નામ ન આવે તો અમેરિકાને ખોટ ન જાય? અમેરિકામાં બ્રસેલ્સ વોફલ્સ હજ્જારો લોકોને દાઢે ચોંટ્યા બાદ એની માંગ વધી ગઈ. 

તમામ પ્રકારના વોફેલ્સ

    વોફેલ્સ મૂળ ડચ શબ્દ વેફર પરથી ઊતરી આવ્યો છે. 8 ફૂટની વોફેલ્સ તૈયાર કરીને નેધરલેન્ડના એક ગ્રૂપે વર્લ્ડ રેકોર્ડ પણ કરેલો છે. બેલ્જિયમ વોફેલ્સ ઓરિજનલી બ્રસેલ્સ વોફેલ્સથી ઓળખાય છે. જેમ જેમ દુનિયાના દેશમાં આ વોફેલ્સ ફરતી ગઈ એમાં કસ્ટમાઈઝેશન થતું ગયું.  

Sunday, December 17, 2023

જમાલકુડુ: મ્યુઝિક ઓલવેઝ કનેકટસ

 જમાલકુડુ: મ્યુઝિક ઓલવેઝ કનેકટસ

  સૂકા દુષ્કાળ જેવી સ્થિતિમાંથી બોલીવુડને બેઠું કરનાર પઠાણે કમાણીમાં છોતરા ફાડી નાખ્યાં. એ પછી જવાને સિસ્ટમ સામે બાંયો ચડાવીને એક વેઇકપ કોલ જેવું કામ કર્યું. વચ્ચે તું જુઠ્ઠી મે મકકાર નામની ફિલ્મ આવી પણ એ ઠીક ઠીક રહી. પણ પૈસાના ખોખા તો એને પણ ભરી લીધા. બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવા ખરાબ સમયમાંથી પસાર થઈ કે કલાકારો તો ઠીક એને કાયમ . માણનારા દર્શકો એક કપરો દાયકો કોઈ દિવસ ભૂલી નહીં શકે. વિષય સારો હોઈ તો સ્ક્રીપ્ટમાં ઠેકાણા ના હોય, પ્રેઝન્ટેશન સારું હોય તો ગીતમાં ઠેકાણા ના હોય. ગીતની વાત આવી એટલે એક વાત પર એ પણ પ્રકાશ પાડું કે, મ્યુઝિક વીડિયોથી આખા સંગીત અને વિડીયોની ફ્લેવર્સ બદલી ગઈ. 90 ના દાશકમાં આ કામ પોપ મ્યુઝિકથી થયું. એની પણ પહેલા બપ્પી દા એ ડાન્સ મ્યુઝિક પીરસીને દરેકના પગને થીરકતા કરી દીધા. 

   કોરોનાના કાળ બાદ જાણે યુગ પરિવર્તન થયું હોય એવો અહેસાસ થયો. ખાસ કરીને સંગીતના સેક્ટરમાં એવી નવી ટેકનોલોજી આવી કે ઘરબેઠા પણ અમુક વસ્તુનું કંપોઝિશ શક્ય બન્યું પણ એમાં પણ સ્ટુડિયોની ફીલ અને એક્સપર્ટની ઇફેક્ટ તો મિસીંગ જ હતી. ટાઇગર 3 ફિલ્મથી અરિજિત અને સલમાનનો મેળ પડી ગયો. એટલે સ્વેગ સે સ્વાગત ચાલ્યું એટલું લેકે પ્રભૂકા નામ ના ઉપડ્યું. સલમાનને પણ પ્રભુનું નામ લેવું પડ્યું હશે ત્યારે ફિલ્મ 100 કરોડની ક્લબમાં એન્ટ્રી લેવામાં રીતસરની હાફી ગઈ. વચ્ચે પાછો વર્લ્ડકપ આવ્યો પણ ઓસ્ટ્રેલિયા એને ખેચી ગયું. એ પછી બાદશાહના ધૂમધડાકા વાળા પાર્ટી સોંગ રિચાર્જની વેલીડિટીની જેમ આવ્યા. જે ક્યારે ફેંકાઈ ગયા એની ખબર જ ન પડી. વેલ, એનિમલ ફિલ્મે રણબીર કપૂરના સાતેય રંગ ખીલવી દીધા. ઈમોશન, લવ અને લોહીના ફુવારા કરતાં એક્શન સીન એવા રહ્યા કે કબીરસિંહ ટૂંકા પડે. એમાં પણ 500 ટન વજનવાળી ઓરીજીનલ ગનથી રીતસરનો શોક લાગ્યો. જોકે આની પાછળ સુરેશ સેલવર્જન નું ભેજું છે. ઠેકન્સ ટુ હીસ ટીમ. (કાઠિયાવાડી થેંક્યું ને ઠેંક્યું બોલે....હા હા). રણબીરએ આ ફિલ્મથી એક્શનનો નવો માઇલસ્ટોન ઉભો કરી દિધો. પણ આ રેઇનબો કપૂર કરતા પણ વધુ ચર્ચા એ ફિલ્મના વિલનની છે.

     આશ્રમ વેબ સિરીઝથી વિલનના રોલમાં કમબેક કરનાર બોબી આખી ફિલ્મમાં એક શબ્દ બોલ્યો નથી. પણ આ ધરમપુત્ર એ ફેસ એક્સ્પ્રેસમાં કાયદેસર પાડી દીધાં. હવે એની એન્ટ્રી વખતે એ જે ગીત વાગે છે એના મૂળ ઈરાનના છે. ઈરાનની એક સમયની કવિતા હતી આ જમાલકુડુ. અસ્સલમાં હર્ષવર્ધન રામેશ્વરમ એ આ ગીત કંપોઝ કર્યું છે. વર્ષો પછી આ ધૂન ડીજેની જુદી જુદી બીટ પર વાગે છે. ઈરાનના ખત્રેહ ગ્રૂપ આને સૌથી પહેલા કમ્પોઝ કરેલું. એ વખતેની આબેહૂબ ધૂન ફિલ્મમાં લેવાઈ છે. વર્ષ 1950માં ઈરાનમાં આવેલી ખરાઝેમી ગર્લ્સ હાઈ સ્કૂલમાં કવિતા રૂપે પ્લે થયું. બીજાન સમાંદર નામના સર્જકે આના શબ્દો લખ્યા છે. ભલે આપણા દિમાગમાં એ સમજાય નહિ પણ ઈરાનની ભાષામાં એનો એક અર્થ થાય છે. એમ તો કોલાવેરી ડી માં પણ કોઈને કંઈ ટપ્પો પડ્યો ન હતો, પણ મજા બધાને ખુબ આવી. 

     પહેલી વખત આ ગીત શિરાઝી ચોઇરે ગાયું. પછી ઈરાનના કોઈ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ગવાતું. સંદીપ વાંગા રેડ્ડીના એક્શન સીન માટે જેટલી ગાળો દેનારા છે તો એકવાર એની આવી ધી બેસ્ટ કહી શકાય એવી મ્યુઝિક સેન્સ માટે પણ એક તાલી તો બનતી હૈ...હવે કરીએ ગીતની અંદરની વાત. હવે જેને ધ્યાન આ ગીત સાંભળ્યું હશે એને ખ્યાલ હશે કે આ ગીતમાં કોઈ જ સપોર્ટિવ ઇન્સ્ટ્રુમેંટ પાછળ નથી વાગતા. કોઈ જ લીડ પ્લેઈંગ થતું નથી. આખું ગીત કોરસ (ગાયકોનું એક ગ્રુપ જે લીડ સિંગરની પાછળ ગાતું હોય) થી શરૂ થાય છે અને કોરસમાં જ એન્ડ થાય છે. બીજી એક ખાસ વાત આખું ગીત કલેપ બિટ પર છે. વીડિયોમાં પણ એક ગ્રુપ તાલીના સહારે ગીત ગાય છે. બેગ્રાઉંડમાં વાગતું વાજુ એક કોઈ હાર્મોનિયમ નથી. આર્કોડિયન છે. આ ગીત ફિલ્મમાં પ્લે થયા બાદ એની એન્ટ્રી ક્લિપ ચાર દિવસમાં 24 મિલિયન વ્યું સુધી પહોંચી ગઈ. 

   બોબીની એન્ટ્રી વખતે આ ગીત વાગશે એ નિર્ણય ડાયરેક્ટરનો હતો. પણ એમાં બોબી જે ડાન્સ કરે છે એ ડાન્સ આઈડિયા બોબીનો પોતાનો છે. જે રીતે જવાન ફિલ્મમાં ટ્રેન મા શાહરૂખ બેકરાર કર કે હમે ગીત પર જે ડાન્સ સ્ટેપ કરે છે એ કોઈ જ કોર્યોગ્રાફરે એને શીખવાડયા નથી. એ એના પોતાના છે. જ્યારે બોબીને એની એન્ટ્રી કેહવામાં આવી એ સમયે બોબીને એનું બાળપણ સાંભર્યું. નાનો હતો ત્યારે તેણે પંજાબમાં કોઈને ગ્લાસ માથે મૂકી નાચતા જોયેલા. આ જ વસ્તુ બોબી ફિલ્મમાં કરે છે. ફિલ્મના વીડિયોમાં દેખાતી મસ્ત છોરી હકીકતમાં ઈરાનની જ છે. જે ક્રશગર્લ બની ગઈ છે. જેના ફિલ્મ રિલીઝ થયા બાદ રાતોરાત 2 લાખથી વધુ ફોલોઅર્સ થઈ ગયા. આ એવી મેહનતું છોરી છે જેને કર્મબળે કમાણી કરી છે. નોરા સાથે પણ નાચી ચૂકી છે. ટૂંકા સમયની સ્ક્રીન પ્રેઝેન્સ કામ કરી ગઈ. બંદી સ્ટાર બની ગઈ. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વખતે ઈરાનની ભૂમિકા સામે સવાલ થયા હતાં. એક સમયે આ દેશને લોકો અલગ નજરથી જોતા હતાં. પણ આ ગીતના મૂળ ઈરાનમાં છે અને આજે દર દસ લોકોની રિલ્સ, સ્ટોરી અને સ્ટેટસ આ ગીત જોવા મળે છે. આ જ તો તાકાત છે સંગીતની, કલાની, ફિલ્મની, અપિલિંગની. સમજાય ભલે કાઈ નહીં પણ મજા બૌ આવ્યા રાખે. કલા કાયમને માટે કનેક્ટ કરવાનું કામ કરે છે એ પછી સંગીત હોય કે સાહિત્ય. મ્યુઝિક તો ઓલવેઇઝ જોડે છે. જેને અલગ નજરે જોતા એ જ દેશનું ગીત આજે આઇકોન છે. સેલ્યૂટ છે આ સંગીતને અને સંદીપ વાંગાં રેડ્ડીને.


ગીતના શબ્દો અને અર્થ

Jamal Jamalek Jamaloo Jamal Kudu’ means 'Oh my love, my beloved, my sweet love!’

Ahay Siyah Zangi, Delamo Nakon Khun (Oh, my cutie, don’t play with my heart)


Voy To Rafti Koja, Manam Cho Majnun (You are leaving and embarking on a journey, and I’m getting crazy like Majnu)


Ahay Siyah Zangi, Delamo Nakon Khun (Oh, my cutie, don’t play with my heart)

Voy To Rafti Koja, Manam Cho Majnun (You are leaving and embarking on a journey, and I’m getting crazy like Majnu)

Sunday, December 03, 2023

ચૂંટણીનું પરિણામ: ના બોલે તુમ ના મૈંને કૂછ કહા, મગર ના જાને ઐસા ક્યું હુઆ

ચૂંટણીનું પરિણામ: ના બોલે તુમ ના મૈંને કૂછ કહા, મગર ના જાને ઐસા ક્યું હુઆ 

મોદી હૈ તો મુમકિન હૈ. ભારતીય જનતા પાર્ટી (BJP)ને ફરી એકવાર દાવો કરવાની તક મળી છે કે તેનું સ્લોગન પાયાવિહોણું નથી. પરંતુ બિલકુલ અર્થપૂર્ણ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર 'મોદીના જાદુ'ની પુષ્ટિ કરી છે. મોદી છેલ્લા 10 વર્ષથી ભાજપ માટે વિનિંગ મશીનની ભૂમિકા ભજવી રહ્યા છે. ભાજપે કોઈપણ રાજ્યમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. રાજસ્થાન અને છત્તીસગઢમાં અનુક્રમે પૂર્વ મુખ્યમંત્રીઓ વસુંધરા રાજે સિંધિયા અને ડૉ. રમણ સિંહને ભાજપે જાળવી રાખ્યા હતા. એ અલગ વાત છે કે રાજવી પરિવારોથી પ્રભાવિત રાજસ્થાનમાં રાજે નારાજ થવાનું જોખમ ન ઉઠાવવા માટે ભાજપે પૂર્વ સીએમ ઉમેદવારોને ટિકિટ આપી. પરંતુ પાર્ટીએ ક્યારેય તેમનો ચહેરો મુખ્યમંત્રી તરીકે આગળ રાખ્યો નથી. ચર્ચા એવી પણ હતી કે, રિસાયેલા ને મનાવી લઈને સાચવી રાખવાની ભાજપની રણનીતિ રહી છે. 

         


જુલાઈમાં, જ્યારે ભાજપે સંગઠનાત્મક ફેરફારો કર્યા, ત્યારે વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ સોંપવામાં આવ્યું. આ મનાવવા સાથેની પહેલી ઓફર હતી. તેમની સાથે છત્તીસગઢના પૂર્વ સીએમ રમણ સિંહને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ આપવામાં આવ્યું છે. સંકેત સ્પષ્ટ છે - રાજ્યના રાજકારણમાંથી બહાર આવો અને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરો. ટૂંકમાં સ્થાનિક રાજકારણ એવી રીતે ફેરવી નાખ્યું કે, રિસાયેલા માની જાય અને મોટા કેન્દ્ર માં નાનું પણ વજનદાર પદ મળે. વિપક્ષની આક્ષેપબાજીના આખલા યુદ્ધમાં પ્રહાર કરવા કરતાં એના જ નિવેદનને ફેરવી તોળીને પ્રજા લક્ષી સ્પર્શ આપી દઈને હરીફ પક્ષને પછાડી દીધો. રાજસ્થાનમાં માત્ર 9 રોડ શો અને રેલી કામ કરી ગઈ. આવા તો ફેક્ટર અને ગ્રાઉન્ડ પરની ફાઈલો મોટી છે. 

     જો કે, વસુંધરા અને રમણ બંનેને અનુક્રમે ઝાલરાપાટન અને પાટણ વિધાનસભા બેઠક પરથી ટિકિટ મળી હતી. બંનેએ પોતપોતાની બેઠકો પર પણ જીત નોંધાવી છે. ભૂપેશ બઘેલ છત્તીસગઢમાં ડંકો વાગી રહ્યો હતો.. જ્યારે કોંગ્રેસ પાર્ટીને જીતનો વિશ્વાસ હતો, ત્યારે ભાજપના અભિવ્યક્તિઓ પણ સંકેત આપી રહ્યા હતા કે ત્યાં પણ જીતની કોઈ આશા બાકી નથી. પરંતુ પરિણામ સૌની સામે છે. છત્તીસગઢમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. રાજસ્થાનના રણમાં પણ કમળ ખીલ્યું છે. તમામ એક્ઝિટ પોલના અનુમાન મુજબ કોંગ્રેસ પાર્ટી માત્ર છત્તીસગઢમાં પોતાની સત્તા બચાવી રહી નથી, તે મધ્યપ્રદેશને પણ ભાજપ પાસેથી છીનવી રહી છે.પણ પરિણામે ચિત્ર ફેરવી નાખ્યું. કાલ્પનિક ભય ને વાસ્તવિક ખાઈ પેદા કરતા ઘૂઘરાથી થોડું અલગ કહી શકાય એવું પરિણામ દેખાયું. ભાજપનો આત્મવિશ્વાસ અને સ્ટાર બ્રાન્ડ નેતાઓની અસર કરતા પરિણામ આપે એવા નિર્ણય કામ કરી ગયા. 

     બાય ધ વે, દેશમાં ચૂંટણી ગમે તે હોય, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી જો કોઈ નેતાની સૌથી વધુ ડિમાન્ડ હોય તો તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. હિંદુત્વના પ્રબળ સમર્થક એવા ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથનો ક્રેઝ એટલો બધો છે કે તેમની રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો આપોઆપ એકઠા થાય છે. આ વખતે પણ એવું જ જોવા મળ્યું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ યોગીની જાહેર સભાઓ અને રોડ શો માટે ભાજપના ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. પણ અંતે તો સનાતન ની વાત થી રિઝલ્ટ બદલી ગયું. આ પરિણામ બાદ દેશનો રાજકીય નકશો બદલશે એ તો નક્કી છે. સંપત્તિ શોખીન નેતાઓની લોટરી લાગી. પણ હિંમત અને આવડતની યશોગાથા તો માત્ર મોદીના નામે જ છે. નિષ્ફળ કે નકામા નિવેદનમાં આમ તો જવાબ દેવાની વૃત્તિ દેખાતી હોય છે પણ એમાં એક ભાજપની બે ટીમના પ્રયાસ રિપોર્ટ કાર્ડ સુધી પહોંચ્યા. જેમાં એક કેડરની મોટા નેતાની વજનદાર વાણી અને આંકડાનો હિસાબ કરવા કરતાં વ્યકિતત્વની છાપ મતદારોને ખેચી લાવી. 

   


 તેલંગણાની તસવીર બદલવાની હતી એ થોડું અપેક્ષિત હતું. બીજી એક વસ્તુ એ શીખવા જેવી છે કે, કોઈ દિવસ એક્ઝિત પોલ જોઈએ મીઠાઈ ખરીદવી ના જોઈએ. દેશની વાત કરીએ તો અત્યારે ભાજપ પાસે 10 રાજ્યોમાં મુખ્યમંત્રી છે. તે જ સમયે, ભાજપ છ રાજ્યોની સરકારમાં ભાગીદાર છે. કોંગ્રેસ પાસે ચાર રાજ્યોમાં મુખ્યમંત્રી છે. જ્યારે, કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં ગઠબંધન સરકારનો ભાગ છે. સાત રાજ્યો એવા છે જ્યાં અન્ય પક્ષોની સરકારો છે. પંજાબ અને દિલ્હી એમ બે રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. પશ્ચિમ બંગાળમાં TMC, તેલંગાણામાં BRS, આંધ્ર પ્રદેશમાં YSR કોંગ્રેસ, ઓડિશામાં BJD અને કેરળમાં ડાબેરી ગઠબંધનની સરકાર છે.

    મે 2014માં નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન પદની જવાબદારી સંભાળી હતી. તેઓ સત્તામાં આવ્યા ત્યારે દેશના સાત રાજ્યોમાં ભાજપ અને તેના સાથી પક્ષો સરકાર ચલાવી રહ્યા હતા. તેમાંથી પાંચ રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી હતા, જ્યારે તેનો સાથી પક્ષ આંધ્રપ્રદેશ અને પંજાબમાં સત્તામાં હતો. એટલે ભાજપની સરકાર કેન્દ્રમાં આવી પછી સંગઠનમાં પણ અમુક વસ્તુ બદલી ગઈ. મોદી લહેર પહેલી લોકસભા વખતે કામ કરી ગઈ આ વખતે હવે આ રાજ્યોમાં મોદીની ગેરંટી એ ઇમ્પ્રેશન જમાવી. આમ તો જ્યારે પણ પરિણામ આવે ત્યારે સંઘ પરિવારની વાત થઈ જાય છે. પણ ઘણા એવા કિસ્સા એવા પણ જોવા મળ્યા કે, સંઘ કરતા સંગઠનનું વલણ જુદું રહ્યું. માત્ર મત અપીલની વાત કરતું સંઘ એક વાત પર કાયમ રહ્યું. સનાતન ધર્મના મુદ્દા અને હિન્દુત્વ. જોકે વાતના મૂળ દક્ષિણમાં છે. સ્ટાલિન પુત્રનું નિવેદન બીજા રાજ્યોને અસર કરી ગયું. જોવાનું એ રહે છે કે, મુખ્યમંત્રી કોણ બને છે. રાજકીય કેબીએમ (કૌન બનેગા મુખ્યમંત્રી) ભલે કોઈ પણ જીતે પણ સરકાર સંગઠનની સંચાલન છબી થી ચાલશે. એ નક્કી છે.


ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...