Monday, October 29, 2018

સરદાર એટલે એકતા, આદર અને આદર્શના માણસ


સરદાર એટલે એકતા, આદર અને આદર્શના માણસ
           
            સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાતના નહીં પણ ભારતના ઈતિહાસનું આ નામ હવે વૈશ્વિક સ્તરે વધુ એક ખ્યાતિ પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યું છે. સરદાર વિશે લખવા આજે હું નાનો પડું. કારણ કે મારો જન્મ થયો એ પહેલા સરદારે કાયમી વિદાય લઈ લીધી હતી. આમ પણ સરદાર વિશે લખતા પહેલા એ અભ્યાસ કરવો પડે. જોકે, કોઈ પણ વિષયના વિચારોને શબ્દ આપતા એક સાધના કરવી પડે. પણ પ્રયત્ન અને કંઈક અલગ શોધી લાવવાની લોખંડી ઈચ્છા શક્તિથી સરદાર વિશે જે કંઈ અનોખુ પણ જે સત્ય સમજવા અને જાણવા મળ્યું તેના કેટલાક અંશો અહી મૂકુ છું. સરદાર પટેલ એટલે શિક્ષણ અને શિસ્તમાં માનનારા માણસ એવું કહી શકાય. એજ્યુકેટ થવામાં આજે બાળકોને ટપારવા પડે છે ત્યારે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વલ્લભભાઈ કોઈને કહ્યા વગર વકીલનું ભણવા માટે વિદેશ ગયા હતા.જ્યાંથી પરત આવીને અમદાવાદના આંગણે વકીલાત શરૂ કરી. અહીથી તેમના નેતૃત્વ અને વિરાટ વિચારોના અનુભવો શરૂ થયા. જ્યારે અમદાવાદમાં આરોગ્ય ખાતાની કચેરીના પ્રમુખ બન્યા ત્યારે એક-એક વોર્ડમાં જાતનિરિક્ષણ કરીને અભિયાન ચલાવેલું.

                22 વર્ષની ઉમરે 10મીની પરીક્ષા પાસ કરીને જિલ્લા અધિકારીની પરીક્ષામાં લાગી ગયા હતા. બાળપણથી જ પોતાના આદર્શ અને સન્માનના વિચારોને છેક સુધી વળગી રહ્યા. બીજી એક બહુચર્ચિત વાત છે કે, જ્યારે નેહરુને વડા પ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે મોટાભાગના દેશવાસીએ સરદારને વડા પ્રધાન પદે જોવા માગતા હતા. પરંતુ, એક સત્ય એ પણ છે કે, ઉમર અને તબિયતને કારણે તેમને આ મોટી જવાબદારીથી દૂર રાખવામાં આવ્યા હતા. સક્ષમતા સામે સવાલ ન હતા કે વિલપાવર સામે કોઈ પ્રશ્ન ન હતો. પ્યોર પેશન અને સમસ્યાના સોલ્યુશનના માણસ હતા. મોટાઈ માટે કોઈ ઉમર નથી હોતી એ તો સરદારના સ્વભાવમાં હતી. જ્યારે ઈગ્લેડ વકીલાત માટે જવા પાસપોર્ટ આવ્યો ત્યારે તેમાં વી.જે.પટેલ લખ્યું હતું. હકીકતે પાસપોર્ટ સરદારનો હતો પણ પહોંતી ગયા વિઠ્ઠલભાઈ. આ સમયે કોઇ વાદ-વિવાદ કરવાને બદલે તેમણે ભાઈને સપોર્ટ કર્યો અને પૈસા પણ મોકલ્યા. આ સરદાર જે જીવનભર અસરદાર રહ્યા. આ લાગણી હતી પણ આપણે ત્યાં અત્યારે લાગણીઓ કરતા લુચ્ચાઓ વધી ગઈ છે.

             બીજો એક સૌથી વધુ ચર્ચાતો મુદ્દો જે આજે પણ ત્રાસ બની ચૂક્યો છે. કાશ્મીરના પ્રશ્ન વખતે જ્યારે સરદારે સૈન્ય સામે કાશ્મીરમાં જવાની તૈયારી દર્શાવી ત્યારે થોડું નહીં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. સમયસર લશકર કાશ્મીર પહોંચ્યું અને પાડોશીની નાકમાં દમ લેવા માટે પણ સમય ન આપ્યો. આ સરદાર નીતિ હતી. જો આ નિર્ણય પણ ન લેવાયો હોત તો આજે લેહ,લદ્દાખ અને જમ્મુ હરામખોર પાડોશી પાસે હોત. એ સમયે સરદારે સૈન્યને આપેલી છૂટછાટ સામે જવાબદારી દેશની અંદર રહેલા કહેવાતા પદાધિકારીઓને જવાબ આપવાની હતી. એ સમયે નિર્ણયની નોંધ ઈગ્લેન્ડમાં બેઠેલા અંગ્રેજો લીધેલી હોવાના પુરાવા છે. ઉગ્રતાની હદમાં પ્રવેશ લીધા વગર આત્મવિશ્વાસથી કામ પાર પાડવાની તેમના ખેવના હતી. એ પછી હૈદરાબાદના નિઝામનો નિર્ણય હોય કે સોમનાથનો પ્રશ્ન. સરદાર અને સોમનાથની અનેક વાત છે પણ સત્ય વાત એ પણ છે કે સરદારે સૌ પ્રથમ વખત સોમનાથના રીનોવેશન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. આમ, સરદાર એક સ્વચ્છ, સમર્થ અને સંયમી નેતા હતા. આજે રાજકીય સ્વાર્થના સિક્સ પોકેટ ભરીને ખુરશી પર બીરાજતા લોકો કેન્દ્રમાં વહીવટ કરે છે.


                તેજસ્વી વ્યક્તિત્વ અને કાયમ તાર્કિક પ્રશ્નો સાથે સરદાર દેશની કાયમ ચિંતા કરતા રહ્યા છે. ભારતની વિદેશ નીતિ સમયાંતરે વાદ-વિવાદના ચક્રવાતમાં ચર્ચાતી રહે છે. સરદારને જૂનાગઢ, જમ્મુ-કાશ્મીર અને હૈદરાબાદના પ્રશ્નોથી સૌથી વધારે યાદ કરાવમાં આવે છે. પણ ઘણી સાચી વાત છે કે, સરદારે એ સમયે કહ્યું હતું કે ચીનથી ચેતવા જેવું છે. તેની ચાલ ભારત માટે સારી નથી. આજે વારંવાર ફૂંફાડા મારતા ચીનની તાસીર એ સમયે સરદારને ખબર પડી ગઈ હતી. આને તેની દીર્ધદ્રષ્ટિ કહી શકાય. અન્ય એક વાત જ્યારે જ્યારે તેઓ ગાંધી કે નેહરુંને મળતા ત્યારે પૂરા માન-સન્માન સાથે મળતા. એટલે સુધી કે જ્યારે દિલ્હીમાં નેહરુ સાથે મુલાકાત થાય ત્યારે નેહરું આગળ અને સરદાર પાછળ ચાલતા. પદની ગરીમાનું સન્માન તેમની પાસેથી શીખવા જેવું છે. આ ઉપરાંત તેઓ પોતાના દીકરીને પણ તમે કહીને બોલાવતા. ક્લિન ડિસિપ્લિન, કમિટમેન્ટ અને ટોટલ ક્લિયર માણસ. જ્યાં બળ કામ આવે ત્યા બળ અન્યથા કળથી કામ લેવાતું. તેઓ સાચા અર્થમાં વીર હતા પણ વિખ્યાતી માટે ક્યારેય વલખા નથી માર્યા.

                  આ દેશમાં બે વલ્લભ થઈ ગયા એક ધરતી બે અવતાર કહી શકાય. એક મહાભારતનો વલ્લભ અને બીજા સ્વંત્રતાના મહાસંગ્રામના વલ્લભ. આ બંને વ્યક્તિનું એક માત્ર સ્વપ્ન હતું. અખંડ ભારત. એ વખતે પણ હસ્તિનાપુર માટે લડાઈ હતી, સરદારના સમયે પણ દિલ્હી (હસ્તીનાપુર) પર રાજ કરતા અંગ્રેજો સામે યુદ્ધ હતું. બંનેની બીજી પણ સામ્યતા બંને ક્યારેય પ્રસિદ્ધિ પુરુષોત્તમ ન હતા. કૃષ્ણએ ક્યારેય નારદને પોતાના કામના પ્રચાર માટે મોકલ્યા ન હતા અને સરદારે પણ ક્યારેય મારું પ્રકાશિત કરવો એવું કહ્યું ન હતું. સરદારે તો પોતાના સંતાનોને પણ પોતાના નામનો ઉપયોગ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આજે હરખાઈ હરખાઈને વન ટુ વનમાં વાહ વાહ કરતા નેતાઓ સરદાર પાસેથી કેટલું શીખેલા છે? આજે સરદારના નામે સંગઠનવૃતિ ચાલી રહી છે જેમાં માત્ર ચાન્સ અને ચેર (ખુરશી)ની વાત છે.


                દેશહિત માટેના નિર્ણયમાં તેઓ મક્કમ હતા. એ માટે પછી જે પગલાં ભરવા પડે એ માટે તેમની માનસિક તૈયારી હતી. કાશ્મીરના પ્રશ્ને પણ સરદારે ત્રણ વખત રાજા હરિસિંહને ચાન્સ આપ્યો હતો. કાશ્મીરનો કટકો પણ પાડોશી પચાવી જાય એ તેમને સ્વીકાર્ય ન હતુ. હાલમાં રોના ઈનપુટ ગૃહખાતાને મળે છે એવું ન હતું. સરદારને પણ જાણ હતી કે અવરચંડીલો પાડોશી સખળડખળ કરે છે જેનું ધ્યેય કાશ્મીર છે. ગાંધીજી અને નેહરુને સરદારે દાવા સાથે કહ્યું હતું કે, હું કાશ્મીરનો પ્રશ્ન ઉકેલી શકું એમ છું. પણ નેહરુના કેટલાક અક્કડ અને આદર્શ સામે સરદારનું મૌન તેમને અંદરથી કોરી ખાતું હતું. સલામ છે આ ગુજરાતીને જેનું આજે અખંડ ભારતનું સ્વપ્ન યથાવત છે. વધુ એક ઈતિહાસ સરદારના નામે થવા જઈ રહ્યો છે એમાં કોઈ રાજકીય વિખવાદ ન થાય અને સરદારના વિચારોથી આ દેશવાસીઓ તેના સાચા ફોલોઅર્સ બને એવી પ્રાર્થના. સેલ્યુટ છે સરદાર વલ્લભભાઈ પટેલ અને તેના બલિદાનને.

Wednesday, October 10, 2018

ગુજરાતમાં પ્રાંતવાદનું ઝેરઃ હિંસા, હોબાળો અને હૈયાતી સામે સવાલ


અઠવાડિયા પહેલા જ અહિંસાના પૂજારી ગાંઘીજીની 150મી જન્મજયંતીની ઘામઘૂમથી ઉજવણી કરવામાં આવી. એ જ ગાંધીના ગુજરાતમાં હિંસાના રાક્ષસે ફફડાટ પેદા કરી દીધો. આ ભય કોઇ સ્થાનિકો નહીં પરંતુ, બીજા રાજ્યમાંથી આવેલા પરપ્રાંતિય લોકોમાં એક ખૌફની સ્થાપના કરી દીધી. ગુજરાતમાં સબ સલામતના દાવા ફરી એક વખત પોકળ સાબિત થયા. જોકે, ગુજરાત વૈવિધ્ય ધરાવતું રાજ્ય હોવાની સાથોસાથ ધટનાપ્રધાન રાજ્ય છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. થોડા અઠવાડિયા પહેલા 23 સિંહના મોતથી જૂનાગઢથી લઇને ગાંધીનગર સુધી વગર ચોમાસે વીજળી પડી હોય એવી ગતિથી દોડધામ મચી ગઇ. દેશ વિદેશમાંથી નિષ્ણાંતોની ટીમે ગીરમાં ધામા નાંખ્યા. નોંધવા જેવી વાત તો એ છે કે, વન વિભાગને દેશની પ્રતિષ્ઠ સંસ્થાએ સીડીએમ વાઈરસ અંગેની વોર્નિગ આપી હતી. પણ રાજ્યના કેટલાક "ખાતા"ઓમાં હોતી હૈ ચલતી હૈ જેવું ચાલ્યા કરે છે. મૂળ વાત પરપ્રાંતિઓ પર, એક દિવસમાં સાત હુમલાની ઘટનાથી મચી ગયેલા હોબાળાનો અવાજ છેક ઉત્તર પ્રદેશ અને બિહારના મુખ્યમંત્રીઓ કાન સુધી પડધાયો છે.


જેની સીધી અસર ગુજરાતની આવનારી ચૂંટણી પર થાય એવી પૂરી શક્યતાઓ છે. ગુજરાતના અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં થઇને પરપ્રાંતિયો પર હુમલાની કુલ 45 જેટલી ઘટનાઓ બની છે. જેના મૂળમાં સાબરકાઠાના ઢૂંઢર ગામમાં બનેલી 14 માસની બાળકી સાથેના કુકર્મની ઘટના છે. જેની આફ્ટર ઈફેક્ટ અમદાવાદથી લઇને સુરત સુધી આવી છે. જ્યાંથી ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો ગુજરાતને ગુડ બાઇ કહી ચૂક્યા છે. એક જ સપ્તાહમાં 70 ટકા મજૂરો રાજ્યમાંથી રવાના થઇ ગયા છે. બીજી તરફ શાખ સાચવવા પ્રયત્નીશીલ પોલીસે ખાતરી આપી છે કે, સબ કંટ્રોલ મે હૈ.  ઉત્તર પ્રદેશ અને બિહારથી દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાત કમાણી કરવા આવે છે. રાજ્યમાં ભલે શિક્ષિત બેરોજગારી હોય પણ આ મોટાભાગના અભણવર્ગને રોજગારી ગુજરાત જ આપે છે. 

અસ્તિત્વને અસ્થિર કરી દે એવી વાત એ છે કે, આ મજૂરોને કલાકના પૈસા ગુજરાતી શેઠીયાઓ આપે છે. કારણ કે સસ્તી મજૂરી સામે લાંબો અને મોટો ફાયદો આ લોકો જ કરી આપે. ઉપરાંત, કલા-કારીગીરી અને હુન્નરબાજ હોવાને કારણે પૈસા કમાઈ જાણે છે. જોકે, સામ્યતા એ પણ છે કે જે કામ આપણા ભણેલા-ગણેલા લોકો પરેદશમાં કરે છે એ કામ આ લોકો રાજ્યમાં કરે છે. ફેર એટલો જ છે કે ત્યાં ડૉલર છે અને અહીંયા તેની સામે તળિયા ધસતો રૂપિયો છે. ખલિલ ધનતેજવીનો એક સરસ શેર છે. એ માસ્તરની રીત ક્યાં ખોટી હતી? હાથમાં એના સોટી હતી. ફર્ક એ જ છે તારામાં અને મારામાં દીકરા, આજના રૂપિયા કરતા એ મારી પાવલી મોટી હતી. રાજ્યમાં સબ સલામતનું સિગ્નલ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. બીજી તરફ વાસ્તવિકતા એ પણ છે રાજ્યમાં ક્રાઇમ રેટ વધે છે ત્યારે કોઇ પ્રાંત કે પ્રદેશનો રેશિયા કાઢતું નથી. ક્રાઇમ ક્રાઇ હોય છે.



શિક્ષણ, શિસ્ત અને શાંતિમાં માનનારા ગુજરાતમાં એક જ ઘટનાએ છબીના છોતરા કાઢી નાંખ્યા. મોબાઈલ હાથમાં આવ્યા બાદ હથેળીમાં મંગળની યાત્રા કરનારાઓને બુદ્ધિ સાથે બારગાડાનું છેટું થઇ ગયું. ચતુર શેઠીયાઓ આ પ્રજા પાસેથી બળથી નહીં કળથી કામ લેતા. રાજ્યમાં કોઇને મહેનતનું કામ ભાગ્યે જ કરવું હોય છે. આમ પણ રાજ્ય અનેક રીતે કામ કરવા માટે "સેફ" જ નહીં  રેડકાર્પેટ સમાન છે. અસ્તિત્વની ઘાર કાઢવા અને સિદ્ધ થવા માટે આ ભૂમિ ખુબ ફળદ્રુપ છે. જ્ઞાનનો અભાવ હોય ત્યાં ઉશ્કેરનારાઓ તૈયાર જ હોય. માત્ર અમદાવાદમાંથી જ 17 લાખ લોકોએ અલવિદા કહી દીધુ. આ એક એવી ધટના બની જેમાં શેઠ અને મજૂર બંનેના પેટ પર પાટું લાગ્યુ. છેલ્લા ત્રણ દિવસમાં ઉદ્યોગોની સ્થિતિનો વિચાર કરો ત્યા માનસિક રીતે સોજો ચડી જાય એવા હાલ છે. જોકે, રીસર્ચ કરવા જેવો મુદ્દો એ પણ છે કે, શાંતિભર્યા માહોલમાં જ્યા પેટનું માંડ પુરુ થતું હોત ત્યાં બીજા પ્રાંતમાંથી આવીને રાજ્યની સંસ્કૃતિ કોણ બગાડે? આ ધટનાની અસર ચૂંટણી આવતા ભલે ઓસરી જાય પણ તહેવાર ટાણે અસામાજિક તત્વોએ કરેલી ટકોર વાસ્તવિક ટ્રિગરનું કામ કરી ગઈ. ગુજરાત આમ પણ વૈવિધ્યભર્યું રાજ્ય છે. નવીનતાને આવકારે છે અને ઉજવે પણ છે. ત્યાં પ્રાંતવાદનું ઝેર ફેલાવીને હોબાળો મચાવવાથી કીચડ ગુજરાતીઓની છબીને જ ઉડવાનું છે. પણ ગુજરાત શાંતિપ્રિય, નવીનતાને આવકારતુ અને સુખી રાજ્ય છે, હતું અને રહેશે. જે સતત નવા આઇડિયાને આવકારે છે.

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...