Monday, January 30, 2017

વસંતઃ વૈવિધ્ય, વિદ્યા અને વ્હાલની ઋતુ

વસંતઃ વૈવિધ્ય, વિદ્યા અને વ્હાલની ઋતુ

           સૌદર્ય સાર્વત્રિક છે. એ પછી પ્રકૃતિનું હોય કે પરમાત્માનું, બ્યુટી છે ત્યાં બગિચા જેવી ભીનાશ હૈયા અને મનને સ્પર્શે ત્યારે એક હુંફ અનુભવાય છે. સ્થાપત્યોની કલાકૃતિથી લઇને કુદરત સુધીના વિશાળ અવકાશમાં ઐશ્વર્યનું આલિંગન અબુધ માણસને પણ મંત્રમુગ્ધ કરી દે. સતત બદલતી સૃષ્ટિને સોળે કળાએ ખિલવાની મૌસમ એટલે વસંત. વ્યક્તિને જન્મદિવસ ભલે વર્ષના પ્રથમ દિવસે આવે પણ વિદ્યાની દેવીનો જન્મદિન એટલે પ્રકૃતિમાં આવતું પરિવર્તન. મહાસુદ પાંચમના દિવસે વિદ્યાદેવી મા સરસ્વતિનો હેપી બર્થ ડે. ઉનાળાનો મધ્યાહન અને શિયાળાની સવાર કરતા પણ વધુ મોહક અને મનમાં મહેફિલ જમાવી દેનારી ઋતુ. વસંત એટલે પ્રકૃતિનું વૈવિધ્ય, કુદરતનો વૈભવ, જગતના સર્જકનો સૃષ્ટિમાં રંગ પૂરવાનો પિરિયડ, ખિલી ઉઠતું સૌદર્ય. આપણે ત્યાં જૂન અને જૂલાઇ એટલે શૈક્ષણિક સત્રનો આંરભકાળ પણ જ્યારે ગુરુકુલ પ્રથા હતી તેમજ આશ્રમ અનુભવની પાઠશાળા હતી ત્યારે વસંત પંચમી એટલે રાજનંદનથી લઇને રંકવર્ગ સુધીના બાળકોનો એડમિશન ડે. જ્યાં પાંચમથી પ્રારંભ થતો. કપાળ પર તિલક કરીને નાની નાની આંગડીઓમાં પેન કે મોરપંખ પોરવીને લખવાનું શિખવવામાં આવતું. આજની ભાષામાં કહીએ તો પ્રવેશોત્સવ. પરતું, કઠણાય સાથે કહેવું પડે કે આજના વિદ્યામંદિરોમાં અક્ષરજ્ઞાન અપાય છે આત્માજ્ઞાન નહીં. લખવાનું શિખવાડવામાં આવે છે પણ શું લખવું, કેવું લખવું અને કેમ લખવું એ કોઇ નથી શિખવાડતું.


        ભગવાન શ્રી કૃષ્ણએ વસંત પંચમીના દિવસે સાંદિપની શાળામાં એડમિશન લઇને એજ્યુકેશન લીધેલુ. મા સરસ્વતિની પૂજા કરેલી. મહા માસની પાંચમના દિવસે બ્રહ્માજીએ સૂકાયેલી ધરતી પર છંટકાવ કર્યો. માને પ્રાર્થના કરી કે શ્વેત જેવા ઉજળા જ્ઞાનના ઝરણાને વહેતું કરો. ત્યારથી શરૂ થઇ વસંત પંચમી. આ ઋતુમાં પ્રકૃતિને પર્ણો ફૂટે, નવા ફૂલ આવે, બ્યૂટી ઓફ નેચરના દર્શન થાય, આકાશમાં અવનવા રંગોની રંગોળી રચાય, શિયાળાનો અંતિમ તબક્કો અને અને ઉનાળાની પા પા પગલી, કેસુડો લીલાછમ પાંદડામાંથી પોતાના કલર સાથે ડોકિયું કરે, ગાર્ડનમાં વેરિએશન આવે. વસંતઋતુ એટલે રોમેન્ટિક ઋતુ, મસ્ત બહાર ખિલી હોય ત્યાં રોમેરોમ મહેકી ઉઠે. મજા પડી જાય એવી મૌસમ, તનના તરવરાટ સાથે મનની મસ્તી. જેમાં ભલભલા કંટ્રોલમાં રાખીને બેઠેલાને કંઇક કરવાનું મન થાય. કેમેરાની ક્લિકથી લઇને સૌદર્યને શબ્દમાં કંડારવા સુધી. આ એક યુનિવર્સલ પ્રોસેસ છે. માનવીમાં કામનાનું વલોણું સક્રિય થાય કારણ કે વસંતઋતુ પ્રેમની ઋતુ છે. આ જ સમયગાળામાં વેલેન્ટાઇન ડે આવે છે. નિસર્ગનો નજારો અને ફૂલની ફ્લેવર દિલમાં રોમેન્ટિક સેક્સોફોન તથા વાયોલીન વગાડે છે.


         વસંતના રંગોનું વૈવિધ્ય છે જેને યંત્રવત જીવનમાંથી સમય કાઢીને, શેડ્યુઅલને સાઇડમાં મૂકીને, મોબાઇલ સાઇલન્ટ મોડ કરીને માણવું પડે. પાનખર પછીની વસંત એટલે નેચરનો નવો જન્મ. કુદરતની વાઇબ્રન્ટ સમિટ જ્યાં કોઇ એમઓયુ નથી. ઓનલી એજોન્યમેન્ટ છે. બંગાળમાં આજે પણ પાંચમપૂજા થાય છે. જે દિવસે સરસ્વતિનું પૂજન કરવામાં આવે છે. ખુચુરી અને પાઓશ (ખિચડી અને ખિર)નો પ્રસાદ ધરવામાં આવે છે. પ્રકૃતિના તત્વોમાં પીડાશ એટલે કે યલો ટોન આવે એટલે સમજવું કે વસંત આવી છે. પીળો રંગ આ મૌસમની ઓળખ છે. હોળી માનવનિર્મિત રંગોની ઋતુ છે. જ્યારે વસંત કલરની અંદર અવનવા શેડ્સની ક્રિએટિવિટી છે. એટલે જ વસંતને વસંતોત્સવ કહેવાય છે, ઉજવાય છે. જાણે ઝાડ, ફૂલ કે ડાળીઓના ઘરે ઉજાણી થઇ રહી હોય. જેમાં હવા સંગીત વગાડવા માટે ઝાડરૂપી ગીટારને બિટ કરે. કુદરતી અવાજ રણઝણે, જેના કોરસમાં કોયલનો ટહુકો, સુકાયેલા ખરી પડેલા પાંદડાઓની ખરખરાટ. આવું મ્યુઝિક તો કોઇ અતિ આધુનિક વાદ્યમાંથી પણ ન જન્મે. ઇમારતોના વનમાં અને કોંક્રિટના અવ્યવસ્થિત ગોઠવાયેલા કિચડમાં આ નજારો જોવા માટે ગુગલમાં લોકેશન શોધવું પડે. કારણ શહેરો સ્માર્ટ થતા ગયા એમ કુદરતી વસ્તુઓનો કચ્ચરઘાણ નીકળી ગયો. બસ વહેલી સવારે ચા-કોફી-દૂધના કપને હાથમાં ઝાલીને બારીમાંથી જોવા મળતો શિયાળો આ પૂરતા મર્યાદિત બન્યો છે.


        પંડિતો, બ્રાહ્મણો તથા જ્યોતિષો લગ્ન, સગાઇ કે સગપણ આ વસંત પંચમીના દિવસે ગોઠવાય એવો આગ્રહ રાખે છે. ઋતુઓ લિમિટેડ ટાઇમમાં બદલાય છે પણ દિલમાં વસેલી વ્યક્તિ અને વૈવિધ્યની યાદો આખી જિંદગીને ગોલ્ડન પરિયડમાં પરિવર્તિત કરે છે. આ સિઝનમાં અનુભવ ઇન્દ્રિયોને મળે છે જ્યારે અનુભૂતિ આત્માને થાય છે. જ્યાં કોઇ લોજિક ચલાવવું ન પડે તે બ્યૂટી. જેમાં લોટાણી કરીને તરબતર થવાનું હોય. બ્યૂટીના ક્વોટેશન અને કવિતાઓની ઢંગધડા વગરની ઠોકમબાજી નહીં પણ રમણીય રૂપની રંગાયેલી આંખો. નિસર્ગનું યૌવન, તીવ્રતા તેમજ આનંદ. આજની વલ્ગારિટી અને વિશાળ વાયોલંસે નિખાલસ પ્રેમની પથારી ફેરવી નાંખી છે. વ્યહારમાં વ્હાલ અને દિમાંગમાં દાવપેચ, આશીર્વાદની અવ્યવસ્થિત ભેળસેળ અને ખોટા આવેગના જ્વાળામુખીથી બે માણસ વચ્ચે સંવેદનાઓ લાવામાં બળી ગઇ છે. ઇમોશન ડિસ્ટન્સમાં ડિવાઇડ થઇ રહ્યા છે.

            આપમેળે ઉગવાનું અને આગળ વધવાનું સૂચન વસંત આપે છે. જીવનને હરિયાળુ રાખીએ તો વૈવિધ્ય આપમેળે ઉઘડશે. જ્યાં લેક્ચરની લાપસી નહીં સંવેદનાઓનું શિરામણ થશે. વેદકાલિન પર્વ ધરાવતી વંસતઋતુ ભલે મૌસમના રાજા સ્થાને હોય પણ તે રૂઆબની જગ્યાએ લવ મેસેજ આપે છે. સગવડ, સમૃધ્ધિ અને સુખ મળી રહેશે પણ સંવેદનાઓની સર્કિટને સોલિડ રાખવા માટે વસંત અનિવાર્ય છે.

આઉટ ઓફ બોક્સ
જેટલીની પોટલીમાંથી નીકળનારુ બજેટ દેશના દરેક વર્ગમાટે છપ્પનભોગ જમી શકે એવી આશા 


Saturday, January 21, 2017

ઉત્તર પ્રદેશઃ વાત વિકાસની અને સમીકરણો જ્ઞાતિઓના

ઉત્તર પ્રદેશઃ વાત વિકાસની અને સમીકરણો જ્ઞાતિઓના

                  અખિલેશ યાદવને અર્જુન પદે અને રાહુલ ગાંધીને સારથી કૃષ્ણ પદે દર્શાવતી તસવીર વાયરલ થયા બાદ સ્પષ્ટતા એ છે કે, કોંગ્રેસ સાથે વાટાઘાટ આગળ વધશે. એલઆરડી સાથે કોઇ વ્યવહાર નહીં થાય. દેશના સૌથી મોટા અને વધુ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં માહોલ ચૂંટણલક્ષી બન્યો છે. યુપીના ફલક પર પ્રાદેશિક પક્ષોના દાવપેચ સત્તા માટે શરૂ થઇ ગયા છે. જેમાં અખિલેશ અને મુલાયમના પતંગની દોર પારિવારિક અને રાજકીય વિચારમાં ગુંચવાય છે. રામગોપાલ પર કાતર મૂકાયાના અહેવાલથી ધારાસભ્યોને પસંદગીની મોકળાશ મળી છે. ચૂંટણીની જાહેરાત થતા સત્તા સંગ્રામ શરૂ થયો એવામાં યાદવ પરિવારમાં આતંરિક ક્લેશ વિરોધપક્ષ માટે અવસરરૂપ બની રહ્યો. સર્જિકલ સ્ટ્રાઇક વિશે મૌન રહેનારા પીએમ એકાએક બોલકા બની ગયા. નોટ'બંધી' થઇ પણ પ્રધાનમંત્રીની વાચાને અવકાશ જેટલી વ્યાપકતા મળી. આ નિર્ણયથી વિપક્ષોના વળતા પ્રહારમાં અલ્પવિરામ મૂકાયો છે. પ્રવચન હોય કે સભા સંબોધન, કાયમ માટે મુદ્દાઓ વિકાસના ચર્ચાય અને વ્યૂહરચના જ્ઞાતિઓના આધારે ગોઠવાય. દલિત, મુસ્લીમો, સવર્ણો, પટેલો અને અન્ય જ્ઞાતિઓ સહિત તમામ વર્ગોને આવરી લેવા ઉત્તર પ્રદેશમાં અવનવા ઉપાયોની આજમાઇશ પાછળ અસ્તિત્વનો ભય સ્પષ્ટ વર્તાય છે.

           ઉત્તર પ્રદેશ, મણિપુર, પંજાબ, ગોવા અને ઉત્તરાખંડના ચૂંટણી પરિણામ નરેન્દ્રભાઇની દિશા નક્કી કરશે એમાં કોઇ બે મત નથી. અખિલેશની સંચાલન આવડતનું પ્રમાણપત્ર દાવ પર છે ત્યારે જ્ઞાતિ આધારિત સર્વે ભાજપને સીધી રીતે અસર કરશે. આ ઉપરાંત મોંધવારી, નોટબંધી અને કેન્દ્રની યોજનાઓના અમલીકરણ પાછળની સમસ્યાઓને દરેક પક્ષ પોતપોતાની રીતે નકારાત્મકતાથી ગજવશે. ઉત્તર પ્રદેશ દેશની રાજનીતિનું 'કેન્દ્ર' છે. મોદીનું વારાણસી યુપીમાં આવેલું છે. જ્યારે લખનઉ પોતાનું એક રાજકિય મહત્વ ધરાવે છે. વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવ માટે જીતના પાસા ગોઠવનાર સ્ટિવ જાર્ડિગ છે. જે મત માટેની વ્યૂહરચના ઘડે છે. હવે ફોરેનનો નિષ્ણાંત ફળિયામાં ચાલતા વાટકી વ્યવહારને કેટલો અને કેવો સમજી શક્યો છે એ પરિણામ કહેશે. જ્ઞાતિનો રણકો રેડવીને વિકાસના બેનર નીચે કેટલાય સમીકરણો બદલાશે. કોઇ પણ રાજ્યની ચૂંટણી હોય પ્રાદેશિક પરિબળો અને જ્ઞાતિઓની માનસિકતા ચૂંટણીને ક્રિસ્પી બનાવે છે. દાવેદાર હોય કે ઉમેદવાર, પરિવાર અને પ્રભાવનો પ્રકાશ મતદાતાઓને પહેલા સ્પર્શે છે. પ્રથમ જ્ઞાતિ આધારિત અને પછી ધર્મના ટેકે વોટનું માસ્ટર પ્લાનિંગ થાય છે. પછી વાત વિકાસ અને કરેલા કામની આવે છે. આ સાથે જ્યાં વસ્તી વધુ હોય ત્યાં સ્થાનિક પાસાઓનો ઉલ્લેખ કરવો પડે. સમસ્યાઓ હોય કે સિધ્ધિ જ્ઞાતિસમુહ અને રાજકિય પક્ષોનું ટ્યુનિંગ એક અસર ઉભી કરે છે.

                  ઉત્તર પ્રદેશમાં દાદરીની ઘટની બાદ એકજુથ થયેલા દલિતોએ રાજકિય રંગ સમજી લીધો છે. એક સમયે ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણો એક તરફ થઇ જાય તો પાસુ પલટી જાય એમ હતુ. આ વખતે મુસ્લીમો, દલિતો અને યાદવજ્ઞાતિ પ્રમુખ છે. રાષ્ટ્રનો પક્ષ હોય કે પ્રાદેશિક પક્ષ, ઉત્તર પ્રદેશમાં વિજયકુચ પાછળ જ્ઞાતિજુથ જવાબદાર છે. વર્ષ 2014ની ચૂંટણી વખતેની મોદી લહેર નોટબંધીના નિર્ણયથી ઠરતી ઉષ્માની માફક ઓસરી રહી છે. સપા અને કોંગ્રેસના મહાગઠબંધનની શક્યતાઓ સામે મેટ્રોપ્રેમી ભાજપ શહેરમાં સંઘર્ષ કરે છે. શાહના સણસણતાના ચાબખા સામે ઉત્તરપ્રદેશના ગ્રામ્યક્ષેત્રની વાસ્તવિકતા જુદી છે. જ્ઞાતિજૂથનું જોડકણું સમજીએ તો યુપીના કુલ યાદવોમાંથી 75ટકા યાદવો અખિલેશને જ્ઞાતિભાયુની રીતે ટેકેદાર છે. જ્યારે બસપા પાસે 78 ટકા જાટ સમુદાયનું પીઠબળ આજે પણ છે. ભાજપના પ્રભાવના અનુસંધાને યુપીની તમામ જ્ઞાતિઓનું મિશ્રણ જવાબદાર છે. 2014 વખતે મોદી-ભાજપ પાસે એકતા હતી અને પોતાનો એજન્ડા હતો. આજે કમળમાં વિખવાદ છે. પાંદડીઓ ટાકવવા હાઇકમાન્ડના હુકમને મને કે કમને કેડવાળીને સ્વીકારવું પડે છે. જ્યારે ખેડૂતો તથા દલિતોના સવાલોને લઇ કુદી પડતી કોંગ્રેસ પાર્ટી માટે સર્વત્ર પડકારનો પ્રશ્ન જ નહી પણ એવરેસ્ટ જેવડા પહાડ છે.

              જ્ઞાતિ સમુહોને રિઝવવા અન્ય સ્થાનિક પક્ષો પણ સ્પર્ધામાં છે ત્યારે લખનઉથી લઇને દાદરી સુધી અવિશ્વાસની અવસ્થા હાજરી પૂરે છે. પક્ષ ગમે તે હોય, કોઇ પણ જ્ઞાતિના યુવાઓને બેરોજગારી, મોંધવારી અને ભ્રષ્ટાચાર દાઢમાં જામી ગયેલા સડાની જેમ ખૂંચે છે. નેતા યુવાન હોવાથી કોઇ ફરક નથી પડવાનો વિચારધારા યુવાહૈયાઓને સ્પર્શે તો ઘણ ફેર પડે એમ છે. કારણ કે વોટરમાં યુવાવર્ગ પણ છે. પ્રજાને પક્ષમાં નહી પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એવા ઓલરાઉન્ડરમાં રસ છે. તીર મારીને તખ્તો પલટાવનાર ગેમ ચેન્જરમાં નહીં.




Monday, January 09, 2017

કોહલી કિંગ અને કુલ કેપ્ટનનું ક્રિકેટ

કોહલી કિંગ અને કુલ કેપ્ટનનું ક્રિકેટ

                            ધોનીએ છોડેલી અચાનક કેપ્ટનશીપના નિર્ણયથી ક્રિકેટ ચાહકોને ઓચિંતો આચકો લાગ્યો છે. જ્યારે કોહલીને મળેલી કેપ્ટનશીપની પદવીથી ઇન્ડિયા ટીમના શુભચિંતકોમાં નવું જોમ રેડયું છે. ધોની અને સવાલની શ્રેણી તેમના દરેક નિર્ણય સાથે માણસ સાથે પડછાયો પીછો કરે એમ સતત પાછળ થતી રહે છે. ખાસ કરીને ધોનીના લગ્ન વખતે, ધોનીએ ટેસ્ટમાંથી લીધેલી વિદાય વખતે અને અંતે કેપ્ટનશીપમાંને અલવિદા કહેતી વખતે. આ તમામ નિર્ણયોમાં સરપ્રાઇઝ હતી. તેમના દરેક નિર્ણય પાછળ એક મક્કમતા અને મેચ્યોરિટી હતી. આવનારા કોઇ પણ કેપ્ટનને નવી ટુર્નામેન્ટમાં પૂરતી તક મળી રહે તે હેતુથી લીધેલો નિર્ણય ધોનીના કુલ ફેક્ટરમાં વધારો કરે છે. ટીમના સિનિયર્સો માટે ભલે નિર્ણયની સારીનરસી વાત થતી હોય પણ ટીમના દરેક ખેલાડીઓ માટે ધોનીનું સ્થાન આજે પણ દિલોદિમાંગમાં કેપ્ટન તરીકેનું જ રહેશે. મહેન્દ્રસિંગના ડિસિઝન વખતે દરેક ક્રિકેટજગતના મહારથીઓએ ટહુકીને (ટ્વિટ કરીને) પોતાના વિચારોને શબ્દો આપ્યા. છોડવા પાછળના અંગત કારણો હોઇ શકે પણ દુનિયાના કોઇ પણ વ્યક્તિ માટે કંઇ પણ છોડવું ક્યાંકને ક્યાંક કઠિન તો હોય જ. જ્યારે અહીંયા તો સંચાલન છોડવાની વાત હતી.

               કેપ્ટનશીપ વખતે નિર્ણયથી ગેમમાં આવેલા પરિવર્તનોની નોંધ અનેક વખત ચર્ચાનો મુદ્દો બની રહી. જ્યારે ટીમની વ્યૂહરચનાઓમાં પણ મહેન્દ્રની મહાનતા અને મોટાઇના દર્શન થયેલા. મેચની હાર હોય કે જીતનો જશ્ન. ધોનીના ચહેરા પર એક સ્થિરતાના ભાવ એક સરખા જ રહ્યા છે. યાદ કરીએ વિશ્વકપની મેચ. ક્રિકેટની રમત હોય કે રાજનીતિ સંચાલન છોડવા માટે બાંવડામાં તાકાત જ નહીં પણ હૈયામાં હિમ્મત જોઇએ. કોર્પોરેટ જગતની વાત હોય કે પેઢિના નિર્ણયો, પડતા મૂકવા માટે મનની અડતા જરૂરી નહીં પણ અનિવાર્ય છે. જે માહીમાં જોવા મળી. કેપ્ટનના ક્રિકેટમાં સાઇલન્ટ શુટિંગ ગન જેવી તાકાત હતી. મેચનું પાસુ પલટાવવામાં માત્ર બેટિંગ જ નહીં પણ યોગ્ય સમયે બોલરને ચાન્સ આપવાનું પણ રિસ્ક જોઇએ. ધોનીએ સાબિત કરી બતાવ્યું કે નવી પેઢિ ટેલેન્ટેડ તો છે પણ અનુભવની હુંફ જોઇએ સ્પર્શ નહી. તરખાટ અને તોફાનનો પણ ઉપયોગ યોગ્ય સમયે થઇ શકે એ વાત કિંગ કોહલીએ સાબિત કરી.

                         કોહલીએ ટેસ્ટ ક્રિકેટ વખતે મળેલી સતત ત્રીજી જીત વખતે કહ્યું હતુ કે ટીમ સ્પિરિટ કરતા દરેક પ્લેયર્સની અંગત મહેનત જવાબદાર છે. ધોનીના નિર્ણય વખતે ધોની અને કોહલી વચ્ચેના પ્લસ માઇન્સની ચર્ચાઓએ રફપીચ જેવો માહોલ ઉભો કર્યો. પણ કોહલીએ જ કહેલુ કે, ધોની કાયમ મારા માટે આદર્શ અને સારા કેપ્ટન જ રહેશે. નવી કેપ્ટનશીપમાં કોહલી ભલે આક્રમક રહ્યો પણ તેમની પાછળ ધોની પાસેથી શીખેલા પ્રકરણો અને ટીમ સ્ટ્રેટેજીની ઝાંખી અંદરખાને જોવા મળશે. જાન્યુઆરી મહિનામાં નવા વર્ષની ભલે શરૂઆત હોય પણ ધોની માટે સુકાની પદની વસમી અને કાયમી વિદાયનો મહિનો રહ્યો છે. આ વખતે પ્રથમ વખત ધોનીના બદલે કોહલી ટી-20 ટુર્નામેન્ટનું નેતૃત્વ કરી રહ્યો છે. ક્રિકેટ ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓમાં કોહલી મેચના દરેક ફોર્મેટમાં પોતાનો બેટિંગ પાવર દેખાડી ચૂક્યો છે. ધોની અને કોહલી વચ્ચેની બેટિંગ પાર્ટનર શીપમાં મેચમાં રનનો ખડકલો થયેલો એના પણ પુરાવા છે. યાદ કરો ટી-20 ચેમ્પિયન ટ્રોફી. ધોનીએ કરેલા કામ પાછળ આપમેળે થતુ એમનું નામ જ તેમના પાવરપેક પર્ફોમન્સની સાક્ષી પૂરે છે.

                  આઇસીસીની સમગ્ર સરિઝમાં ટ્રોફી સુધી પહોંચાડનાર જ નહીં પણ ટ્રોફને ઘર સુધી લાવનાર કેપ્ટન તરીકે ધોની નહીં ભૂલાય પણ ટેસ્ટમાં પણ ભારતીય ટીમ બેસ્ટ છે તે માટેનો શ્રેણ કોહલીને આપવો પડે. બન્નેના ક્રિકેટમાં એક બાજુ કુલ મુડ છે તે સામે એગ્રેશન (આક્રમકતા) છે. સચિને પોતાના હરિફોને પોતાના મૌનથી જવાબ આપતો જ્યારે કોહલની આક્રમતા યોગ્ય સમયે હુમલો કરતી જોવા મળે. જેમ કે છેલ્લા ટેસ્ટ મેચમાં જાડેજાએ લીધેલી મહત્વની વિકેટ. ક્રિકેટ જગતમાં કોહલી સ્ટાર છે પણ ધોની ડાયમન્ડ સમાન છે. સહેવાગ, યુવરાજ, ગાંગુલી અને દ્રાવિડ કે કુંબલે આ તમામ વચ્ચે કોહલીની લોકપ્રિયતા સૌથી વધુ છે. અનુભવની દ્રષ્ટિએ ભલે આ તમામને 100 માર્ક આપવા પડે પણ એક જોખમને ફટકારનાર તરીકે કોહલીને શ્રેય આપવો પડે. એ.બી. ડિવિલિયર્સ, મેક્કુલમ આક્રમક ખરા પણ કોહલીની બેંટિગનું સાતત્ય હજુ પણ એક ગંભીરતા ઝંખે છે. તેની લયમાં ભલે વિવિધતા હોય પણ તકને ઓળખીને તહેવારમાં પલટાવવા માટે ધોની ઓલવેઇઝ બેસ્ટ.

                   સચિનની ભવિષ્યવાણી સાચી પડી રહી છે કે રેર્કોડ બ્રેકિંગની ક્ષમતા કોહલી પાસે છે તે અન્ય કોઇ પાસે નથી. ટાણું આવ્યે રોકડું પરખાવી દેતો વિરાટ સાચા અર્થમાં 'વિરાટ' સંચાલનમાં પગરવ કરી રહ્યો છે. ધોની વેલ મેચ ફિનિશર છે તો વિરાટને ટી-20 મેચ (આઇપીએલ) વધુ એક મળી હોત તો ટી-20 મેચમાં 1000રન પુરા કરનાર ખેલાડી બન્યો હોત. ધોનીને પીચ પર સેટ થતા વાર લાગે છે જ્યારે યુવરાજ મોકે ઘા કરી રહ્યો છે. જ્યારે સહેવાગ ગેમમાં પ્લેટફોર્મ બનાવે છે પણ કોહલી માટે ગમે તેવી પીચ હોય વધીને ચાર બોલમાં તે સામેવાળી ટીમને અહેસાસ કરાવી દે છે કે કિંગ આવી ગયા છે. ધોની પાસેથી ચાન્સ આપવાનું શીખવા જેવું છે જ્યારે વિરાટ પાસેથી શિસ્ત શીખવા જેવી છે.
                
                  જાણ ખાતર કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વખતે ધોની ઓસ્ટ્રેલિયાના પત્રકાર સાથે બાખડી પડ્યો હતો. વિરાટના કેસમાં આવું થયું નથી. ચેન્જ થવાનો ચાન્સ મળે તો કરી નાંખવું જોઇએ તે ધોની શીખવે છે. જ્યારે આક્રમકતાને યોગ્ય સમયે દેખાડી દેવાની શીખ વિરાટ આપે છે. ગાંગુલીનું માનવું છે કે આક્રમકતા છોડવી જોઇએ જ્યારે કોહલી ખુદ માને છે કે પાવરફુલ થવા એગ્રેશન જોઇએ. લીલની જેમ જામી ગયેલા સંચાલકોએ કોઇને ચાન્સ આપવાનું અને પોતાને ચેન્જ કરવાનું સ્વીકારવું જોઇએ. કારણ કે ટેલેન્ટને કોઇ બાઉન્ડ્રીમાં બાંધી શકાતુ નથી. યોગ્ય સમયે યોગ્ય પદ છોડવું જોઇએ એ પછી ક્રિકેટની કેપ્ટનશીપ હોય કે કોર્પોરેટ જગતની ખુરશી. રાજનીતિ હોય કે રમત. વ્યક્તિગત રીતે વ્યક્તિનું કદ વધવુ જોઇએ પદની તો અવધી પહેલેથી જ નક્કી હોય છે.

લાસ્ટ બોલ.
Life has just started now,U still can and definitely will contribute a lot to Indian Cricket.wish U all the success
ધોનીની એક ટ્વિટ

Thursday, January 05, 2017

મહેફિલે નશાઃ ડ્રિંક્સ એન્ડ ડેથ



   
મહેફિલે નશાઃ ડ્રિંક્સ એન્ડ ડેથ
        
          વડોદરાના અંખડ પાર્ટી પ્લોટમાં ખંડિત થયેલી પાર્ટીએ ગુજરાતમાં પડેલા દારૂના દરોડાના ઇતિહાસમાં પ્રથમ ક્રમ મેળવ્યો. ગુજરાતમાંથી આટલી મોટી રકમનો દારૂ પહેલીવાર ઓચિંતો ઝડપાયો. જેમાં સેલિબ્રિટી બનેલા શ્રીમંતોએ ફરજિયાત બુરખો ધારણ કરવો પડ્યો. મહેફિલમાં મદિરાપાન કરતા ગ્લેમર આઇકોન પર અણધારી આફત આવી પડી. લાગતાવળગતાએ ફોન ન ઉપાડ્યા,સૂટબુટની સરકારથી માંડીને ખાદીધારીઓ સુધીના તમામ ખુરશીપ્રમીઓના સ્માર્ટફોન અડધી રાત્રે જંગલમાં જુગનુંની આંખ ઝબુકે એમ ટમટમ થયા. ઓચિંતા આવી ચડેલા ખાખીધારીઓએ ભાગવા તો ઠીક ગુંગણામણમાં શ્વાસ લેવાનો મોકો પણ ન આપ્યો. રંગમાં ભંગ પડ્યો અને મહેફિલમાં મહેમાનોના મૂડ બદલ્યા. પકડાયેલી વસ્તુઓમાં વ્યક્તિઓ કરતા સૌથી વધુ આકર્ષણ વિદેશી ફ્લેવરની આસવ(દારૂ)ની બોટલનું રહ્યું.  

              
           કેટલાક વીરલાઓએ તો ફાવે એવો ભાવ કહીને વાસ્વિક આંકડા સાથે અણી કાઢી લીધી. જે ચર્ચા વાયુ વેગે ફેલાય. અહીં ગોઠવાય ગયુ હશે એવા શબ્દોનો એકાએક વજન વધી ગયો. દૂધના ઉભરાની જેમ આવેલા આ કેસે રાજ્યના ગૃહમંત્રાલય સુધી રજેરજનો રિપોર્ટ આપ્યો. ઘટના પણ એવા સમયે પ્રકાશમાં આવી કે રાજ્ય સરકારે દારૂબંધી સામે સખત પગલા લેવાનો નિર્ણય કર્યો. કોઇને બક્ષવામાં નહીં આવે એવો ડર છવાય ગયો. સજા જાહેર થઇ પણ સપ્લાયર્સ સેઇફ રહ્યા. આ એક પ્રસંગ પરથી વાઇન બિઝનેસ અને તેને માનવામાં આવતા એક આઇકોનિક ડ્રિંક્સની વાત છે. જે દેશમાં જ નહીં પણ વિશ્વભરમાં છવાયેલો છે. ક્યાંક સોળે કળાએ ખિલી ઉઠ્યો છે તો ક્યાંક અંધારામાં હોમ ડિલેવરી પણ થાય છે. વાઇન બિઝનેસને આલ્કોહોલિક ઇકોનોમી કહેવાય છે. દારૂબંધીના બેનર નીચે દેશના રાજ્યોએ આલ્કોહોલને ડામવા તરફ આગેકુચ કરી રહ્યા છે. બિહારમાં દારૂબંધીના ડિંડક વાગી ચૂક્યા છે. નીતીશકુમારની સરકારે દારૂબંધીનું તીર ખેંચ્યુ ત્યારે બિહારમાં અચ્છે દિનનો આભાસી વાયરો ફુંકાયો. બિહારમાં દારૂબંધી અનેક વખત ચર્ચામાં રહી ચૂકી છે. ક્રાઇમ રેટથી લઇને ક્રિમિનલ સુધીના દાયરાઓમાં દારૂ પ્રથમ પગથિયું હોવાનું કેટલીય વાર મળી આવ્યું છે. પણ આ પાર્ટીનું પીણું પરેશાની નોંતરી બેસે છે. ગુજરાત સુરક્ષિત છે કારણ એક વર્ગ પુરતુ સિમિત છે. 
 

                બિહારમાં દારૂબંધીનો નિર્ણય યોગ્ય હતો પણ સરકારી રેવન્યુની રૂ.4000 કરોડની આવક પર પાણી નહીં પણ પેટ્રોલ રેડાય એમ હતુ. રાષ્ટ્રના જે રાજ્યમાં લીંકરબેન નથી ત્યાં સરકાર ટેક્સરૂપી માધ્યમથી લિંકરલોબીમાંથી નાણા મેળવે છે. જેથી રાજ્યની આર્થિકગાડી ટ્રેક પર રહે છે. આ તમામ રાજ્યોમાં આલ્કોહોલિક ઇકોનોમી કામ કરે છે.  જ્યાં પરવાનગી મેળવવા માટે ચોક્કસ પ્રોસિજરમાંથી  પસાર થવું પડે એમ છે. ગત વર્ષે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે 20 હજાર કરોડની આવક આ બોટલ બિઝનેસમાંથી મેળવી હતી. જેમાંથી કથળતી જતી અર્થવ્યવસ્થાને વેગ આપવાના પ્રોજેક્ટ હતા. જ્યારે સરકરાની કુલ રેવન્યુમાંથી 22લ ટકાની રેવન્યુ આલ્કોહોલ સેકટરમાંથી આવે છે. પાડોશી રાજ્ય રાજસ્થાન ગુજરાતીઓનું ફરવા માટેનું પ્રિય સ્થળ રહ્યું છે. જ્યાં સરકારનું કુલ રેવન્યુમાંથી 35 ટકા રેવન્યું દારૂમાંથી આવે છે. આ તમામ નાણા ટેક્સમાંથી મળતા હોવાથી નાના મોટા પ્રોજેક્ટના ખર્ચા નીકળે છે. આ થઇ આવકની વાત હવે કરીએ અકુંશની વાત, દિલ્હી, બિહાર, કેરાલા, તમિલનાડુંમાં લિંકર લોબી પર રાજ્ય સરકારનો પુરો અકુંશ છે. ટેક્સનો વધારો ઘટાડો હોય, રાજ્ય સરકારનું બજેટ હોય કે ડ્રાય ડે હોય. તમામ નિર્ણય રાજ્ય સરકારના આદેશ સમાન હોય છે જેને ચુસ્ત પણ આ લિંકરલોબી ફોલો કરે છે. આપણે ત્યાં લગ્નની સિઝન હોય, લોકશાહીનું પર્વ હોય, થર્ટી ફસ્ટ હોય કે હોળ-દિવાળી જેવા તહેવાર હોય વાઇનની વ્યાપકતા ડેરી ઉદ્યોગ કરતા પણ વિશાળ છે. શિયાળામાં આ માર્કેટમાં એકાએક તેજી આવે છે. ખાસ કરીને શિયાળાના ચાર મહિનામાં આલ્કોહોલિક ઇકોનોમિક્સમાં જબરો ઉછાળો આવે છે. છાનાખુણે છાનગપતિયા. ચૂંટણી નજીક આવતા ચવાણાપાર્ટી અને પ્રસંગોપાત બુટલેગરોની અમી દ્રશ્ટી હોય છે. શાંતિ, સલામતી અને સુરક્ષાના બાહુબલીઓએ આ માધ્યમને તોડવાની જરૂર જ નહીં પણ અનિવાર્યતા છે.

                 લિંકર સાઇડ એક એવી વસ્તુ છે જ્યાં બધાને બધી ખબર હોય છે. ગુજરાત બોર્ડરની આસપાસ ગુજરાતીમાં બારના બોર્ડ લાગેલા છે. દેશનું કોઇ પણ સ્ટેટ હોય ક્રાઇમ રેટના વધારા પાછશ આલ્કોહોલ ફેક્ટર પ્રબળ જવાબદાર હોય છે. જેને ડામી શકાય છે. જે અશક્ય નથી પણ અંખડિત ઇચ્છાશક્તિ અને લોખંડી ટીમ જોઇએ. સુરક્ષિત ગણાતા રાજ્યમાં નિર્ણયો ભલે કડક લેવાય પણ અમલવારી સખત જોઇએ. હવે થોડું નિરિક્ષણ. દારૂ એક એવું પીણું છે જેને ઓફર કરવા માટે કોઇ ફ્લેવર પૂછવામાં આવતો નથી. બસ એટલું પૂછાય છે કે પીવું છે?. ડ્રિક્સની દુનિયામાં બસ એટલી જ ઓફર પુરતી છે કે વ્યવસ્થા છે, 31મી ડીસેમ્બરે પાર્ટી દુનિયાભરમાં હોય છે પણ આપણે ત્યાં આ શબ્દોનો અર્થ બદલી ગયો છે. પાર્ટી એટલે...... ડ્રિંક્સ એટલા બેફામી તત્વના સ્પર્શથી ખુવારી. શરીર અને સંસારની બદનામી એડવાન્સમાં. લિમિટલેસ જલસા પાછળ ટલ્લીનો માહોલ જોવા મળે છે ત્યારે શરીર ભોગવે છે. એક વેબસાઇટે કરેલા સર્વેના આધારે દરરોજ 15 વ્યક્તિઓના મોત ડ્રિક્સથી થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં લિંકરફ્રી સ્ટેટમાં જેટલી સંખ્યાઓ ગ્રામ્ય વિસ્તારમાં વધે છે એટલી શહેરી વિસ્તારમાંથી વધતી નથી.

           સ્વ. જયલલિતા જ્યારે ચોથી વખત સત્તા પર આવ્યા ત્યારે તમિલનાડુંમાં આલ્કોહોલથી થયેલા ક્રાઇમ અને મોતનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સીએમએ એક જ સપ્તાહમાં 50થી વધુ દારૂપીઠા પર ધોંસ બોલાવવામાં આવી. 500થી વધુ દારૂના સેલિંગ અને પ્રોડક્શન યુનિટ પર કાયમી સીલ લગાવવામાં આવ્યુ, કેરાલાના કોઇ પણ લેન્ડમાર્ક પર જાવ કે કોઇ પાર્કની આસપાસ આંટો મારો સેલિંગ પણ પ્રોફેશનલ વે માં થાય છે. પણ કોઇ ખાલી બોટલ પણ જોવા નહીં મળે ગમે ત્યાં ફેંકો એમની સામે કડક શિક્ષાત્મક પગલા લેવાય છે. ત્યાંની ગમે તે ફાઇવ સ્ટાર હોટલમાં પીવા માટે પરમીશન પૂછશે. પ્રાદેશિક હિંસા, સાંસારિક ક્લેશ અને માંદગી પાછળ 70 ટકા આલ્કોહોલનું અસ્તિત્વ જવાબદાર છે. એવુ સર્વે કહે છે. બી સેઇફ...ચીઅર્સ વીથ હેપીનેસ

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...