Monday, September 12, 2016

વિકાર, વિવાદ અને વિખવાદનું વિસર્જન થવું જોઇએ.


                        ભાદરવા સુદ ચોથના દિવસે વિધ્નહર્તા દેશવાસીઓના ઘરે બીરાજે છે.માત્ર વિચારથી જ નહી પણ વાસ્તવમાં પણ ક્રાંતિકારી બાળ ગંગાધર ટિળકે શરૂ કરેલો ગણેશોત્સવ માત્ર હવે કોઇ પ્રાંત કે પ્રદેશ પુરતો મર્યાદિત રહ્યો નથી. ગુજરાતના સુરતમાં નાની મોટી થઇને 80.000 જેટલી પ્રતિમાઓનું સ્થાપન થયું છે. દેશમાં એકતા અને વિચારમાં એકસુત્રતા લાવવા વિનાયકના પર્વની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. દસ દિવસના અંતે આપવામાં આવતી ભાવભીની વિદાય સાથે માત્ર પ્રતિમાં જ નહીં પણ આંખ પણ આસુંથી ઉભરાતી હોય છે. પ્રકૃતિના નિયમથી પરમાત્મા પણ બાકાત નથી. જે આવે છે તેનું જવાનું નિશ્ચિત છે.ખરેખર તો વિસર્જન વ્યવહારમાં વ્યાપેલું છે પણ જેનું વિસર્જન થવું જોઇએ એનું થતુ નથી.
Ganesh Visarjan At Mumbai, Warli
           વિસર્જન શબ્દમાં વ્યાપ નહીં પણ ઊંડાઇ રહેલી છે. સંસ્કૃતમાંથી ઉતરી આવેલા આ શબ્દનો અર્થ પાણીમાં વિલિન થવું એવો થાય છે. ગણેશચોથનું પર્વ વસમી સ્થિતિનું શાંતિથી વિસર્જન કરવાનું શીખવી જાય છે. સ્થાપનાદિન નિમિતે ઇચ્છાઓની યાદી લઇને દગડું શેઠ સમક્ષ માંગણીઓ કરીએ છીએ પણ એમના વિસર્જન વખતે આપણામાંથી શું વિસર્જીત કરીએ છીએ? જેને પાણીમાં પધરાવાનું છે એવી ચીજ વસ્તુઓની સાથે વણજોઇતા વિચારો નથી છૂટતા. માત્ર ધાગા-દોરા જ નહીં ઘતિંગ અને ડોળનું પણ વિસર્જન કરવાની જરૂર છે. વિસર્જનથી મનમાં ગોઠવાયેલા બીબાઢાળ અને જામી ગયેલી લીલવાળા ચોકઠા ખાલી થાય. પાણીમાં વહી જાય તો જ નવીનતાને આવકારો મળે. જેને યોગ્ય સમયે સ્વીકારવા પડે. દેશના સુટબુટધારી અને ખાદીધારી ભક્તો સાંસદ કે વિધાનસભાના સત્રનું વિસર્જન થાય એવા મુદ્દાઓને ધક્કો મારતા હોય છે. મહત્વના સત્રનું વિસર્જન સામાન્ય થતું જાય છે. ગરિમાં સચવાવી જોઇએ એવા સ્થાને સુત્રોચ્ચાર કરતા ભક્તો સર્જન પણ નથી કરતા અને વિસર્જન પણ નથી કરવા દેતા. વોટના નામને વિખવાદ થતો નીહાળે પણ ત્યાં શું વિસર્જન કરવાનું અને શેનું વિસર્જન કરવાનું એ વિચારે પણ નહી.
       
       નવા વર્ષની શરૂઆતમાં નિયમોને સેટ કરવાથી જીવન ભારે થઇ શકે. વિસર્જનદિને ન જોઇતું વહેતું કરીને હળવા થઇ શકાયજે વિચાર, વિકાર, વિવાદ, અભાવ, આડંબર જીદ તથા પ્રાયોરિટીથી અકળાઇ જવાતું હોય તેને વિદાય આપી શકાય. નવરાત્રિ પર્વ દરમિયાન ઉજવાતી દુર્ગા પૂજાનો અંત પણ વિસર્જનથી થાય છે. ત્યાં પણ જે બાબતો આપણને વિચલીત કરતી હોય તેને વહેતા કરી દેવાય. મહેનતકશ શરીરમાંથી પ્રસ્વેદનું વિસર્જન, મોબાઇલ રિચાર્જની સ્કિમની પણ એક વેલિડિટી હોય છે જેને તે સમયગાળામાં ઉપયોગમાં ન લેવાય તો આપ મેળે એનું પણ વિસર્જન, કોઇ પણ સારા કામના હવનમાં હાડકાનાંખીને તે ક્ષણનું વિસર્જન કરવામાં પક્ષો પાવરધા છે જ, વિસર્જન મોબાઇલના એક નોટિફિકેશન સમાન છે જેને યોગ્ય સમયે નિયત અવધીમાં જોવું પડે- જાણવું પડે અન્યથા વેળા વહી જાય પછી અહેસાસ થાય.
                 પંચમહાભૂતમાં પાણી  સૌથી પવિત્ર છે અને ગણપતિ પાણીના આરાધ્ય દેવ છે. દેવાનું નિવાસસ્થાન જળ છે. તેથી જ તેને જળમાં વિદાય આપવામાં આવે છે. પાણી જેવી પારદર્શિતતાને સ્વીકારવાનો સંદેશો વિસર્જન પાઠવે છે. પરંતુ, આપણે ત્યાં તંત્રના ડહોળાયેલા પાણીના લીધે ટ્રાંસપેરન્સી સમાજના ગુગલમાં શોધવી પડે. સૃષ્ટિ અને સમાજનો આકાર બદલાના સ્થાને વિકાર તેમજ વેરની વળ છૂટે તો વિસર્જનપર્વ સાર્થક થયું ગણાય. વૈવિધ્યપ્રેમી માણસના સ્વભાવ પણ જૂદા છે પણ જેમ દરેક ગણપતિમાં એકસુત્રતા છે એવી વૈચારિક યુનિટી દેશ માટે અત્યારે અનિવાર્ય છે. માણસ વિખવાદના દરિયાનો તરવૈયો બની ગયો એટલે જ વિવાદિત થતો ગયો. એક નિર્ણય કરીએ જેટલી નકારાત્મકતા છે એનું વિસર્જન કરીએ.

Wednesday, September 07, 2016

સાચુ શૌર્યએ ક્ષમા આપવી

                             દુનિયાનો કોઇ પણ સંબંધ, વ્યવહાર, પ્રોજેક્ટ કે કોઇ સાથેનો રેપો ક્ષતિ વિનાનો હોય જ શકે.  એ કંઇ પણ હોય ક્ષતિ વિનાનું હોય તો એ સજીવ ન હોય. જૈન ધર્મમાં સમગ્ર જીવસૃષ્ટિની ચિંતા કરવામાં આવે છે જ્યારે અમુક કહેવાતા સંગઠન એક માત્ર એવા પશુ પર નિમિત થઇ ગયા છે. જીવ અને ભક્ષણએ એકમેક સાથે જોડાયેલા છે.યાદ કરો શાળામાં શીખેલી આહારકડી.દેડકો-તીડ ખાય, સાપ-દેડકાને ખાય પરંતુ, માનવજીવની વિચારશક્તિએ એક માત્ર સર્વ સૃષ્ટિની રક્ષણકર્તા છે. માણસને પોતાની ભૂલ થયા હોવાનો અહેસાસ થાય છે. પશુ પ્રાણીને આ સંવેદના હોત તો આહારકડી ખોરવાઇ ગઇ હોત, જંગલનો રાજા બીજાને હણીને અસ્તિત્વ ટકાવે છે જ્યારે ઇતિહાસમાં વિરાટ રાજવીઓએ ક્ષમામાંગીને અને ક્ષમા આપીને પોતાનું જ નહી પણ સમગ્ર શાસન પ્રણાલીનું ચિત્ર ઉપસાવ્યું છે. ભૂલનું યોગ્ય સમયે ભાન થવું પણ જરૂરી છે. પણ ક્ષમાનું પર્વ એટલે અજાણતાથી દુખેલા દિલને શાતા આપવી, અકસ્માતે થયેલી ભૂલની માફી માંગવાનો દિવસ.

 જીવનમાં ભૂલનો અહેસાસ થવો ઘટના નહીં પણ કરેલા કાર્યોમાં થયેલી ભૂલને બિલોરી કાચથી જોવાની ક્ષણ છે. દરેકને વ્યક્તિને પોતાના જીવનમાં પસ્તાવો થયો હશે. સંબંધો તૂટવાની આરીએ હોય ત્યારે માફીનું કેમિકલ મનમાં ફરી વળે તથા આચરણમાં આવે તો સંબંધની આવરદા તેમજ અવધી બંન્ને વધી જાય. ક્યારેક અહમના લીધે ક્ષમા માગતા મન ખચકાતું હોય છે. હું થોડી સોરી કહું?? નાની અમથી વાતમાં જતુ ન કરવાની ભાવના માણસ નથી રાખતો એટલે જ વિશ્વની એક પણ સેન્ટ્રલ જેલના બેરેક ખાલી નથી. સમ્રાટ અશોકને વિજય બનવાની લોખંડી ઇચ્છાશક્તિએ નરસંહાર જોયો પછી સમ્રાટે ધર્મના દેવસ્થાનોને મનમાં કલ્પી યુધ્ધ ભૂમિમાં હાથ જોડી લીધા. પણ આજે હાથ જોડવાનો અર્થ બદલાય ગયો છે. ક્ષમાના સાથિયા પુરવાએ વ્યવહાર નહીં પણ ભીતરથી પરિવર્તનનો ચમકારો થવો જોઇએ. ખરેખર તો જેની સાથે વાકું પડ્યું હોય તે વ્યક્તિ પાસે ક્ષમા માંગવાની હોય પણ તે વ્યક્તિ પડતું મૂકવા માટે તૈયાર ન હોય અને જેને ડખો થયો હોય તે માફી માંગવા માટે સજ્જ ન હોય. સ્વીકારવું પડે તેવી વાસ્તવિકતા છે કે અહમ હંમેશા પોતાના પર આવે અને ક્રોઘ કાયમ બીજા પર આવે.મુઘલ બાદશાહ અકબર જ્યારે યુધ્ધમાં જીત મેળવતા ત્યારે શરણે થયેલા અને ક્ષમાં માંગવા માટે  આવેલા રાજાને રાજવી સન્માન સાથે ક્ષમા કરતા. રાજ ભલે ગમે તે કરે પણ માફી આપવી એ મોટી વસ્તુ છે.

                 ફિલ્મ 'આવારાપન'નું એક દ્રશ્ય છે જ્યારે ઇમરાન હાશમી સાથે કોઇ એક વ્યક્તિ તેની પાસે ક્ષમા માગવા માટે કરગરે છે જ્યારે ઇમરાન તેને થયેલી ભૂલમાંથી માફી આપે છે ત્યારે તે રાજીપો વ્યક્ત કરતો જાય છે, ઉછળતો, કુદતો આગળ વધે છે જાણે સ્વતંત્રતા મળી ગઇ હોય. માફ કરવાની પણ ક્ષમતા અનિવાર્ય છે. કથાકાર મોરારીબાપુના શબ્દોમાં એક કે બે વાર થાય તેને ભૂલ કહેવાય પણ એ જ વસ્તુ વારંવાર થાય તેને આદત કહેવાય. થપ્પડ મારીને કહેવાલા સોરી કરતા ઇરાદાપુર્વક મારેલી થપ્પડ વધુ ઉપસે છે. આપણને બાળપણથી જ ભૂલની સામે દંડનું પ્રકરણ શીખવવામાં આવે છે પણ હવે તો ભૂલના વેઇટેજ પરથી ક્ષમાની શક્યતાઓ નક્કી થવા લાગી છે. તમારા નિજાનંદ, તપ, સાધનામાં નિશ્ચિત હેતુંથી ખલેલ પહોંચાડનારાને માફી ન હોય એને તો ખંખેરી નંખાય, ઝાટકી નંખાય એવું ભગવાન શ્રી કૃષ્ણના વ્યવહારમાંથી ફલિત થાય છે. હણે એને હણવામાં કોઇ પાપ નથી. ત્યાં કોઇ પરોપકારની જરૂર પણ નથી.સંતોની વાણી અનુંસાર અજાણતાથી ભૂલ થાય બાકી જાહેર જીવનમાં થયેલો ગુનો તો કોઇ શેતાની દિમાંગની ઉપજ છે. જેમાં પુર્વયોજના કેન્દ્ર સ્થાને હોય છે. ગુનાની સજા હોય કારણ કે તે જીવના શ્ર્વાસને રૂંધતી બાબત છે.

         આ દેશના સમાજમાં જેમ માછલી પકડનાર માછીમારો હોય છે એમ બીજાની ભૂલ પકડનારા 'ભૂલ કલેકટર' હોય છે. જેમ ટિકિટ કલેકટર હોય. આવા લોકો કોઇની પણ ભૂલને સમય, સ્થળ કે સ્થિતિ જોયા વીના લાવા ફાટે એમ એ લઇને ફૂટી નીકળે છે. વ્યક્તિના ધજાગરા કરે છે. પણ આ જ સ્થિતિને ઉલ્ટાવીએ તો? આવા માણસોના જાહેરમાં માફી માંગવાનું થાય તો શેંકાયેલી સેન્ડવીચ અને દાબેલીબ્રેડ જેવું મોઢું થઇ જાય. ક્ષમાએ સંબંધોમાં ઓક્સિજનનું કામ કરે છે. ક્ષમા કરી જો જો. સામે વાળાની પ્રશંસાનું સાતમું આકાશ નજર સામે દેખાશે. કોઇનો હાશકારો આપણને અનુભવાશે. કોઇને થપ્પડ મારવાના ડેરિંગ કરતા માફ કરવાની તાકાત મોટી છે. એટલે જ સાચું શૌર્ય ક્ષમા આપવામાં છે. ક્ષમા એટલે વિવાદો પર કાયમી વિરામ, ક્ષમા એટલે મહાવરો જેને જીવનમાં કેળવી શકાય,  ક્ષમાં એટલે વાણી અને આંખોથી આપેલી ઔષધી જે આયખુ વધારી શકે, ક્ષમા એટલે ઇગોને ઓગાળવા માટેની ઉષ્મા અને હુંફના બીજનું વાવેતર. વાત કંઇ પણ હોય ત્યારે સાચું શું? એ વ્યક્તિએ વ્યક્તિએ બદલે છે. ક્ષમા એટલે હું પણાના સાચા હોવાના દાવાને ડામ દઇને સામેવાળાની સહજતાનો સ્વીકાર. પછીથી હકીકત સમજાવી અને જણાવી શકાય. આ બ્લોગ પર હિલોળા લેતા વાક્યોના દરિયામાં કોઇ શબ્દોના મોજાથી મનના ઘા પર ક્યારેક ખારાશ લાગી હોય તો મિચ્છામી દુક્કડમ...!!


ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...