Tuesday, December 31, 2024

2024 ગુડબાય....વેલકમ.....2025

 2024 ગુડબાય....વેલકમ.....2025 

     તારીખ દરરોજ બદલાય છે પણ એક દિવસ એવો આવે છે કે, તારીખ આખું વરસ બદલી નાંખે છે. આ દિવસ અને તારીખ એટલે 31મી ડિસેમ્બર. વર્ષની ગણતરીમાં ઊંડા ન ઊતરતા કે ફ્લેશબેકના રીવ્યૂમાં પડ્યા વગર વાત એ કરીએ કે, જે ગયું એ મેમરીઝ રહી જે આવશે એ મેકિંગ રહેશે. જેમાં મેમરીઝ કેવી અને કેવડી બનાવવી એ આપણા સૌના હાથમાં છે. શેરમાર્કેટથી લઈને સિનેમા સુધીના ક્ષેત્રમાં આપણી દિવાળી વખતે ભવિષ્યની નજીક રહેતી આખી ટાઈમલાઈન પ્રસારિત-પ્રકાશિત કરવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર અનુસાર જ્યારે સમય બદલે છે ત્યારે એ બી પ્રેક્ટિલ એવું શીખવાડી જાય છે. આપણા દેશમાં સામાન્ય ચૂંટણી રહી, જે ખરેખર તો કોઈ દિવસ સામાન્ય રહી નથી અને અમેરિકામાં પ્રેસિડન્ટ ઈલેક્શન રહ્યું. જેમાં વિવાદોના પંપને લાત મારીને ટ્રમ્પ મેજિકલ સાંતા ક્લોઝ તરીકે હાજર થાય એમ રાજકીય મેદાનમાં પ્રગટ થયા. 

       ઈઝરાયેલ, ઈરાન, રશિયા અને યુક્રેન આ તમામ યુદ્ધભૂમિમાં રહ્યા અને દુનિયા આખીને ભયભીત કરી દીધી. સતત મોતના ઓઠા હેઠળ જીવતા લોકોની આશા હવે એ હશે જ કે, ક્યાંયથી કોઈ બોંબ ન ફૂટે અને નવા વર્ષે કોઈ યુદ્ધ ન થાય. કારણ કે યુદ્ધ દુનિયાના બાકી દેશ કરે છે અને મોંઘવારીનો અજગર અમારા દેશવાસીઓને કરડી નહીં આખેઆખો પચાવી જાય છે. જેમાં સૌથી વધારે ક્રશ થાય છે મધ્યમવર્ગ. નોકરિયાત ક્લાસ. જેને કોઈ ફર્સ્ટક્લાસ ગણતું નથી. રાજનેતાઓ સિવાય. (ચૂંટણી વખતે જ હો). શેરમાર્કેટમાં રોકાણ કરતા લોકોને પૂછો તો કહે બે જ ઋતુ છે તેજી અને મંદી, શિક્ષકને પૂછો તો કહે રાબેતામુજબ શૈક્ષણિકાર્ય અને વેકેશન. પણ આ વખતે શિયાળાએ અહેસાસ કરાવ્યો કે, ઋતુની વાત આવે ત્યારે હું પહેલા છું અને સલમાન ખાનની જેમ ફરતા લોકો માટે અઘરો છું. આ વખતે તો સારા સારા પ્રદેશના પાણી શિયાળાએ થીજવ્યા. વાહ...ક્યા મૌસમ હૈ....

     સિનેમા ક્ષેત્રે સિંઘમ અગેઈન પર રામકૃપા થઈ ગઈ. ફિલ્મમાં ભલે કોઈ દમ ન હતો પણ રામાયણ પર રીસર્ચને કારણે ફિલ્મ બોક્સઓફિસના દરિયામાં તરી ગઈ. લોકોને ગમી ગઈ અને કરોડો કમાઈ ગઈ. એ પછી ભૂલભૂલૈયા પણ ઠીકઠાક ચાલી. આ બધા વચ્ચે ડંકો તો મહિલાઓનો વાગે હો...બોલે તો સ્ત્રી-2. પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને સુરક્ષા ક્ષેત્રથી લઈને સિનેસૃષ્ટિ સુધી. સેલ્યુટ ટુ લેડીઝ વિંગ. ડિફેન્સક્ષેત્રે 2024માં નોંધપાત્ર મહિલાઓની સંખ્યા જાણવા મળી. બાકી સ્ત્રી-2એ તો કમાણીના મામલે બાહુબલીને પણ પછાડ્યો. વાહ...શેરની વાહ....વિદાય લઈ રહેલા વર્ષની વાત છે ત્યાં સુધી આ વર્ષના અંતિમ તબક્કામાં ત્રિશોક અનુભવાયો. શ્યામ બેનેગલ, પુરૂષોત્તમ ઉપાધ્યાય અને ઝાકિર હુસૈન. એવું લાગે છે કે, સ્વર્ગમાં રતન ટાટા કોન્સર્ટ યોજશે. જેમાં સુગમ સંગીતના સમ્રાટ પુરૂષોત્તમ ઉપાધ્યાય સ્વર આપશે જ્યારે તબલા પર સાથ આપશે ઝાકીર હુસૈન. વાહ...શું એ સીન હશે! સ્વર્ગના સ્ટેજનો જ્યાં આપણી મર્યાદિત દ્રષ્ટિ પહોંચશે પણ નહીં અને દિલ એને માણશે પણ નહી. હા, આ ગીતમાં શબ્દો હશે સ્વ. મુનવ્વર રાણાના. પુરૂષોત્તમભાઈ સ્ટેજ પર પછી સરપ્રાઈઝ આપીને ચિઠ્ઠી આઈ હૈ ફેઈમ પંકજ ઉઘાસને રજૂ કરે તો તો જલસો.

      આવડી મોટી ઈવેન્ટ કંઈ પૈસા વગર થોડી થાય? નો ડાઉટ દેશ જ્યારે આર્થિક રીતે ખખડી રહ્યો હતો એ સમયે કોઈ જ દેવું વધાર્યા વગર જેણે પોલીસી મેકિંગથી નેશનને સ્ટ્રોંગ મોટિવેશન આપ્યું છતાં મૌન રહ્યા એવા સ્વ.ડૉ.મનમોહનસિંહ. પિતાની ઈચ્છા આ વ્યક્તિને ખરા અર્થમાં તબીબ બનાવવાની હતી. પણ આખરે અર્થશાસ્ત્ર પસંદ કરીને બીમાર અર્થતંત્રની સારવાર કરી. તબીબ તો ન બન્યા પણ પદવી લઈને ડૉક્ટર તો સો ટકા બન્યા. સ્વર્ગમાં યોજાનારા આ કાર્યક્રમનું સરનામું રામોજી ફિલ્મસિટી અવશ્ય રહેવાનું. ચલો જો ચલા ગયા વો વાપસ ન આયેગા. તું કિસ્મત લેકે આયા હૈ કરમ લેકે જાયેગા. ખોટ અને ખામીને બાજુએ મૂકીને મુવ-ઓન થઈએ. લેટ્સ વેલકમ ટુ 2025. જેમાં પ્રેક્ટિકલ બનીએ. ઈમોજીથી વ્યક્ત થવા કરતા ઈમોશનથી વ્યક્ત થઈએ. સ્ક્રિન ટચ કરતા ગમતી વ્યક્તિને સ્કિનટચ કરીએ (સામેવાળીની પરમિશન સાથે હો.) વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી નોલેજનો નીચોડ કાઢીએ અફવાઓને ઊલટી લાત મારીને એકચ્યુઅલમાં જીવીએ. 

       ડીયર 2025. ડીજેના તાલે તને આવકારતું યુવાધન અચ્યુતમ કેશવમ ક્રિષ્ન દામોદરમ ન ભૂલે એવી પ્રભુપ્રાર્થના. થનગનાટ વખતે દિલ માગે મોર અને પછી જાહેરમાં સુરક્ષાકર્મી કોઈના મોર ન બોલાવે તો સારૂ. શક્તિ વંદનાની વાતો વચ્ચે કોઈ દીકરી અને કોઈ જ વર્ગની દીકરી શરીરના ભૂખ્યા રાક્ષસોથી પીંખાઈ નહીં એવી પીળાપિતાંબરધારીને અરજી. મધુસુદનજીને પ્રિય એવું માખણ દૈનિક ધોરણે પોસાય એમ નથી. પણ કોઈ ભૂખ્યું ન સુવે મોંઘવારીનો એનાકોન્ડાના કાબુમાં કરવા કોઈ જગમોહન પધારે તો વગર પંડિતે મધ્યમવર્ગ એને પોંખે. ચૂંટણીમાં ઊતરે તો આને વગર પ્રચારે કેન ભરાઈને મત મળે. આમ તો મારો દેશ દરેક ક્ષેત્રમાં દુનિયાના દેશને હંફાવી રહ્યો છે. પણ ભાગ્યના ઈશ્વર, આ ધર્મના ફાકા મારનારા અને એની ફૌજ ઊભી કરનારાનું ફોતરૂં પણ ન અસર કરે એવા ભારતની અમે કલ્પના કરીએ છીએ. અને અંતે 2025માં આપણું ભારત નંદનવન બને અને આપણે સૌ એમાં મસ્ત રીતે નિયમપાલન સાથે રહીએ. હેપ્પી ન્યૂ યર





Friday, December 13, 2024

શતરંજ કા સ્ટેટઃ ચાલ સે લે કે ચેમ્પિયન તક

શતરંજ કા સ્ટેટઃ ચાલ સે લે કે ચેમ્પિયન તક 

    ડિસેમ્બર મહિનો વર્ષનો સૌથી છેલ્લે મહિનો ગણાય. આખા વર્ષમાં શું થયું એનું સંક્ષિપ્ત આ મહિનાના છેલ્લા ચાર-પાંચ દિવસોમાં આપણી સામે આવે. દિવાળી પછી આવતા ન્યૂયર પર રીઝોલ્યુશન સેટ ન કર્યું હોય હવે તેને સેટ કરવા માટેનો મહિનો. જેના છેલ્લા દિવસમાં એક આખું વર્ષ બદલી જાય. આમ તો દૈનિક ધોરણ પર તારીખ બદલે પણ વર્ષના અંતિમ દિવસે એક આખું વર્ષ બદલે. આવા બદલાવ વચ્ચે પણ સ્પોર્ટ્સ જગતમાં એક એવો ઈતિહાસ લખાયો જેની નોંધ રમતગમત જગતના દરેક ખેલાડીએ લીધી. મૂંછનો દોરો ફૂટ્યો ન હતો એવી ઉંમરમાં દેશના નામનો ડંકો સાત સમંદર પાર વગાડવાની લોખંડી ઈચ્છાશક્તિ ધરાવનાર વ્યક્તિએ ડિસેમ્બર 2024 બદલી નાંખ્યું. દક્ષિણ ભારતને એક અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. આ પ્રાંતમાંથી સમયાંતરે એવા વિવાદ સામે આવે કે, અહીંયાના કેટલાક ગોબરગંદાઓ અલગ પ્રાંતની માંગ કરે છે. એની વિચારધારા સામે એમના જ ઝોનમાંથી આવતા વ્યક્તિએ પોતાની સિદ્ધિથી તમાંચો મારીને બોલતી બંધ કરી દીધી. હવે એ જ લોકો વી આર ઈન્ડિયનના પીપૂડી વગાડતા થઈ ગયા. ધેટ્સ એ સક્સેસ. આ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિ એટલે રગરગમાં જોશ ધરાવતો તરવરિયો યુવાન એટલે ગુકેશ ડોમ્મારાજુ. (ડી.ગુકેશ)

    આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ એના જીવનના ફ્લેશબેકમાં ડોકિંયુ કરવામાં આવે તો પહેલીવાત એ શીખવા મળે છે કે, હારને પચાવતા શીખવી પડે. વિષય રમતનો છે એની સાથે સૌથી વધુ  જેની ચર્ચા સદાય થતી રહે છે એવા ક્રિકેટની પણ વાત કરીએ તો વિરાટનું કંગાળ પ્રદર્શન કેવું હતું એના દરેક ક્રિકેટપ્રેમી સાક્ષી રહ્યા છે. પત્તાપ્રેમીઓએ તો એના પર નંબર લગાવવાના બંધ કરી દીધા હતા. આ ભાઈનું બેટ ઉપડ્યું છેલ્લા ટી20 વિશ્વકપમાં. હાફસેન્ચુરી પૂરી કરીને ભાઈ ફોર્મમાં આવ્યો. એવી જ રીતે ગુકેશે પણ અંતિમ તબક્કામાં હરિફને પરસેવો લેવડાવી દીધો. ચીનના ખેલાડી ડિંન લિરેનને માત આપી દીધી. ચેસ ચેમ્પિયન ગુકેશ ચેન્નઈથી આવે છે. દક્ષિણ ભારતનું મહાનગર તમિલનાડું રાજ્યનું એપી સેન્ટર ગણાય છે. આ રાજ્યને ચેસનું કેન્દ્ર જ નહીં ગઢ કહેવામાં આવે છે. દેશના કુલ 85 ગ્રાન્ડ માસ્ટર્સમાંથી 31 તમિલનાડુંના છે. હવે તો માનવું પડે કે, બુદ્ધિ તો બાકી સાઉથમાં છે.

     આટલું વાંચ્યા બાદ સવાલ એ થાય કે, આમાં નવું શું છે. લો હવે જે છે એ નવું છે. સમ્રગ દેશના તમામ રાજ્ય કરતા સૌથી વધારે ચેસ મેન્ટર્સ તમિલનાડુંમાંથી છે. શતરંજને તમિલ ભાષામાં સથુરંગમ નામથી ઓળખાય છે. જેની ઉત્પત્તિ તમિલ ભૂમીમાંથી થઈ છે. એવું તમિલનાડુંના દરેક લોકોનું માનવું છે. તિરૂવરૂર નામનું એક સરસ સિટી છે. તમિલનાડુંના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલીને પણ અહીંયાથી રાજકીય સફર શરૂ કરી છે. જ્યાં સથરંગ વલ્લભનાથન મંદિર છે. જેની કલાકૃતિ મનમોહક છે. આ મંદિરનમાં જે પ્રભુ બિરાજમાન છે એને શતરંજના દેવતા મનાય છે. કહાની યહાં સે શુરૂ હોતી હૈ.  દંતકથા અનુસાર પ્રભુ શિવે એક ભક્તને રાજાની દીકરી સામે શતરંજમાં જીતી બતાવવાનું કહ્યું. આ ભક્ત જીતી જતા નામ અપાયું સથરંગ વલ્લભનાથન. હવે રાજરાજેશ્વરી તરીકે રહેલી સુંદરીને પાર્વતીનું રૂપ માનવામાં આવે છે. આ રાજકુમારી પણ એક શતરંગની અનુભવી ખેલાડી રહી ચૂકી હતી.  

     સુંદરીના પિતા રાજા વસુસેને એ પણ એવું એલાન કરેલું હતું કે, જે સુંદરીને શતરંજમાં હરાવશે એના લગ્ન સુંદરી સાથે થશે. પિતા (રાજા)એ જ ચિંતા વ્યક્ત કરી કે, આને કોઈ પરાજીત કરી શકતું ન હતું. શિવકૃપાથી એક ભક્તે આ કરી બતાવ્યું. એવું પણ કહેવાય છે કે, આ કોઈ ભક્ત નહીં પણ સ્વયં પ્રભુ શિવ જ હતા. આ મંદિરના ડૉક્યુમેન્ટેશનમાં ચેસનો ઉલ્લેખ છે. વિશ્વનાથ આનંદથી લઈને માસ્ટર મૈનુઅલ આરોન સુધી દરેક માસ્ટરે પોતાના શિષ્યોને તૈયાર કર્યા. આ રીતે તૈયાર થઈ ટીમ ચેસ. જેને દુનિયાભારના ચેસના ખેલાડીને લલકારી ચેઝ કર્યા. તમિલનાડુંમાં બાળક જ્યારે સ્કૂલમાં હોય એ સમયથી એમને ચેસની ચાલનું પ્રાથમિક પ્રકરણ શિખવાડમાં આવે છે. દેશની પ્રથમ મહિલા ગ્રાન્ડમાસ્ટર સુબ્બારામન વિજયલક્ષ્મી પણ તમિલનાડુંથી હતા. ગ્રાન્ડમાસ્ટર્સની યાદીમાં કુલ 18 જેટલી તો મહિલાઓ છે. હવે કહેતા નહીં કે, છોકરીઓની બુદ્ધિ પગની પાનીએ હોય કારણ કે, ચેસ દિમાગથી રમાતી ગેમ છે. 

   જે રીતે આપણે ત્યાં શેરીએ શેરીએ સ્ટાર્ટઅપ (વેપાર, બિઝનેસ) ઊભું કરવા માટેના ભેજાબાજ છે એમ તમિલનાડુંના દરેક જિલ્લામાં શતરંજના પાવરફૂલ અને ઓરિજિનલ ખેલાડી છે. તમિલનાડું રાજ્યમાં એક પ્રોગ્રામ ચાલે છે. જેનું નામ છે સેવન ટું સેવનટીન. જે અંતર્ગત સાત વર્ષનું બાળક થાય એટલે એને ચેસની તાલીમ આપવામાં આપવામાં આવે છે. વેલામ્મલ વિદ્યાલય. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી એક એવી સરકારી પ્રાથમિક શાળા, જ્યાં 10000થી વધારે વિદ્યાર્થીઓને ચેસની ટ્રેનિંગ આપવામાં આવે છે. જે ચેસ રમવામાં હોશિયાર હોય એને પછી ભણવાનું ભારણ દેવાતું નથી. ચેસમાં જ એનો ગ્રોથ અને ગોલ ફિક્સ કરી દેવાય છે. આને કહેવાય સ્પોર્ટ્સના બીજ શિશુવયમાંથી. આપણા ગુકેશભાઈ પણ આ જ સ્કૂલના વિદ્યાર્થી છે. 

   તમિલનાડુંમાં શતરંજ એ કોઈ ગેમ નહીં પણ સંસ્કૃતિ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. તમિલનાડું સરકાર અને વેલમ્મલ જેવી સંસ્થાના પ્રયાસથી આ રાજ્ય ચેસનું પેરેડાઈઝ છે. એક સ્પોર્ટ્સ કલ્ચર કેવી રીતે બને એ તમિલનાડું પાસેથી શીખવું પડે. ગૂગલસર્ચ કરજો નેપિયર બ્રિજ. ચેસની દુનિયામાં પગલાં પાડ્યા હોય એવું લાગશે. માત્ર વાતો કરવાની જ વાત નથી. સમયાંતરે જે ટુર્નામેન્ટ થાય છે એમાં લાખો રૂપિાયના ઈનામ પણ વિજેતાને અપાય છે. ભાગ લેનારને પ્રમાણપત્ર અપાય છે. હવે તમે કહેશો કે એમ તો આપણે અહીંયા ખેલ મહાકુંભ પણ થાય છે. કડવું સત્ય સ્વીકારવું પડે કે, ગુજરાતમાંથી કોઈ જ ગ્રાન્ડમાસ્ટર્સ નથી. ચેસ ચેમ્પિયન નથી. પીટીની ચોપડીમાં ચેસનો પાઠ નથી. હશે તો પણ તજજ્ઞ નથી. 

જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ

  જજ કરે પણ જજમેન્ટ ન આપે એ જનાર્દન શ્રીકૃષ્ણ     હેપ્પી બર્થ ડે કાના. તારું કોઈ એક નામ નથી અને કાયમી સરનામું નથી. વિષ્ણુંજીના આઠમા અવતાર શ...