Tuesday, June 04, 2024

યે ક્યા હુઆ, કૈસે હુઆ ક્યો હુઆ

 યે ક્યા હુઆ, કૈસે હુઆ ક્યો હુઆ 

      લોકસભાની ચૂંટણીનું પરિણામ 4 જૂનની બપોર સુધીમાં સ્પષ્ટ થઈ ગયું. એક્ઝિટ પોલ સામે ગણતરી ઊંધી વળી ગઈ એવું ચિત્ર જોવા મળ્યું છે. ગુજરાતમાં મજબૂત મનાતા ભાજપને એ અહેસાસ તો થઈ ગયો કે, આ વખતે ખરેખર બચી ગયા. ચારથી પાંચ બેઠક પર મતગણના શરૂ થતા જે વિપક્ષના ઉમેદવારોના જંગી આકડાં સામે આવ્યા એમાં થોડો આત્મવિશ્વાસ વિજયને રહ્યો હતો. આ જીતના ઝંડાના પાયામાં મજબૂતી ખખડી ગઈ હતી. આ પણ વાસ્તવિકતા છે. ગુજરાતમાં ભાજપની ઘટી રહેલી વિશ્વસનીયતા ભાજપના નેતાઓ માટે ચિંતાનો વિષય તો છે જ. આ સાથે 300 સુધી પહોંચતા ખરેખર પક્ષ અને ઉમેદવારોને પરસેવો આવી ગયો આ પણ કમને સ્વીકારવું તો પડે જ. એક્ઝિટ પોલમાં ગળું ખેંચી ખેંચીને બોલતા એન્કર કહી રહ્યા હતા કે, ઈન્ડિયા ગઠબંધનને 100 બેઠક પણ નહીં મળે. જ્યારે કોંગ્રેસને આ ચૂંટણીથી સંજીવની મળી ગઈ છે. 


અનઅપેક્ષિત યુપી

       ઉત્તર પ્રદેશમાં પલટાયેલું પાસું છેક દિલ્હીમાં પડઘા પાડી ગયું. મીડિયામાં પણ આશ્ચર્ય અને ઉમેદવારોમાં પણ ચોંકાવનારૂ પરિણામ. ગુજરાતમાં ભાજપને ધારેલી લીડ ન મળી એ પાછળ કાર્યકર્તાઓની નારાજગી અને અસરકારક આગેવાનોને ન મળેલી ટિકિટ માની શકાય છે. પક્ષ પલટો કરનારા તરફ કોઈ પણ પક્ષ થોડા સમય માટે શંકાના ચશ્મામાંથી એને જુવે છે. આ કામની વેલિટિડી ખૂબ ઓછી રહી છે. ભાજપના જ કેટલાક નેતાઓ ભાજપ રહેલા કોંગ્રેસી નેતાઓ માટે કહે છે કે, પક્ષ પલટો કરનારા માટે આ પરિણામ છે એવું ધીમા અવાજે કહી રહ્યા છે. જે અવાજ પબ્લિકે મોટો કરી દીધો. મતદાનનો દિવસ યાદ કરીએ તો ટકાવારીના આધારે મતદાન પણ ઓછું થયું હતું. મોટા કહેવાતા નેતાઓ અને જાણીતા ચહેરાઓના મતવિસ્તારમાં મતદાનની ટકાવારી સૂચક હતી. એ સમયે ગરમીનું થર્મોમીટર આગળ ધરીને કેટલાકે સંતોષ માની લીધો. આનો અર્થ ડાયરેક્ટ પક્ષમાં ન રહેલા પણ પરોક્ષ રીતે ભાજપમાં રહેલા 'સિનિયર્સ' અમુક અંશે તો સમજી ગયા હતા.

છબી સામે સવાલ ન હતો  

    બીજો ખેલ પડ્યો ઉત્તર પ્રદેશમાં. જેટલી ભીડ સભા અને રેલીમાં જોવા મળતી હતી. એનાથી અનેકગણી રીતે અંદરખાને શાંતિ ધારણ થઈ ગઈ હતી. ચોક્કસ વર્ગ અને સ્થાનિક પક્ષોના માનીતા વોટર્સ બીજે શિફ્ટ થયા. જેની અસર આ રીઝલ્ટ સુધી જોવા મળી. સ્થાનિકોના પ્રકાશિત અહેવાલ અનુસાર અહીં મોંઘવારી, બેરોજગારી, યુવા મતદારોમાં અંદરખાને મોટી નારાજગી, રદ્દ થતી પરીક્ષાઓ, શિક્ષકોના પ્રશ્નો એવા અનેક કારણો અસર કરી ગયા. વડાપ્રધાનની છબી સામે એક સવાલ ન હતો પણ સાંસદ તરીકે ઊભા રહેલા ચહેરાઓને જે તે પ્રાંતની મૂળ સમસ્યા પણ ખબર ન હતી. જોકે, આ મુદ્દો તો ગુજરાતમાં પણ એટલો જ લાગું પડે છે. ભલું થયું કે, ભાજપને ફરી વિજયતિલક લોકોએ કર્યું. કોઈ જ્ઞાતિ કે વર્ગના પ્રભાવને ઓછો ન આંકી શકાય. ભલે બીજા પ્રાંતમાં એનો વિરોધ ઠારવા પ્રયાસ થયા હોય પણ અસર તો થાય. જે રીતે આગ લાગે ને પાડોશીને પહેલા ધૂમાડો લાગે એવી આ વાત છે.  બાકી વટ છે ગેનીબેનનો. જે બન્ને પક્ષ માટે રીસર્ચનો વિષય છે. એક ગુજરાતની નારી આખા રાજકારણ પણ ભારી એવું સ્પષ્ટ લખવું પડે.  હવે પછી ભાજપ જે પગલાં ભરે અને આત્મચિંતન બાદ જે નક્શીકામ કરશે એ ખૂબ જ તકેદારી કરતા ગણતરી પૂર્વકનું વધુ રહેશે. 


Image Source_Indiatv News Channel

ભાવની વધઘટ બધા જાણે છે

       સારી વાત છે મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં મામલો સ્પષ્ટ જીતનો રહ્યો છે. દિલ્હીમાં ભલે સરકાર કેજરીવાલે ચલાવી હોય પણ મોદીજીના સમર્થકો ઘણા છે. આ વાત આ પહેલાની 2019ની ચૂંટણીમાં પણ જોવા મળી હતી. યુપી, પ.બંગાળ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં આઘાત લાગે એવું પરિણામ છે. મોટાભાગની રેલી અને સભામાં વડાપ્રધાનની વાતને આગળ ધરી વિકાસના વડાને પબ્લિકને જે સ્વાદમાં ભાવે એ રીતે પીરસવામાં આવ્યા. હકીકતમાં લોકોને શું ભાવે છે એ પરિણામમાં દેખાયું. વિપક્ષનો બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો ગેરંટી સાથે અસર કરી ગયો.  અગ્નીવીર યોજના અને ખેડૂતોને ન મળતા ભાવ ભલે સ્પષ્ટ રીતે સપાટી પર ન આવ્યા પણ ઈવીએમમાં જનાક્રોશ કેદ થયો હતો. પેટ્રોલ ડીઝલ જેવી જીવનજરૂરી ચીજ-વસ્તુમાં ઘટેલા ભાવથી લોકોને એ તો ખબર પડી ગઈ હતી કે, ચૂંટણી આવી રહી છે. પરિણામના એક દિવસ પહેલા વધેલા દૂધ અને ટોલટેક્સના ભાવથી પ્રજાને એ પણ આઈડિયા આવી ગયો કે, કંઈક તો ખોટું થઈ રહ્યું છે. લોકોને માત્ર ઈમોશનલ ક્નેક્ટ કરવાથી કદાચ બચી શકાય પણ આત્મચિંતન કરવું જ હોય તો પીડિત કોણ એનું રીસર્ચ કરવામાં આવે તો કંઈક નવી દિશમાં મોટું કામ થઈ શકે. બાકી પરિણામ રોચક છે એ તો સૌ સ્વીકારે છે.

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...