Saturday, November 18, 2023

પેશન, પ્રયોરીટી અને પાવરનું કોમ્બિનેશન એટલે ટીમ ઈન્ડિયા

 પેશન, પ્રયોરીટી અને પાવરનું કોમ્બિનેશન એટલે ટીમ ઈન્ડિયા

        15 મી નવેમ્બરનો દિવસ આમ તો ક્રિકેટના ઈતિહાસમાં અનોખો દિવસ તરીકે યાદ રહી જશે. મહારાષ્ટ્રના મહાનગર મુંબઈના વાનખડે સ્ટેડિયમમાં ગોડ ઓફ ક્રિકેટની સામે કિંગ કોહલીએ 50 મી સદી પૂરી કરીને બે હાથ સાથે સચિન સામે નતમસ્તક થયો. ટોસ જીતીને બેટિંગ કરવા ઊતરેલી ટીમે એટલો મોટો સ્કોર આપ્યો કે થોડા સમય માટે એવું લાગ્યું કે ટાર્ગેટ 400 સુધી પહોંચશે. પણ એમાં માત્ર ત્રણ રન બાકી રહી ગયા. આ મેચ જીત્યા બાદ ચારેય બાજુથી ભારતીય ક્રિકેટ ટીમના ખૂબ-ખે ખોબલે વખાણ થઈ રહ્યા છે જેની પાછળ અથાક અને અટૂત મહેનત જવાબદાર છે. એક એવો પણ સમય કોહલીના જીવનમાં આવ્યો કે, એનો ગુસ્સો સતત એના નેગેટિવ કેસનું કારણ બન્યું. કોહલીએ આનો જવાબ પોતાના બેટથી આપ્યો. સતત ટીકા ટિપ્પણીઓને સોશિયલ મીડિયાના ટ્રોલર્સનો શિકાર થયેલા વિરાટે ખરા અર્થમાં પરફોર્મ કરીને બોલતી બંધ કરી દીધી. એક સમયે સિનિયર કહેવાતા અને તેને વખોળતા લોકો એકાએક વખાણના મધ મીઠા શબ્દો બોલવા લાગ્યા.


        દરેક મેચમાં આમ તો આખી ટીમનો સહયોગ હોય છે. પણ જે રીતે ફિલ્મમાં ક્લાઈમેક્સ અને ટર્નિંગ પોઇન્ટ આખું પાસું પલટે એ રીતે અહીં ખેલાડીઓએ જે તે પરિસ્થિતિને દિશા આપવાની હોય છે. પ્રેશરને સહન કરીને પેશન્સ ટકાવી રાખવું એ પણ ટીમ ઇન્ડિયા પાસેથી શીખવા જેવું છે. એક સમય માટે એવી કલ્પના કરીએ કે રોહિતની જગ્યાએ વિરાટ કોહલી કેપ્ટન તરીકે હોત તો શમી અને સિરાજને સેલ્યુટના બદલે કોહલીના ગુસ્સા નો ભોગ બનવું પડત. પણ એનો અર્થ એ નથી કે લીડર તરીકે નિષ્ફળ પુરવાર થાય એ પ્લેયર તરીકે સફળ ન થાય. કોહલીએ સચિનના રેકોર્ડની બરોબરી ન કરી પરંતુ ઓવરટેક કરીને એ સાબિત કરી દીધું કે, ખરાબ સમયને પચાવીને યોગ્ય સમયે પૂરેપૂરો પાવર દેખાડવામાં જ સમજદારી છે. આપણી આસપાસ ઘણા બધા એવા લોકો હોય છે જે સાચા સમયે ખોટો પાવર દેખાડતા હોય છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં હીરો થયેલા શમી એ કોઈ એક જ પ્રકારની બોલિંગ નહીં કરી. દરેક વખતે સ્પીડ અને બોલમાં પાવર જુદા જુદા હતા. પણ બોલ તો એક જ રહ્યો. દેશની ક્રિકેટ ટીમમાં શ્રેયાસની એન્ટ્રી ખાસ તો કોઈ પ્રભાવશાળી ન હતી. પણ એની બેટીંગમાં દમ હતો એ તો કેપ્ટન પણ જાણી ચુક્યો હતો. જ્યારે કુલદીપને ઓવર આપી એ સમયે થોડા સમય માટે વિકેટનો ઈરાદો સ્પષ્ટ દેખાતો હતો. પણ સ્લો સ્પીડ બોલમાં ચાન્સ લેવો એ અંડરવોટર સ્પોર્ટ્સ માં એક મિનિટ માટે ઑક્સિજન માસ્ક કાઢવા કેટલું જોખમી હતું. પણ ડર કેં આગે જીત હૈ. પણ ના હકીકતમાં ડર કે આગે દર્દ હોતા હૈ. જેમાં 99 ટકા કંઇક ગુમાવ્યાનો જ ખેદ હોય છે. બધાને એક વાર તો એમ થાય જ કે, હું પણ કેપ્ટન થઈ જાઉં. કેપ્ટન પણ પહેલા તો એક સારો ટીમ મેમ્બર જ હોય છે. પણ કેટલાક લોકો ટીમમાં પણ માંડ સાચવતા હોય, આવું તો દરેક જગ્યા એ છે. આવા માણસોનું એના ઘરના પણ ઉંમરની અને સબંધના પદની મર્યાદાના કારણે માંડ માનતા હોય. પાછી પોતાનામાં ત્રેવડ ન હોય, એલા તો તઈ હું સલાહમાં શૂરવીર થાસ?

                  વિરાટની સદી વખતે એક બીજી સરસ વાત જોવા મળી કે, ઓપનર સતત વિરાટને બેટિંગ આપતો હતો. એ પછી ઐયર હોય કે ગીલ. એમાં કોઈ તક સાધુ થવાના બદલે જેનું બને છે એનું બનાવવામાં સમજદારી હતી. એ એવી સ્થિતિ શીખવે છે કે, કોઈનું સારું બનતું હોય તો એને સપોર્ટ કરવાનો, પ્રયાસને પ્રેશરમાં ફેરવતા હોય એવા પાપી વિચારને પ્રાધાન્ય નહીં આપવાનું. સચિન જ્યારે પણ મેન ઓફ ધ મેચ કે પ્લેયર ઓફ ધ મેચ તરીકે સન્માન પામતો ત્યારે એના ઓપનરના કોઈ એક મુદ્દાનું પાસુ તો બોલતો જ. ગીલ ધારત તો એટેક કરી શકે એમ હતો. પણ સદી પાછળનો સંઘર્ષ વિરાટની સાથે એના ઓપનરનો પણ રહ્યો. એટલે સિદ્ધિ પાછળના પ્રયત્નો થતા હોય ત્યાં ટેકો દેનારનો પણ કોક દિ, કોઈ તો ઉલ્લેખ કરે જ છે. વસ્તુ એ પણ સમજવાની છે કે, દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય છે કે એની એક અલગ ફ્રેમથી નોંધ લેવાય. પણ એ શક્ય નથી કારણ સમય અને સ્થળ તમારી સાથે સેટ હોય તો નોંધ લેવાય. ઇન્ડીયન આઇડલના મંચ પર બોલર બુમરાહ ન જ ચાલે. એમ મેદાનમાં મોહિત ચૌહાણ માત્ર સેરેમાનીમાં કંઠ આપી શકે. બોલ પકડી ના શકે. એટલે પ્રાયોરિટીના અભરખા હોય તો બધે નથી જ મળવાની. છતાં મેળવવી હોય તો પરફોર્મન્સ પાવરફુલ જોઈએ અને ધીરજ તો અખૂટ જોઈએ. જસ્પ્રીત બૂમરાહના ટીચરે કહ્યું હતું કે, એનામાં ગજબની ધીરજ સ્કૂલ કાળથી હતી અને દરેકને માન આપવાનું એનામાં બાળપણથી હતું.

             પાવર એકલો કોઈ કામનો નથી. વીજળી કાયમ એકલી જ હોય છે પણ એને કોઈ સાધન સાથે અટેચ કરી ને પ્રોપર વોલ્ટ સાથે કષ્ટમાઈઝ કરવામાં આવે તો રોશની પાથરી શકે. એટલે ટાઈમ, ટીમ અને ટેલેન્ટ નું ઉદાહરણ છે ટીમ ઇન્ડિયા. બાકી જીવનની મેચમાં આપણા રન આપણે જ કરવાના છે. સ્કોર રાખવાવાળા અને ડીઆરસએસ માગવાવાળાનો આખો વર્ગ છે. બસ જ્યારે અપીલ કરવાની થાય ત્યારે ઉપર બેઠેલા એમપાયાર પાસે કરજો. કારણ કે એ કોઈ દેશનો નથી. બસ કર્મના પરફોર્મન્સ પર રિઝલ્ટ આપે છે. ભલે તાત્કાલિક નથી આપતો પણ સમયે આવ્યે આપે છે ખરા. ઓલ ધ બેસ્ટ ટાઈમ ઇન્ડિયા ફોર વર્લ્ડ કપ ફાઈનલ.

Tuesday, November 14, 2023

સાલ મુબારકઃ નવા વર્ષમાં અપડેટ થઈએ આઉટડેટેડ નહીં

 સાલ મુબારકઃ નવા વર્ષમાં અપડેટ થઈએ આઉટડેટેડ નહીં

    દિવાળી પછીનો દિવસ એટલે ગુજરાતમાં હેપ્પી ન્યૂ યર. વિક્રમ સંવતનું કેલેન્ડર આમ તો ભાગ્યે જ કોઈ ફોલો કરે છે. પણ આંખના પલકારામાં પૂર્ણ થઈ ગયેલું વર્ષ દરેકના જીવન સાથે ઘણા ચડાવ ઊતારનો ચિતાર મૂકીને ચાલ્યું ગયું એ હકીકત છે. દરરોજ દિવસ ઉઘડે એટલે આજે કઈ તારીખ છે એવું જ પૂછવામાં આવે છે. પણ વિક્રમ સંવત કેટલામું એ તો દિવાળીના પાંચ દિવસો શરૂ થાય એ સમયે જ ગણાતું આવે છે. જેને ખબર હોય એને મારા નવા વર્ષના પહેલા સેલ્યુટ. વીતી ગયેલું વર્ષ કેવું રહ્યું એનું વિશ્લેષણ કરવા બેસીએ તો જેમાં તણખા ઝર્યા હોય અને જેની સામે ઝર્યા હોય એ પહેલા યાદ આવે 😕. પણ પ્રશંસાની પોલીસી એપ્લાય કરી હોય એ પરાણે યાદ કરવું પડે. માનવસહજ માનસિકતા છે કે, જ્યાં ઠોકર વાગી હોય ત્યાં ભલે એ વસ્તુ કે પીડા મટી ગઈ હોય પણ ડાઘ તો પુરાવા આપ્યા કરે. 😷એટલે નવા વર્ષે આવા ડાઘા દૂર ન થાય તો એને ઘસવાના પ્રયાસો કરવા વ્યર્થ છે. કારણ કે, જ્યાં માણસને સાચી રીતે ઢાકતા આવડે એની પાછળ આખું સૈન્ય ઊભુ થાય જો વિચારની વેવલેન્થ મેચ થાય તો. નવા વર્ષમાં આમ તો બુટના મોજાથી લઈને માથાના તેલ સુધી દરેક વસ્તુઓ નવી લેવાનો આગ્રહ રાખવામાં આવે છે. એ માટે થઈને જ હિન્દુ ધર્મના સૌથી વિશાળ તહેવાર એવા દિવાળી પહેલા એક આખો માહોલ ઊભો થાય છે એ છે શોપિંગનો.💥

         સેલિબ્રેશન પહેલાનું શોપિંગ એટલે પ્રિ પ્લાન પ્લેઝર, પણ નવા વર્ષમાં કે આવનારા સમયમાં કોઈ પ્લાન્ડ પ્લેઝર ન પણ મળે તો ઈરીટેટ થવાની જરૂર નથી.  દરેકનું નવું એ શબ્દોથી શરૂ થાય છે કે, હેપ્પી ન્યૂ યર. હવે પહેલા જ શબ્દો પર અટકીએ તો..હેપ્પી. ખરેખર નવા આખા વર્ષમાં હેપ્પી રહેવાની વાત કરવામાં આવે છે. આ તો અંગ્રેજીની વિશ થઈ. હવે દેશી શબ્દોની શુભેચ્છાના શબ્દો જુઓ. સાલ મુબારક. સાલ એટલે શિયાળામાં ઓઢવા મળતી ગરમીની હૂફ વાળી ચાદર નહીં. સાલ એટલે વર્ષ. મુબારક હો. આખું વર્ષ એક અભિનંદન સાથે શરૂ થાય એમ. પણ આપણી આસપાસ કેટલાક એવા માણસો હોય કે બગડી ગયેલ મમરાની ગુણીની જેમ એના થોબડા પર કોઈ દિવસ સ્માઈલ જ ન હોય. પાછા એ જ માઈલો કાપવાની વાત કરતા હોય. એમાં બોસથી લઈને બાજુવાળા પાડોશી સુધીની નજર કરો તો આવો એક આખો સમાજ ઊભો થાય એટલા મળશે. જેને પાણી ફિલ્ટર કરેલું પીવું હોય પણ ગામના લોહી ડાયરેક્ટ પીવા હોય. એ પણ કોઈ લોહી કાઢ્યા વગર. સીધા જ માથામાંથી. જૂના વર્ષમાં પણ આવા હતા અને નવા વર્ષમાં પણ આવા લોકો રહેવાના. કારણ કે, આવા લોકોની વેલિડિટી આપણી સાથે જોડાયેલી હોય છે. એટલે સંબોધ પૂરતી નહીં આપણી કેપેસિટી તપાસવા સુધી. 


      વર્ષ નવું છે એટલે તમામ વસ્તુઓથી  લઈને બિઝનેસના વોલ્યુમ સુધી આ નાવિન્ય રહેલું છે. નવું કરવું છે એનો સંકલ્પ જરૂરી છે. પણ એ સંકલ્પ પર આખા વર્ષ સુધી ટકી રહેવું એ હિમાલયમાં તપસ્ચા કરવા જેવું છે. ભલભલાના હાંજા ગગડી જાય. નવા વર્ષે કપડું શરીર પર ભલે જૂનું હોય પણ વિચારો નવા હશે તો સૂર્યોદય પણ માણવા જેવો લાગશે. બાકી સનસેટ જોવા તો ગામ આખું ટેકરીએ ચડે જ છે. (આબુમાં નથી! લોકો સનસેટ જોવા ભીડ કરતા). નવા વર્ષમાં સંબંધોને રીચાર્જ કરતા શીખવું પડે. જે નથી કર્યું એને આપણાથી શરૂઆત કરવી જોઈએ. કારણ કે, ભેગા થવાનું મન ત્યારે જ થશે જ્યારે ભાવની ભીનાશ અંદર ખુદને ભીંજવતી હશે. ફાસ્ટ લાઈફમાં ફોરવર્ડ થયા છીએ એટલે ફોર્સનું ફીલિંગ્સ દરેકમાં છે. પણ સમયાંતરે આવતા તહેવાર જિંદગીને સ્લો મોશન કરતા શીખવે છે. ખખડી ગયેલા ખોખા જેવા કેટલાક ચહેરાઓ આપણી આસપાસ છે અને રહેવાના છે. વિચારો નવા હશે તો અંદરનો સ્પાર્ક સતત કંઈક કરવા માટે પ્રેરશે. ઈમોજી આવ્યા બાદ ઈમોશન શેર કરવા સરળ થઈ ગયા. એક દિલડુ મૂકો એટલે વાર્તા પૂરી. શબ્દોની જરૂર ઓછી થઈ ગઈ. પણ સંબંધો સાચવવા શબ્દો બોલવા પડે. એ પણ સારા અને સ્પષ્ટ. નવા વર્ષે ધાર્યું ન થાય તો ધક્કો અનુભવવાને બદલે ધણીએ ધાર્યું હશે એવું માનીને ચાલી શકાય. ચલાવી પણ શકાય. પણ ધોકા પછાડવાથી કે ધરાર કરાવવાથી પર્ફેક્શન આવશે એની ગેરેન્ટી નથી. સંબંધોમાં પણ નથી અને સિસ્ટમમાં તો નથી જ. નવા વર્ષમાં વિઝન સાથે વિચારોની દિશા નક્કી હોય તો ટાર્ગેટ સુધી પહોંચવામાં એક હાફ સેન્ચુરી જેટલી સફળતા મળે છે એ વાત નક્કી છે.

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...