Friday, April 16, 2021

સારવારનું ઈન્જેક્શન

  સારવારનું ઈન્જેક્શન

સામાન્ય રીતે જ્યારે કોઈ રોગ એની મર્યાદા વટાવી દે કે તાત્કાલિક સારવાર જરૂરી હોય ત્યારે તબીબો ઈન્જેક્શનની મદદથી નિદાન કરે છે. સોયથી અંદર જતું રસાયણ શરીરની સમસ્યામાં રાહત આપે. પણ આપણા રાજ્યમાં દિલ્હીમાં બેસનારા નેતાએ ઈન્જેક્શનનું વિતરણ કરી સમસ્યા વધારી દીધી. નેતાજીના મિત્રએ આ સ્ટોક લાવી આપ્યો હોવાની વાત વહેતી થઈ. જ્યારે પ્રાંતના સુબેદારે કહ્યું જે લાવ્યું એને પૂછો. આમ તો માનવ જાત જન્મી ત્યારથી સોય ખાતી આવી છે. જેમ જેમ રોગ વધતા ગયા એમ એમ બાળકોને મૂકાતી રસી વધતી ગઈ. એટલે કે આપણને ખૂંચતું સહન કરવાની બાળપણથી આદત થઈ છે. પણ જ્યારે ઈન્જેક્શન જ ન હોય ત્યારે સ્વજનને બચાવવા કેટલી હાડમારીમાંથી પસાર થવું પડે એના ચિત્રો આપણે નજર સમક્ષ જોયા છે.😳 છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યમાં ઈન્જેક્શનની આત્મા જનતાથી લઈને નેતા સુધીના તમામ લોકોને ધૂણાવે છે. સુટબુટવાળા નેતા કહે છે પૂરતો સ્ટોક છે ખાદી ધારીઓ કહે છે કાળા બજાર થઈ રહ્યા છે. પણ આ તો એના જેવો ઘાટ છે કે, તમે લાયસન્સ વગર કાર ડ્રાઈવ ન કરી શકો, બાઈક ન ચલાવી શકો પણ ઈન્જેક્શન વહેચી શકો, એ પણ વગર ચાર્જે.😡 મુદ્દો કોઈ પણ હોય રાજકીય સ્પર્શ લાગ્યા વગર રહેતો નથી. કોરોનાની બીજી લહેરમાં માત્ર ઈન્જેક્શન જ નહીં પણ ઈમોશન પણ ખૂટી ગયા છે. ઈમોજીના બે હાથ જોડી દો🙏 એટલે કામ પતી જાય. અવાજની આતુરતા અસ્ત થતી જાય છે. સ્મશાનમાં અંતિમવિધિ માટે આવતા કેટલાક ઉતાવળીયા ઝડપથી નિકાલ થાય એ રીતે રઘવાયા થયા હોય છે. પણ જે મૃતક છે એની સાથેના સંબંધ કે એને તમારી પ્રત્યે નિભાવેલી જવાબદારીને તો યાદ કરવાનું ભૂલાયું છે. 

આ પહેલા કોરોનાની પ્રથમ લહેરમાં રાશન માટેની લાઈન જોઈ જ્યારે બીજી લહેરમાં રેમડેસિવીર માટેની લાઈન જોવા મળી. અગાઉ દાળ મેળવવા તડકા વેઠવા પડતા હવે દવા લેવા હવાતિયા મારવા પડે છે. પ્રાંતના સુબેદારે તો ત્યાં સુધી કહ્યું છે કે, ઈન્જેક્શનની અછત નહીં વર્તાય. પણ તબીબી હકીકત એવી પણ છે કે, બધાને રેમડેસિવીરની જરૂર નથી હોતી. જેની સ્થિતિ ગંભીર છે અને અન્ય બીમારીથી રોગ વકરવાનું જોખમ છે એના માટે જ આ ઈન્જેક્શન છે. કોરોનાની બીજા સ્ટ્રેઈને એટલા બધા કોન્ટ્રાસ દેખાડ્યા કે પ્રશ્ન થાય છે કે, ખરેખર શું થવા બેઠું છે? પોતાના જ મૃત સ્વજનોનો નિકાલ કરવા પછીની પેઢિ ઉતાવળી થાય છે. તો કોઈ અસ્થિ લેવા પણ આવતું નથી. અખબારી જગતના ઈતિહાસમાં બે-બે પાના ભરીને અવસાન નોંધ આવે એ દયાજનક દિવસો કહેવાય. હોસ્પિટલમાં જગ્યા નથી અને હોટેલ્સ-રેસ્ટોરાં ખાલી ખમ છે. રસ્તા સુમસાન છે અને સ્મશાનમાં ટ્રાફિક જામ છે. ગામના મોઢે ગૈણા ન બંધાય એવું અગાઉ વડીલો કહેતા. પણ કોરોનાએ બધાને ગૈણા બાંધતા (માસ્ક પહેરતા) કરી દીધા. લોકડાઉનથી એક વસ્તુ એ સમજાઈ ગઈ કે, જરૂરિયાત શું છે અને ખોટા દેખાડા શું છે? નકલી લેબલ લગાડીને અસલી લેવલ સાબિત કરનારા પણ ઘણા ઝડપાયા. 👮ઈન્જેક્શન બીજું અને ઉપર સ્ટીકર બીજું ચોંટાડીને બ્લેકમાં ડ્રગ વેચાય એ રીતે સારવારની વસ્તુ વેચનારા ઝડપાયા. આમા તો ડૉક્ટર્સનો પણ સમાવેશ થાય છે. આને આપણે કોરોના વોરિયર્સ કહીશું? 😡પણ બધી કેરી બગડેલી નથી હોતી એમ સફેદ કોટવાળા બધા સારા નથી હોતા. ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરીને જ્યારે વિદ્યાર્થીને પૂછવામાં આવે કે શું બનવું છે? ત્યારે જવાબ આપે કે, ડૉક્ટર. ડૉક્ટર બન્યા બાદ સેવાનો હેતું ઓછો અને સંપત્તિસર્જનનો વધારે હોય છે. અર્થ ઉપાર્જનની પ્રવૃતિમાં બ્રેક ન લાગે એટલે લોકડાઉન નથી કર્યું. પણ શ્રમિકોની વતન તરફની દોટ ફરી જોવા મળી છે. એ પણ આખરે માણસ જ છે ને? ઈન્જેક્શન માટે દોડધામ થાય છે અને વેક્સીન માટે અપીલ કરવી પડે છે. ફટકા બધાને પડ્યો છે અને પીડા બધાને થાય છે. બસ પ્રકારને જુદા જુદા છે. કોઈને પૈસાની છે તો કોઈને પોતાના ગુમાવ્યા નથી. 

ઈલાજ માટેનું ઈન્જેક્શન પોલિટિકલ પ્રમોશન સુધી પહોંચશે એવું તો કોઈએ આ મહામારીમાં વિચાર્યું નહીં હોય. રાય જેવડું કામ અને પેસિફિક જેવડું માર્કેટિંગ તો રાજકારણમાં મોહેંજોદારોના યુગથી ચાલતું આવ્યું છે. એક ઈન્જેક્શન એવું પણ મૂકાવો જેમાં સંયમ અને સમજદારીનું રસાયણ હોય. વિદ્યાર્થીઓને એક એવું પણ ઈન્જેક્શન આપો કે, રીઝલ્ટના બદલે ટેલેન્ટને ઓળખે. જેથી કોઈ પરિણામના દિવસે પંખે ન લટકે, ડેમમાં ડાઈવ ન મારે. એક ઈન્જેક્શન એરિયાધણી (કોર્પોરેટર)ને પણ આપો કે, પોતાના વિસ્તારને કેન્ટેનમેન્ટ ઝોન થતો બચાવે. જેમ મત માગવા આવે છે એમ કોવિડ છે કે નહીં એ પૂછવા આવે. દોરી કાપનારા અને ફોટા પડાવનારા એક વખત પીપીઈ કીટ પહેરીને ડ્યૂટી કરનાર સાથે તો સેલ્ફી પાડો. એક એવું પણ ઈન્જેક્શન આપો જેનો પગાર હજું પણ કપાત થઈને આવે છે. એના શેઠિયાને ભાન થાય કે લોકડાઉનને વર્ષ વીતિ ગયું છે. હવે સર્વત્ર બધું મળે છે. નાના હતા ત્યારે તોફાન કરે એને ડૉક્ટર સોય મારી દે. સજા રૂપે એવું વડીલો કહેતા. તો પહેલી સોય રાજનેતાને મારો કારણ કે, ધાર્મિક તહેવારમાં તાળાબંધી કરી અને ચૂંટણી પૂર્વે રેલા-રેલીઓ કાઢી. 18 વર્ષથી વધારે વયના મતદાતાઓની આખેઆખી યાદી અપગ્રેડ થાય છે તો શું 45 વર્ષ કે તેથી વધુના લોકોનું લીસ્ટ ન મળે? લાગણીનો સ્પર્શ અને કામ કરવાની તરસ ખૂટે છે. બાકી કોઈ પણ ક્ષેત્રના કરિયરની પાછળ કમાણી હંમેશા કેન્દ્રમાં રહી છે. કદાય એટલે જ માણસાઈ માળીયામાં મૂકાઈ ગઈ છે. સમજદારીની સોય નહીં વાગે ત્યાંથી પીડા અને વેદનાની વેલિડિટી રહેવાની છે. 

આઉટ ઓફ બોક્સ

ગમે ત્યાં પ્લાસ્ટિક ફેંકનારી પ્રજા પર કુદરતને ગુસ્સો આવ્યો. જીવતાને માસ્ક અને મરેલાને પ્લાસ્ટિક (પીપીઈ)માં વીટી દીધા

Saturday, January 23, 2021

પેપરલેસ પ્રોસિજરઃ ફોર્મેટ બદલ્યા બાકી ફોર્મ તો એના એ

  પેપરલેસ પ્રોસિજરઃ ફોર્મેટ બદલ્યા બાકી ફોર્મ તો એના એ

કોરોના કાળે આમ તો સર્વત્ર માઠી ઉપર મીઠું ભભરાવીને માર મારવાનું જ કામ કર્યું છે. ફાર્મા અને ડ્રગ્સ સેક્શન સિવાય ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જે આની કાંટાળી ફેન્સિગ હેઠળ ન આવ્યું હોય. પણ કોરોનાના સમયે એ સાબિત કરીને બતાવ્યું કે, કામ કરવું  હોય 'તો' ઓફિસ કે કોઈ એસી રૂમની જરૂર નથી. વર્ક ફ્રોમ હોમનું સુવિધાનો રાતોરાત સૂર્યોદય થયો. હાજરી ઓનલાઈન, ન અંગુઠો મારવાની ચિંતા ન મોઢું દેખાડવાની મથામણ (ફેસ ડિટેક્શન અટેન્ડસનું શુદ્ધ ગુજરાતી). ન વાઉચરમાં સહી કરવાની ચિંતા ન સિસ્ટમની કોઈ ફરિયાદ. એક સરસ સિસ્ટમ એ વિકસી કે કામ કરવા માટે ઈરાદો જોઈએ અડચણ તો ઊભી કરેલી હોય છે. સગવડીયા ધર્મની જેમ અને આપના તો અઢારેય વાંકાની જેમ તે માનસિકતા હતી એ બદલી. પણ આ ચિત્ર મહાનગર પુરતુ જ સિમિત રહ્યું. સૌરાષ્ટ્રમાં તો શેઠિયા ગીરીની લીલ જેવી માનસિતા આવા સાત કોરોનાકાળ આવે તો પણ બદલે એમ નથી. આજીવન કેદ થયું છે કે, કામ તો ઓફિસે આવીને જ થાય. સરકાર પણ ડિજિટલ થઈ ગઈ. ભરતી માટેની પરીક્ષા ઓનલાઈન, ફોર્મ પણ ઓનલાઈન ભરવાના. પણ હજું આવકનો દાખલો, નોન ક્રિમિલિય પ્રમાણપત્ર, લાયસન્સ માટેના ફોમ ઓનલાઈન હોવા છતા ઓફલાઈનની સ્વીકૃતિ વધારે છે. આ વોલ્યુમ પાછળ લેવાતી એક ચોક્કસ રકમ સ્ટેશનરી ખર્ચમાં ખપાવીને 50% રેવન્યૂ ને 50% રોકડી ખર્ચો. પણ યુદ્ધના ધોરણે ડિજિટલ પ્લેટફોર્મ હનુમાન કુદકો મારીને આવેલા આ તમામ પાસા જો પેપરલેસ અભિગમ અપનાવે તો ઘણું કામ સરળ થઈ શકે છે. અનેક વખત સરકારી વેબપોર્ટલના સર્વર ડાઉન થાય, જેના કારણે કલાકો સુધી જે તે સરકારી કચેરીએ લોકોની લાઈન લાગે. એમા પણ સોશિયલ ડિસ્ટસન્સ અને માસ્કના નામે ભંગાણ જોવા મળે છે. 

હજું પણ આપણે ત્યાં કાગળ પર લખેલું એ જ કાળધર્મી સત્ય. પણ સતત વધી રહેલી પીડીએફ અને પ્રોસિજર લાંબી લાઈન ઘટાડી શકે છે. જ્યાં બધું ઈમેજ આધારિત થતું જાય છે એમાં કોઈ ખોટું થવાની ટકાવારી હવે સિંગલ ડિજિટમાં પહોંચી છે. બેન્કના ફોર્મથી લઈને બેલેન્સ જોવા માટે ATMમાંથી નીકળતી ચબરખી સુધી તમામ પ્લેટફોર્મ ઓનલાઈન છે. છતા કાગળનો બગાડ અને કાગળીયા રૂપી આધાર પુરાવાઓ સરકારી કચેરીમાં લીલની જેમ સડો થઈને બેઠા છે. આ જૂની વસ્તુઓનો નીકાલ તો સમય માગી લે. પણ ડેટા સર્વર અને સ્કેનિંગ ટેકનોલોજી આ દુનિયાને પેપરલેસ કરી શકે છે. જાણીને નવાઈ લાગશે કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ત્યાંની સરકારે તમામ યુનિવર્સિટીને આદેશ આપ્યો કે, જેમ ઓનલાઈન કસોટી કરો છો એમ પરિણામને પણ ઓનલાઈન અને ડિજિટલ ડૉક્યુમેન્ટ તરીકે આપો. જેની ગમે ત્યારે કલર પ્રિન્ટ વિદ્યાર્થિઓ કરાવી શકે. કાયમી ધોરણે સરકારી સર્વરમાં સચવાય અને એક કોપી વિદ્યાર્થીઓ પાસે પણ સેવ રહે. પેપરનું સેવિંગ અને પ્રોસિજર પણ ઈઝી. પણ આપણે ત્યાં બિઝી રહેતા નેતાઓને આવા અભિગમ કરતા મસમોટા પ્રોજેક્ટ વધારે આકર્ષે છે. સરકારી કચેરીમાં લોકાર્પણ સિવાય આંટો ન મારનારાને નાની સિસ્ટમથી સરળકામ થાય એનો ખ્યાલ ભાગ્યે જ હોય છે. જ્યાં પાસબુક પ્રિન્ટ કરાવવા માટે મશીન આવ્યા ત્યાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે પબ્લિક ટેબલેટ મૂકીને સિસ્ટમ ડેવલપ કરી શકાય. માર્કશીટથી લઈને મીટર બિલ સુધી તમામ વસ્તુ કાગળ પર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ પણ કેટલાક કિસ્સામાં કાગળ પર, એફડીથી લઈને એક્ઝામની રીસિપ્ટ કાગળ પર, વેલકમના સ્ટીકરથી લઈને વેક્સિનેશનની યાદી કાગળ પર. દિવસે દિવસે પેપર ઉદ્યોગ વિકસી રહ્યો છે એમાં કોઈ બે મત નથી પણ જ્યાં 100% ડિજિટલ કોન્સેપ્ટ શક્ય અને સ્વીકાર્ય છે ત્યાં પહેલના પર્સનટેજ શા માટે સિંગલ ડિજિટમાં છે? આપણા દેશમાં આશરે 600 જેટલી પેપર મિલ્સ ધમધમે છે. કોરાના કાળથી થોડી ધોવાઈ છે. આ જ ઉદ્યોગ વૃક્ષ ઉછેર પણ એટલું જ કરે છે. પ્રવાસન પોઈન્ટ પર ડિજિટલ ડિસ્પ્લે જોવા મળતી હોય અને લોકો એના નેવિગેશનથી ટેવાયા હોય ત્યાં જીવન જરૂરી વિષયોમાં માત્ર ડિજિટલનો સ્પર્શ થયો છે. ફોર્મ જે પહેલા પેનથી ભરાતું એ હજું યથાવત છે. ઓનલાઈન પણ પ્રાપ્ય છે. પણ સાઈટના ધાંધિયા, અધિકારીના સહી સિક્કા, સ્ક્રુટીની જેવા અનેક ફિલ્ટરમાંથી પસાર થતી પાવતી આપણા સુધી ઈસ્ત્રી ટાઈટ કડક કંડિશનમાં પહોંચે છે. પણ એ આવે ત્યાં સુધીમાં આપણો દમ નીકળી ગયો હોય છે.

કોઈ પણ ક્ષેત્રમાં ઈન્ટરફેર ઓનલાઈન અને વર્ક પ્રોસિજરના ડૉક્યુમેન્ટ ઓફિસ પુરતા સિમિત રાખવામાં આવે તો 90 ટકા કાગળનું સેવિંગ થાય છે. જેને કોઈ બીજા સારા કામે વાપરી શકાય છે. પણ પ્રશ્ન એ છે કે, પ્રિન્ટ કાઢીને સહી સિક્કા કરાવીને અપલોડ કરવાની, સ્કેન કરવાની અને નોટિફિકેશન કરવાની તસ્દી કોણ લે? જ્યારે સરકારી પોર્ટલ ધમધમતા થયા ત્યારે ઘણા પોથી પંડિતોએ કહ્યું હતું કે, કાગળીયા યથાવત રહેશે. ડિજિટલ વર્કિંગમાં ક્નેક્ટિવિટી રેગ્યુલર થતી રહી છે આ પહેલની શરૂઆત કરવાની હાલ તાતી જરૂર છે. ધક્કા બચશે અને ધજાગરા પણ થતા અટકશે. પરીક્ષા ઓનલાઈન, ફોર્મ ઓનલાઈન, અરજી ઓનલાઈન પણ કામમાં હજું ઢસરડા યથાવત છે. ઘણા યુવાનોને અતિ ટેકનોલોજીના આ યુગમાં આવી પ્રોસિજર ખટકતી હોય છે. જ્યાં સોર્સ છે ત્યાં કાગળ મૂકીને ખોટી સમસ્યાઓ ઊભી કરવાનો કોઈ અર્થ જ નથી. બીજી તરફ એજન્ટ પ્રથાને પણ સીધો ફટકો પડશે. જોકે, એ પણ અપગ્રેડ થાય એમાં કોઈને કંઈ વાંધો નથી. આખરે તો પેટનો સવાલ છે ને? કહેવાનો અર્થ માત્ર કોમ્પ્યુટર કે ઈન્ટરનેટ પર પક્તા થવાથી કંઈ થવાનું નથી. લોકો જેમ મોબાઈલની મલ્ટિમીડિયા દુનિયાથી ટેવાય ગયા એમ ડિજિટલથી પણ અવેર કરવાની જરૂરિયાત છે.


આઉટ ઓફ ધ બોક્સ..

આ કોરોના વાયરસની મારક રસી લઈ લેવાથી કોરોનાની કોલર ટ્યુન બંધ થાય ખરા? આ તો જસ્ટ પૂછું છું. સિગારેટના ખોખા પર ધુમ્રપાન હાનિકારક છે એવું લખ્યું હોવા છતા જાહેરમાં કરાય છે અને કેટલાક લોકો રસી સામે પુરાવા અને ગેરેન્ટી માગે છે. 

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...