Friday, December 25, 2020

આખરે આ ટોલટેક્સના પૈસાનું થાય છે શું? શું આજીવન ટોલટેક્સ ભરવાના?

 આખરે આ ટોલટેક્સના પૈસાનું થાય છે શું? શું આજીવન ટોલટેક્સ ભરવાના?

આપણા રાજ્યમાં અત્યારે ઘણા બધા એવા રૂટ છે જ્યાં રસ્તાનું કામકાજ ચાલી રહ્યું છે. ઘણા એવા રસ્તાઓ છે જે દાયકાઓ પસાર થયા હોવા છતા હજું એ જ સ્થિતિમાં છે. અર્થાત ખખડધજ છે. તાજેતરમાં એક એવા વાવડ પણ આવ્યા હતા કે, કૂતરાને બચાવવા જતા કાર તળાવમાં ખાબકી અને શિક્ષકોના મોત થયા. ડ્રાઈવિંગ ટેસ્ટ આપતી વખતે જો પગ નીચે પડી જાય અને કાર બંધ થઈ જાય તો નાપાસ કરી દેવામાં આવે છે. પણ રસ્તે રખડતા ઢોર, મરેલા પશુઓ, હાઈવે પર પૂલ શરૂ થાય એટલે ચોક્કસ પ્રકારનો આવતો અવાજ જે ઊંઘમાંથી ઊઠાડી દે. આવા અનેક મુદ્દાઓ તંત્રને કોઈ પૂછતું નથી અને તંત્ર એનો જવાબ પણ આપતું નથી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈએ ત્યારે પણ આવા તોડબાજ ખિસ્સા ખાલી કરાવવા ઊભા હોય છે એ પણ એક ચોક્કસ રંગનો ડ્રેસ પહેરીને. દેશમાં જ્યારે એક્સપ્રેસ વે તૈયાર થયા ત્યારે એને બેસ્ટ રોડ ક્નેક્ટિવિટી માનવામાં આવતી હતી. પણ વાસ્તિવકતા એ પણ છે કે, આ જ એક્સપ્રેસ વે પર લૂંટ, અકસ્માત અને તોડની ઘટનાઓ વધી રહી છે. રસ્તાઓ રાજ્ય સરકાર બનાવે કે કેન્દ્ર સરકાર ટોલનાકેે થતી મગજમારીનો વિષય નવો નથી. જ્યાં નેતાઓ પોતે પદ હોવાનો પૂરો ઉપયોગ કરે. તલવાર ખેંચી લે. ફટાકડી દેખાડે. આ ઉપરાંત ત્યાં નર કે નારીમાં ન આવતી એક પ્રજાતિનો ત્રાસ, લુખ્ખાઓનો ત્રાસ, પાટા પર ચાલતી એક ચોક્કસ કારના ડ્રાઈવરોનું સેટિંગ આ તમામ ઘટનાઓ દરરોજ બને છે. પણ જ્યારે પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવામાં આવે છે ત્યારે આવી કડકાઈ કેમ? ઉમેદવાર પાસ થશે તો શું ટોલટેક્સ માફ થશે? 'વહીવટ' સર્વત્ર ચાલે છે. ટોલટેક્સ ભરવા છતાં પણ આ તમામ મુદ્દાઓમાંથી આપણે સૌ કાયદેસર રીતે પસાર થઈએ છીએ. 

કેન્દ્રીય મંત્રી નીતીનભાઈ ગડકરીએ એવી પ્રજાને એવી સરસ કેડબરી જેવી જાહેરાત કરી છે કે, ભવિષ્યમાં દેશમાંથી તમામ ટોલનાકા ભૂતકાળ બની જશે. જોકે, ગુજરાતમાં તો આનંદીબેન પટેલની સરકાર વખતે જ રાજ્ય સરકારના ટોલનાકા પર અચાનક અણધાર્યું કાયમી પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું હતું. દેશમાં સૌ પ્રથમ એક્સપ્રેસ વે મુંબઈ-પૂણે વચ્ચે તૈયાર થયો. વર્ષ 2002માં. પછી સરકારે ફાસ્ટ ટેગ શરૂ કર્યું. જેમાં ટોલટેક્સ માટે લાઈનમાં ઊભા રહેવાથી મુક્તિ મળી અને ટેક્સ સીધો બેન્ક ખાતામાંથી કપાયો. એક્સપ્રેસ વેને દેશનો સૌથી વધુ ટોલટેક્સ વસુલતો હાઈવે માનવામાં આવે છે. જ્યાં દિવસ રાત પેટ્રોલિંગ થાય છે એવા દાવા પણ ઠોકવામાં આવે છે. પણ વાસ્તવિકતા એ પણ છે કે, એક્સપ્રેસ વે રૂટ પર ચાલતી ટ્રાવેલ્સ કે પાટાવાળા વાહનો ડીઝલના ભાવ ઘટે તો પણ ટિકિટના ભાવ ઘટાડતા નથી. કારણ કે ટોલટેક્સની રકમ ગ્રાહક પાસેથી વસુલી લે છે. જ્યારે એક્સપ્રેસ વે કે નેશનલ હાઈવે રોડ પ્રોજેક્ટ નક્કી થાય છે ત્યારે એ પ્રોજેક્ટની કિંમત કરોડો રૂપિયામાં થાય છે. આ માટે સરકાર પ્રજા પાસેથી ટોલટેક્સ રૂપે મદદ લે છે. સરકાર રસ્તા બનાવવાની જવાબદારી ખાનગી કંપનીને સોંપે છે. બદલામાં નક્કી કરેલી સમય મર્યાદા અનુસાર તે કંપની ટોલટેક્સ વસુલ કરે છે. પણ જ્યારે પ્રોજેક્ટનો ખર્ચો પૂરો થઈ જાય છે ત્યારે સરકાર આ ટોલટેક્સની રકમમાં ઘટાડો કરી શકે છે અથવા ટોલટેક્સ બંધ કરી શકે છે. પણ આવું હજું સુધી થયું નથી. કોઈ પણ હાઈવે પર ટોલટેક્સ માટે ચોક્કસ પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં બે ટોલપ્લાઝા વચ્ચે 60 કિમીનું અંતર હોવું જોઈએ. એટલે કે જ્યારે કોઈ પણ વાહન ટોલટેક્સ ભરે છે ત્યારે તે ટેક્સની રકમ 60 કિમી સુધીની હોય છે. જો રસ્તામાં ટનલ અથવા બ્રીજ અથવા બંને આવતા હશે તો ટોલટેક્સ વધારે હશે. કારણ કે બ્રીજ અને ટનલ બનાવવાનો ખર્ચો વધારે આવે છે. વધારે પડતા લેન હશે ત્યાં પણ ટોલ ટેક્સ વધારે હશે. જેમ કે, અમદાવાદ પાસે છ લેનનો રસ્તો બની રહ્યો છે. જે આગળ જતા નેશનલ હાઈવેને જોડે છે. જો અહીં ટોલનાકું શરૂ થયું તો ટોલટેક્સ વધારે હશે. પણ સરકારે તો હાલમાં કોઈ ટોલ પ્લાઝાની વાતને નકારી છે. જોઈએ કયા ગતકડાથી સરકાર રોકડા લેશે? હાઈવે કેટલો લાંબો છે એના પર ટોલટેક્સની રકમનો આધાર નથી હોતો. પૂર્વાંચલ એક્સપ્રે વે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે છે. જે 340 કિમી લાંબો છે. જે સિક્સ લેન હાઈવે છે. જે લખનઉના ચાંદ સરાઈ ગામથી શરૂ થઈ ઉત્તર પ્રદેશ બિહારને જોડે છે. વાયા ગાઝીપુર. 

      ટુ વ્હીલર્સ, ફોલ વ્હીલર્સ અને હેવી વ્હીકલ્સ માટે જુદા જુદા ચાર્જિસ નક્કી કરવામાં આવે છે. સત્તા પર આવ્યા બાદ સિંહ જેવી ગર્જના કરનારા નેતાઓ આ ટોલ ટેક્સને લઈને અત્યાર સુધીમાં કોઈ અસાધારણ પગલું ભરી શક્યા નથી. જેમ કે, દિલ્હી-આગ્રા યમુના એક્સપ્રેસ વે વર્ષોથી કાર્યરત છે. પ્રોજેક્ટ પણ પૂરો થઈ ગયો છે છતાં પૈસા ખંખેરવાનું ચાલું છે. આ ઉપરાંત દિલ્હીના એન્ટ્રી પોઈન્ટને જોડતી દરેક રાજ્યની બોર્ડર પર ટોલટેક્સ છે. હવે ડિજિટલ પેમેન્ટને વેગ આપવા સરકારે ફાસ્ટ ટેગમાં ચાર્જ ઓછો કર્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ એવું પણ એલાન કર્યું છે કે, 1 જાન્યુઆરીથી એ જ વાહનોને ક્રોસિંગ અપાશે જેની પાસે ફાસ્ટ ટેગ હશે. પણ આમ જોવા જઈએ તો આ એક સારૂ પગલું છે. સરકાર પણ કમાય અને કંપની તો સરકાર પાસેથી આજીવન કમાય. ટોલટેક્સ ભરવાથી રસ્તો આપણા પિતાજીનો નથી થઈ જતો. પણ કેટલીક સુવિધાઓ મળે છે. જેમ કે, ટોલ રોડ પર પોલીસ પેટ્રોલિંગ થાય છે. થોડા મહિના પહેલા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર લૂંટ પણ થતી હતી. આ તો માત્ર જાણ ખાતર. હાઈવેના રસ્તાના પર પેટ્રોલિંગ ટીમ પેટ્રોલિંગ કરે છે. જેતપુર-સોમનાથ હાઈવે પર ગમે ત્યાં લઘુશંકા કરવા માટે હાઈવે પર સાઈડમાં કાર ઊભી કરી દો કોઈ આશંકા પણ નહીં કરે. આ ઉપરાંત ટોલ રોડ પર એમ્બ્યુલન્સ, ફાયરબ્રીગેડ, ક્રેઈન સુવિધાની પણ આપવામાં આવે છે. પણ તા.23.12.2020 આગ્રા લખનઉ એક્સપ્રે વે  પર ખંડૌલી જિલ્લા પાસે એક કાર કન્ટેનર સાથે અથડાઈ. કારમાં એકાએક આગ લાગી ગઈ. પાંચ લોકોના મોત થયા. નિયમ તો એવું  પણ કહે છે કે, આવા ટોલ રોડ પર શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા, બસ પાર્ક થઈ શકે એવી જગ્યા પણ હોવી જોઈએ. કોઈને યાદ હોય તો કહોને આવું ક્યા ટોલરોડ પર છે? આ ઉપરાંત ડિવાઈડર પર વૃક્ષ ઉછેર. જેથી સામેની તરફથી આવતા વાહનોની લાઈટ બીજાને પરેશાન ન કરે. યમુના એક્સપ્રેસ વે સિવાય આ ઝાડવાળો પોઈન્ટ જોવા તો શું સાંભળવા પણ નહીં મળતો. ટોલ ટેક્સના પૈસાથી આ તમામ મુદ્દાઓ પર થતા ચાર્જની ચૂકવણી થાય છે. જ્યાં એક્સપ્રેસ વે પર આવી લોલમલોલ ચાલે છે તો બીજા હાઈવેની સ્થિતિ શું હશે એનો અંદાજ લગાવી શકાય છે.  

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...