Friday, October 30, 2020

નંબરપ્લેટઃ કાયદો કાગળ પર અને ક્રિએટવિટી વ્હિકલ્સ પર

 નંબરપ્લેટઃ કાયદો કાગળ પર અને ક્રિએટવિટી વ્હિકલ્સ પર

દિલ્હી સરકારે હમણા એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લીધો. જેનાથી ગુનાખોરી પર લગામ ખેંચી શકાશે. તંત્રએ રસ્તે બિનવારસુ ઢોરની જેમ નંબર વગર રખડતી ગાડીને જપ્ત કરી સીધા દંડ ફટકારવાનું એલાન કર્યું છે. આપણે ત્યાં જેમ ટો વાળા નો પાર્કિંગમાં પડેલી ગાડી કે ટુવ્હિલર શોધતા હોય એમ દિલ્હીમાં એક ટીમ નંબર વગરની ગાડી શોધે છે. જોકે, રાજધાની અને મહાનગરમાં આવા વાહનનો રેશિયો આપણા ગુજરાતના નાના શહેર કરતા ઓછો રહેવાનો. પણ નંબરપ્લેટ એટલો રસપ્રદ વિષય છે કે, એના પર અનેક પ્રકારની વેરાઈટી જોવા મળે છે. કાયદો એવું કહે છે કે, એમાં સીરિઝ સિવાય (નંબરની હો...નામની નહીં) કંઈ લખી શકાતું નથી. એટલે કે, પ્રદેશની ટૂંકી આઈડેન્ટિટી જેમ કે, GJ, MH, RJ પછી નંબર પછી અંગ્રજી મુળાક્ષર અને પછી નંબર. પણ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં નંબર પ્લેટ પર રંગોળીના રંગ જેવું વૈવિધ્ય જોવા મળે છે. કોઈ પણ શહેરમાં જાવ, તાલુકા કે જિલ્લામાં જાવ એકાદ એવી બાઈક, બુલેટ, મોપેડ કે માલવાહક ખટારા એવા નજરે ચડે જ જેમાં કાં તો નંબર પ્લેટન ન હોય, હોય તો એમાં નંબરમાં ક્રિએટિવિટી કરી હોય, ચોક્કસ પ્રકારના ચિહ્ન અને ધર્મના આઈકોન, રાજકીય પક્ષનો લોગો કે નામ લખેલા હોય. યુવાનો પોતાની ગર્લફ્રેન્ડ અને પરણેલા પોતાની પત્ની પ્રત્યે જેટલે પઝેસિવ હોય છે એટલા નંબર પ્લેટ પ્રત્યે હોય છે. 😊 એટલે તો સમયાંતરે વાહન વ્યવહાર કચેરીને નંબરમાંથી નાણાંની અનેક ગણી થોકડી મળી રહે છે. જો કે, પૈસાથી પસંદગીના નંબરની સિસ્ટમ આપણા દેશમાં જ છે. કારણ, આવું થાય તો જ સરકારી કચેરીને કડકનોટની કમાણી થાય. બાકી સામાન્ય માણસને ચાર સત્તા, ચાર એક્કા, નવ નવડાં, છ છક્કા ક્યારેય મળવાના જ નથી. કારણ કે એ 'આમ આદમી' છે. નંબરપ્લેટ સિસ્ટમે સાબિત કરી દીધું કે, ચોઈસ ઈઝ ઓલવેઝ ચાર્જેબલ.😭

દેશના કોઈ પણ શહેરની ટ્રાફિક પોલીસને જોઈ લો. વાહનોના ધગધગતા મશીનમાંથી નીકળતા ધુમાંડાને સહન કરીને, ચામડી અને શરીરનો ખો કરીને ત્રણેય ઋતુમાં ડ્યૂટી કરે છે. એમાંય ગુજરાતના એક શહેરની પ્રજા એને 'ટોપીવાળા કાકા' કહીને બોલાવે છે. વાહનોને ડાઈવર્ટ કરવા અને રનિંગ મોડ પર વ્યવસ્થા જાળવવી એ ખરા અર્થમાં કપરૂ કામ છે. એમાં પણ કોઈ પાંચ ચોપડી ભણેલા મંત્રીની ગાડી નીકળવાની હોય, નવા પોલીસ સાહેબ આવેલા હોય અને કોઈ મોટા રાજનેતાનો વરઘોડો નીકળવાનો હોય ત્યારે આ લોકો અંદરથી માનસિક રીતે ઑક્સિજન પર જીવતા હોય છે. 🙏કારણ કે સામાન્ય દિવસનો ટ્રાફિક જ્યાં માંડ મેનેજ થતો હોય ત્યાં રસ્તે ગાડી ક્યાંય રોકાય નહીં એવી મંત્રીઓની ગાઈડલાઈન્સને ફોલો કરવાની. એમાં પાછા જામર અને બ્લેકફ્રેમ બંને હોય. જ્યાં પ્રજાને પોલીસકર્મી 'આદેશ અનુસાર' માથે રહીને કઢાવે. નંબરપ્લેટ વગરની ગાડી પર બિરાજમાન ભડવીર કે વીરાંગના એવી રીતે નીકળે જાણે રસ્તા પર નહીં રન-વે પર નીકળ્યા હોય. 💪જેવું ટ્રાફિક સિગ્નલ આવે એટલે બરોબર વચ્ચે જ રહે જેથી કોઈ અટકાવે નહીં. પણ આ જ વ્હિકલ પાછું રોંગ સાઈડમાંથી ઓવરટેક કરે ને સામું પણ આવે. હવે આવાને પોલીસ કેમ પકડતી નથી એ રીસર્ચનો વિષય છે.🤔 આમ તો આપણી પ્રજા જાત મહેનત કરતા જ્યોતિષમાં વધુ માનતી હોય છે. જ્યોતિષ કહે કે, નંબરનો સરવાળો નવ આવે તો નવગણી પ્રગતિ થશે. એ જ વાહન પર ડ્રિક્સ એન્ડ ડ્રાઈવનો કેસ ફાઈલ થયેલો હોય એવા પણ દાખલા છે. જ્યોતિષ પણ શાણા હોય છે વાહન ઠોકાશે કે બોટલમાં ઝડપાશે એની આકાશવાણી કરતા જ નથી..! 😀લોકો એને ભગવાન બોલ્યા બરોબર સમજીને લાખો રૂપિયા દ્વારકાધીશના ચરણમાં છપ્પનભોગ ધરવામાં આવે એમ આરટીઓને ભેટ ચડાવી દે. વર્ષ 1988થી આપણા દેશમાં ફરજિયાત નંબર પ્લેટનો કાયદો અમલમાં આવ્યો. એ વાત અલગ છે કે, અમુક લોકોને આ લાગુ જ નથી પડતો. પ્રથમ બે લેટર જે તે પ્રદેશને દર્શાવે છે જેમ કે, GJ એટલે ગુજરાત, DL એટલે દિલ્હી, HR એટલે હરિયાણા. ત્યાર બાદ નંબર જે તે જિલ્લાને દર્શાવે છે. GJ 10 એટલે જામનગર, GJ 3 એટલે રાજકોટ, GJ 1 એટલે અમદાવાદ. પછી કોઈ અંગ્રીજ મુળાક્ષરની જોડી અને પછી નંબર. જ્યારે વાહનની ખરીદી થાય ત્યારે પણ ચેસિસ નંબર આપવામાં આવે છે. જે ભાગ્યે જ કોઈને યાદ હોય છે. એમાં પણ છેલ્લા ચાર અંક જ યાદ રાખવાના હોય છે. નંબરની ગેમ પણ જબરદસ્ત છે. છેલ્લા બે અંક કોઈ ખાનગી રેડિયોની ફ્રિક્વન્સી સાથે મેચ થતા હોય તો તમને તંબુમાં રહેવાના પાસ મફત. જવાનું તમારા ખર્ચે. અળવીતરી આઈટમ ઘરમાં માંડ સચવાતી હોય એને તંબુમાં સાચવવાની.!!😃

આપણા શહેર કે ગામમાં બીજા રાજ્યની નંબર પ્લેટ જોઈને આશ્ચર્ય થતું નથી. જોકે, હવે બહારના રાજ્યમાંથી આવતા વાહનો પણ મહાનગર પુરતા મર્યાદિત બન્યા છે. ઈડર ક્રોસ કરો એટલે મોટાભાગના ટ્રકમાં આરજે જોવા મળે. ગોધરા પાસ કરો એટલે એમપી વાંચવા મળે જ્યારે વલસાડ ક્રોસ કરો એટલે સૌથી વધારે મહારાષ્ટ્ર અને હરિયાણાના ટ્રક જોવા મળે. નંબરપ્લેટ પર Ph.D થઈ શકે એટલું વૈવિધ્ય છે. સૌરાષ્ટ્રમાં એક નંબર પ્લેટ પર લખ્યું હતું GJ BOSS થોડી વાર તો વિચારે ચડ્યો કે આમાં નંબર શું છે. પછી ખ્યાલ આવ્યો કે નંબર 1305 છે. વધારાનો 'એસ' એ વાહનમાલિકનું પોતાનું ભેજું છે. 😇આપણા રાજ્યમાં કોઈ પણ વ્યક્તિના એક લગ્ન પ્રસંગમાં જાવ એટલે જ્ઞાતિ પૂછવાની જરૂર જ ન પડે. એના પરિવારમાં કોઈએ તો પોતાના વાહન પર એ સ્પષ્ટતા કરી જ હોય. વધુ નજર દોડાવો તો ગામનું નામ પણ પૂછવાની જરૂર ન પડે. અમુક નમૂનાઓએ ગામડાંના નામ પણ વાહન પર લખેલા હોય. પછી ભલેને એના ગામમાં એ જ ગામનું કોઈ સાઈન બોર્ડ પણ ન હોય. ટૂંકમાં જ્યાં જરૂર છે ત્યાં નથી અને જ્યાં જરૂર નથી ત્યાં મોટા અક્ષરે અંકિત છે. થોડુ વધું ઓબઝર્વેશન કરો એ પરિવારના કુળદેવી કોણ એ પણ ખબર પડી જાય. ઈષ્ટદેવનું નામ પણ જાણી શકાય. ભાઈ કે દીકરીનું જન્મ થયાનું વર્ષ. મેરેજ યર (આ સૌથી ડેન્જર, ભૂલ્યા એટલે મર્યા😡), આવા આંકડા સૌથી વધારે પસંદ થાય છે. દિમાગને 360 અંશે ફેરવો તો દીકરા-દીકરીના નામ, કારમાં અંદર નજર કરો તો વ્યક્તિના શોખ, કોલેજમાં આંટો મારો તો બાઈક કે એક્ટિવાની સીટ મખમલ જેવી હોય. હવે આપણી સીટમાં કુદરતે ગિફ્ટમાં ગાદી આપેલી છે એના માટે સ્પેશ્યલ ગાડી પર ગાદી તૈયાર કરાવી હોય. એની નંબર પ્લેટ પર લખ્યું હોય અલોન. હા ભાઈ,આ પાછો ડાયનોસોરની જેમ છેલ્લી એડિશન હોય, એક્ટિવાની નંબરપ્લેટ પર લખ્યું હોય ક્વિન. કારેલાનું શાક વધારતા ન આવડતું હોય અને આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા નાણા દેતા હોય તો ય ક્વિન. 👸પણ આનાથી વિપરીત ડિફેન્સના કોઈ વાહન પર આવું  કલ્ચર જોવા નથી મળતું. ડિફેન્સના કોઈ પણ વાહનોની નંબર પ્લેટ કાં તો ગ્રીન બ્રેગાઉન્ડ અથવા બ્લેક પર વ્હાઈટ અક્ષરે અને બ્લુ બેગ્રાઉન્ડ પર બ્લેક અક્ષરે લખાયેલી હોય છે. આ એક ડિસિપ્લિન છે. 

ડિફેન્સના વાહનોનું રજીસ્ટ્રેશન મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ન્યૂ દિલ્હી કરે છે. જેમાં શરૂઆત એક એરોથી થાય છે. એરો પણ બ્રિટિશ સરકારના અભિગમમાંથી સ્વીકારેલો છે. જે દર્શાવે છે કે, વાહન એક સૈન્યનું છે. બ્રિટિશ રાજ જ્યારે દેશમાં હતું ત્યારે એમના સૈન્યના વાહનો પર બ્રિટિશ સૈન્યનો લોગો અને એક એરો નંબર પ્લેટમાં હતા. જેને બ્રોડ એરો કહેવાય છે. જે વ્હિકલ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની પ્રોપર્ટી છે એવું દર્શાવે છે. જે માત્ર વાહન પર જ નહીં પણ ટેબલ, ખુરશી, ત્રીપાઈ સહિતના સાધનો પર હોય છે. ત્યાર બાદ જે નંબર હોય છે એ દર્શાવે છે કે, આ વાહન કઈ સાલમાં સર્વિસમાં લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક આલ્ફાબેટ હોય છે જેને બેઝકોડ કહે છે. ત્યાર બાદ છ અંકનો સિરિયલ નંબર હોય છે. છેલ્લો આલ્ફાબેટ જે તે વાહનની કેટેગરી દર્શાવે છે. સૈન્યના અધિકારીઓના વાહનોમાં બે પ્લેટ હોય છે. એકમાં નંબર અને બીજામાં એના રેન્ક. જે સ્ટારથી એમ્બોસ કરેલા હોય છે. આર્મી ઓફિસરના વાહનમાં લાલ બેગ્રાઉન્ડ વાળી પ્લેટનો ઉપયોગ થાય છે. જ્યારે ઈન્ડિયન નેવીના અધિકારી માટે નેવી બ્લુ અને સ્કાય બ્લુ બ્રેગ્રાઉન્ડ વાળી પ્લેટનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત સૈન્યના કોઈ પણ વાહનોને સિગ્નલ પર ઉભા રહેવું જરૂરી હોતું નથી. આપણે ત્યાં કેટલાક લોકો પોતાને આ કેટેગરીના માને છે. એટલે ઊભા રહેવામાં કાંટા વાગે છે. 😋જ્યારે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ગાડીમાં નંબરપ્લેટ નથી હોતી. એના બદલે અશોકસ્તંભનો લોગો હોય છે. તા. 25 નવેમ્બર 2019થી લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે આરટીઓ મળી. ત્યારે LA કોડ આપવામાં આવ્યો. જ્યારે બ્લુ બેગ્રાઉન્ડ પર માત્ર નંબર હોય ત્યારે એ વાહન માત્ર વિદેશી મહેમાન જ ઉપયોગ કરી શકે છે. સૈન્યની કારમાં એક સ્ટાર હોય તો વ્યક્તિ બ્રિગેડિયર હોય, ચાર સ્ટાર હોય તો ચીફ અને પાંચ સ્ટાર હોય તો એડમિરલ અથવા ફિલ્ડ માર્શલ. પણ સિક્કિમ એક માત્ર એવું  રાજ્ય છે જ્યાં બીજા રાજ્યની નંબર પ્લેટ ભાગ્યે જ જોવા મળશે. કારણ કે આ રાજ્યમાં કોઈ બીજા રાજ્યના વાહનને રોકાવવાની મંજૂરી નથી. સૂર્યાસ્ત પહેલા ગામ છોડવું પડે છે.

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...