Thursday, February 09, 2017

કોર્ષ પૂરો કરો ને હાથ ઊંચા કરો

કોર્ષ પૂરો કરો ને હાથ ઊંચા કરો

           ફેબ્રુઆરી એટલે જાહેરાતનો મહિનો, બાલમંદિરથી લઇને બજેટ સુધી અવનવી જાહેરાત એવી રીતે થાય કે, જાણે સમાજના તમામ વર્ગોના જીવનધોરણ તથા શૈલીને નવા વર્ઝનમાં પરાણે ધકેલના હોય. જેમ ઘઉંની સિઝન આવે, મરચાની મૌસમ આવે એમ માર્ચ મહિનાના એક મહિના પહેલા પરીક્ષાનો પરિયડ આવે. બોર્ડની પરીક્ષાનું સમયપત્રક જાહેર થાય. નવા સત્રમાં ભણવાના દિવસો કેટલા?  રજા કેટલી? વેકેશન કેટલું? તેનું વાર્ષિક કેલેન્ડર વિદ્યામંદિરોમાં પહોંચે. જેના પરથી 'અસાધારણ શિક્ષક' ભણાવવાના દિવસો કેટલા? તેનું પાકું સરવૈયું એવી રીતે તૈયાર કરે કે, જેમાં પોતાના પારિવારિક પ્રસંગોથી લઇને સ્કૂલની પિકનિક સુધીનું બધુ ગોઠવાઇ જાય. સમયસર કોર્ષ પૂરો થઇ જાય. અમરેલીના લાઠીની એક શાળામાં વિદ્યાર્થીને દુશ્મન સમજીને ધોલાઇ કરનાર શિક્ષકનો વીડિયો વાઇરલ થયો એ પણ ઘટના પૂરી થઇ ગયાના મહિના બાદ. ત્યાં સુધીમાં પેલા અસાધારણ શિક્ષક વિજય માલ્યા બની ચૂક્યો હોય છે. ગુણોત્સવમાં એક શાળાની મુલાકાતે પહોંચેલા એક મંત્રીજીએ પોતે ખોટો સ્પેલિંગ લખ્યો છે એ સ્વીકારવાના બદલે તે વિદ્યાર્થીઓની કસોટી કરતો હોવાનું રટણ કરીને 'પાસ' થઇ ગયા. રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરી અને નિરિક્ષક એચ.એમ. દવે 25 હજારની લાપસી જેવી લાંચ લેતા ઝડપાયા.


            શિક્ષણજગતમાં જેટલી તીવ્રતાથી ઘટનાઓના પરમાણું બોમ્બ ફૂટે છે. એનાથી ત્રણ ગણી ઝડપે તેના ધુમાડાં વિલિન થઇ જાય છે. ઇન્વેસમેન્ટનું આધારબિંબ અને સાઇડઇન્કમનું સાધન બનેલી શાળાઓમાં કોર્ષ પૂરો કરો ને હાથ ઊંચા કરોનો અભિગમ સોળે કળાએ ખિલ્યો છે. પરીક્ષાઓમાં પાસ થઇ ગાય એટલે બેડો પાર. જો કે શિક્ષણથી લઇને સાંસદ સુધી બધુ 'પાસ' થવાના ઉપર જ ચાલે છે. માતૃભાષા માટે અભિયાન ચલાવવું પડે છે ત્યાં સરકાર ધો.1થી અંગ્રેજોની ભાષા (અંગ્રેજી) અમલી કરવાના ગીત ગાય છે. કોર્ષ બદલતા અભ્યાસક્રમમાં વાસ્તવિકતાને બિલોરીકાચ લઇને શોધવા જેવું છે. પાસ થાય એટલું કરો અથવા કરાવો અને આગળ વધો.

              વિવાદોની વિદ્યાપીઠ બનતી યુનિવર્સિટીઓ, માન્યતા રદ્દ થયેલી શાળાઓ, સજા પામેલા શિક્ષકો, ટ્રસ્ટીઓ તેમજ આ તમામ કુંડાળાઓમાં સંડોવાયેલા ટિચરો ખરેખર તો ચિટર છે. પણ ક્યાંય તેમને નોટબંધી નડી?  કોઇ શાળાએ એક મહિનાની ફી માફી કરી?, સંડોવાયેલા ચિટરોના ઘરે ભૂખમરો આવ્યો?,  તેમના બાળકો કોઇ દિવસ નાપાસ થયાના સમાચાર સાંભળ્યા? આવા અનંત સવાલોની શ્રેણીનો એક લાઇનમાં ઉત્તર એ છે કે, તેમનો કોર્ષ બહું ખાનગી હોય છે. જે ક્યારે શરૂ થાય અને ક્યાં પૂરો થાય એનું રિપોટકાર્ડ કોઇ કોઇને બતાવતું નથી. એ જ્યારે જાહેર થાય ત્યારે દૂધના ઉભરાની જેમ બઘુ એકાએક ઉપર આવે અને જેટવિમાનની ગતિએ શમી જાય. રાજકિય પક્ષથી લઇને પરિક્ષક સુધી 'વહીવટકર્તાઓનું' અદ્રશ્ય બજાર છે. જ્યાં કોર્ષ પેપર અને પાસિંગ માર્ક કોઇ વિદ્યાર્થીઓની ક્રિએટિવિટીના જોરે નહીં પણ તે સંસ્થા કે વાલીઓના સ્ટેટસના જોરે નક્કી થાય છે. શિક્ષકોને ખાદી પહેરાવાની અપીલ કરવામાં આવી છે ત્યારે હવે કોઇ ચિટર સોરી... સોરી... ટિચર ચિંટિગ કરતો પકડાશે તો ખાદીની ગરિમાં જશે. કારણ કે ખાદી સાથે દેશના મહાપુરષ તથા મહાત્મા સાથે સીધો સબંધ છે જેને કદી કોઇ અસત્યનું આચરણ કર્યુ ન હતુ.


               કોઇ વિદ્યાર્થી ચોરી કરતો પકડાય તો ટર્મ રદ્દ થાય, પરિણામ અટકાવાય, નામ સરનામા સાથે કોઇ મોટી સેલિબ્રિટી પક઼ડાય હોય એવી રીતે તે મુદ્દાને ચગાવવામાં આવે. પણ જ્યારે કોઇ અધિકારી-શિક્ષક કે ટ્રસ્ટી ઝડપાય તો માત્ર જાહેરાત થતી હોય એવું લાગે. ફલાણી સંસ્થાના ઢીકણાભાઇ પૂંછડી સ્કૂલમાં ખોટી માન્યતા સાથે કોર્ષ કરાવતા હતા અને વિદ્યાર્થીઓ સાથે 'શૈક્ષણિકપ્રવૃતિ' કરતા. ગુજરાતમાં શિક્ષકોની સ્થિતિ પણ ક્રિકેટની રમતમાં ઓલરાઉન્ડર જેવી હોય છે. શૈક્ષણિક વિષયોના કોર્ષ પૂરા થાય કે તરત જ કોઇ સરકારી ટ્રેનિંગ આવી જાય, વસ્તીગણતરીમાં લગાડી દેવાય, પોલીયોમાં અભિયાનમાં જોડી દેવાય, ચૂંટણીના ડ્યુંટી સોંપી દેવાય. આ તમામ પ્રવૃતિઓની સાથે ગુણોત્સવ, પ્રવેશોત્સવ અને વાર્ષિક ઉત્સવની ઇત્તર પ્રવૃતિઓ તો ખરા જ. ગત વર્ષે નીટના પાણીએ સેમેસ્ટર સિસ્ટમની ખસ ગઇ એમ આ વખતે સરકારે પીજીડિસીએની ડીગ્રીને કોપ્મ્યુટરના શિક્ષકો માટે અમાન્ય કરી દેવામાં આવી. તાજેતરમાં સીબીએસસી બોર્ડે ઓપનબુક એક્ઝામને રદ્દ કરીને પોતે જ થૂંકેલું ચાટ્યું. આ પ્રકારના અખતરાથી ખતરાનો સામનો વિદ્યાર્થીઓને જ કરવો પડે છે એવું વિચારે કોણ? ડીજીટલ પ્લેટફોર્મને અમલી બનાવવાની વાત છે ત્યાં કોમ્પ્યુટર શિક્ષકોની માંગ વધવાની છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે, સરકારને પીજીડીસીએ કરેલા શિક્ષકો માન્ય નથી. બીસીએ કરેલા લોકોને શિક્ષણ જગતમાં પ્રવેશ લેવા માટે કે શિક્ષક બનવા માટે બીએડના કોર્ષમાં ફરજિયાત મેથ્સ એન્ડ સાઇન્સ રાખવાનું. પણ ભાઇ...ભણાવવાનું કોમ્પ્યુટર અને વિજ્ઞાનના રંગસુત્રો કોમ્પ્યુટરના ક્યાં પ્રોગ્રામને સમજાવવામાં મદદરૂપ થશે? આ સવાલનો જવાબ કદાચ સરકાર પાસે હશે. આ ઉપરાંત આઇઆઇએમ અને આઇઆઇટીની પરીક્ષા કરતા પણ મોટી  ટાટની પરીક્ષામાં ફોર્મ નક્કી કરનારે બીસીએનું ખાનું આપતા ભૂલી ગયો હશે. હવે જેને બીસીએ કર્યું છે અને ટિચર થવું છે એ લોકો શું કરે? ઉપાય સરકાર એ અપનાવશે જે સાર્વત્રિક છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર શિક્ષકોની 'ભરતી'.

          ભૂતપૂર્વ સીએમ અને પ્રધાનમંત્રીએ શરૂ કરેલો ગુણોત્સવ હવે મુલ્યાંકન વગરની પ્રણાલી થઇ ગઇ. ગુણોત્સવ એટલે વિદ્યાર્થીઓના ગુણોનો ઉત્સવ. તેમનામાં રહેલી સ્કિલને ઉજાગર કરવા પ્રોત્સાહનનું પારિતોષિક આપવાનું કોઇ વિચારતું નથી. પ્રોજેક્ટ વિદ્યાર્થીઓના અને ચિંતા મા-બાપની. પાયાનું જ્ઞાન જરૂરી છે પણ માસ્ટર તો એકમાં જ થવાનું હોય છે. મલ્ટિટાસ્કિંગની દુનિયા છે પણ પરાણે થોપેલું ટેલેન્ટ તો સરકસના સિંહ સમાન હોય છે. જેનું ચાબુક કોઇ ત્રીજારિંગ માસ્ટરના હાથમાં હોય છે.

           કોર્ષ પૂરો દેવાથી ડ્યુટી પૂર નથી થઇ જતી. સાચી જવાબદારી પછી જ શરૂ થાય છે. ગુજરાતી ભાષામાં બે લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયાના અહેવાલથી ખુદ શિક્ષણમંત્રી પણ ચોંકી ઉઠ્યા. ત્યારે સર્વે એ પણ જરૂરી છે કે, રાજ્યમાં ભાષાના શિક્ષકો કેટલા? કેટલી શાળામાં? સંખ્યા કેટલી? તાળી એક હાથે ન વાગે સામે વિદ્યાર્થીઓનો પણ પુરુષાર્થ અનિવાર્ય છે. અંગ્રજી લાગુ કરવાથી જંગ નથી જીતી જવાતો, અત્યારે જે ગુજરાતીની જોડણીઓ ખોટી લખાય છે પછી અંગ્રેજીની સ્પેલિંગ ખોટા લખાશે Sonના સ્થાને sun લખાશે. (આ મેં ગોખેલું છે પણ સો ટકા સાચું છે) અર્થનો અનર્થ થશે. કોર્ષ જૂનો હોય કે નવો પાયાનું છીંડાયુક્ત આયોજન અને અધુરા સંદર્ભોએ અભ્યાસની અવદશા કરી છે.

            માર્કેટની માફક કોર્ષ એટલે શિક્ષકો માટે ટાર્ગેટ. શિક્ષણસંસ્થા વિદ્યા આપવાનો નહીં નાણા કમાવવાનું એસીની સવલત ધરાવતું અદ્યતન કોમ્પેક્સ બની ગઇ છે. જેમાં વિષયોના શોર્ટકટ કરીને વિદ્યાર્થીરૂપી ગ્રાહકોને ફીટ કરી દેવાય છે. આઇનસ્ટાઇન ગુજરાતી ન હતો, ગ્રેહામબેલે અભ્યાસ પૂરો કર્યો ન હતો, બિલ ગેટ્સ પાસે કોલેજની ડીગ્રી નથી, વોટ્સએપના જન્મદાતા જ્હોન કોમ અને બ્રેઇન ઓક્ટનને ચાલુ નોકરીએ ઉતારી દેવામાં આવ્યા હતા પછી  વોટ્સએપનું સર્જન થયુ. કહેવાનો અર્થ એ છે કે, વિદેશમાં ટેલેન્ટને પ્રાધાન્ય આપવામાં આવે છે. કડાકુટ કરનારને સારી એવી કિંમત મળે છે. ક્રિએટિવીટીને પ્લેટફોર્મ આપનારાઓ માટે એક જગ્યા છે.  જ્યારે આપણે ત્યાં ડીગ્રીધારીઓને ગુજરાતીમાં અરજી લખતા નથી આવડતું. સોળ નંબરના ફોર્મની જાણકારી નથી. સલામ છે એ લોકોના કોર્ષ પેપરને.

આઉટ ઓફ બોક્સ
ઓલ ધ બેસ્ટ બોર્ડના વિદ્યાર્થીઓને. યાદ રાખો માર્કશીટ અને પાસિંગનું પ્રમાણપત્ર કોઇ યુનિવર્સિટી માટેની એન્ટ્રિ ટિકિટ છે. બાકી ટેલેન્ટને જ દુનિયા સ્વીકારે છે.




ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...