Wednesday, May 25, 2016

વાયદા અને વિકાસની વાતોના વર્ષો

           કેન્દ્રમાં કમળ ખિલ્યુંને બે વર્ષ થયા. શાહના સંચાલનથી શાસકપક્ષની ક્યાંક પ્રગતિ તો ક્યાંક સ્થિતિ એવીને એવી રહી, બે વર્ષના સમયમાં કેટલાક મુદ્દે પીએમ મોદીના મૌન સામે સળગતી સમસ્યાઓના સવાલ ઊભા થયા. દેશભરમાં ડીગ્રીએ જે ઉપાડો લીધો કે દેશવાસીઓ અગનભઠ્ઠીમાં અને રાજનેતાઓ મોદીની ડીગ્રીમાં ગૂંચવાયા. આમઆદમી પાર્ટીએ મોદીની શૈક્ષણિક ડીગ્રીને લઇને કરલા સવાલથી ખુલાસો પડે એવો હોબાળો મચી ગયો.  વિકાસયાત્રાના નામે 2017ની વિધાનસભાની ચૂંટણીનો પ્રચારપ્રવાસ શરૂ થયો હોય એમ લાગે છે. પક્ષ ભલે શાંતિ શાંતિ છેની સ્પષ્ટતા કરે પણ આંતરિક ખટરાગ અને પરસ્પરની ખટપટ સમયાંતરે બાહર આવી છે


     પીએમ મોદી પાસે ટાઇમિંગ અને ટિમવર્ક બંન્ને વસ્તુ હતી અને આજે પણ છે, આ બે વસ્તુના વ્યવસ્થિત સુશાસનથી વીતેલા બે વર્ષ શાસનપધ્ધિતની મહોર મારી શકાય એવા બની શક્યા હોત. આ વીતેલા બે વર્ષમાં અર્થવ્યવસ્થાનું એન્જિન આર્થિક વિકાસની બુલેટ ટ્રેન તો શું લોકલ ગાડી પણ ન બની શક્યુ, અરૂણ જેટલી અને રધુરામ વચ્ચેની મતભેદથી વિવાદ અને વિખવાદના ચિત્રએ સમય વેડફ્યો. જેની સામે પીએમએ કોઇ પ્રતિક્રિયા ન આપી, જ્યારે વિદેશ પ્રવાસમાં જઇને આર્થિક વિકાસ માટે આગળ આવવા વિશ્ર્વાસભરી વાત વહેતી કરી. ટુંકમાં ઘરમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિમાં મહેમાનને નોતરવાની વાત થઇ, જેએનયુ વિવાદમાં વિપક્ષે તકવાદી બનીને જે ચાબખા માર્યા એમા વિકાસપ્રેમી શાસનની છબી ખરડાઇ ગઇ. ભારત માતાકી જય બોલવાના શાબ્દિક યુધ્ધે બંધારણને વચ્ચે લાવી બંધારણને અનુસરવા વાત જોરશોરથી સાંભળવા મળી. રાષ્ટ્રભક્તિને વળગી રહેનાર નેતાઓ સામે મૂળ મુદ્દો બીજે ફંટાઇ ગયો. દિલ્લી અને બિહારમાં ભાજપનું ધોવાણ થઇ ગયું યાદ કરો અમિત શાહના શબ્દો अगर गलती से भी बीजेपी बिहारमे हारी तो पाकिस्तानमे पटाखे फोडे जायेगेઅને બિહારમાં બીજેપીનું કમળ કરમાયું.

                       
            અસહિષ્ણુતાનો વિવાદ એવો વકર્યો કે વર્ષોથી રાજકીય ક્ષેત્રે અસહિષ્ણુતા પ્રવર્તે છે આ વાત વગર પૂરાવાએ સાબિત થઇ. બાકી જુદા જુદા પ્રાંત અને રાજ્યના લોકો પાડોશી રાજ્યમાં સુખેથી રહે છે અને જે તે રાજ્ય માટે અર્થ ઉપાર્જન પણ કરી આપે છે. ગુજરાતના પૂર્વ સીએમ અને હાલના પીએમ  પાવરફુલ તો છે જ. પણ પર્ફોમન્સનો પ્રશ્ર્ન યથાવત છે. પ્રજા અમલીકરણ માટે તરસી છે. મોદી સરકારના શાસનકાળ દરમિયાન અનેક સ્કિમ કે યોજના લોંચ થઇ પણ પરિવર્તનનો આંશિક અહેસાસ થયો. મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ, જનધન યોજના, સાંસદ આર્દશ ગ્રામ યોજના, હવે સફળતા શિખરે પહોંચવા ચઢાણ આડેના અવરોધો અનેક છે. ક્યાંક ટીમવર્ક ખૂટે છે તો ક્યાંક સ્કિમ કામ કરે છે. જીએસટી બિલનું નામ સાંભળતા વિપક્ષ ઊંધમાંથી સક્રિય થઇ જાય છે એ બિલ આર્થિક સ્થિરતા અને સુધારાનું પ્રમાણપત્ર બની શક્યુ હોત. આ બિલ હજુ હવામાં છે. શાસક વિપક્ષીઓ સામે સમજૂતીની સ્વીટ મૂકી હોત તો પરિણામ જુદુ હોત. પણ પાણીમાં જામેલી લીલની જેમ મનની માનસિકતાને પરિવર્તનના પવન સ્પર્શતા નથી. દેશનું હિત હાંસિયામાં અને વ્યક્તિગત વોરની અગ્રતા સામે આવી. જો કે વિખવાદ અને મતભેદના કારણે નરેન્દ્ર મોદી સતત ચર્ચામાં રહ્યા. જ્યારે આસામની જીતથી પક્ષમાં નવા યુગની શરૂઆત થઇ. હવે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં મોદી લહેર અને યોજનાઓ અસર કરશે એ પ્રજા નક્કિ કરશે.

Tuesday, May 17, 2016

બે વર્ષનો બેનિફિટ શું

ગુજરાત છોડીને કેન્દ્ર તરફ પ્રસ્થાન કરીને પીએમ પદ મેળવનાર નરેન્દ્ર મોદીને 16 મે 2016ના રોજ બે વર્ષ પુરા થયા. મોદીને સૌથી મજબુત અને પાવરફુલ નેતા છે એવું ટાઇમ મેગેઝિને કવર પેજ પર સ્થાન આપીને સાબિત કરી દીધુ. લોકસભામાં નોંધપાત્ર જીત મેળવીને દિલ્લીની ગાદી પર બેસનાર મોદીના કેંદ્રિય મંત્રી મંડળોમાં મોદી સમાન સક્રિયતા નથી એ વાત અવારનવાર સામે આવી છે. જેથી સક્ષમ વ્યક્તિ હોવા છતા પરિણામમાં શૂન્ય મળી રહ્યું. ખાસ કરીને જ્યારે મોદીએ બે વર્ષમાં 100 થી વધારે કાર્યક્રમો આપ્યા અને 26 દેશની યાત્રા કરી ત્યારે સોશ્યિલ મીડિયા પર મોદી પર જોક્સ ફરતા થયા હતા કે મોદીજી તમને કેન્દ્રમાં કામ કરવા માટે મોકલ્યા છે 3 નાઇટ 4 ડેના પેકેજ માટે નહીં. મોદીના વાયદા અને કાર્યપ્રણાલીની ચર્ચા અનેકવાર થઇ છે ત્યારે વિચારવા જેવો સાવલ એ પણ થાય કે જ્યારે મોદી ગુજરાતમાં હતા ત્યારે જે રીતે રાજ્ય સરકારના કર્મચારીઓને કામ કરતા કરી દીધા એમ શું કેંદ્રના સ્ટાફનો રિપોર્ટ મંગાવતા હશે?


મોદી જનતા સામે અસાધારણ અપેક્ષાઓનો એવરેસ્ટ દેખાડે છે અને જ્યારે પરિણામની વાત આવે ત્યારે તેનું મૌન વહી જતા સમય સાથે ભૂલાય જતી બાબતો પર સફળતા મેળવી લે છે. મોદી સરકાર આવ્યા બાદ મોંધવારીના મારથી પીસાતી પ્રજાનો આક્રોશ વિરોધ પક્ષે પોતે ઓઢીને વિકાસના અનેક કામમે ખલેલ ઉભી કરી. ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે અનેક વખત સત્ર ચાલ્યુ નથી એના પણ પુરાવા છે. આ ઉપરાંત મોદીની ટીમના મંત્રીઓ વિવાદના વરસાદમાં સતત અને સખત પલડતા રહ્યા છે. સ્મૃતિ ઇરાનીની ડીગ્રીથી તેની શરૂઆત થઇ જે મોદીની ડીગ્રી સુધી આવતા તેના પર કોઇ પુર્ણવિરામ મૂકાયું નથી, બે વર્ષના ગાળા કેટલોય મહત્વનો સમય ગારામાં સુકાઇ ગયો. ભારત માતા કી જય, જેએનયુમાં જંગ, ગૌમાંસ, નીટ સામે રાજ્ય સરકારની પરિક્ષાઓ, દાળના ભાવ વધારા, રોજગારી માટે વિદેશમાંથી ઇન્વેસમેંટ લાવવાની વાત, કાળા નાણાનો મુદ્દો, ડોન દાઉદને ભારત લાવવા માટેની જાહેરાત ગુજરાતમાં અનામત આંદોલન જેવા અનેક વિવાદોના વર્ઝન બનાવી શકાય એટલા ખટરાગથી દેશની છબી ખરડાય.

દેશની જનતા હવે રિઝલ્ટ માગે છે ત્યારે રિબેલ કરી શકાય એવી સ્થિતિ નથી અને એમ કરવામાં દેશના જ કિંમતી સમય અને યુવાધનને નુકશાન છે, જે વીતી ગયું એ વસમું રહ્યુ પણ આવનારા સમયને ઉત્સવમાં પલટી શકાય એમ છે. મોદી સરકારના સ્વપ્ન સમાન કેટલીય ઇવેન્ટો મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ, સ્માર્ટ સિટી, સ્વચ્છ ભારત, બેટી બચાવો, સબસીડી છોડો, જેવા પ્રોજેક્ટ પર કામ કરી શકાય છે. મૂળ વાત સુપરવિઝન અને ફોલોઅપની છે, મોદી સરકારનું કામ ફ્લાવર પાછળ ફિયાસ્કા જેવું છે, જ્યારે કોઇ પણ યોજના કે પ્રોજેક્ટ શરૂ થવાના હોય ત્યારે એમ થાય કે ટુંક સમયમાં ઉપવન બનશે પણ પછીથી પરિણામ ઉલટું નજરે ચડે છે, હવે પોલિટિક્સ પણ પર્ફોન્મસ બેઇઝડ બન્યું છે. પાંચ વર્ષનો હિસાબ અને વાયદાઓ સામે દેશવાસીઓ પ્રેક્ટિકલ વસ્તુઓ માંગે છે, અગસ્તા વેસ્ટલેંડ, વિજય માલ્યા, કોહિનૂર હિરો, રફાલ હેલિકોપ્ટર્સ, મેટ્રો રેલ, જેવી વાત આંતરરાષ્ટ્રિય સ્તરે મોદી સામે સવાલ કરે છે, વાસ્તવિકતા એ પણ છે કે કોહિનૂર મુદ્દે કે વિજયા માલ્યાને લઇને પરદેશની સરકાર ખોંખારો ખાવા જેટલો પણ પ્રતિસાદ આપતી નથી.


નાણામંત્રી જેટલી અને રિર્ઝવ બેંકના રધુરામન વચ્ચેના ઇગો ક્લેશથી બધા લોકો વાકેફ છે પણ મોદીની ડીગ્રી વિવાદમાં ખુલ્લાસો આપવો પડે એવો હોબાળો મચી ગયો જેમાં જેટલીએ પણ હાજરી આપી હતી, અર્થતંત્રને વેગવંતુ કરીને દેશને સક્ષમ અને સમૃધ્ધ બનાવવા રધુરામન પાસે કદાચ બ્લુપ્રિન્ટ તૈયાર હશે પણ જેટલીએ મોંધવારી હળવી કરવા હવામાં તીર મારવાની પણ હિમ્મત કરી નથી, 56ની છાતી મોદીના મંત્રીઓ કહેવા કરતા કરીને બતાવે એમાં લોકોને રસ છે નહીં કે ખોટી બબાલમાં. વધુ એક વાતથી અંતિમ તબક્કામાં.વાત સૌથી અગત્યની અને આવશ્યક એ પણ છે કે મોદી સરકારના સમયમાં જ નાની મોટી નદીઓનો લિંકિગ પ્રોજેક્ટ જાહેર થયો હતો અને ગંગા નદીની સફાઇની વાત કરવામાં આવી હતી પણ ચિત્રના બદલાવની વાત તો દૂર પણ ટિમ વર્કથી ધમાકેદાર શરૂઆત થાય તો પણ મોદી સરકારની સિધ્ધિમાં સરવાળા અર્થે મૂકી શકાય. બાકી દેશમાં સક્ષમ સ્વજનો પણ સફળતાની સીડી પર ઊભા રહીને અન્યનો રસ્તો રોકીને બેઠા છે.

આઉટ ઓફ ધ બોક્સ

વોટ્સ એપ અને ફેસબુકના યુગમાં એક આખી પેઢી દેશના મૂળથી ડિસકનેક્ટ ન થવી જોઇએ.

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...