Thursday, October 31, 2024

દિવાળીના ફટાકડા...ક્યાંક ધડાકા તો ક્યાંક સુરસરિયા

 દિવાળીના ફટાકડા...ક્યાંક ધડાકા તો ક્યાંક સુરસરિયા

  દીવાઓની હારમાળા અને રોશનીનો તહેવાર એટલે દિવાળી. નવમા નોરતા બાદ દશેરા એટલે દિવાળીના ઓફિશિયલ એંધાણ. આમ તો દિવાળીને વર્ષાંત કહી શકાય જ્યારે નવા વર્ષને શુભશરૂઆત. કોઈ જ્ઞાતિ-જાતિ કે વર્ગીકરણના વાળા વગર સૌને કનેક્ટ કરતો કદાચ એકમાત્ર તહેવાર દિવાળી છે. 14 વર્ષના વનવાસ પછી પ્રભુ રામે વતનવાપસી કરી હતી. આ હકીકત હવે ગામથી દૂર રહેતા, પરિશ્રમ કરીને પૈસો કમાતા લોકોમાં જોવા મળે છે. વર્ષે એકવખત વતનની વાટે પહોંચવાનો આનંદ ભીડમાં પણ અકબંધ તેમજ યથાવત હોય છે. સુરતના ઉઘનાના રેલવે સ્ટેશનના દ્રશ્યો હોય કે પછી બસની ઉપર બેસીને જવાની જોખમી સવારી. વતનની વાટે એટલે જૂની યાદો તાજા કરવાની અને નવી બનાવવાની. મો મીઠાં કરવાનો અને કારવવાનો, આવકારો લેવાનો અને દેવાનો, આંગણું પૂજવાનો અને ઘરે આવેલાને પોંખવાનો, રંગોની ખરીદી કરીને જીવનના ખાલીપામાં કેટલાક નવા રંગો ભરવાનો ઉત્સવ એટલે દિવાળી. 

    દિવાળીની વ્યાખ્યા કે કથા સાથે તો ઘણા એવા પ્રસંગો જોડાયેલા છે. દેશની જેટલી વ્યક્તિ એટલી કથા આ તહેવારને જોડીને લખી શકાય, કહી શકાય અને ડિજિટલ યુગમાં પોસ્ડકાસ્ટ પણ કરી શકાય. ઈમરજન્સી ડ્યૂટી કરતો આખો વર્ગ ઓનડ્યૂટી દિવાળી મનાવે છે. પરિવારને થોડી એવી અધૂરપ આપીને કર્તવ્યની મધૂરપમાં પોતાનું સો ટકા આપે છે. આ દિવાળીએ એક દીવો એમની પ્રાર્થના માટે. આપણા તહેવારો આપણા જીવન શેડ્યુલ સાથે જોડાયેલા છે. ટેકનોલોજીના યુગમાં એને કોઈ જ સ્પર્શ લાગ્યો નથી. એટલે કે શ્રાવણ માસ પછી ગણપતિ પછી નોરતા પછી દશેરા. હા, એડવાન્સમાં આની તૈયારીઓ સો ટકા થતી હોય છે. ઘણા લોકો નોરતા અને દિવાળીની તુલના કરે છે. જે ખરેખર તો કરી શકાય એમ નથી. દિવાળીમાં પણ મા (કાળી ચૌદશ) છે અને નોરતાના ગરબામાં તો ગોપી, કૃષ્ણ અને સ્વયં મા ખુદ રાસ રમે છે. આપણી આસપાસની પ્રકૃતિ, માહોલ અને કણ કણ જાણે દીપિ ઊઠે એ દિવાળી. તન અને મન ભલે અપડેટ થતા વાર લાગે પણ કપડાંથી લઈને કેશ (રોકડા) સુધી બધુ નવું જોઈએ. 

    અચૂક મને તો એ દિવાળી દર વર્ષે થોડી થોડી મિસ થાય છે જ્યારે દિવાળીના પાંચ દિવસ પહેલા બેંકમાંથી નવી નોટના બંડલ આવતા, કેલેન્ડરના પાના પૂરા થતા, દૈનિક ધોરણે એક પત્તુ ફાળવાના ડટ્ટામાં છેલ્લા પાંચ-સાત પાના બાકી હોય, રહોડા (રસોડા)માંથી પૂરીની સુગંધ આવતી હોય, નવા નવા મુખવાસની નાની પણ ક્રિએટિવ ડબ્બીઓ ભરાતી હોય. દરરોજ થોડ થોડા ફટાકડા ફોડીને વેલકમ નવરાત્રીની જેમ વેલકમ દિવાળી થતું. આ હવે અમુક સોસાયટીમાં પ્લેહાઉસ કે સ્કૂલના બાળકો પૂરતું જ મર્યાદિત રહ્યું. આ પાછળનું કારણ મોબાઈલ. સિંદરી બૉંબ (સુતળી બૉંબ) ફોડવામાં રીતસરની ફાટતી હોય છતાં હોશિયારી મારવાની મજા હતી. જમીન ચક્રી (ભોં ચક્કર)ને તગારામાં ફોડવાનો આનંદ હતો. દોરીને કચરાના બોક્સમાં વીંટાળીને કલરફૂલ દીવાસળી મૂકતા. આ પણ એક યુગ હતો. હવે ઘણા લવિંગયા જેવા હોય જે અવાજ મોટો કરે પણ કદ નાનું હોય. ગનપાઉડર સમાન ગુસ્સો એવો ભર્યો હોય કે ભૂલથી પણ ઠપકાની સળી મૂકો તો જગ્યા કે જણને ધ્યાને લીધા વગર ફૂટે. આમાં કેટલાકના બોસ પણ એવા હોય.. કર્મચારીગણના સામ્રાજ્યમાં તડાફડીની સર ફૂટે એમ ધડધડાવી નાંખે. જેના તણખલા કેટલાક શાણા માણસોને પણ ઊડે. ઘણા સૂતળી બૉંબ જેવા હોય ફૂટી ગયા બાદ પણ બળતા હોય. બાકી ઘણાના બીજી વ્યક્તિને નીચા દેખાડવાના સુરસુરિયા તો આખું વર્ષ પ્રાપ્ય હોય.


    જેટલી વિવિધતા ફટાકડાની છે એનાથી અનેકગણી વિવિધતા લોકોની છે. બસ, ક્નેક્ટ કરવા માટે યોગ્ય દ્રષ્ટિકોણ જોઈએ. ઘણા તારામંડળ (ફૂલઝર) જેવા હોય, હેરાન કોઈને ન કરે પણ કોઈનો હાથ પાછળ હોવો જોઈએ. રાજકારણમાં આવા તારામંડળની શૈલીના ઘણા છે. જે સ્વયં ન ફૂટે પણ કોઈનો હાથ પાછળ હોય તો મસ્ત કલર બદલે, તારામંડળમાં પણ તળતળીયાળી આવે. જે થોડી થોડી સેકન્ડે ફૂટે. દરેકની ઓફિસમાં આવી તળતળીયાળી કોઈને કોઈ તો હોઈ જ. તે સમયાંતરે ફૂટતી રહે પણ કોઈ મજબૂત વ્યક્તિનો પાછળ હાથ જોડાયેલો હોય. ઘણા જમીન સાથે જોડાયેલા રહેવાની વાતો કરતા હોય એ જમીન ચક્રી જેવા હોય. કોઈનો પાવરચડે એટલે એવા ફરે કે ન પૂછો વાત. પછી એનો પાવર ખતમ થઈ જાય તો પણ ફરતા જ હોય. આવા ઘણાય મળશે થોડું નિરિક્ષણ કરજો. ઘણા આતશબાજી જેવા હોય પોતે નુકસાન સહન કરી લે પણ બીજાને પ્રકાશિત કરતા જાય. આવા માણસોની સમાજ અને દુનિયામાં કાયમી ખોટ વર્તાય. પરિવાર કે ઓફિસમાં જે ગયા એનો કોઈ પ્લસપોઈન્ટ યાદ કરી જોજો. 

     રોકેટની ખાસ વાત એ છે કે, એને બોટલનો (લીકરની નહીં ફટાકડા ફોડવા માટેની) સહારો જોઈએ. બદલતા સમયની સાથે હવે હાથમાં પ્રગટાવીને ઘા કરવાના રોકેટનો ટ્રેન્ડ છે. એટલે આવા લોકોથી બચવું. જે આજે કોઈના હાથમાં તો કાલે બીજાને ત્યાં ફૂટતા હોય. આવા લોકોના ઘા કાયમી ધોરણે હૈયા બાળી જતા હોય છે. પેન્સિલ (સ્ટિક) ફોડવાની પણ મજા છે, એ અડધી થાય ત્યાં એનું આત્મવિલોપન થઈ જાય. એટલે કેટલાક માણસો કાયમી અધૂરા જ હોય. એને કુબેરનો ભંડારો ખોલી આપો તો પણ અંસતોષની આગ પ્રગટતી હોય. ખેર આવી તો ઘણી વેરાઈટી તમારે ત્યાં અને મારે ત્યાં છે. આ બધા વચ્ચે આપણે આપણા હૈયા, હરખ અને મનને મસ્ત કલરફૂલ કરીને દિવાળી મનાવવાની છે. બસ ક્યાં ફૂટવું અને ક્યાં તૂટવું એ નવા વર્ષે થોડું ધ્યાન રાખવાનું છે. આપણા દિમાગની વેલ્યું સોના જેવી કરીએ. કાયાને પ્લેટિનમ જેવી કરીએ. ખુશ રહેવાની લીલીવાડી કરીએ. ચાલો ભારતને નંદનવન બનાવે એવી દિવાળી કરીએ. હેપ્પી દિપાવલી...નવા વર્ષના રામ રામ....

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...