પતંગ અને જિંદગી: ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા...
આમ તો આપણે સૌ એક વર્ષમાં બે વખત નવું વર્ષ બનાવીએ છીએ. કપડા અને વિચારો ભલે એ જ રહે માત્ર વર્ષ બદલાતું રહે છે. અનેક સમુદાયો પોતાના જુદા જુદા નવા વર્ષે નવા વાઘાઓ પહેરીને નવા વર્ષને આવકારે છે. મથુરામાં લીલા કરી ચૂકેલા મોહનને આવકારવા માટે આપણે સૌ નવીન તત્વ સાથે તૈયાર થઈએ છીએ. જેથી આવનારું વર્ષ આપણા જીવનમાં એક રંગોળી રૂપી વિવિધતા અને સુસંગતતા લઈને પ્રવેશે. જેમાં સંબંધોની મીઠાશ કાયમી ધોરણે રહી જાય અને મનનો કકરાટ નદીમાં વહેતા મોજાની જેમ વહી જાય. જાન્યુઆરી મહિનો એટલે તહેવાર સંબંધ અને શિયાળાનો ત્રિવેણી સંગમ. આજ મહિનામાં લગ્ન સિઝનની બીજી એડિશન શરૂ થાય. કમુરતા પોતે એટલે ઢોલ ઢબૂકવાના ચાલુ થાય. એમાં પણ દાઢી ધ્રુજાવી દે એવો શિયાળો એટલે જાણે ગરમ કપડાની દુકાન બનીને લગ્નમાં જવાનું હોય એવો માહોલ.
શિયાળામાં પરણેલા દરેક યુગલ જ્યારે પોતાની લગ્ન વર્ષગાંઠની ઝાંખી જોતા હશે ત્યારે સંબંધીઓ નવા નવા ગરમ કપડાની બ્રાન્ડ બનીને આવ્યા હોય એવું લાગે. કેટલાક બાપા અને કાકા ને તો ઓળખવા મુશ્કેલ બને કારણ કે વાંદરા ટોપી માંથી માત્ર ચહેરો જ દેખાતો હોય. પણ જાન્યુઆરી મહિનામાં તહેવારોના શ્રી ગણેશ કરી જાય છે મકરસંક્રાંતિ. જેને ઉતરાયણ કહીને અમદાવાદનો એકમાત્ર રાષ્ટ્રીય મહોત્સવ માની શકાય છે. આ પતંગ ઉત્સવના દિવસને અમદાવાદ સિવાયના મહાનગરો પણ ટ્વીટરમાં એકબીજાને ફોલો કરે એ રીતે ફોલો કરતા થયા છે. જે ખરેખર આનંદની વાત છે. પણ આમ જોવા જાવ તો પતંગ અને જિંદગીમાં ઘણી બધી સામ્યતાઓ છે. મેચિંગ અને ચેસિંગ તો કાયમી ધોરણે આપણા સૌ સાથે ચાલતી આવતી ઋતુ જેવા છે. રંગબેરંગી પતંગો જીવનના કલરફુલ ક્ષણ સમાન છે. જ્યારે ઓછા પવનના કારણે ક્યારેક પતંગ અધવચ્ચેથી નીચે ઉતરી જાય એને જિંદગીના ઉતાર ચડાવ સાથે પણ સરખાવી શકાય.
આકાશમાં કેનવાસમાં પતંગ ઉડે છે જ્યારે જિંદગીના મેદાનમાં શરીરના તેમજ આત્માના રોબોટ્સ ઉડતા હોય છે. પતંગની દોરી આપણા સૌના હાથમાં હોય છે પણ આપણા જીવનની દોરી ક્યાંક ને ક્યાંક ઘણી બધી રીતે બંધાયેલી હોય છે. નોકરી કરતા લોકો એની કંપનીની દોરી સાથે આવકના હેતુથી બંધાયેલા, અનેક એવી ગૃહિણીઓ પોતાના ઘરકામ સાથે બંધાયેલી, વેપાર કરતા વેપારીઓ પોતાના ગ્રાહકો સાથે બંધાયેલા. પરંતુ આ બધા વચ્ચે વિવિધતા એ છે કે જેમ પતંગ જુદી જુદી દોરી સાથે બંધાય છે એ રીતે આપણું જીવન પણ સમયાંતરે બીજા છેડેથી દોરી બદલતું રહે છે. પરંતુ ક્યારેક આપણે દોરી સાથે સેટ થતા નથી તો ક્યારેક દોરી આપણા સાથે સેટ થતી નથી. પતંગ ચગાવતા પહેલા માનજો મજબૂત છે કે નહીં એની દરેક ખેલાડી તપાસ કરે છે પરંતુ જિંદગીનો પાયો મજબૂત બનાવવા માટે હવે પાળા (ઘડિયા) કોને આવડે છે? ગણિતના પાયાના કોન્સેપ્ટનું નવું વર્ઝન એટલે આજના ટેબલ. આતો ગણતરીના માંજા મજબૂત કરવાની વાત થઈ. જ્યારે સંબંધોના કેનવાસમાં સમજની રંગોળી કરવાની વાત આવે ત્યારે આપણી લાગણીની સામે તર્કની પેચ લડતી હોય છે. હિસાબ માત્ર ગણિતમાં જ થાય એવું નથી આકાશમાં ઉડતી પતંગે કેટલી કાપી ત્યાં પણ થાય છે. જ્યારે જીવનમાં આપણે બીજાની કેટલી કાપીએ છીએ એનો તો ક્યારેય હિસાબ થતો નથી અને પાકું સરવૈયું મળતું નથી. આકાશમાં થતી પતંગોની લડાઈ ક્યારેક જીવન અને આચરણમાં ન ઉતરે એની દોરી આપણે સૌએ આપણા જ હાથમાં રાખવાની છે. ક્યારેક બીજાના ધાબા પરથી પસાર થતી પતંગ જરા ઉંચે ચડી હોય ત્યાં બળતરો પાડોશી વચ્ચેથી દોરી કાપી જાય એવું પણ બને. એ સમયે ડખા કરવાથી ચડિયાતું છે બીજી પતંગ ચગાવી લેવી એ પણ બીજી દિશામાં. કારણકે ગુજરાતીમાં કહેવત છે પહેલો સગો તે પાડોશી.
ઉતરાયણનો તહેવાર આવે એ પહેલાં દોરી ઘસવામાં આવે છે. જ્યારે નવી જિંદગીનું અવતરણ થવાનું હોય ત્યારે મમ્મી કે દાદી એ જ દોરી જેવી કલરફુલ દાદલીઓ બનાવવામાં તૈયારીઓ કરે છે. માત્ર દોરીના રંગ બદલતા હશે પણ લાગણીનું કાતવાનું એ જ હશે. ક્યારેક અણધારી અને ઓચિંતી પતંગ કપાઈ જાય ત્યારે ફીરકી પકડનારને કહેવાય છે કે વીંટી લે અથવા લપેટી લે. જીવનરૂપી પતંગ પણ ક્યારેક એટલી બધી ફફડે છે અને ફટકે ચડે છે ત્યારે એક એવી ફીરકી રુપી વ્યક્તિ હોવી જોઈએ જે આપણને વગર કહીએ આલિંગનમાં વીંટી લે તેમજ પોતાનામાં સમેટી લે. ક્યારેક આપણે ચડાવેલી અને ઉપર મોકલેલી પતંગ બીજાની દોરી સાથે એટલી બધી ગુંચવાય છે કે ઘણા બધા ખેંચતા કરવા છતાં પાછી વળતી નથી અને અંતે તૂટી જાય છે. તો ક્યારેક એવું પણ બને છે કે ત્રણ ચાર બીજી બધી દોરી આપણી દોરીમાં આવી જતા જાય છે. આકાશમાં અને સંબંધમાં ઉડતો આ ગુંચવાળો ઉકેલવામાં ક્યારેક આખી જિંદગી જતી રહે છે. એમાં પણ જ્યારે જમીન પર એ દોર પડે છે ત્યારે સામે છેડેથી કોઈ છેડો મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી.
ઘણી વખત એવું પણ બને છે કે પતંગને પૂછડું બાંધવું પડે ક્યારેક આપણી સાથે જોડાયેલી દોરી કે પતંગ એવી હોય છે કે જેના પૂંછડા આપણે આમળવા પડે. પણ આવી વ્યક્તિ જ્યારે આપણી સામે હૈયાના હેત ના બદલે ઝોમ્બી બનીને આવે ત્યારે એનો અસલી ચહેરો ઓળખાય છે. કોઈની જિંદગીમાં કરેલી એની દોરીની માવજત ક્યારેક માર બનીને પણ પડતી હોય છે. પછી અફસોસનો ગુચવાળો ઉકેલતા અસાધારણ આંતરિક પીડા પણ થાય છે. પણ આ બધા કરતાં ક્યારેક કોઈના જીવનમાં રોશનીની તુકલ બનવામાં પણ મજા છે આપણા અજવાસથી કોઈના જીવનમાં અમાપ ખુશી મળે એ પણ જિંદગીની બેસ્ટ ઉતરાયણ જ છે. બીજા માટે આવી તુંક્કલ બનવામાં પહેલા પોતાને બેલેન્સ કરવું પડે ઠંડા પવનોની માર સહન કરવી પડે. પછી જ્યારે ઊંચાઈ પ્રાપ્ત થાય ત્યારે ધાબેથી નીચે ધક્કો મારનારા જ હરખાતા હોય અને જોઈને ખુશ પણ થતા હોય. બાકી પતંગની પેચ સમાન લડાઈ દરેક ઘરમાં અને સમાજમાં ચાલતી જ રહે છે. તું મારી કાપ અને હું તારીખ આપું. હેપ્પી ઉતરાયણ.
આઉટ ઓફ ધ બોક્સ.
જીવનમાં ક્યારેક કોઈક મુદ્દાને ઢીલું મુકતા શીખી જાવ રંગબેરંગી પતંગ અને વિવિધ વિચારના માણસોનો ઢગલો થશે એની ગેરંટી