Sunday, May 01, 2022

GSTથી કરોડોનું ક્લેક્શન છતાં યથાવત છે મોંઘવારીનું ઈન્જેક્શન

 GSTથી કરોડોનું ક્લેક્શન છતાં  યથાવત છે મોંઘવારીનું ઈન્જેક્શન

કોરોનાના કપરા કાળબાદ આર્થિક રીતે સદ્ધરતા તબક્કાવાર આવી રહી છે. મહાનગર અનલોક થતા આર્થિક પ્રવૃતિઓને વેગ મળ્યો છે. તેમ છતાં ઈકોનોમી ક્ષેત્રમાં અનિશ્ચિતતાના વાદળ છે. એવામાં દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારામણ કહે છે કે, દેશમાં કોઈ મોંઘવારી નથી. હવે સામાન્ય પ્રજાની વચ્ચે કે કોઈ મજૂરની વચ્ચે આ મેડમ વગર સિક્યુરિટીએ ભૂલથી પણ આવી જાય તો? શાબ્દિક લાવારસ જ એટલો સામે આવે તો મિલિયન ડૉલરની ઈકોનોમીના વિચાર પણ એમાં હોમી જાય.એવામાં ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન એપ્રિલ 2022માં 1.68 લાખ કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું. તેમ છતાં મૌન બનીને ઠોંસા મારતી મોંધવારી ઘટવાનું નામ લેતી નથી. બીજી તરફ માર્ચ મહિનામાં જ દેશના અદાણી ગ્રૂપના સર્જક ગૌતમ અદાણી સતત બે વખત ધનકૂબેરોની યાદીમાં ટોચનું સ્થાન પામ્યા. અદાણીએ મીડિયા સેક્ટરમાં રોકાણ માટે વિચાર્યું છે એ વાવડમાં તો અમુક ફેકું અંકલે એવા ઘી તેલ પૂર્યા કે ચોક્કસ ચહેરો ધરાવતા પત્રકારોએ તો એના પીઆરઓ સુધી લોબિંગ ગોઠવી નાંખ્યું. પણ સરવાળે જોવામાં આવે તો મીડિયાથી લઈને માર્કેટ સુધી ક્યાંય કોઈ રાહત નથી. કરોડોનું ક્લેક્શન હોવા છતાં ક્યાં કોઈ કરવેરા ઘટ્યા, ક્યાં કોઈ યોજનાથી લાભ થયો? એક જ અક્ષરનો જવાબ ના. પણ એવું લાગે છે કે જ્યારે ગંગા નદીના તળ સુકાશે અને હરણ હડ્ડી ખાશે ત્યારે અચ્છે દિન આવશે. સરકારની કમાણીમાં સુનામીના મોજા જેવડો ઉછાળો આવ્યો છે. 2025 સુઘીમાં ભારતની ઈકોનોમીને ફાઈવ ટ્રિલિયન ડૉલર સુધી લઈ જવા માટે મોંઘવારીનું એન્જીન બુલેટ ટ્રેનની જેમ દોડી રહ્યું છે. સામાન્ય લીંબુના ભાવે આર્થિક રીતે કોમનમેનનો કસ કાઢી નાંખ્યો. 

એપ્રિલ 2022 માં GSTR-3B માં કુલ 1.06 કરોડ GST રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા. એપ્રિલ 2021ની સરખામણીમાં એપ્રિલ 2022માં GST કલેક્શનમાં 20 ટકાનો વધારો થયો છે. હવે આટલી મોટી કમાણી થઈ રહી છે તો દેશની પ્રજાને મોંઘવારીથી મુક્તિ ક્યારે મળશે? આની આગાહી કદાચ કોઈ બાબા કરી દે અવશ્ય વિધાનસભાની ચૂંટણીમાં બાબા ચૂંટાઈ જાય. પણ આપણા દેશમાં એક જાણીતા બાબાએ પહેલા બધાને આસન કરાવ્યા અને પછી પોતે ધંધાના આસન પર બેસી ગયા. આ આંકડો તો માત્ર GSTનો છે. પણ ઈન્કમટેક્સ, સીમા શુલ્ક અને કોર્પોરેટ ટેક્સમાંથી પણ સરકારને કરોડોની આવક થઈ રહી છે. પણ જે રીતે નાણામંત્રાલયના અધિકારીઓ દાવા ઠોકે એના પરથી લાગતું નથી કે, મોંઘવારી ઘટશે. સરકાર ખુદ સ્વીકારે છે કે, ટેક્સથી કમાણીનો આંકડો મોટો છે. ગત વર્ષે જ 22.17 લાખ કરોડ રૂપિયાની આવક માત્ર કરવેરાથી થઈ હતી. કોર્પોરેટ ટેક્સ એટલે કંપનીઓને થતી કમાણી પર ટેક્સથી થતી આવક ટકાવારીના સંદર્ભમાં ડબલ ડિજિટમાં છે. સરકારી સોર્સ સિવાય ટોલ ટેક્સની આવક, વ્યક્તિગત રીતે ભરાતા ઈન્કમ ટેક્સ, પેનલ્ટી સહિતના સ્ત્રોતનો સરવાળો કરવામાં આવે તો સંપત્તિ ક્યાં જાય? તેમ છતાં ભૂમાફિયાઓની જમીન પર શિકારી નજર, ટેક્સ ચોરી, દરોડા વખતે થતી ખાસ પ્રકારની 'વ્યવસ્થા'  અને 'વહીવટ' તો યથાવત જ છે. હવે આ તમામ રકમનો સરવાળો કરવામાં આવે તો એક બીજું આખું ડિપાર્ટમેન્ટ ઊભું થઈ જાય. ઘણા એક્સપર્ટ એવું માને છે કે, કમાણી અને વ્યાપાર એમ બંને થઈને ટેક્સ વ્યવસ્થામાં સુધારો થયો છે. પણ જ્યારે દરોડા પડે છે ત્યારે ગોઠવણ તો બહાર આવતી નથી? કોઈ અધિકારીની ઈમાનદારી પર પ્રશ્ન નથી. પણ બધા ઈમાનદાર પણ નથી જ. હવે એવો સમય નથી કે, કમાણી છુપાવી શકાય. પણ ભ્રષ્ટાચારની રકમ ઉપર ટેગ કે નામ અંકિત નથી હોતું. આ હકીકત પણ સ્વીકારવી પડે. મંત્રાલયે જણાવ્યું હતું કે, 2.24 લાખની રકમ તો કરદાતાઓને આપી દીધી છે. પણ એન્ડ યુઝર એટલે ગ્રાહકોને શું ફાયદો?

વેક્સીન દેશની પ્રજાને મફત આપવામાં આવી. જ્યારે આ અભિયાનનો પ્રારંભ થયો ત્યારે ક્રુડની માર્કેટ સ્ટેબલ હતી એક ચોક્કસ સમય સુધી. પણ પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝના નામે જે વસુલી થાય છે એનો ટોટલ માત્ર એક પેટ્રોલ પંપ દીઠ કરવામાં આવે તો છ મહિનાનો ટોલ ટેક્સ માફ થઈ શકે. એક્સાઈઝના નામે જે પઠાણી ઉઘરાણી ફરજિયાત બની છે એના કારણે પ્રજાને ડામ લાગ્યા છે. પણ એક ચોક્કસ પ્રાંતની પ્રજા પુષ્પપ્રેમી છે. એમણે એ ગીતને પોતાના દિલમાં કોતરી રાખ્યું છે. કિતને ભી તુ કરલે સિતમ, હસ હસ કે સહેંગે હમ. ફ્યૂલ ક્ષેત્રે રાહત આપે એવી કોઈ સરકારી યોજના ખરા? એક આખી સાયકલ સમજવા જેવી છે. ખેડૂતને યોગ્ય ભાવ મળતા નથી. પણ જ્યારે તે પોતાના ઉત્પાદન વેચે છે ત્યારે બે ટંકનું જમી શકય એટલું મળે છે. એ જ ઉત્પાદનને જેટલી મોટી માર્કેટ સુધી લઈ જાવ એ વચ્ચેના તમામ કમાય. જેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો ટ્રાંસપોર્ટ વાળા, ગેસના ભાવ વધે તો હોટેલવાળા, તેલના ભાવ વધે ફરસાણવાળા, એટલે જે વચ્ચે છે એ કમાય છે બાકી સેલેરી કે ફિક્સ આવક પર જીવતો માણસ પિસાય છે. દરેક વેપારીને એક જ પ્રશ્ન છે કે જ્યારે એ ખરીદી છે ઉત્પાદનની તો શું એની મૂળ કિંમત એ જ હોય છે જે ગ્રાહકને અપાય છે. ના, નફો ઉમેરાય અને કમિશન ખવાય. તો પછી નફાના ગાળા સિવાય બાકીની રકમ? એક લાઈનનો જવાબ વચેટિયા ખાય. જેમ જેમ ચૂંટણી આવશે એમ પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર થશે. પછી નેતાઓ દાવા કરશે અમે પેટ્રોલના ભાવ ઘટાડ્યા. ક્યાં તારા ખિસ્સામાંથી કે તારા કહેવાથી ઘટ્યા છે? પાંચ ચોપડી પાસ અને માંડ માંડ ગ્રેજ્યુએટ નેતા એવું કહે વિકાસ થાય છે. પણ કોનો એ તમારે સમજવાનું. મોંઘવારીનો મુદ્દો માત્ર કેન્દ્ર સરકાર પૂરતો નથી. રાજ્ય સરકારનો પણ છે. પણ રોદણા રડવાની આદત પડી હોય એને બીજા સારા વિચાર ન આવે. ઉપરથી ફંડ નથી. તો આટલી આવક જ્યા છે ક્યાં? દરેક સામાન્ય વ્યક્તિને ખૂંચે અને ઊઠે એવો સવાલ છે. અરમાનોના અરિસા પર આર્થિક ફટકો બે વર્ષ સહન કર્યો. પણ જ્યાં જીવનશૈલી સુધારવા પ્રયાસ થાય ત્યાં પૈસો શેરમાર્કેટમાં સેસેક્સ ગગડે એમ પડે છે. સરકાર પોતાના ખર્ચા ઓછા કરે એ પણ એક પ્રેશર છે. સીધું ગણિત છે તાયફા ઓછા કરો. રાહત આપો. આવનારા દિવસોમાં દરેક અભ્યાસ ક્રમમાં એક રીસર્ચનો વિષય કદાચ ઊભો થાય તો નવાઈ નહીં કે, ભારતમાં મોંઘવારી ક્યારે ઘટશે? આના પર જે પીએચડી કરશે એને પ્રજા ખોબલે ખોબલે પસંદ કરશે પણ એના ગાઈડને અવશ્ય નેતા બનાવશે.


આઉટ ઓફ બોક્સ

દુનિયાની કોઈ કરંસી પર લખ્યું નથી કે તે બ્લેક મની છે કે વ્હાઈટ. બસ નોટબંધી અને GST લાગુ થયા ત્યારે વ્યાખ્યા સ્પષ્ટ થઈ

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...