Tuesday, March 24, 2020

કોરોના ઈફેક્ટઃ યે ક્યા હુવા, કૈસે હુવા, ક્યું હુવા, કબ હુવા

કોરોના ઈફેક્ટઃ યે ક્યા હુવા, કૈસે હુવા, ક્યું હુવા, કબ હુવા

સમગ્ર વિશ્વમાં કોરોના એ પોતાનો મહાકાય પંજો ફેલાવ્યો છે. જેની સામે ભારત સહિતના અનેક દેશ જંગ લડી રહ્યા છે. તકેદારી નહીં હોય તો સ્થિતિ ચીન, અમેરિકા, ઈટાલી અને ઈરાન જેવી થઈ શકે છે. એમાં કોઈ બે મત નથી. સ્વયંને ઘરમાં બંધ કરવા સિવાય સીધો કોઈ ઉપાય નથી. સોશિયલ ડિસ્ટન્સ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સરકારે તમામ પ્રકારના પરિવહનના માધ્યમોને બ્રેક મારીને પ્રવાસીઓ પર અલ્પવિરામ મૂકી દીધું છે. જ્યારે જે તે રાજ્યની બોર્ડર સીલ કરી દીધી છે. એટલે કે, નો મુવમેન્ટનો મેસેજ. એમાં પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું મોટું લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે પ્રોટેક્ટ યોર સેલ્ફ ઈઝ સર્વિસ ટું સોસાયટી જેવો સ્પષ્ટ સંદેશ છે. ભારતમાં આ વાયરસે સૌ પ્રથમ તા.30મી જાન્યુઆરીએ એક વ્યક્તિનો શિકાર કર્યો હતો. પગ પેસારો આટલી ગંભીર રીતે વકરશે એવું કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું ન હતું. પણ માસ્ક અને સેનિટાઈઝર માટેની પડાપડી તા.19મી માર્ચે વર્તાય હતી. પ્રાથમિક તબક્કે સરકારની પણ એટલી કોઈ મોટી તૈયારી ન હોય એ સમજી શકાય છે. પણ જનતા કર્ફ્યુંની સામે આવેલી તસવીરમાંથી એવું પણ કહી શકાય છે કે, લોકોમાં હજું સ્વયં શિસ્તતા ખૂંટે છે. મહાનગરને બાદ કરતા નાના શહેરમાં મનફાવે એ રીતે નીકળી પડેલા લોકોએ પણ સંયમ એ જ સુરક્ષા એ વાત ગળે ઊતારી નહીં પણ પચાવી લેવી જોઈએ. અસ્પષ્ટતા અને અનિશ્ચિતતાનું ગાઢ ધુમ્મસ પ્રવર્તી રહ્યું છે. જેમાં ખુદની સમજદારી જ આશાનું કિરણ છે. જનતા કર્ફ્યું વખતે એવું પણ ચર્ચામાં હતું કે, યે તો સિર્ફ ટ્રેલર હૈ, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. હાર્ટ બ્રેક કરી દેતા હાલાત અને સમયની પાંખ પર કેટલાક લોકોનું ફરજપાલનનું વજન છે. જ્યારે દેશમાં પોઝિટિવ કેસનો આંક 200 સુધી પણ પહોંચ્યો ન હતો ત્યારે સરકારે આઈસોલેટ કરવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે, સમગ્ર વિશ્વના નિષ્ણાંતોને ખ્યાલ હતો કે, આ મહામારી બનવાનું છે.


સૌ પ્રથમ સરકારે ખાનગી હોસ્પિટલને ગાઈડલાઈન આપી દીધી હતી. ખાસ વાત તો એ છે કે, આવા કેસમાં કોઈ કાચના શૉરૂમ માલિકો લૂંટ ન ચલાવે એ માટેનો ભાવ પણ સરકારે આપી દીધો હતો. એવા પણ કિસ્સા સામે આવ્યા હતા કે, દર્દી આઈસોલેશનમાંથી ભાગી ગયા હોય જેનું માઠું પરિણામ ભોગવવું પડ્યું છે. એક તો દેશમાં આરોગ્યની સ્થિતિ બાકીના દિવસો કરતા અત્યારે સૌથી બેસ્ટ છે કારણ કે, ઈન્ડિયાની સ્થિતિ ઈટાલી જેવી નથી થવા દેવાની. અગ્રસ્થાને લઈને અંતિમ સ્થાન સુધી કડક ગાઈડલાઈન છે. બિહારમાંથી એવું પણ થયું કે, વ્યક્તિના મૃત્યું બાદ ખ્યાલ આવ્યો કે, કે વ્યક્તિ રોગની ભેટ લઈને પધાર્યા હતા. ટેસ્ટિગની પદ્ધતિમાં મોટા ફેરફાર કરાયા છે. અત્યાર સુધીમાં જે મેથડ હતી એમાં પરિવર્તન લાવવામાં આવ્યું છે. જેથી વાયરસના નિદાનની સૌથી નજીક પહોંચી શકાય. આવા માહોલ વચ્ચે એક પણ ભૂલ જડબા તૂટી જાય એવી જબરદસ્ત પછડાટમાં પરિણમી શકે છે. આ મહામારીનો માહોલ નવો નથી. પણ વધતા જતા સંક્રમણને અટકાવવા અનિવાર્ય છે. જેનો એક માત્ર રસ્તો ઘરમાં બેસી રહેવાનો છે. કોઈને બીગ બોસ જેવી ફીલિંગ આવતી હોય તો પ્લસ પોઈન્ટ એ છે કે, ઘરમાં રહેવું એ જ મોટો ટાસ્ક છે. એમાં પણ જે ટકે એ જ જીતે છે. માત્ર વાયરસથી નહીં પણ વાયરલથી પણ બચવું જોઈએ. વોટ્સએપના વિષવિદ્યાલય અને ફેકબુકમાંથી એવા એવા નુસખા આવે છે જાણે એકાએક ડૉક્ટરો સક્રિય થઈ ગયા હોય. MSW વધી ગયા એટલે કે, મફત સલાહ વર્કર. નવરા ભેજાબાજોની ગણતરી તો જુવો એક કિલો મમરાની થેલીમાં કેટલા મમરા આવે એ નંગ પણ ગણી કાઢ્યા. લાગે છે આવું જ રહ્યું તો મોલવાળા કોઈ પ્રકારની ચિટિંગ નહીં કરી શકે. બ્રેકિંગ ન્યુઝની હોડમાં હજુ તો નિર્ણય જાહેર થયો ન હોય ત્યાં મોટું તીર માર્યું હોય એવો ઘાટ સર્જી દે. આ કરુણકૃપામાં એકાંતવાસનો કસોટીકાળ સજામાં નહીં પણ મજામાં બદલી શકાય છે. જૂના યાદ તાજા કરી શકાય છે. ફેમિલી ટાઈમનો બેસ્ટ ટાઈમ આફત સામે મળ્યો. જોકે, આ પ્રકારના શટડાઉને અનેક લોકોના અરમાનની ગિફ્ટ પર બુલડોઝર ફેરવી દીધું. વ્યાપાર ધંધામાં મોટું નુકસાન તો છે. પણ અર્થતંત્રની દશા પણ ડામાડોળ છે. હાલમાં કોઈ આર્થિક રીતે સ્થાયી થવું એ મધદરિયા મીઠાશ શોધવા જેવું છે. દરરોજ જીવાતી સમૃદ્ધિની સરફ એકાએક સાદગીમાં પલટાઈ ગઈ છે. વિશ્વના ધનિકો આર્થિક દાન કરી રહ્યા છે. જેક માથી લઈને બિલ ગેટ્સ સુધી અનેક લોકોએ યથાશક્તિ ડોનેશન આપ્યું પણ આપણા દેશી સ્ટાર્સ શું ન કરવું એનું સજેશન આપી રહ્યા છે. અપલખણી વાત કરવા કરતા અમલીકરણનું એવિડન્સ વર્ષો પછી પણ યાદ રહે છે.

કોરોનાને કારણે એકાએક તમામ ક્ષેત્રનું ડિજિટાઈઝેશન થઈ ગયું. જેનું સૌથી મોટું ઉદાહરણ એજ્યુકેશનમાં છે. ટિવી ઉપર સીરીયલના બદલે સિલેબસ આવી ગયો. વીડિયો કોલથી વિષયજ્ઞાન પીરસાયું. આર્થિક રીતે પગભર અને સદ્ધર થવા માટે સરકાર ઉદ્યોગપતિને ચિંટીયો ભરી શકે છે. પણ શેરમાર્કેટની સુનામીમાં ધોવાયેલા રોકાણકારો હવે શેરમાર્કેટમાંથી અણધારી અને ઓચિંતી વિદાય લે એ નક્કી છે. કારણ કે ખખડતી સ્થિતિ વચ્ચે ખોટ ખાવી કોઈને પોસાય એમ નથી. એ પછી અંબાણી હોય કે અજીજ પ્રેમજી. ડૉલર સામે રૂપિયાની સોંસરવી રૂવાટી ઉખડી ગઈ છે. એવામાં સાહસ કરવું કે વિદેશ પ્રવાસ કરવો એ અંધારામાં ભુસકા મારવા જેવું છે. એક સમયે ભારતની નાગરિકતાના મુદ્દે બબાલ થઈ હતી હવે વિદેશથી આવેલા પણ ગર્વ સાથે કહે છે. મેરા ભારત મહાન. વિદેશ જવાનો જે લોકોને ડડરિયો હોય છે એના માટે સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. અહમના ઊંબરેથી અભરખા સમાતા ન હોય. વિદેશથી દોડી આવેલાઓ થોડા સમય ત્યાં રોકાવું'તું ને. કેટલી ક્વોલિટી સર્વિસ છે એનો અંદાજો તો આવે. બાકી દેશી માણસ ભલે વિદેશમાં ડૉલરની વાવણી કરવા જાય પણ વતનની હવાથી જ સાજો થાય છે એ કન્ફર્મ છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યના ગમે તે શહેર પર નજર કરો એટલે શિયાળાની રાત જેવું સાયલન્સ દિવસે પણ જોવા મળે છે. ઘરની બહાર ન નીકળવું એ જ સૌથી મોટી સમાજ સેવા છે એ સ્થિતિને પારખીને સ્વીકારીએ એમાં જ મજા છે.

આઉટ ઓફ ધ બોક્સ
વિચાર પોઝિટિવ હોય એ જ સારુ અને રિપોર્ટ નેગેટિવ હોય એ જ સારું. એવું પરમ પૂજ્ય કોરોનાબાપું વુહાનવાળાએ કહ્યું છે.

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...