Friday, February 23, 2018

બેન્કની શાખ પર કૌભાંડનું લાંછન

બેન્કની શાખ પર કૌભાંડનું લાંછન

દેશમાં જ્યારે જ્યારે કૌભાંડનો પર્દાફાશ થાય છે ત્યારે તમામ તપાસ કમિટીઓ એ શોધવા દોડાદોડી કરે છે કે, આ કેસમાં કમઝોર કડી કૌન? પણ દર વખતે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળુ મારવા જેવો ઘાટ રચાય છે. જ્યાં દરોડા પાડીને સરવાળે શું વસુલી શકાય તેનો "વહીવટ" થાય. સામાન્ય રીતે કોઇ પણ બેન્કમાં અંદર જઇએ એટલે સૌદર્યસભર નારીઓ સુકી ભેળ જેવી વિવિધ ભાષાઓ બોલીને સીસીટીવી કેમેરા નીચે પણ ઇનસિક્યુરિટી ફીલ કરતું સ્વાગત કરે. કહે હા, સર/મેડમ... મસમોટી જાહેરાત અને ઇન્ટરસ રેટ જોઇને કસ નીકળી જાય એટલા દસ્તાવેજ માગે (જમીનથી લઇને જમવાના બિલ સુધી). તમામ બેન્કમાં અતિઆધુનિક સિસ્ટમ વચ્ચે વ્યવહારો થતા હોય. પંજાબ નેશનલ બેન્કમાંથી કરોડોની સ્કિમ કરી જનાર જ્યારે ભાગેડું બન્યો ત્યારે બેન્કની આંખ ઉઘડી. પણ અબ પછતાયે હોગા ક્યાં જબ ચીડિયા ચૂક ગઇ ખેત. હવે ખરા અર્થમાં ઉપલા અધિકારીઓએ કાચની કેબિનમાં શિમલાના હવામાન જેવા ઠંડા એસી વચ્ચે બેસીને સ્ક્રિન દર્શન કરનારાઓનો ઉધડો લીધો છે. પહેલો સવાલ એ છે કે, બેન્કમાં કર્મચારીઓની બદલી. દર ત્રણ વર્ષે બેન્કના કર્મચારીઓની બદલી કરવાની હોય છે. પીએનબીને પૂછવામાં આવ્યું કે બદલી કેમ નથી કરી? તે મારા માટે કોફી કેમ મંગાવી? આ એના જેવો પ્રશ્ન નથી.


          બદલીનું નામ આવે એટલે કર્મચારીઓના મનમાં અકાળે સાક્ષાત રાજા યમ આવવાના હોય એવી અનુભૂતિ થાય. ત્રણ વર્ષમાં જે કર્મચારીઓની બદલી નથી થઇ એની ઝાટકણી બેન્કતંત્રએ કાઢી. પરંતુ, આટલા વિશાળ દેશની હજારો બેન્કમાં કેટલાક એવા પણ "કર્મનિષ્ઠ" હશે જેને કદી બદલી ન થાય એ માટે કામ કર્યું હશે. બીજી તરફ સામાન્ય પ્રજાનો સવાલ એ પણ છે કે, બેન્કવાળાનો આટલો તગડો પગાર હોવા છતા કર્મચારીઓ લાંચનાં લપસિયામાં લપસ્યા? બેન્ક થકી દેશને આ એવું નુકસાન છે જેની ભરપાઇ એટલી ઝડપથી થઇ શકે એમ નથી. માત્ર સંપત્તિ સીલ મારવાથી અને દરોડા પાડીને દોડધામ કરવાથી લાંછન સારી છાપમાં બદલી નથી જવાનું. જે બેન્કને નેશનલ એવોર્ડ મળેલો છે એ જ બેન્ક પર કૌભાંડનું કિચડ ઉછાળીને નીરવ મોદીએ ખરા અર્થમાં કળા કરી નાંખી. બેન્કમાં સીસીટીવીની બાજ નજરમાં બેન્કના જ કર્માચારીઓ આટલા મોટા કૌભાંડને પાર કેમ પાળી શક્યા? એ પણ સણસણતો સવાલ છે. દેશની બેન્કમાં અવારનવાર પ્રતિષ્ઠાઓના ગીત ગાઇને ગદગદીત થતા અધિકારીઓ હવે મૌનવ્રત લઇને બેઠા છે. જોકે, આ શ્રેણીમાં ખાનગી બેન્કો પણ કંઇ દૂધે ધોયેલી નથી. ખાતેદારોને માનસિક રીતે ખંખેરીને પોતાની વાહ વાહ લૂંટાવતી હોય છે. સૌથી વધુ માર્કેટિંગ કરતી ખાનગી બેન્કો પોતાને ત્યાં મહિલા સ્ટાફ રાખીને સ્ત્રીસશક્તિકરણની વાતો કરે. એટલે તમે ગુસ્સે થતા પહેલા પાંચ વખત વિચારો અને મીઠડું બોલતી બેન્કર પ્રેમથી ના પાડે તો પણ ગળ્યું લાગે.



બેન્ક આમ તો દરેક બાબતમાં કડક વલણ અપનાવીને પોતાની ચોક્કસતા ચાર પૈસા કમાતા લોકો સામે સાબિત કરે, ધનપતિઓ પાસે રેડકાર્પેટ પાથરે. સર કે મેડમ બોલીને વ્યવસાયિક રીતે ખાતેદારોને રાખતી બેન્કમાંથી જ્યારે કરોડોની સ્કિમ બહાર પડે એટલે બેન્કિગ સેક્ટરમાં રાતોરાત સિક્યુરિટી લાગી જાય. જાણે પોતાની બેન્કમાંથી કોઇ બીજો નીરવ મોદી લૉંચ થવાનો હોય. બેન્ક કર્મચારીઓને એમના ખાતેદારો કરતા થોડું વિશેષતમ મળતું હોય છે. તગડા પગાર સાથે એસી કેબિનની નોકરી, નોટો ગણવાની અને ગામને આપવાની. એટલે કોઇના પૈસે કળા કરનારાઓમાં બેન્ક કર્મચારીઓની ક્રિકેટ મેચમાં એમ્પાયર જેવી ભૂમિકા હોય છે. સમાજમાં લોકો વાત કરતા હોય કે, ભાઇ બેન્કમાં છે. ગગી તો ફલાણી બેન્કમાં સારી પોસ્ટ પર છે. પણ હકીકત અને સંબંધની તો પરીક્ષા તો નોટબંધી વખતે થઇ. ભલભલા બેન્કવાળા પોતાના ખિસ્સામાં હાથને સિવીને બેસી ગયા. જે સંબંધીઓએ કંઇક "કરી આપ્યું" એને મુબારક. આ જ માણસો પાછા જ્યારે સ્ટેજ પર આવે ત્યારે સમાજ સેવાની અને ગરીબીને દૂર કરવાની વાત કરે. સંસ્થા પ્રત્યેની વફાદારીમાં મેડલ ન હોય અને ગામના ગગાને મેડલનું ભૂત ચડાવે. વિજય માલ્યા, નીરવ મોદી, લલિત મોદી અને વિક્રમ કોઠારી જેવાએ બેન્કના ડરને ડેરિંગમાં પરિવર્તિત કરીને સાબિત કર્યું કે, નોટ છે તો જ બધું છે.



ઓનલાઇનના જમાનામાં ફોરજીની વાતો વચ્ચે હજુ ખાતું ખોલવવા બેન્કફોર્મ આપે છે. એના રેકોર્ડ માટે, જેની એન્ટ્રી થાય જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટરને રોજગારી મળે છે. આજ દિવસ સુધી એક વાત કૂતરાના ગળે હાડકું ફસાય એમ અટવાઇ ગઇ છે કે, મેનેજરની કેબિનમાં પ્રવેશો એટલે નાના લેટર પેડનો ડટ્ટો પડ્યો હોય, જે તે ખાતાના ટેબલ પાસે કોરા કાગળ કિલોના ભાવે ટિંગાતા હોય તો પછી બેન્કના ફોર્મમાં બોક્સ આટલા નાના શા માટે મૂકવામાં આવે છે? કોઇ વૃદ્ધ માણસની આંખની તાકાત નથી કે તે એક એક બોક્સમાં અક્ષરો લખીને ફોર્મ પૂર્ણ કરી શકે. ટૂંકમાં બેન્કના નામે ચરી ખાતા ફોલ્ડરીયાઓની મદદ લેવી જ પડે. હવે તો આ ફોલ્ડરિયાઓમાં પણ પ્રોફેશનાલીઝમ આવ્યું છે. ટાઇ પહેરીને, ફોર્મ ભરાવીને એવો ટૂંપો આપી જાય કે, પૈસા ભર્યા પછી ખબર પડે. અંતે આપણી દલીલના અંતે બોલે કે, જોવો તમે વાંચો, તમે જ સહી કરેલી છે. પણ જ્યારે આ ફોર્મ ભરાવવા માટે આવ્યો ત્યારે પાછળની બાજુએ અંગ્રેજોની ભાષામાં ચિતરેલા મૂળાક્ષરોના સમૂહની સમજૂતી તે કેમ ન આપી? પ્રતિષ્ઠાના નામે  શહેરમાં સર્કલ પર બોર્ડ મારવાથી  લોકોના મનમાં સારી છાપ નથી બંધાતી. ગ્લેમર જાહેરાત અને ઝાકઝમાડ દેખાડવાથી ખાતેદારો નથી મળવાના. આવનારા દિવોસમાં ગરીબ અને મધ્યમવર્ગ ઓનલાઇન નામથી ભાગે નહીં એવો સમય ન આવે તો સારૂ. બેન્કના નામથી કિલોમીટર દૂર ન જતો રહે એનું ધ્યાન દરેક નાણાકીય સંસ્થાએ પોતાની અંગત જવાબદારી હોય એ રીતે રાખવાનું છે. પરંતુ, જ્યાં સુધી ગવર્મેન્ટ સંસ્થાઓમાં કામ  કરનાર બેન્કવાળાઓમાં "સરાકરી"ની વિચારધારા જળમૂળની સાફ નહીં થાય ત્યાં સુધી બધુ અધુરુ છે. પાણીમાં લીલની જેમ જામી ગયેલી પદ્ધતિઓ સામે પણ પાયાથી જાગૃતિની જરૂર નહીં પણ અનિવાર્યતા છે. બાકી દર બે પાંચ વર્ષે બદલતી સરકારમાં કોઇ કળા કરનારા નરવીરો સામાન્ય પ્રજાના પૈસા ફોરેન ટૂર કરતાં જ રહેશે. માત્ર સિક્યુરિટી કે સીસીટીવી રાખવાથી કશું નથી બદલવાનું.

આઉટ ઓફ ધ બોક્સ
સામાન્ય રીતે બેન્કમાં નામ અને નંબર ઉપરથી ખાતા ખુલે છે. પણ સ્વીઝબેન્કને શંકા જાય તો ગમે એટલી અને ગમે તેની અરજી આવે ખાતું ખુલતું જ નથી.

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...